પુરુષ હોવું એટલે પુરવાર કરવું અને તે માટે ગમે તે કરવા તૈયાર હોવું. નિયતિ જે પણ હોય પુરુષાર્થનો રસ્તો અપનાવ્યે જ છૂટકો. આજના લેખમાં એવા પુરુષોની વાત કરવી છે જેમને પુરુષો પણ સ્વીકારવા તૈયાર નથી. પુરુષ અને સ્ત્રી નામ કોણે આપ્યા? ધારો કે સ્ત્રીને પુરુષ કહેવાતું હોત અને પુરુષને સ્ત્રી કહેવાતું હોત તો ? આ બધી ઓળખ આપણે જ ઊભી કરી છે, આપણે માણસોએ. આપણી પોતાની સુવિધા માટે. સામે દલીલ થઈ શકે કે કુદરતે માદા અને નર બનાવ્યા છે. પણ પશુપક્ષીમાં જન્મ આપ્યા બાદ બાળકને ઉછેરવાનું બંધન નથી. જે મનુષ્યમાં છે કારણ કે મનુષ્યનું બાળક સ્વ-નિર્ભર થતાં ખાસ્સો સમય લે છે. પણ સ્ત્રી-પુરુષના ભેદ જે પિતૃસત્તાક માનસિકતા ઊભી કરે છે તે સ્ત્રીને જ નહીં પણ પુરુષ તરીકે જન્મનાર વ્યક્તિને પણ અસર કરે છે. પુરુષે પણ અનેક સ્તરે પિતૃસત્તાક માનસિકતાના સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. કુદરતે મનુષ્યને મગજ આપ્યું, બુદ્ધિ આપી અને સાથે વિચારશક્તિ પણ આપી. બુદ્ધિવિચાર દ્વારા માણસે પોતાને અનુકૂળ એવા અનેક નિયમો બનાવ્યા. કેટલાક નિયમો સમાજને સરળ રીતે ચલાવવા માટે જરૂરી પણ લાગે, પરંતુ તેમાં રહેલી જડતા સંઘર્ષો ઊભા કરે છે. જેમ કે પુરુષે સ્ત્રી સાથે જ સંબંધો બાંધવા. પુરુષે પુરુષની જેમ જ એટલે કે સમાજે નક્કી કરેલા ધોરણો મુજબ સ્ત્રીની જેમ ન વર્તવું. કુદરતી રીતે પણ કેટલીક ભૂલો થવાની શક્યતા રહે છે. એ ભૂલમાં ક્યાંક કોઈક કેમિકલ વધતું ઓછું થતાં પુરુષને સ્ત્રીને બદલે પુરુષ તરફ આકર્ષણ થાય છે અથવા પુરુષને સ્ત્રી હોવાની લાગણી થાય છે. તેને લાગે છે કે તે પુરુષના શરીરમાં ફસાઈ ગયો છે. સામાન્ય રીતે મોટાભાગનાને થતી લાગણીઓથી વિપરીત લાગણીઓ કે વિચાર આપણને સ્વીકાર્ય હોતા નથી. મને આ જ ભાવે છે કે હું શાક આ જ રીતે બનશે તો જ ખાઈશથી સામાન્ય વાતોથી લઈને જીવનની દરેક બાબતોમાં આપણે બંધિયાર અભિગમ અપનાવીએ છીએ. એ ઉદાહરણરૂપ આશિષ ચોપરાની વાત કરીને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. હાલમાં આઈપીસી ૩૭૭ની ચર્ચાઓ ચાલી જ રહી છે. આ કલમ હેઠળ અનનેચરલ સેક્સ ગુનો છે. એટલે કે સજાતીય સંબંધોને ગેરકાનૂની ગણવામાં આવે છે. બ્રિટિશરોના જમાનામાં ઘડાયેલો કાયદો આજે પણ યથાવત્ છે તેનો વિરોધ થઈ રહ્યો છે. સમાજની માનસિકતાની સામે અનેક સજાતીય વ્યક્તિઓ ઝીંક ઝીલી રહી છે. કાયદો બદલાય તો પણ સમાજની માનસિકતા બદલવી મુશ્કેલ જણાય છે જ્યારે એ વ્યક્તિઓના સંઘર્ષની વાત સાંભળીએ. આ બાબતે અનેક દલીલો અને સંશોધન થઈ રહ્યા છે પણ પુરુષ તરીકેના સંઘર્ષ તો ઓછા નથી જ થતા. આવા પુરુષોએ પુરુષો તરફથી સૌથી વધુ ઘૃણાનો સામનો કરવો પડતો હોય છે. ૨૩ વરસના આશિષ ચોપરાને મિસ્ટર ગે વર્લ્ડ ઈન્ડિયા ૨૦૧૮નો ફર્સ્ટ રનર અપનો ખિતાબ મળ્યો છે. એક કંપનીમાં રિક્રુટર તરીકે કામ કરતાં આશિષના જીવનની સફર સંઘર્ષમય હતી. આમ જોઈએ તો ખૂબ જાણીતી કંપનીમાં તે સારા હોદ્દા પર છે. સ્માર્ટ છે, ગુડ લુકિંગ છે પણ તેનું જીવન જરા જુદું હોવાથી પિતા તેની સાથે બોલતા જ નથી. તે જ્યારે ૧૬ વરસનો હતો ત્યારે એણે પોતાના ભાઈને કહ્યું હતું કે તેની પસંદગી સજાતીય છે. એટલું ખરું કે તેને પોતે સજાતીય હોવાનો ખ્યાલ આવ્યો કે તેણે પોતાની સાથે સંઘર્ષ ન કરવાનું નક્કી કર્યું. તેણે પોતાનો સૌ પહેલાં સ્વીકાર કર્યો. જો તમે જ પોતાનો સ્વીકાર ન કરો તો આ બાબતે બીજા તમારો સ્વીકાર કંઈ રીતે કરશે. કોલેજના પહેલાં વરસમાં આવ્યા બાદ તેણે માને આ સંબંધે વાત કરી. તેની માતાએ પોતાના દિકરાની સજાતીય હોવાની બાબત સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો. સતત માતા સાથે સંઘર્ષ થતા. ખાસ કરીને મા દુખી રહેતી તે દીકરાથી કેવી રીતે જોઈ શકાય. વરસેક પછી તેની માતા સ્વીકારતી થઈ પણ તેને હજુ પણ આશા છે કે તેનો દીકરો બદલાઈ જશે એટલે કે નોર્મલ થઈ જશે. જે લોકો સજાતીય નથી તેઓ સજાતીય સંબંધોને નોર્મલ ગણતા નથી. જ્યારે સજાતીય માનસિકતા ધરાવનાર વ્યક્તિઓને પોતે નોર્મલ જ લાગે છે. અને હોય છે પણ એવું ફક્ત તેમની જાતીય પસંદગી જુદી હોય છે એ સિવાય તેઓ તમારી અમારી જેમ સાવ નોર્મલ હોય છે. આશિષ ચોપરાને શાળામાં બુલી કરવામાં આવતો, બીજા છોકરાઓ તેને હેરાન કરતા કારણ કે તે સહેજ સ્ત્રૈણ હતો. તેને શરૂઆતમાં એવું પણ લાગતું કે તેનામાં કોઈ તકલીફ તો નથી ને... દરેક ગે એટલે કે સજાતીય ઈચ્છા ધરાવનાર વ્યક્તિને સમાજમાં અન્યને જોઈને પોતે કંઈક જુદા હોવા સાથે પોતાનામાં જ કશું ખરાબ નથી ને તેવો વિચાર આવે. તેમના માનસિક સંઘર્ષો ખૂબ વધી જાય છે. તેમણે સામા પ્રવાહે તરવાનું હોય છે. આશિષ ચોપરા સજાતીય એક્ટિવિસ્ટ છે. પોતાના અધિકારો માટે ભારતમાં સક્રિય કામ કરે છે. તે દાઢી રાખે છે. એણે નક્કી કર્યું છે કે તે પોતે જેવો છે તેવો સ્વીકારશે અને મન થાય તે રીતે જીવશે, કોઈ એવો ગુનો તો નથી કરી રહ્યો કે જેનાથી કોઈને પણ નુકસાન થાય. તે જ્યારે મિસ્ટર ગે વર્લ્ડ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારી રહ્યો હતો ત્યારે એની માતાએ તેને સાથ જ નહીં હિંમત પણ આપી. તેની સાથે ઓફિસમાં કામ કરતાં કાર્યકરોએ પણ તેને સહકાર આપ્યો, પ્રેરિત કર્યો સ્પર્ધા જીતવા માટે. આશિષ જ નહીં બીજા ૫૦ સ્પર્ધકો હતા. લગભગ દરેકે કોઈને કોઈ સંઘર્ષ કર્યો જ હશે. આજે સાયન્ટિફિકલી સાબિતીઓ મેળવવાના પ્રયત્નો થયા જ છે, પણ તેનો ઉપયોગ લોકો તેમાંથી બહાર આવવા માટે કરી રહ્યા છે. ધારો કે સજાતીય માનસિકતા બદલાવી શકાતી હોત તો તેઓ ચોક્કસ જ એ માટે પ્રયત્નો કરત. ન્યુરોસાયન્ટિસ્ટ માર્ગરેટ મેકાર્થીએ ધ સાયન્ટિસ્ટમાં લખ્યું છે કે હોમોસેક્સુઆલિટી એ બીમારી નથી. એ મનુષ્યના વિવિધ પાસાઓમાંથી એક પાસું છે. આપણે એવા તબક્કે પહોંચ્યા છીએ કે આપણી પાસે બાયોલોજિકલ ઘણી સાબિતીઓ છે. અનેક સંશોધનો પ્રમાણે સજાતીય વ્યક્તિના બંધારણમાં એટલે કે જીન્સમાં કોઈ ફેરફાર હોવાની પણ શક્યતા મળી આવી છે. તે છતાં હજી અનેક સંશોધન થઈ રહ્યા છે. હા એટલું તો સાબિત થાય છે કે કોઈ પુરુષને તમે છોકરી તરીકે ઉછેરો, તેને છોકરીના કપડાં જ પહેરાવો તો પણ તેને પુરુષ પ્રત્યે આકર્ષણ ન થાય તે શક્ય છે જો તે સજાતીય ન હોય તો. એટલે કે કોઈને બહારથી જાતીયવૃત્તિની પસંદગી માટે દબાણ કરી શકાતું નથી. જે પુરુષને પોતે સ્ત્રી જ હોવાનું લાગતું હોય તેને સેક્સ ચેન્જના ઓપરેશન બાદ પુરુષ ગમશે. પણ અહીં વાત ટ્રાન્સજેન્ડરની નથી કરી રહી. ટ્રાન્સજેન્ડર અને સજાતીય હોવું તે બેમાં ફરક છે. ઓસ્ટ્રેલિયન સાયન્સ ચેનલના એક લેખમાં લખ્યું છે કે રોયલ સોસાયટી ઓફ બાયોલોજી પ્રમાણે પ્રાણીઓમાં બાયસેક્સુઅલ વર્તન જોવા મળે છે. ઘેટાંમાં નર ઘેટું નરને પસંદ કરે એવું જોવા મળ્યું છે. કેટલીક માછલીઓમાં પણ માદા નર અને નર માછલી વચ્ચેના મેટિંગ જોયા બાદ તે નરને પસંદ કરે છે એવું જોવા મળ્યું છે. સજાતીય વ્યક્તિનું માનસિક બંધારણ જુદું હોય છે. ૧૯૯૩માં સંશોધન દરમિયાન જેનેટિક્સ ડીન હેમરે ૧૧૪ સજાતીય પુરુષોના કુટુંબનું પરીક્ષણ કરીને તારણ કાઢ્યું કે ગે વ્યક્તિના ડીએનએમાં એક્સનું લેબલ જુદું એટલે કે બંધારણ એક્સક્યુ ૨૮ હોય છે. એ જ વાત ૨૦૧૪માં પણ બીજા ૪૦૯ વ્યક્તિઓના પરીક્ષણ બાદ સાબિત થઈ. હજી વિજ્ઞાને ઘણાં કારણો શોધવાના બાકી છે, પરંતુ અમુક વ્યક્તિને શાક અમુક જ રીતનું જોઈએ કે અમુક શાક ન જ ભાવે. એ જ રીતે અનેક રીતે દરેક વ્યક્તિની પસંદનાપસંદનો આપણે સ્વીકાર કરીએ છીએ, પરંતુ સેક્સની બાબતમાં આપણાથી જુદી વ્યક્તિનો સ્વીકાર કરતા નથી. તેથી સજાતીય પુરુષને પણ સમાજમાં અનેક સંઘર્ષો અને પડકારો ઊઠાવવા પડે છે. તેને એમાં પોતાનો કોઈ વાંક દેખાતો નથી તે છતાં કેટલીય વખત એવા પુરુષો સતત ગુનાહિત ભાવમાં જીવતા હોય છે. પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ડરતા હોય છે. તેઓ પુરુષો જ હોય છે પણ ફક્ત તેમની પસંદ જુદી હોય છે. તેનો સ્વીકાર થાય તેવી માગ છે. તેમને ગુનેગાર તરીકે ન જોવાય એ જ ઈચ્છા હોય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvnR4iY9RXKCu1q%2B8hiN-UD__ya1N%3D7tWhoP1U_RTpJRQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment