Saturday, 7 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચાવાળાની દીકરીની ઊંચી છલાંગ (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાવાળાની દીકરીની ઊંચી છલાંગ!
કવર સ્ટોરી-નિધિ ભટ્ટ

હાલમાં મુંબઇમાં ચોમાસુ બરાબર જામી ગયું છે, એટલે વકરાની દૃષ્ટિએ ચાવાળાના આમ પણ 'અચ્છે દિન' ચાલતા હોય, પરંતુ એક ચાવાળાની દીકરી પર તો ખરેખર લક્ષ્મીદેવી વધારે મહેરબાન થયાં છે.

ઉત્તર પ્રદેશ કે જ્યાંના વારાણસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી જીતનાર અને વર્ષો પૂર્વે ગુજરાતના વડનગરમાં પિતાનો ચાનો વ્યવસાય સંભાળનાર નરેન્દ્ર મોદી તો આજે વડા પ્રધાનપદે કાર્યરત છે. જોગાનુજોગ આ જ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના વતની જે ચા બનાવીને વેચે છે તેની ભણવામાં હોંશિયાર દીકરી સુદીક્ષા ભાટીને સરસ્વતીની સાથે સાથે પૂર્ણ શિષ્યવૃત્તિના રૂપમાં લક્ષ્મીજી પણ ફળ્યા છે. આમ પણ સુદીક્ષાનો એક અર્થ લક્ષ્મી જ થાય છે. હૈયામાં જો હોય હામ તો હર મુશ્કિલ આસાન એ કહેવતને આવાં રત્નો સાચી ઠેરવીને પોતાને રસ્તે મક્કમપણે આગળ વધતા હોય છે.

હજુ ગયા મહિના સુધી તો આ સુદીક્ષા ભાટી નામની છોકરીની ઓળખાણ સી.બી.એસ.ઇ.ની ધોરણ ૧૨ની એક વિદ્યાર્થિની પૂરતી જ સીમિત હતી, પણ અમેરિકાના મેસેચ્યુસેટ્સ શહેરની પ્રતિષ્ઠિત બૉબસન કૉલેજની મળેલી રૂપિયા ૩.૮ કરોડની શિષ્યવૃતિને કારણે ભારતના અનેક વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ પ્રગટ્યું છે. અલબત્ત સુદીક્ષાને આ શિષ્યવૃત્તિ કંઇ બગલાના ખુલ્લા મોંમાં પતાસું આવીને પડે એવી રીતે નથી મળી, પણ નાનપણથી જ ભણવા માટેના સંઘર્ષ અને તનતોડ મહેનતના પુરસ્કારરૂપે મળી છે. યસ, બુલંદશહેર જિલ્લામાં ૯૮ ટકા માર્ક સાથે ટોચના સ્થાન પર આવેલી સુદીક્ષાને પણ ભારતના અન્ય ૨૪ વિદ્યાર્થીઓ સાથે અમેરિકાની બૉબસન કૉલેજમાં પૂરા ચાર વર્ષ સુધી ભણવા માટે સ્કોલરશિપ મળી છે, પણ તેનો જન્મ એવા ગરીબ પરિવારમાં થયો જ્યાં ઘર ચલાવવા માટે પણ પારાવાર તકલીફ પડતી હોય. સુદીક્ષાના પિતા જિતેન્દ્ર ભાટીને ચાર દીકરી અને બે દીકરાનો લાંબો વિસ્તાર. પત્ની સબિત સહિત કુલ આઠ જણાનો પરિવાર ચલાવવો એટલે આ જમાનામાં તો લોઢાના ચણા ચાવવા જેટલું કપરું કામ. સુદીક્ષા જ્યારે નવ વર્ષની હતી ત્યારે એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી હતી. પરંતુ ફી ન ભરી શકવાને કારણે તેને આ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી. અન્ય કોઇ હોત તો દીકરીને આગળ ભણાવવાનું કદાચ માંડી વાળત, પણ જિતેન્દ્ર ભાટી માટે તો સુદીક્ષાનું ભણતર છોકરાંઓના ભણતર જેટલું જ અગત્યનું હતું. સુદીક્ષા પોતે જ કહે છે તેમ તેના પિતાએ ભણતરની બાબતમાં કદી છોકરા-છોકરી વચ્ચે ભેદ નથી કર્યા. જિતેન્દ્ર ભાટીએ તેને ડેરી ગામની એક સરકારી શાળા-વિલેજ પ્રાઇમરી સ્કૂલમાં દાખલ કરી. ત્યાર બાદ છઠ્ઠા ધોરણથી બુલંદશહેરની વિદ્યાજ્ઞાન લીડરશીપ અકાદમીમાં દાખલ કરવામાં આવી. અહીં તે હોસ્ટેલમાં રહીને ભણી. આ અકાદમીમાં દાખલ થયા પછી તો એણે કદી પાછું વળીને જોયું જ નથી. સખત મહેનત અને દૃઢતા એ જ એના જીવનનો મહામંત્ર બની ગયો. નિયમિત ભણતર ઉપરાંત અહીંથી તેનેે ઉનાળાના વેકેશન દરમ્યાન ભારતની પ્રતિષ્ઠિત ડ્યૂક ટી.આઇ.પી. અને પેન્સિલવેનિયા સ્કૂલ ફોર ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ (લેહીગ યુનિવર્સિટી, યુ.એસ.એ.)માં હોંંશિયાર અને ટેલન્ટેડ વિદ્યાર્થીઓ માટે યોજાતા શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પણ મળી. એસ.એ.ટી. અને ટોફેલ પરીક્ષા પણ સારા માર્ક્સથી પાસ કરી. અમેરિકાની કૉલેજોમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષાઓ પાસ કરવી અત્યંત જરૂરી અને મહત્ત્વની હોય છે. ત્યાર બાદ સુદીક્ષાએ અમેરિકાની બૉબસન કૉલેજમાં દાખલ થવા અરજી કરી. આ અરજીની યોગ્ય તપાસ કર્યા બાદ આ કૉલેજમાં તેને ઍડમિશન તો મળ્યું, સાથે સાથે વૈશ્ર્વિક શિષ્યવૃત્તિ પણ મળી ગઇ.

જોકે, ભણવામાં અત્યંત તેજસ્વી સુદીક્ષાને આઇ.એ.એસ. ઓફિસર બનવાની ઇચ્છા હતી. પણ બૉબસન કૉલેજમાં બિઝનેસ એન્ટરપ્રેન્યોરશિપમાં દાખલ થવાનુ આમંત્રણ મળ્યું એટલે હવે તે ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેશનની બદલે બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં પોતાની કારકિર્દી ઘડશે.

શાળા જીવન દરમિન ભણવામાં હોંશિયાર એવી સુદીક્ષા ઇતર પ્રવૃત્તિઓમાં પણ હોંશે હોંશે ભાગ લેતી હતી. ૯માં અને ૧૦માં ધોરણ દરમ્યાન તે શાળામાં પ્રિફેક્ટ તરીકેની કામગીરી સારી રીતે બજાવતી તો ૧૧માં ધોરણ દરમ્યાન શાળાના સાંસ્કૃતિક સંગઠનમાં તે સેક્રેટરી તરીકે પણ સેવા આપી ચૂકી છે.

સ્ત્રી અત્યાચાર માટે લડતી અને દીકરીઓને સ્કૂલમાં ભણવા માટે પ્રોત્સાહિત કરતી સંસ્થા વોઇસ ઓફ વિમેન ઇનિશિયેટિવ સાથે પણ સુદીક્ષા સંકળાયેલી છે.

સુદીક્ષા કહે છે કે એ તો તો પ્રત્યેક પડકારને એક નવીન તક સમાન ગણે છે. આવી આશાવાદી વિચારશૈલીને કારણે તેને કદીય ભણતર દરમિયાન નિરાશ થવાનો વારો આવ્યો નથી. જિંદગીમાં મળેલા પથરારૂપી પડકારોમાંથી એણે તો એક પછી એક શૈક્ષણિક સોપાન સર કરવાની જાણે સીડી બનાવી લીધી.

આજે ભારતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ છોકરીઓને ભણવા માટે જોઇએ એવું પ્રોત્સાહન નથી મળતું ત્યાં આ ચાવાળાની દીકરીએ જે ઊંચી છલાંગ મારી છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેના ગામમાં પણ ગણીગાંઠી છોકરીઓ જ એવી છે જે શિક્ષણ મેળવી શકી છે. તેના પૂરા કુટુંબમાં તે પહેલી એવી મહિલા છે જેણે બારમું ધોરણ પાસ કર્યુ હોય. આશા રાખીએ કે ભારતની શાળાજીવન જેવી ઝળહળતી સફળતા તેને અમેરિકાની કૉલેજ કારકિર્દી દરમ્યાન પણ મળે.

બેસ્ટ ઓફ લક, સુદીક્ષા.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oti71pxDgu_P97YPC9m4tcWoCNE40fwLdnzHsGyDq3gJw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment