| 
શેક્સપીયર નાટ્યકાર તરીકે અમર થયો તેનું એક કારણ એ પણ હતું કે તે નાટકોમાં અવનવા પ્રયોગો કરતો અને તે પ્રયોગો દર્શકોના મનમાં લાંબા સમય સુધી ઘર કરી જતા. તેમણે નાટકોની અંદર કરેલો એક રચનાત્મક પ્રયોગ એટલે 'પ્લે વીધીન પ્લે'. નાટકની વાર્તા જ એવી હોય કે તે વાર્તામાં એક બીજું નાટક ભજવાતું હોય. હોલમાં બેઠેલા દર્શકો નાટકના પાત્રોને, તે પાત્રો દ્વારા નક્કી થયેલાં બીજા પાત્રોને પણ જોતાં એટલે થોડાં મૂંઝવણમાં મુકાઈ જતા કે આ નાટકના પાત્રો કયાં અને તે પાત્રો વળી કયું બીજું પાત્ર ભજવી રહ્યા છે? પ્લે વીધીન પ્લેનો ક્ધસેપ્ટ હિટ ગયો અને હજુ સુધી તે થીમ ઉપર કૃતિઓ બને છે. ચિત્રકલામાં પણ ચિત્રની અંદર ચિત્ર હોય તેવા પ્રયોગો થયા છે. આવા પ્રયોગમાં નોંધપાત્ર ચિત્ર દોર્યું ફ્રાન્સના મહાન ચિત્રકાર ગુસ્તાવ કોર્બેએ. અગિયાર ફૂટ બાય વીસ ફૂટના આ વિશાળ ચિત્રનું આખું નામ ખૂબ લાંબુ છે: 'ધ પેઇન્ટર્સ સ્ટુડિયો: આ રિયલ એલેગોરી સમિંગ અપ સેવન યર્સ ઓફ માય આર્ટિસ્ટીક એન્ડ મોરલ લાઈફ.'
જેવો ફોટો હોય એવું જ આબેહૂબ ચિત્ર દેખાય તેને સ્થૂળ રીતે રિયાલિસ્ટીક ચિત્ર કહી શકાય. ચિત્રકલામાં વાસ્તવવાદ અર્થાત રિયાલિઝમ પ્રમાણમાં મોડું આવ્યું. ઓગણીસમી સદીના શરૂઆતના ભાગમાં કોર્બે જેવા ચિત્રકારોએ ભવ્યતા અને શૃંગારને જ મહત્ત્વ આપતા રોમેન્ટીસીઝમને ફગાવ્યું અને ભવિષ્યમાં એમાંથી ઇમ્પ્રેશનીઝમ એટલે કે પ્રભાવવાદ અને ક્યુબિઝમના જન્મદાતા સમાન રિયાલિઝમનો જન્મ થયો. કોઈનો પક્ષ ખેંચ્યા વિના સ્ટ્રેટફોરવર્ડ વાત રિયાલિઝમની કલા કરતી. જે છે એ બતાવવું, અગર તો ચિત્રકારને જે વાસ્તવિકતા દેખાય છે એ જ જોનારને બતાવવી તે રિયાલિઝમના ચિત્રકારોનું કામ હતું અને ગુસ્તાવ કોર્બેને રિયાલિઝમના પિતા કહી શકાય. એમાં પણ તેમણે આ ચિત્ર દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય અરીસો બતાવ્યો હતો.
આ ચિત્રને ટૂંકમાં 'પેઇન્ટર્સ સ્ટુડિયો' તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સમાં જન્મેલા ગુસ્તાવ કોર્બેએ આ ચિત્રમાં પોતાનો સ્ટુડિયો જ દોર્યો છે. ચિત્રકલાનો સ્ટુડિયો હોય એટલે એમાં આદર્શ રીતે ચિત્રકામ થઈ રહ્યું હોય માટે તેણે ચિત્રની વચ્ચોવચ્ચ પોતાની જાતને મૂકી એવું નથી. તેણે આ ચિત્ર દ્વારા સમાજ ઉપર, કલાજગત ઉપર, કળાના કહેવાતા મર્મીઓ ઉપર વેધક કટાક્ષ કર્યા છે. ચિત્રને ધ્યાનથી જોઇએ તો કોર્બેની પાછળ મોડેલ સ્ત્રી ઊભી છે. આજની તારીખે પણ આર્ટ્સ સ્કૂલમાં મોડેલ સ્ત્રીઓને પોઝમાં રાખીને વિદ્યાર્થીઓ ચિત્રો દોરતાં હોય છે પરંતુ તે એકેડેમિક શૈલી થઈ. કોર્બેનું ધ્યાન એ સ્ત્રી ઉપર નથી. કોર્બે તો એમના ચિત્રમાં મશગુલ છે. અર્થાત જુના ચિત્રકારોની પરંપરાગત શૈલીને ત્યજીને કોર્બે રિયાલિઝમ તરફ આગળ વધી રહ્યા છે અને ફ્રાન્સની જ 'લુ રીવર વેલી' દોરી રહ્યા છે. પોતાના ઘરને સમાજની વચ્ચેથી પોતાના સ્ટુડિયો સુધી લાવવાની ક્રિયાનું એ પ્રતીક છે. વળી તેમણે એ સ્ત્રીને પણ એ રીતે બતાવી છે કે તે અપ્સરા ન લાગે પણ સામાન્ય માણસ લાગે.
હવે આ ચિત્રના ત્રણ ભાગ પડે છે એવું જોઈ શકાય. કોર્બે ચિત્રના મધ્યભાગમાં છે અને ચિત્રમાં ડાબી તરફ અને જમણી તરફ જુદા જુદા વર્ગના લોકો ઊભા છે. જમણી બાજુ શેરહોલ્ડર્સ છે, આર્ટ ક્રિટિક છે, લેખકો છે. અર્થાત સમાજનો કહેવાતો ભદ્ર અને ઊંચો વર્ગ છે જે પોતાને હંમેશા રાઈટ/સાચો જ માને છે. કોર્બેએ તેને જમણી બાજુ સ્થાન આપ્યું છે. એ ભાગમાં પોતાના મિત્રો કે ચિત્રકારને રૂપિયા આપનાર શેઠિયાઓ પણ હશે છતાં પણ કોર્બેએ તેની બાજુ પીઠ રાખીને મોઢું ફેરવી લીધું છે તેની નોંધ લેવાનું ચુકાવું જોઈએ નહીં. જમણી બાજુ રહેલા વ્યક્તિઓમાં આર્ટ કલેક્ટર પણ છે અને કવિ પણ છે. કોર્બેને કમિશન આપનારી વ્યક્તિ પણ એ બાજુ ઊભી છે. વધુ રસપ્રદ ભાગ ચિત્રનો ડાબી તરફનો છે. વર્ષો સુધી આર્ટ ક્રિટિક એવું માનતા રહ્યા કે આ ચિત્રમાં ડાબી બાજુ મધ્યમવર્ગીય લોકો ઊભા છે. પણ વાત અહીં એટલી સરળ ન હતી. ડાબી બાજુ ચિત્રકારની તરફ મોઢું રાખીને ખુરશી ઉપર બેઠેલો માણસ એમ્પેરર નેપોલિયન ત્રીજો છે જે તે સમયે ફ્રાન્સનો રાજા હતો. તેની બરોબર સામે બીજી એક વ્યક્તિ પણ ખુરશીમાં બેઠી છે એ એમિલ દે ગીરારડીન છે, જે અખબારનો માલિક હતો. રાજા અને પત્રકારને સામસામા બેસાડ્યા છે અને એ બંનેની વચ્ચે લોહીનું ખાબોચિયું, છરી, ગિટાર, મોટો ટોપો અને કૂતરાં રાખ્યાં છે. આ બધા પ્રતીકો સમજાવવા પડે તેવા નથી. પરંતુ જમીન ઉપર પડેલી આ ચીજવસ્તુઓનો એક અર્થ એ પણ ખરો કે કોર્બેએ રોમેન્ટિસીઝમને જમીન ઉપર પડેલી એટલે કે મરેલી હાલતમાં બતાવી.
આ ચિત્રની અંદર કોર્બે લેન્ડસ્કેપ જ શું કામ દોરે છે? કારણ કે એ જમાનામાં ચિત્રકારોની દુનિયામાં સૌથી વધુ મહત્ત્વ ધાર્મિક કે ઐતિહાસિક પાત્રો દોરતા ચિત્રકારોનું હતું. તેના પછી પોટ્રેટનો નંબર બીજો આવતો. છેલ્લે લેન્ડસ્કેપનો નંબર આવતો. કોર્બેએ પોતાની જાતને વચ્ચોવચ્ચ મૂકી. પોતાના ચહેરના હાવભાવ થોડા અરોગન્ટ બતાવ્યા અને લેન્ડસ્કેપ દોરવામાં મશગુલ હોય એવું વાતાવરણ ઊભું કર્યું. સમાજના દરેક વર્ગને પોતાની ચોતરફ ઊભા રાખી દીધા. પોતાના ચિત્રની પાછળ વધસ્થમ્ભ ઉપર ચડેલા ઈસુખ્રિસ્તની અદામાં દોરેલા એક ભીંતચિત્રને બતાવ્યું. અને એ બધાના સેન્ટરમાં પોતે બેઠો. એનો અર્થ એ કે પોતે 'ક્રીએટર' છે, સર્જનહાર છે. તેના નવી શૈલીના ચિત્રો દુનિયાને જ અરીસો બતાવે છે તે વાત ચિત્રકારે ગૌરવભેર કહી. હવે સર્જનહારની નજીક કોણ આવી શકે? પૈસાદાર? કે ગરીબ? કદાચ બંને અથવા તો બંનેમાંથી એક પણ નહીં. કોર્બેની સૌથી નજીક મેલાં કપડાં વાળો નાજુક ચજોકરો૫ દેખાય છે. તેની પીઠ જ આપણે જોઈ શકીએ છીએ છતાં પણ તેની નિર્દોષતા ઉડીને આંખે વળગે છે. સર્જનહાર અને ચિત્રકાર બંનેની ખૂબી એ નિર્દોષતા પ્રત્યેની પ્રીતિમાં રહેલી છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovri-uYEoXkYdLzDXkoq%2B4URSK5ED0pd4tFse9fhi_N9w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment