Friday, 20 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાડમારીના સામાકાંઠે જ સુખ નામનો પ્રદેશ છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાડમારીના સામાકાંઠે જ સુખ નામનો પ્રદેશ છે!
કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

 

 

એક જરા વિચિત્ર લાગે એવી વાત એ છે કે, માણસ જે કંઈ બની શકે છે તે તેને મળેલી સગવડોને કારણે નહિ, પણ આવકોને કારણે બની શકે છે. ઉત્ક્રાંતિનું કારણ પણ એજ છે. પડકારો સામે ઝઝૂમીને જ જીવન આ પૃથ્વી પર ખીલ્યું છે.

 

ગોપાલકૃષ્ણ ગોખલે પાસે આગળ અભ્યાસ નહિ કરવાના વાજબી કારણો હતાં, પણ એવાં કારણોને ફગાવી દઈને શેરીની બત્તીના અજવાળે વાંચીને એમણે અભ્યાસ ચાલુ રાખ્યો. ઈંગ્લેડથી બેરિસ્ટર થઈને આવ્યા પછી મહાત્મા ગાંધીને ભારતમાં કોઈ સામાન્ય નોકરી કે કામ આપવા માટે પણ તૈયાર નહોતું. એ પરિસ્થિતિમાં નિરાશ થઈને આપઘાત કરવા માટે કે એકાદ રજવાડામાં પેટિયું રળવા જોડાઈ જવા માટે એમની પાસે વાજબી કારણો હતાં. આફિક્રાની પહેલી જ મુસાફરીમાં પડેલી હાડમારીથી હતાશ થઈને તરત જ દેશમાં પાછા ફરી જવા માટે મહાત્મા પાસે વાજબી કારણો હતાં ગોરા ઉતારુના મજબૂત શરીરની સામે નબળું શરીર ધરાવતાં ગાંધી પાસે ગોરા ઉતારુની દાદાગીરી સહન કરી લેવા માટે વાજબી કારણ હતું, પણ કોઈ કારણોનો એમણે ઉપયોગ કર્યો નહિ.

 

પોતાની નિષ્ફળતાઓ માટે માણસો પોતાના દુર્ભાગ્યને દોષ દે છે. સમાજને, રૂઢિઓને, મા-બાપને, સગાં-વહાલાંઓને, તબિયતને, હાડમારીઓને દોષ દે છે, અને એ બધાંથી કોણ મુક્ત હોય છે? દરેક વ્યક્તિને કોઈ ને કોઈ તકલીફ તો હોય જ છે.


એન્ટન ચેખોવને ક્ષય હતો. સ્ટીવન્સનને, કેથેરાઈન મેનસ્ફીલ્ડને, એમિલી બ્રોન્ટેને, ક્ટ્સિને અને બીજી અનેક વ્યક્તિઓને એ જમાનામાં આ સાધ્ય ગણાતો રોગ, ક્ષય હતો. રામાનુજમ્ને પણ ક્ષય હતો. જિંદગી એમના માટે ઘણી ટૂંકી હતી અને જીવલેણ બીમારીનું વાજબી કારણ હોવા છતાં એ તમામ ક્ષયના રોગીઓએ જે કામ કર્યું છે એ તંદુરસ્ત અને લાંબું જીવન જીવનાર વ્યક્તિઓએ પણ નથી કર્યું.

 

મિલ્ટન આંખો ગુમાવીને અંધ બને છે અને 'પેરેડાઈઝ લોસ્ટ' લખે છે. સંગીતકાર બીધોવન બહેરો બની જાય છે. સંગીતકાર બહેરો થઈ જાય એટલે શું એ સમજી શકાય એમ છે. સંગીતકાર તરીકેના એના જીવનનો અંત આવી જવો જોઈએ. પણ બીધોવન બહેરો બન્યા પછી ઉત્તમ 'સિમ્ફની'નું સર્જન કરે છે.

 

ઓપેરા ગાયક માદામ શુમાન હાઈન્કને સાંભળનારને એમ જ થાય છે કે ઈશ્વરે આ સ્ત્રીને ગાવા માટે જ કંઠ આપ્યો છે, પણ એ જ સ્ત્રી વિયેનામાં 'ઈમ્પીરિયલ ઓપેરા કંપની'ના ડાયરેક્ટર પાસે ઓપેરામાં ગાવા માટે માંગણી કરવા ગઈ ત્યારે એનો અવાજ સાંભળીને ડાયરેકટરે કહ્યું હતું, 'એકાદ સીવવાનો સંચો લઈને સીવણકામ કરો. અરે, બીજું ગમે તે કામ શોધી લો. ઓપેરામાં ગાવાનો વિચાર છોડી દો. તમારા અવાજનું કંઈ ઠેકાણું નથી.'

 

કહે છે કે, તલત મહેમૂદે પહેલીવાર નૌશાદ પાસે ગાયું, ત્યારે પાસે બેઠેલ વ્યક્તિએ ટકોર કરેલી કે, રિયાઝ કરીને ગળું જરા સુધારો.


અમિતાભ બચ્ચનને એમના અવાજ માટે નાપાસ કરાયેલા. 'શોલે' ફિલ્મમાં ડાકૂ ગબ્બરસિંગનું પાત્ર ભજવનાર અમજદ ખાનનો અવાજ નહિ ચાલે એવો અભિપ્રાય ધરાવનારાઓએ હાર સ્વીકારવી પડેલી.

 

ગણિતના જાદુગર રામાનુજમ્ મદ્રાસમાં નોકરી કરતા અને ગણિતના પ્રમેયો અને સિદ્ધાંતો લખીને ઈંગલેન્ડ મોકલતા ત્યારે એમના ઉપર હસવાવાળા ઓછા નહોતા.

 

રવીન્દ્રનાથને નોબેલ પારિતોષિક મળ્યું ત્યાં સુધી બંગાળમાં, વિદ્વાનોમાં એમની ખાસ કોઈ ગણના નહોતી.

 

આ બધી વ્યક્તિઓને પોતાનું કામ છોડી દેવાનાં વાજબી કારણો હતાં, પણ કારણોને બાજુ પર રાખી દઈને એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.

 

અને, જેમને આવી કોઈ હાડમારીઓનો સામનો કરવાનો નહોતો એવા એમના જ સમયના ધનવાનો, અફસરો, દરબારો કે મહારાજાઓએ મોજમજા સિવાય ભાગ્યે જ કશું કર્યું હતું અને એમાંના મોટા ભાગના માણસો માટે જિંદગી એક નિરર્થક બોજ બની ગઈ હતી.

 

જેમને કશું જ કરવાનું નથી હોતું તેમના માટે સમય પસાર કરવાનું પણ મુશ્કેલ થઈ પડે છે. આડેધડ ફિલ્મો જોનાર, કલબોમાં આનંદ શોધવા જનાર, એકલતા દૂર કરવા માટે ગમે તે કરવા ફાંફા મારનાર માણસને જીવનની હાડમારીઓ કરતાં સગવડો વધારે મૂંઝવતી હોય છે. અગાઉ રાજાઓ અકળાઈને શિકાર કરવા નીકળી પડતા કે નિરર્થક યુદ્ધો અથવા તો જીવલેણ રમતોની ગોઠવણ કરતા. સગવડોથી કંટાળેલો માણસ શું ન કરે! કંઈ ન કહેવાય!

 

જેની સામે હાડમારી આવીને ઊભી રહે છે એના માટે બે જ રસ્તા હોય છે. હાડમારી સામે નમી જવું અથવા તો એ પાર કરીને આગળ જવું.

 

જે વ્યક્તિ સફર કરીને, નાની-મોટી આફતો પસાર કરીને આગળ વધે તેને દરેક આફત પાર કરીને સામે કાંઠે પહોંચ્યા પછી જે સુખના પ્રદેશનો અનુભવ થાય છે તે નિષ્ક્રિય રહેનાર, નદી પાર નહિ કરનારને કયારેય થતો નથી.

 

જિંદગી પોતે જ એક પડકાર છે. પડકાર સામે આવીને ઊભો રહે ત્યારે પાછા હઠી જવાથી એ પડકારની અસરથી બચી શકાતું નથી અને જિંદગીની દરેક ક્ષણે દરેક વ્યક્તિ પાસે આગળ નહિ જવા માટેનાં કારણો હોય જ છે. જે માણસોએ કારણોનો ઉપયોગ નથી કરતા એ જ આગળ જઈ શકે છે.


 
એડવિન બુથની ઉપમા સાથે આ લેખ પૂરો કરું છું. જિંદગી એક પુસ્તક છે- એક સ્પેલિંગ બુક છે. આપણે તેનાં પાનાં ફેરવીએ છીએ ત્યારે તેના દરેક પાને વધુ ને વધુ અઘરા શબ્દો આવતા જાય છે અને તેના અર્થ જાણવાનું મુશ્કેલ બનતું જાય છે, પરંતુ દરેકનો અર્થ તો છે જ અને જ્યારે તેનું છેલ્લું પાનું ફેરવાઈ જાય ત્યારે જ માત્ર આખોયે પાઠ મોઢે થઈ શકે છે.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuOMfdnNGDBXg2VtAPMxhxK%2BptLG8fY1PNXfmK94iRsuQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment