એક વિરલ જીવડો છે જગતમાં. જેની બેસ્ટસેલર બુક્સ દુનિયામાં ધૂમ મચાવે છે. છતાં એનું અસ્તિત્વ એટલી હદે છૂપાવીને એણે રાખ્યું છે કે લોકો શંકા કરે છે કે - સાચે જ આવું કોઈ પાત્ર છે? આજના યુગમાં એક લોકપ્રિય લેખક એવો ય છે, જે સોશ્યલ મીડિયા પર સક્રિય છે, જેના પુસ્તકો માટે પડાપડી થાય છે, પણ જેનો ચહેરો કોઈએ જોયો નથી! ''હું લખું છું, ગંદી લાગતી પણ ખૂબસુરત બાબતો પર, એક દગાખોર સરોવરના કાંઠે ઝળૂંબતી ગૂંચવાયેલી ડાળીઓના જંગલમાં વિહરતો!'' એક સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લખાયેલા પરિચયની આ ટેગલાઈન છે. વેલ, પણ પછી એ કવિ-લેખકની તસવીર સર્ચ કરો તો જાદૂગરના ચિત્રો મળે ખાસ તૈયાર કરાવડાવેલા, બસ! નથિંગ મોર. મેરી આવાઝ હી મેરી પહેચાન હૈની માફક માય વર્ડસ આર માય ફેસ! એકચ્યુઅલી, તાજેતરમાં આવેલા એક ઈન્ટરનેશનલ ન્યુઝ આપણે ત્યાં વરસાદમાં ધોવાઈ જતા રસ્તાની માફક તણાઈ ગયા. 'સ્પાઈડરમેન' અને 'ડોક્ટર સ્ટ્રેન્જ' જેવા માર્વેલ સુપરહીરોઝના સહસર્જક સ્ટીવ ડિટકોનું ન્યૂયોર્કના પોશ મેનહટન વિસ્તારમાં નેવું વર્ષની વયે અવસાન થયું. માર્વેલના ક્રિએટર સ્ટેન લીને તો ગુજરાતી સિનેરસિયા બચ્ચાંઓ પણ ઓળખે છે. ફિલ્મોમાં હજુ ય દેખાય છે. એન્ટ મેનમાં ય ટપકી પડે છે ને છેલ્લી! કોમિક્સના દરેક બંધાણીઓ જેક કિર્બીના નામથી પણ પરીચિત છે. પણ બે આજે ય ગ્લોબલી સુપરપોપ્યુલર પાત્રોના ક્રેડિટેડ સહસર્જક ડિટકો એવી ગુમનામીમાં મર્યા કે એમના મૃત્યુ બાદ બે દિવસે પોલિસે એમના નિવાસેથી એમનો મૃતદેહ મેળવ્યો! ના. ડિટકો ઘણા જૂની પેઢીના ફિલ્મસ્ટારની જેમ દેવાળીયા હાલતમાં નહોતા કે ઝૂંપડપટ્ટીમાં ગુમનામીની ગર્તમાં ધકેલાઈ ગયેલા નહોતા. એમને માર્વેલની દરેક મોટી ફિલ્મની રિલિઝ વખતે જૂના ધુરંધર તરીકે પ્રીમિયરનું, પાર્ટીનું, ઈન્ટરવ્યૂઝનું ઓફિશ્યલ ઈન્વિટેશન મળતું જ. અમેરિકામાં તો આખી એક ઈન્ડસ્ટ્રી છે, એમના નામે બૂક્સ પણ વંેચાત જ. એવી દુર્દશા નહોતી. વિશ્વના સૌથી મોંઘા વિસ્તારોમાંના એક ન્યૂયોર્કના મેનહટનમાં ઘર હતું. પણ આયખાના પાછલા વર્ષોમાં ડિટકો દુનિયાથી ડિટેચ્ડ રહીને જ જીવ્યા! નો કનેક્શન. નવાઈની વાત તો એ છે કે આજના ડિજીટલયુગના વાયર્ડ વર્લ્ડમાં અમેરિકા જેવા દેશના મહાનગરમાં રહેતા માણસના કોઈ રિલેટીવ કે પરિવાર અંગે મીડિયા પાસે પણ કોઈ જ માહિતી નથી! ટોટલ ડાર્ક! પ્રતિષ્ઠિત અખબારો/વેબસાઈટ્સે એમના અંજલિ લેખો લખ્યા, પણ પાછળ કોને વિલાપ કે પ્રલાપ કરતાં મૂકી ગયા, એની કોઈ વિગત જ નહિ! સ્ટીવ ડિટકો જગતથી નારાજ થઈ જાતે જ સ્વીકારેલો એકાંતવાસ ભોગવતા હતા? કે બધા ભોગવટાથી તૃપ્ત થઈને જગત સાથેનો સંપર્ક ઘટાડી સ્વયંની ભીતરમાં ઉંડા ઉતરીને ખામોશ થઈ ગયેલા? કે ડિપ્રેશન અને એકલતામાં ચીડાઈને પ્રાઈવેટ પર્સન બની ગયેલા? કે એમને સંસારનો સાર પામીને વિરક્તિ આવી ગયેલી, જેનો દાવો રોજ ચેનલો કે પોસ્ટરો પર દેખાતા ત્યાગીવૈરાગીઓ આપણે ત્યાં કર્યા કરે છે? કે પછી વૃદ્ધત્વમાં મેમરી લૉસ થયેલો? આ બધા સવાલોના જવાબ તો આ જૈફ આર્ટીસ્ટ સાથે જ દફન થઈ ગયા છે. પણ સામે ચાલીને મળતા પૈસા-પ્રસિદ્ધિને ઠુકરાવીને જીવતું અલગારીપણું છે ખરું એ વાત સોચની સપાટીએ તરતી રહી છે. આજના ડિજીટલયુગમાં ય, જ્યાં આપણે શું ખાધું કે ક્યાં પહોંચ્યા એની પલ પલ કી ખબર ઓનલાઈન હોય છે, ત્યાં આમ અંધારપછેડી ઓઢીને રહસ્યમય નકાબપોશની જેમ જીવવું શક્ય ખરું? એ ય જ્યારે તમે ફેમસ એન્ડ પોપ્યુલર સેલિબ્રિટી હો ત્યારે? બીજાની વાત જવા દઈએ, આપણને ખુદને ય એવું ગમે ખરું? ટોટલી અવે ફ્રોમ લાઈમલાઈટ. ચહેરો ય સુદ્ધાં બતાવવાનો નહિ. માત્ર ક્રિએશન જ પબ્લિકમાં, બાકી બધું જ સ્ટ્રિક્ટલી પ્રાઈવેટ. આપણે ત્યાં તો કદાચ સામાજિક રીતે આવી પ્રાઈવસી શક્ય નથી. પણ એક વીર અને વિરલ જીવડો છે જગતમાં. જેની બેસ્ટસેલર બુક્સ દુનિયામાં ધૂમ મચાવે છે. લોન્ચ થાય ત્યારે બાર્ન્સ એન્ડ નોબલ કે એમેઝોનમાં નંબર વન પર હોય છે. વિશ્વભરમાં જેના ક્રેઝી યંગ ફેન્સ છે. છતાં એનું અસ્તિત્વ એટલી હદે છૂપાવીને એણે રાખ્યું છે કે લોકો શંકા કરે છે કે - સાચે જ આવું કોઈ પાત્ર છે? નામ છે એનું માઈકલ ફોક્સડે (એની સરનેમ વર્ડ ટુ વર્ડ છેતરામણી છે : એફએયુડીઈટી. પણ પેલા ખેલાડીને ડેકરચેમ્પ નહિ પણ દશોં બોલાવાય છે ફ્રાન્સમાં, એવું જ). ટમ્બલર, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશ્યલ નેટવર્કથી ભાઈ ફેમસ બન્યા. ને હવે તો જોય ગ્રીન અને નીલ ગેઈમેન જેવા સમર્થ લેખકોનું અમેરિકન પબ્લિશિંગ હાઉસ 'વ્હાઈટ હાઉસ' એની કિતાબો છાપે છે. મૂળ તો એ એની લિવ ઈન પાર્ટનર લેંગ લિઆવ સાથે ૧૩ વર્ષથી ન્યુઝીલેન્ડના સોહામણા સાગરકિનારે એક વિલામાં પુત્ર, બિલાડી અને બે કૂતરાઓ સાથે રહે છે. કોરિયન ફિલ્મોની બેબીડોલ હીરોઈન જેવી દેખાતી લેંગ પણ ધડાધડ વેંચાતી એવોર્ડવિનિંગ એવી કવિતાની કિતાબો લખે છે. લેંગ તો બૂક લોન્ચિંગમાં પબ્લિક વચ્ચે પણ જાય છે. એના ફોટા ય મૂકે છે. પણ લેંગને દિલ ફાડીને ઈશ્ક કરતા પિયુજી માઈકલ એક અદ્રશ્ય ધૂમ્રસેર છે. માઈકલ સોશ્યલ નેટવર્ક પર લેંગની અને લેંગ માઈકલની વાતો કર્યા કરે છે. પુસ્તકો એકબીજાને અર્પણ કરે છે. એકમેકને વર્ષોથી સોલમેટ તરીકે ઓળખાતી પ્યોર પેશનથી છલોછલ માદક રચનાઓ લખે છે. પણ માઈકલ ફોક્સડેનો સિંગલ ફોટો ય કોઈએ હજુ સુધી સેલિબ્રિટી હોવા છતાં જોયો નથી. એનું ટાઈપરાઈટર, મેકબૂક, વોડકાની બૉટલ, વિન્ડો વ્યૂ બધું જોયું છે. પણ આ ફેન્ટમ માસ્કમાં રહેલા કવિને નથી જોયો! કોઈ કહે છે, આ નામની વ્યક્તિ છે જ નહિ. આ તો રમેશ પારેખની સોનલની જેમ લેંગનું જ પોએટિક ઈરોટિક લવનું ઈમેજીનેશન છે. એણે રચેલું પાત્ર છે. પણ માઈકલના ઈન્ટરવ્યૂ એક-બે પ્રકાશનોમાં આવ્યા છે. એના એકાઉન્ટ્સ એની ખુદની જ દલીલ મુજબ એના પાસપોર્ટથી વેરીફાઈડ છે. એની લીગલ પ્રેઝન્સ છે. પણ સોશ્યલ પ્રેઝન્સ નથી! મગર વરસાદ પડતો હોય એવી ધાબડ બપોરે આ લખાતું હોય ત્યારે કે તાજેતાજો વરસાદ રહી ગયો હોય એવી કોઈ શાંત રાતે ઠંડી લહેરખીઓમાં તજવાળી હૂંફાળી કોફીની ચૂસ્કીઓ સાથે વંચાતું હોય ત્યારે, ફોક્સડેની પ્લેટીનમ બ્લેડની ચકચકિત ધાર જેવી કવિતાઓમાંથી પસાર થવા જેવું છે. ના આ ક્રાંતિથી, ઘૂટનની, વિધ્વંસની ચીસો નથી. આ તો રાતીચોળ આહોં છે, તનબદનની અગનની. પણ પોર્ન અને ઈરોટિક વચ્ચે લેસર કિરણ જેવી પાતળી, અદ્રશ્ય પણ મારકણી ભેદરેખા છે. આપણે ત્યાં સંસ્કૃત સાહિત્ય ભૂલાઈ ગયું, એ સાથે જ આદિમ, જંગલી, કાર્નેલ, વાઈલ્ડ લવના વર્ણનો જ ખોવાઈ ગયા! ફૂલના ખીલવાથી ઘાસની મખમલી ચાદર પથરાવા સુધી જે સંવનન છે, રગરગમાં ધસમસતા ઘોડાપુરનું જે મિલન છે, એને ફિઝીકલી અને મેન્ટલી એક્સપ્રેસ કર્યા વિના તો જીવતર લુખ્ખું ફિક્કું સૂક્કું લાગે! પાર્ટનરના બાહુપાશમાં મદશોહ થઈ એની સુંવાળી છાતીમાં ચહેરો છુપાવીને ફોક્સડેએ આડજની પેઢીના ઉન્માદની કવિતાસરિતા ગાંડીતૂર વહેવડાવી છે. ચીકણા જોડકાણાઓ ચાટવામાં ગળચટ્ટો સ્વાદ માણતી અમુક બેબી સુરૃચિના વાલી બનેલી પ્રજા માટે આ પોએમ્સ નથી. આ કઢી-ખીચડી નથી. આ મરચીની ચીસકારા બોલાવતી ચટણી સાથે ખવાતો ઓનિયનગાર્લિક પેપર ફ્લાપીનો પિત્ઝા છે! ક્રિસ્પી એન્ડ વૂડબર્ન, થીનક્રસ્ટ અત્યારના યંગસ્ટર્સની ભીતર ઘૂઘવાતા વમળોનું એ પેરીસ્કોલ છે. એવું નથી કે ફોક્સડે માત્ર છી... છી... નાગૂંપૂંગુ એવું જ લાવે છે. તો આટલી ખ્યાતિ થાય જ નહિ. એની પાસે સૌંદર્યનો સ્પર્શ છે એ બિભત્સ નહિ, શૃંગાર રસિક છે. કાલિદાસ ઘરાનાનો કલમદાસ એ વાસનાની વિલાસીતામાં વિચારનો વૈભવ ઉમેરી શકે છે. ચુસ્ત નિરીક્ષણોમાંથી સિલ્કી નાઇટીની જેમ સરકતી કલ્પનાઓ એ ઉસેટે છે. એની કવિતાઓ મધરાતે કે ભરબપોરે પીઠ પર ખૂંપેલા પ્રિયજનના નખના ઘાવને સ્મરી કાનની બૂટ રતુમડી કરતા લવર્સની છે. ભેજાદુ:ખણ લસ્ટ સ્ટોરીઝ નેટફ્લિક્સ પર જોઈને ફિદા થઈ જનારા લીલા ઓળાના ખાલી ફોતરાઓ માટે નથી. લેટ્સ ટેસ્ટ ધ લસ્ટ, ઇન ગ્લાસ ઓફ ફોક્સડે પોએટ્રી! જેમાં ચુંબન કરતા કરતા હોઠને બચકું ભરી લેવાની નટખટ નોટીનેસ છે! 'ડર્ટી' પ્રેટી થિંગ્સ અને 'બિટર સ્વીટ લવ' એવી બે બૂક્સમાંથી કેટલીક રચનાઓ, વનલાઇનર્સ અહીં માત્ર ઝાપટાં પહેલાના છાંટાની જેમ વીણ્યા છે. 'સ્મોક એન્ડ મિરર્સ' હમણાં આવી, ને હવે 'વિન્ટર્સ ઓફ લવ' વર્ષાંતે આવશે. પણ ફોક્સડે લખે છે એમ અનબટન, અનઝિપ, અનક્લિપ, બી અનડ્રેસ્ડ બાય એ વર્ડ, રાઇટ મી મોર, મેઇક મી યોર્સ! 'ક્યારેક તું મને યાદ અપાવે છે, એ ઘડિયાળની જે પડી છે ધૂળિયા માળિયે.' તેણીએ કહ્યું. જે ગણે છે, કલાકો, મિનિટો અને સેકન્ડો આપણે ફરી મળીએ ત્યાં સુધી! જેના કાંટા બને છે, મારા પગ. અને કાયમ અટકી જાય છે બપોરના ૪.૪૦ પર! તારા હોઠ એટલે મારી વાણીનું પૂર્ણવિરામ...! એના પરફ્યુમમાં મહેકે છે તારા ચૂંટેલા ફૂલો અને રંગબેરંગી પિપરમિન્ટની, અને જેમાં મળી છે આહટ રેશમી વ્યાભિચારની!... તારું સ્મિત એક સુંદર રેખા છે, જેના પર ક્યારેક અક્ષરો પાડીને હું કવિતા લખીશ!... એ એક કોડભરી કન્યા છે, જેને ગમે છે ખુશ્બુ જૂની કિતાબોની જેને ભાવે છે પતંગિયાની પાછળ દોડવું અને વસ્ત્રોની ભીતર પોતાની જ જાતને સ્પર્શીને ફંફોસવી!.. શબ્દો ભારે શક્તિશાળી હોય છેે એ દિલ તોડી શકે છે, અને ફૂલો દોરેલા અંત:વસ્ત્રોને ભીના ય કરી શકે છે! તારા લાલચટ્ટાક હોઠ અધખૂલ્લા રહે છે, એક ઉંહકારો ઉપસે છે, અને એને ગળી જવાય છે. એક પ્રશ્ન સ્થિર થઈ જાય છે!... તારા ટેરવા સ્પર્શે છે, મારી પીડતી ક્લિપને અને મેં ઓઢેલો સંકોચનો છેલ્લો તાંતણો પણ તૂટે છે... ફૂલોને મસળવાથી નીચોવાતા અત્તરના અર્કની જેમ શોધવી તારી સુવાસ અને પછી એને વંચાયેલા પાનાઓ વચ્ચે રાખેલી ફૂલપાંદડીની જેમ બંધ કરી દેવી છે!... કોઈ વરસાદી બપોર અને સાંજ વચ્ચે પથારીમાં પડેલા સળ વચ્ચે ઉંધુ મૂકેલું પુસ્તક અને અડધી ખવાયેલી ચોકલેટ એટલે તું!
એના રૃડા હોઠમાંથી ઝર્યા શબ્દો અને બ્રહ્માંડે કાન સરવા કર્યા, સિતારાઓ એક સાથે શરમાયા!... પહેલું ચુંબન હંમેશા છેલ્લે સુધી યાદ રહેતું હોય છે!... એના દેહના નકશામાં હું ભટકતો મુસાફર ખોળું છું મારા વિસ્તરતા જતા નગરને!...પહેલા પ્રગટે છે દમકતી તેજસ્વી આગ અને પછી રહી જાય છે ભાંગેલા દિલની કાળી તૂટતી દિવાસળી...! એની આંખો છે જાણે કોઈ ચમકતી ત્વચાના ગિફ્ટ રેપમાં પાપણોની રિબિન વીંટાળેલી કોઈ ગિફ્ટ. જ્યારે એ આંખો ખૂલે છે, ત્યારે ત્યારેે મને ક્રિસ્મસ હોવાનો અહેસાસ થાય છે!...પ્રેમ એ છે કે જેમાં ન બોલાયા હોય એવા શબ્દો ખોળતા રહીએ, અને એ જડે, પણ ખરે કોઈ વિશાળ શબ્દકોશના પાનાઓની રજ. દિમાગમાં.
એક હોય છે સ્તબ્ધ સ્થિરતા. સ્ટીલનેસ. જ્યારે પતંગિયાની પાંખોનો ફફડાટ પણ વાવાઝોડા જેવો લાગે છે. જ્યારે ઉછળીને ચૂર ચૂર થતા દરિયાના મોજાઓ ગાઢ નિદ્રામાં સરકી પડે છે, અને ખારાં સપનાઓ નિહાળે છે. જ્યારે પ્રત્યેક વૃક્ષ જાણે શ્વાસ લઈ થંભાવી દીધો હોય એમ એના પાંદડાને પથ્થર બનાવી દે છે. એ સ્તબ્ધ સ્થિરતા, એ સજ્જડ સન્નાટો પથરાય છે, જ્યારે હું તારું નામ સાંભળું છું અને પછી એ પડઘો બની જાય છે.
એ ઊઠે છે, સાંજની રોશનીની જેમ મારા તરફ ફેલાતી અને વરસાદમાં ભીંજાયેલા એના ગાલ પરની લટ અલ્પવિરામ જેવી લાગે છે. જ્યાં મારું વ્યાકરણનું ભણતર પૂરું થાય છે!... સાગર કિનારે જ બિકિની નથી હોતી, બીકિનમાં ય ઘૂઘવતો સાગર હોય છે!... એણે જોયું, એ હસી, એ બોલી, અને એણે ભૂખ્યા વરૃઓની જેમ મારા ચિત્તને ભરડો લીધો!... એના પ્રેમમાં પડવું કરુણતા છે. કારણ કે, હવે વિશ્વમાં બીજું કશું સુંદર નહિ દેખાય! 'બ્યુટી બ્લાઇન્ડ' થઈ જવાશે.
તૂં ભૂલ છો મારી. પણ છતાંય ભૂલનો મને અફસોસ નથી... તૂટેલા સંબંધને યાદ કરવો એટલે આંખે પાટા બાંધીને ખુલ્લા હાથે તૂટેલા કાચના ટુકડાઓ વીણવા!... ભૂરા વાદળોમાં રચાતા મેઘધનુષ્યની જેમ કાયમ ભીનાશમાં આપણી અંદર રીસતા હોય છે, ઉખડી ગયેલા રંગો તારી સાથે હોઉં ત્યારે મને ભેખડેથી ફેંકાતા કાગળના વિમાનની જેમ ભૂસકો મારવાનું મન થાય છે!... દરેક વ્યક્તિને જડે છે એની એક ટોર્ચ, જે તોફાની અડધી રાત્રે પણ એના પડખામાં હોય ત્યારે અજવાળું ફેલાવે છે!... મને ખબર છે આ ખોટું છે,અને પછી એના હાથ મારી અંદર ઉતરે છે, ને અચાનક બધું સાચું લાગે છે. ફૂલ ખીલે છે, ખરે છે, પાંદડીઓ કરમાઈ જાય છે. રંગ ઊડી જાય છે રહી જાય છે સુગંધ. એનુ નામ છે સ્મરણ જ્યારે જોઈએ એને શરાબના ઘૂંટ ભરતા, થવાનું મન થાય જામનો પ્યાલો! આપણે બધા પછડાટ ખાઈએ છીએ. મારી એ કે પ્રેમમાં પડયો, પણ એની ઉતાવળમાં પેરેશૂટ ભુલી ગયો! પ્રેમ એ ભવ્ય ગાંડપણ છે! મેગ્નિફિશ્યન્ટ ઇન્સેનિટી. વેલ, આ બધા જ ભાવાનુવાદ છે માઇકલ ફોસ્કડેની કેટલીક રચનાઓના! હજુ અઢળક વધુ નશીલો ખજાનો ઉલેચવાનો બાકી છે. પણ એક પુસ્તકના અર્પણમાં પ્રેયસી લેંગને સંબોધી માઇકલ લખે છે : 'હું કરોડો સૂર્યોદય જોઉં છું, પણ સૌથી સુંદર સૂર્યોદય એ હોય છે કે જ્યારે તું મારી બાજુમાં સૂતી સૂતી હળવેથી આંખ ઉઘાડે!' |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvNgFOw1UK%3DXGupZmg03%3D8eCQq8e_s9J5zo8d6Z4g-kxg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment