મારી પચીસ વર્ષની દીકરી થોડા દિવસ પહેલાં જ તેના એક પચાસ વર્ષના સહકર્મીને મારા ઘરે લાવી હતી. ખૂબ સારી વ્યક્તિ છે, એ તેવી છાપ અમ દંપતી પર તેની પડી હતી. જેટલો સમય તે અમારી સાથે હતો, ઘરની અને દુનિયાની અનેક વાતો કરી અમે. ઈન શોર્ટ એક વ્યક્તિ તરીકે ખૂબ સારો માણસ છે એ. પણ અમે આજ ખૂબ મૂંઝવણમાં છીએ જ્યારે તેના ગયા બાદ અમારી દીકરીએ અમને કહ્યું કે તેની સાથે તે લગ્ન કરવા માગે છે. મારી દીકરીનું અમારી જ્ઞાતિમાં વેવિશાળ કર્યું હતું તે ત્રણ વર્ષ પહેલાં જ તે છોકરાના અપલક્ષણોને કારણે અમે તોડી દીધું હતું. હવે તે કહે છે મને હવે આ સિવાય કોઈ નહીં ગમે. ઉંમરનો તફાવત તેને મન કંઈ જ નથી. શું કરીએ અમે? ઊંઘ હરામ થઈ ગઈ છે અમારી. વિચારો કરી કરીને કે લોકો શું કહેશે? સમાજમાં લોકો શું ધારશે અમારા વિશે?
------------------------------ જવાબ સૌથી મોટો રોગ, શું કહેશે લોક? તમારી વાત માટે આ વાક્ય સો ટકા સાચું લાગે છે ને? ખેર, હવે તમારી વાત કરીએ. તમારી ચિંતા હું સમજી શકું છું. ઉંમરમાં આટલો તફાવત આજે નહીં તો કાલે તેમના લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરશે તેવું તમને લાગે છે. આમ જોવા જઈએ તો આટલો તફાવત ના હોય તેવા પણ કેટલા લગ્નજીવનમાં સમસ્યા નથી હોતી? તમારી દીકરી સાથે ખૂલીને વાત કરો કે બેટા, આગામી દસ વર્ષ બાદ તમને લાઉડ મ્યુઝિક સાંભળવું ગમતું હશે પણ તારા સાથીને તેનાથી માથું દુ:ખે ત્યારે મ્યુઝિક સ્લો કરવાની તારી તૈયારી છે? તેને કહો કે આ માત્ર ઉદાહરણ છે. ડગલે ને પગલે મતભેદ થવાની શક્યતા છે જ. તેને કહો પતિ વિશે જ નહિ, તેના કુટુંબના લોકો સાથે પણ તારે રહેવું પડશે. તેમના સાથે અનુકૂલન સાધી શકશે તે? તમારા દરેક સવાલના જવાબમાં જો તમારી દીકરી મક્કમતાથી જવાબ આપે કે, હા-હું તૈયાર છું દરેક અનુકૂલન માટે, તો તમે ચિંતામુક્ત થઈ જાવ. તમારી દીકરી વયસ્ક ઉંમરની છે. તે જાણે છે તેનું સારું-ખરાબ શેમાં છે. હકીકત એ છે કે ઘણાં ઉંમરમાં મસમોટા તફાવતવાળા દંપતી ખૂબ જ સુલેહ-શાંતિથી જિંદગી વિતાવતા હોય છે. ઉંમરને કંઈ લાગતુંવળગતું નથી સારા લગ્નજીવન માટે. તમારી દીકરી એક વાર આવા સંબંધમાં દગો ખાઈને પોતાનું જીવન આ વ્યક્તિ સાથે વ્યતીત કરવા તૈયાર થઈ છે. તેણે ચોક્કસ ખૂબ વિચાર કર્યો હશે તેની જિંદગી વિશે તેમ સમજીને તમે પતિ-પત્ની નચિંત થાવ. એક જીવનસાથી તરીકે તે સંભાળ લેનાર, સંવેદનશીલ, આનંદી, સાહસી, સફળ અને પૂર્ણત: સ્વસ્થ હોય તો તેઓ ચોક્કસ ખૂબ જ ઉમદા લગ્નજીવન ભોગવી શકશે. તમારી દીકરી અને તે વ્યક્તિ બંનેને સાથે બેસાડી એકવાર દિલ ખોલીને કહી દો કે તમે શાનાથી ચિંતિત છો. તે વ્યક્તિએ દુનિયા જોઈ જ છે. તે તમારી લાગણીઓ સમજી શકશે જ. મનથી બધી જ વાતો કરો, ખુલાસા મળે ત્યાં સુધી. તમને જ્યારે લાગે કે તમારી દીકરીને તે વ્યક્તિ સમજી શકે છે, તમારી દીકરીને ખુશ જોવા માટે તે આતુર છે ત્યારે તમે તે બંનેને લગ્ન માટે મંજૂરી આપો તો તમે લેશમાત્ર ખોટા નથી. લોકોનું શું છે? તેઓ તો ગમે તે સ્થિતિમાં તમારી વાતો કરી શકે. તમારે તે નિર્ણય કરવાનો જેમાં તમારી દીકરીનું હિત હોય. સમાજ અને લોકો તમારી તકલીફમાં આવીને નહીં ઊભા રહે. તે વખતે તો તમારી દીકરી અને ભાવિ જમાઈ જ તમારી પાસે હશે. લોકોને કે સમાજને કોઈ હક નથી તમારા કુટુંબ માટે શું સારું કે ખરાબ છે તે નિર્ણય લેવાનો. તમારી દીકરીનું આખું જીવન સારું જશે તેવો વિશ્ર્વાસ તમને હોય, તો સમાજ- લોકોની જરાય ચિંતા ના રાખો. દીકરીને અઢળક આશીર્વાદ સાથે કરો કંકુના. ------------------------------ પતિનો જુગારનો શોખ જીવનને ભરખી જશે? હું મુંબઈની એક મધ્યમવર્ગીય ગૃહિણી છું. આમ જોવા જઈએ તો દુનિયાની નજરે કોઈ મુસીબતમાં નથી અમે. પણ અંદરખાને હું જાણું છું કે મારા પતિ જુગાર સટ્ટો રમે છે. શેરબજારમાં પણ એક્ટિવ છે. હમણાં ખૂબ મિલકત ગુમાવી છે અમે આમાં એમાં નવું છોગું આઈપીએલ અને ફૂટબોલની રમતોએ ઉમેર્યું છે. આજકાલ તે કંઈ વિચાર્યા વગર આ રસ્તે નીકળી પડ્યા છે. છોકરાઓ નાના છે, ઘરનાં હપ્તા પણ હજી ૨૦ વર્ષ ભરવા પડશે. હું પોતે ટ્યૂશન કરું છું અને ઘર ચલાવવામાં નાનોસૂનો ફાળો આપું છું. મારા પિયર કે સાસરી પક્ષે કોઈ નથી જે અમને મદદ કરે, તેમને સમજાવે, મને સતત ફફડાટ થાય છે કે તેમનો આ નવો શોખ મારા હર્યાભર્યા કિલ્લોલ કરતાં જીવનને ભરખી ના જાય. હું શું કરું? ------------------------------ જવાબ તમારો ઊંચો સ્વર સાંભળી તે ચોક્કસ ઠંડા અવાજે વાત કરવા લાગશે. કેમ કે આવી આદતમાં ખૂંપેલા લોકોનો આત્મવિશ્ર્વાસ જ્યારે તે હારની સ્થિતિમાં હોય ત્યારે ખૂબ નીચા લેવલે હોય છે. તેમની શારીરિક-માનસિક સ્થિતિ ક્યારેક તેમના પોતાના કાબૂમાં નથી હોતી. માટે જ અવારનવાર આવા લોકો અત્યંત અંતિમ કક્ષાના ડિપ્રેશન લેવલે આવી આત્મહત્યા સુધ્ધાં કરતાં હોય છે. તમે તેમને તમારા કુટુંબની જરૂરિયાત, સદ્ય સ્થિતિ અંગે ફોડ પાડશો ત્યારે થોડીક ક્ષણો એ જરૂર ભાવુક થશે. એ સમય યોગ્ય હશે તેમને સમજાવવાનો. તેમને કહેજો કે આ આદતથી પીછો છોડાવવા તમે તેમની સાથે રહેશો. હંમેશાં તેમના જે મિત્રોને આવી આદત હોવ તેનો સાથ છોડવા કહો. તેમના આખા દિવસનું ટાઈમ મેનેજમેન્ટ તમે બંને મળીને કરો. જે સમયે તેઓ આ સટ્ટા માટે સમય ફાળવે છે તે સમય તમે તેમની સાથે હોય તેવું નિયોજન કરો તો ઉત્તમ. તેમની સાથે વાત કરતી વખતે ખાસ એ ઉલ્લેખ કરવાનો કે, બસ... આજે છેલ્લી વાર કદાચ નસીબનું પાંદડું ખસી જાય અને જેકપોટ લાગી જાય... જેવા વિચારો માત્ર હવાતિયા હોય છે. તેનાથી તમે વધુ મુસીબતમાં ફસાશો. હમણાં સુધી આપણું જે નુકસાન થયું છે તે આપણે બંને થોડી વધુ મહેનત કરી કદાચ ભરપાઈ કરી લઈશું. પણ હવે તેનાથી આગળની જે સ્થિતિ હશે તેમાં તમે તેમની સાથે નહીં હોય આગળ જો તેઓ પોતાની ખરાબ આદત નહીં છોડે તો નાછૂટકે તમારે તેમને એકલા મૂકવા પડશે. કારણ કે તમારે દર દિવસે એક નવી પળોજણનો સામનો નથી કરવો. તેમને કહો કે હજી કંઈ બગડ્યું નથી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovj5B0Xeq-5rmcLw9nOSExfBHb_gsasySf0LuWepbXvhA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment