Wednesday, 6 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ન્યાયની દેવીની આંખો ખૂલશે?છેલ્લાં ૭૦ વર્ષમાં સર્વોચ્ચ અદાલતમાં એકેય મહિલા ચીફ જસ્ટિસ નથી આવી


 

ન્યાયની દેવીની આંખો ખૂલશે?છેલ્લાં ૭૦ વર્ષમાં સર્વોચ્ચ અદાલતમાં એકેય મહિલા ચીફ જસ્ટિસ નથી આવી

અરવિંદ જૈન

ભારતીય પ્રજાસત્તાક શાસનનું હવે ૭૦મું વર્ષ શરૂ થયું છે ત્યારે આટલું જાણો કે ભારતીય ઈતિહાસના ૬૯ ગૌરવશાળી વર્ષોમાં સર્વોચ્ચ ન્યાયાલય સુધી ચીફ જસ્ટિસ-મુખ્ય ન્યાયાધીશની ખુરસી સુધી એક પણ મહિલા પહોંચી શકી નથી અથવા પહોંચવા દેવાઈ નથી! હાલની સ્થિતિ પ્રમાણે વર્ષ ૨૦૨૨માં ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ બનશે અને એમના પછી વર્ષ ૨૦૨૪માં નવા નિમાયેલા ન્યાયમૂર્તિ સંજય ખન્ના આવશે. આ રીતે જોતાં ન્યાયમૂર્તિ સંજય ખન્નાની નિવૃત્તિ (૧૪ મે, ૨૦૨૫) સુધી એટલે કે બંધારણ તૈયાર થયાના ૭૫ વર્ષ સુધી કોઈ પણ મહિલા સુપ્રીમ કોર્ટની સીજેઆઈ-ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા નહીં બની શકે! એનો અર્થ એવો થયો કે, વકીલ બનવાના કાયદાથી માંડીને બંધારણનો હીરક મહોત્સવ-ડાયમન્ડ જ્યૂબિલી ઊજવવા (૧૯૨૩થી ૨૦૨૫) સુધી કોઈ પણ મહિલા વકીલ સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિની ખુરસી સુધી નહીં પહોંચી શકે.

અહીં નોંધપાત્ર છે કે, આ તમામ વર્ષો દરમિયાન ભારતીય પ્રજાસત્તાકમાં સ્ત્રી-પુરુષ સમાનતાના અને 'જાતિવાદી ન્યાય' (જેન્ડર જસ્ટિસ)ના બણગાં તો બહુ જ ફૂંકવામાં આવ્યા છે. બંધારણનો અમલ કરાવા માંડ્યાના ૪૦ વર્ષ બાદ ફાતિમા બીબી (૬ ઑક્ટોબર, ૧૯૮૯) સર્વોચ્ચ ન્યાયાલયની પહેલી વકીલ બની હતી. એ ૧૯૯૨માં નિવૃત્ત થઈ ગયા. એમનાં બાદ સુજાતા વી. મનોહર (૧૯૯૪), રૂમા પાલ (૨૦૦૦), જ્ઞાનસુધા મિશ્રા (૨૦૧૦), રંજના પ્રકાશ દેસાઈ (૨૦૧૧), આર. બાનુમથિ (૨૦૧૪) અને ઈન્દુ મલ્હોત્રા (૨૦૧૮) વગેરે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બની શકી હતી.

રૂમા પાલને ચીફ જસ્ટિસ ન બનવા દેવાયાં!

૨૯મી જાન્યુઆરીના ચીફ જસ્ટિસ એ. એસ. આનંદ દ્વારા ત્રણ નવા ન્યાયમૂર્તિઓ (દુરાઈસ્વામી રાજુ, રૂમા પાલ અને વાય. કે. સભરવાલ)ને શપથ લેવડાવવાના હતા. અચાનક શપથગ્રહણની તારીખ બદલાવીને ૨૯ને બદલે ૨૮ કરી દેવાઈ, કદાચ સુવર્ણજયંતી સમારંભને કારણે હશે એમ માનવામાં આવે છે. ૨૮મી તારીખની સવારે દુરાઈસ્વામી રાજુ અને સભરવાલને શપથગ્રહણ કરાવાયા હતા. રૂમા પાલને બપોર બાદ ખબર પડી હતી કે, સમય હોઈને દુરાઈસ્વામી રાજુ અને વાય. કે. સભરવાલને તારીખમાં ફેરબદલ થયાની સૂચના પાઠવાઈ હતી, પણ રૂમા પાલને આ સૂચના નહોતી મળી.

એ જ દિવસે નક્કી થઈ ગયું હતું કે, જો કોઈ અણધારી બાબત ન બની તો દુરાઈસ્વામી રાજુ (જન્મ તારીખ ૨. ૭. ૧૯૩૯) પહેલી જાન્યુઆરી, ૨૦૦૪ના નિવૃત્ત થઈ જશે અને મુખ્ય ન્યાયમૂર્તિ આર. સી. લાહોટીના નિવૃત્ત થયા બાદ એક નવેમ્બર, ૨૦૦૫ના વાય. કે. સભરવાલ (જન્મ તારીખ ૧૪ જાન્યુઆરી, ૧૯૪૨) ભારતના નવા સીજેઆઈ-ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ) બનશે અને ૧૩ જાન્યુઆરી, ૨૦૦૭ સુધી આ પદ પર રહેશે. આ સમય દરમિયાન રૂમા પાલ (જન્મ તારીખ ૩ જૂન ૧૯૪૧) બીજી જૂન, ૨૦૦૬ના સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ તરીકે નિવૃત્ત થઈ જશે. રૂમા પાલને સમય પર સૂચના મળવામાં એટલી બધી વાર લાગી કે દેશની કોઈ બેટીને કોણ જાણે હજુ કેટલા વર્ષ દેશની સર્વોચ્ચ ન્યાયમૂર્તિ બનવાની રાહ જોવી પડશે! શપથ લેવામાં થોડા કલાકોના વિલંબને પગલે દેશના ન્યાયતંત્રના ઈતિહાસનો પ્રવાહ જ જાણે કે પલટાઈ ગયો. એક વાતની શંકા છે કે નારીવાદી ઈતિહાસકાર આ ઘટનાને ફક્ત એક 'સંજોગ' અને 'નિયતિ' કહેશે કે પિતૃસત્તાક સ્થિતિનું કે પુરુષપ્રધાન સત્તાનું ષડ્યંત્ર કહેશે.

સ્ત્રીઓને પુરવાર કરવી પડે છે 'લાયકાત'

સર્વોચ્ચ અદાલતમાં જ્યાં આ સ્થિતિ છે ત્યારે દેશના મોટાભાગની ઉચ્ચ અદાલતો પણ પોતાની 'પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ'ની રાહ જુએ છે. નવમી ફેબ્રુઆરી, ૧૯૫૯ના અન્ના ચેંદી દેશમાં હાઈ કોર્ટનાં સૌપ્રથમ મહિલા જજ બન્યાં હતાં. અન્ના ભારતનાં પહેલાં મહિલા જજ હતાં. એમને કેરળની હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. એના કેટલાંક વર્ષો બાદ ૩૦મી મે, ૧૯૭૪માં પી. જાનકી અમ્મા અને કે. કે. ઉષા (૧૯૯૧) કેરળ હાઈ કોર્ટમાં જજ બન્યાં હતાં. લીલા શેઠ દિલ્હીની ઉચ્ચ અદાલતનાં પ્રથમ મહિલા ન્યાયાધીશ (૨૫-૭-૧૯૭૮) હતાં, જેઓ પછીથી હાઈ કોર્ટના સૌપ્રથમ મહિલા ચીફ જસ્ટિસ (હિમચાલ ૧૯૯૧) બન્યાં હતાં. વર્ષ ૨૦૧૩માં ટી. મીનાકુમારીને મેઘાલય હાઈ કોર્ટમાં અને ૨૦૧૪માં જી. રોહિણીને દિલ્હી હાઈ કોર્ટ, ડૉક્ટર મંજુલા ચેલ્લુરને કોલકતા હાઈ કોર્ટ અને ૨૦૧૮માં ગીતા મિત્તલને જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. આખા દેશનાં ૨૪ ઉચ્ચ ન્યાયાલયોમાં અત્યાર સુધી નિમણૂક પામેલી મહિલા ચીફ જસ્ટિસોની સંખ્યા સાત ટકાથી વધારે નથી. ન્યાયપાલિકામાં-અદાલતોમાં મહિલા ન્યાયાધીશોની કમી-ઊણપનું એક કારણ એવું જણાવાય છે કે વકીલાતના ધંધામાં જ મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં બહુ જ ઓછી છે. ઉચ્ચ અદાલતોમાં 'મહિલા અનામત'ના સવાલ પર મોટા મોટા વિદ્વાન અને જાણકાર ન્યાયવિદ્ોની સલાહ પણ 'યોગ્યતા'ના ખાનામાં જઈને થંભી જાય છે.

ચારેતરફથી ઘેરાયેલી છે સ્ત્રી

નવાઈ લાગે એવી વાત છે કે આ ૬૯ વર્ષોમાં ભારતના કાયદાપ્રધાનો (ભીમરાવ આંબેડકરથી માંડીને રવિશંકર પ્રસાદ સુધી) અને રાષ્ટ્રીય કાનૂન પંચ-નેશનલ લૉ કમિશન તથા રાષ્ટ્રીય માનવ હક પંચ-નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના પ્રમુખ પદો પર પણ પુરુષોનો કબજો છે. ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલના પદો પણ જાણે પુરુષો માટે અખિયાતા ને આરક્ષિત હોય એવું લાગે છે. હા, થોડા સમય અગાઉ ઈંદિરા જયસિંહને વધારાનાં સોલિસિટર જનરલ બનાવીને મહિલા સશક્તીકરણનો જયજયકાર ચોક્કસ જ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એવો કે નિર્ણય કરવાનાં મહત્ત્વના સ્થાનો પર પુરુષોનું વર્ચસ્વ હંમેશનું રહ્યું. એટલું જ નહીં, વકીલોની પોતાની સંસ્થાઓમાં પણ મહિલા વકીલોને હાંસિયા પર જ ઊભી રખાઈ છે. બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના બધા જ (એમ. સી. સેતલવડથી માંડીને મન્નન કુમાર મિશ્ર સુધી) પ્રમુખો પુરુષ રહ્યા છે. દિલ્હીની વાત કરીએ તો હાઈ કોર્ટ બાર અસોસિયેશન, દિલ્હી બાર અસોસિયેશન (તીસહજારી કોર્ટ), નવી દિલ્હી બાર અસોસિયેશન (પટિયાલા હાઉસ કોર્ટ), રોહિણી બાર અસોસિયેશન, શહાદરા બાર અસોસિયેશન, સાકેત બાર અસોસિયેશન અને દ્વારકા બાર અસોસિયેશનના પ્રેસિડેન્ટો અને જનરલ સેક્રેટરીઓ પુરુષો જ ચૂંટાતા રહ્યા છે. અપવાદરૂપે પરીના સ્વરૂપ અને ઐશ્ર્વર્ય ભાટી સુપ્રીમ કોર્ટ બાર અસોસિયેશનની મહામંત્રી અને સંતોષ મિશ્રા નવી દિલ્હી બાર અસોસિયેશન (પટિયાલા હાઉસ)નાં પ્રમુખપદોની ચૂંટણીઓ ચોક્કસ જ જીતી છે. એક દેશના પાટનગરની જો આ હાલત છે ત્યારે દેશનાં રાજ્યોની સ્થિતિનો અંદાજ તો ચોક્કસ જ મૂકી શકાય છે.

પહેલી મહિલા વકીલ

અહીં એક બાબત તો નોંધવી જ પડે કે, રગીના ગુહાના મામલામાં કોલકતા ઉચ્ચ અદાલત (૧૯૧૬) અને સુધાશુંબાલા હજારાના મામલામાં પટણા ઉચ્ચ ન્યાયાલય (૧૯૨૨)એ કહ્યું હતું કે, 'મહિલાઓ કાનૂનની ડિગ્રી છતાં વકીલ હોવાની અધિકારી નથી.' આ બાબતે પણ આ બેઉ ઐતિહાસિક દસ્તાવેજો વાંચવા જેવા છે. ૨૪ ઑગસ્ટ, ૧૯૨૧માં પહેલી વાર અલાહાબાદ ઉચ્ચ અદાલતે કોર્નેલિયા સોરાબજીને વકીલાત કરવાની પરવાનગી આપી હતી. ડૉ. હરિસિંહ ગૌડના પુષ્ક્ળ પ્રયાસોના પગલે બનેલા સ્ત્રીવકીલ રેગ્યુલેશન-ધારા ૧૯૨૩ હેઠળ મહિલાઓની આ અયોગ્યતાને ખતમ કરી દીધી. આ સંદર્ભે જોઈએ તો મહિલાઓને વકીલાતના ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવવામાં ૧૦૦ વર્ષ પણ પૂરાં થયા નથી! વર્ષ ૨૦૨૨માં જ્યારે આ બાબતની શતાબ્દી ઉજવવામાં આવશે ત્યાં સુધીમાં શું એવી ઉમેદ અને આશા રાખી શકાય કે, ન્યાય વ્યવસ્થામાં જાતિભેદ નહીં રહે? જ્યાં સુધીમાં મહિલાઓને સમાનતા અને સન્માન નથી મળતું ત્યાં સુધી 'જેન્ડર જસ્ટિસ'નું સ્વપ્ન ફક્ત સ્વપ્ન જ રહેશે. વળી, જ્યાં સુધી 'કોલેજિયમ સિસ્ટમ' નથી તૂટતી ત્યાં સુધી આ અવસ્થામાં ખાસ ફરક પડવાનો નથી. એમ છતાં ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ કહેવું ચોક્કસ જ મુશ્કેલ છે.

(લેખક સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અને મહિલાઓ તથા બાળકોના અધિકારોના અગ્રણી પ્રવક્તા છે.)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsfvUzkte1oPgBKcBavHTV2GxBYXLH6XjyHp9SK3M6LvQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment