મૂળ ભારતની એક પ્રાચીન રમત ચતુરંગનું અપભ્રંશ થઇને શતરંજ શબ્દ બન્યો અને આ શતરંજનું અત્યારનું સ્વરૂપ એવી આ ચેસની રમત તીક્ષ્ણ બુદ્ધિ, સતર્કતા અને ચપળતા માગી લેતી રમત છે. કેટલાક લોકોના મતે આ રમત ચીનમાં શોધાઇ છે. એ જે હોય તે પણ ભર ઉનાળામાં મેદાનોમાં રમવા કરતાં ઘરની અંદર રમી શકાતી આ ઇન્ડોર રમતથી યુવાનોની બુદ્ધિ પ્રતિભાને ખીલવી શકાય છે. ૬૪ ચોરસ ખાનામાં રાજા,રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો સહિત ૩૨ લડવૈયાઓનો સમાવેશ કરતી આ રમતમાં દરેક મહોરાંની પોતપોતાની ચાલ અને પોતપોતાની મર્યાદા હોય છે. સામ સામે બે જણ દ્વારા રમાતી આ રમત એટલે એક નાનકડી જગ્યામાં બેસીને કોઇ પણ જાતની હિંસા કે શારીરિક તકલીફ વિના રમાતું યુદ્ધ. જોકે આ યુદ્ધમાં બુદ્ધિ અને સામેવાળા રાજાને મહાત કરવા માટે ખેલાતી ચાલમાં દીર્ઘદૃષ્ટિ અને કુનેહની જરૂર અવશ્ય પડે છે. મોટાં લોકો તો સમજ્યા પણ, એકડિયા પાપડિયામાં ભણતું કોઇ બાળક આ રમત રમે અને વર્લ્ડ કલાસ રેંકિંગ મેળવે એ ખરેખર ભારત માટે ગૌરવરૂપ ઘટના કહેવાય.
યસ, પુણેનો નિવાન ખંઘાડિયા માત્ર ૬ વર્ષનો છે અને સિનિયર કે.જી.માં ભણે છે પણ પોતાના નાના હાથે ચેસના પ્યાદા ચલાવીને એવાં મોટાં ડગલાં ભર્યા છે કે આંતરરાષ્ટ્રીય રેંકિંગમાં સીધો દસમાં ક્રમાંકે પહોંચી ગયો છે. સાડા ચાર વર્ષની ઉંમરે તેના પિતા રાઠીને પહેલી વાર તેને ચેસ રમતા શીખવાડ્યું. માત્ર બે દિવસમાં તો કેવી ચાલ ચાલવી, કેવી વ્યૂહ રચના ગોઠવવી એ શીખી ગયો અને આ દૂધિયા દાંત ધરાવતા ટેણિયાએ તેના પિતા સાથે ચેસ રમીને તેમનાજ દાંત ખાટા કરી દીધા. નિવાન જે રીતે મગજ દોડાવીને રમતો હતો એ જોઇને તેની શાળાએ પણ એને ખૂબ પ્રોત્સાહન આપ્યું. પુણેના મગરપટ્ટા વિસ્તારમાં આવેલી વિબગ્યોર હાઇસ્કૂલના વ્યવસ્થાપકોના સાથ સહકારથી આજે નિવાન આંતરરાષ્ટ્રિય નામના મેળવી ચૂક્યો છે એવું તેના પિતા ઉત્સાહપૂર્વક જણાવે છે. વર્લ્ડ ચેસ ફેડરેશને તાજેતરમાં જ બહાર પાડેલા આંકડા મુજબ નિવાનને ૧૧૩૭ પોઇન્ટ્સ મળ્યા છે જેના હિસાબે તે તેની શ્રેણીમાં દસમું ગૌરવભર્યુ સ્થાન ભોગવે છે. ભારતના સૌથી નાની વયના ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર નિવાન જોકે હાલમાં જ અલ્બાનિયામાં રમાયેલી સાત વર્ષથી નીચેનાઓ માટેની ચેસ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો, તેને આ સ્પર્ધામાં રમાયેલા નવ રાઉન્ડમાં ચાર પોઇન્ટ જ મળ્યા હતાં, પણ આગામી વર્ષે એ સ્પર્ધા જીતવા ઘણો જ મક્કમ છે. નિવાનને પુણેની જ એક પ્રખ્યાત ચેસ એકેડમી દ્વારા તાલીમ મળી રહી છે. આ એકેડમીના પ્રશિક્ષક પણ તેની રમતથી ઘણા પ્રભાવિત છે. તે કહે છે કે નિવાન આ રમત માટે જોઇએ તેવું તેજ દિમાગ તો ધરાવે જ છે, સાથે સાથે વધુને વધુ ઊંચાઇ પ્રાપ્ત કરવા હંમેશા કટિબદ્ધ હોય છે. નિવાનની માતા પ્રીતિ પણ તેના પુત્રની સિધ્ધિથી ગૌરવ અનુભવે છે. એકેડમીના પ્રશિક્ષકોની પ્રશંસા કરતાં જણાવે છે કે તેમના યોગ્ય માર્ગદર્શન હેઠળ નિવાનની રમતમાં ઘણી પરિપક્વતા આવતી જાય છે. નિવાન ઘણી વાર તો પાસપડોશના લોકોને પણ ચેસ શીખવાડે છે અને મોટી ઉંમરના લોકોને પણ આ રમતમાં હરાવી દે છે. ભણવા ઉપરાંત આ રમત પાછળ નિવાન દરરોજ ચારથી પાંચ કલાક ગાળે છે. કેવી રીતે બહેતર રમવું એનો અભ્યાસ કરે છે. આટલી નાની ઉંમરમાં જિલ્લા અને રાજ્ય સ્તરે ૧૭ ટ્રોફી અને નવ મેડલ જીતી ચૂક્યો છે. સાત વર્ષથી નીચેના રમનારાઓમાં રાજ્ય સ્તરે ત્રીજું , આંતરરાજ્ય શાળા સ્તરે સાતમું અને રાષ્ટ્રીય સ્તરે ૧૩મું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યો છે. ચેસ ન રમતો હોય ત્યારે તરવા પણ જાય છે. દોડવાની સ્પર્ધામાં પણ ભાગ લે છે. હાલમાં જ દોડ-સ્પર્ધામાં પણ તેને સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. વાર્તા પણ સારી રીતે કહે છે, વાર્તા કહેવાની સ્પર્ધામાં પણ પ્રથમ ઇનામ મળ્યું હતું. હજી તો સાતમું વર્ષ બેઠું નથી તોયે જે રીતે એ ચેસમાં જે રીતે હરણફાળ ભરી રહ્યો છે એ જોતાં આગામી વર્ષોમાં ગ્રાન્ડ માસ્ટર બનવાનું તેનું સપનું પૂરું થઇ શકે એમ છે. ચેસની રમતના રસિયા નિવાનની યાદશક્તિ પણ ઘણી સારી છે. તેને પૂરા વિશ્ર્વના ચેસ ચેમ્પિયનના નામ મોઢે છે. તમે એને બધાના નામ બોલવાનું કહો તો એકી શ્ર્વાસે બધાનાં નામ બોલી જાય છે. નોર્વેના ચેસની રમતના ગ્રાન્ડ માસ્ટર મેગ્નસ કાર્લસનનો પ્રશંસક નિવાન આજે તો મહારાષ્ટ્ર ચેસ વર્તુળની એક મોંઘેરી જણસ બની ચૂક્યો છે. તેની સખત મહેનત,લગન અને આવડી નાની ઉંમર જોતાં તે ચેસ વિશ્ર્વને લગતાં તમામ વિક્રમો તોડવાની ક્ષમતા ધરાવે છે એવું તેના પ્રશિક્ષકોનું માનવું છે. બેસ્ટ ઓફ લક, નિવાન! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvnFLcjvn3paxXtgrXHPUieB0CYh-4-r9zxPJz%3DnK_ofw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment