| 
તમે જો કલાકાર છો અને તમારા ચિત્રો અને કૃતિઓને ક્યાંય પ્રદર્શિત કરો છો તો એક ખાસ પ્રકારનો સવાલ સામે તમારો સામનો થાય છે. વળી, આ સવાલ સામાન્ય રીતે એવા દર્શકો દ્વારા કરવામાં આવતો હોય છે, જે પહેલી વાર કલા ગેલેરીમાં આવ્યો હોય, ક્યારેક વળી નિયમિત રીતે ચિત્ર કે કલાકૃતિના પ્રદર્શનમાં આવેલો દર્શક પણ આવો સવાલ પૂછે છે કે, તમે આ શું બનાવ્યું છે અથવા આ રચના દ્વારા તમે શું કહેવા કે દર્શાવવા માગો છો? એ સાથે કોઈ ગંભીર પ્રકારના દર્શક કે કોઈ ખરેખરા કલાપ્રેમીનો આ સવાલ પણ ખડો થઈ જાય છે કે, શું કોઈ કલાકારની કૃતિઓની વ્યાખ્યા જરૂરી છે? ક્યારેક વળી, કોઈ કલા સમીક્ષકને વાંચતાં આપણને એવું પણ લાગે છે કે, આપણે આ રીતે કે આ એંગલથી આ કૃતિને નિહાળી જ નહોતી, જેવું કલાકાર દ્વારા કે વિવેચક દ્વારા કહેવામાં આવે છે એવું તો જોયું જ નથી!
ખરેખર તો સામાન્ય રીતે કોઈ પણ કૃતિના વિશ્ર્લેષણની જરૂર જ ન હોવી જોઈએ. એ કૃતિ કે રચનામાં આપોઆપ એવી ક્ષમતા હોવી જોઈએ કે એ કૃતિ જ કલાકારની ભાનવાત્મક અભિવ્યક્તિ તમારા સુધી પહોંચાડી શકે. અહીં એક વિચાર એવો પણ વ્યક્ત કરાય છે કે, કોઈ કલાકૃતિના ભાવને સમજવા માટે કે એના મૂલ્યાંકન માટે દર્શકને સ્વતંત્ર છોડી દેવો જોઈએ, જેથી એ જાતે જ કલાકૃતિનાં ગુણ-દોષોનું મૂલ્યાંકન કરી શકે, આકલન કરી શકે. આમ એના પર કલાકાર કે સમીક્ષક દ્વારા પોતાના વિચાર કે પોતાની વાત લાદવાની કોઈ મહત્તા નથી રહેતી... પણ ત્યારે એ માટે રચનાકારે અને દર્શકે એક જ ભાવભૂમિ પર આવવું અતિશય આવશ્યક્ બની રહેશે એટલે કે રચના કરતી વખતે રચનાકારની અંદર જે પ્રકારની ભાવના હશે એને દર્શકે શતપ્રતિશત-સોએ સો ટકા આત્મસાત કરવી પડશે.
જોકે, વ્યવહારિક રીતે એવું થવું એ સંભવ ન થઈ શકે કે બે જુદા જુદા કે ભિન્ન ભિન્ન લોકો એક જ પ્રકારની કે એક સમાન માનસિક અને વૈચારિક જમીન પર આવી શકે! આવામાં શબ્દોના માધ્યમથી રચનાકાર અને દર્શકની વચ્ચે રહેલી વૈચારિક ખાઈ કે વૈચારિક અંતરને ખતમ કરવાની બાબત પણ કોઈ સમીક્ષકની જવાબદારી બની જાય છે. એવું પણ નથી કે, સમીક્ષકની આવી જવાબદારી ફક્ત ચિત્રકલા કે મૂર્તિકલા-શિલ્પકલાની વ્યાખ્યાનાં રૂપમાં જ હોય. કારણ કે સાહિત્ય જેવી કલાશાખામાં પણ એની જરૂર હોય છે એવું આપણે અકસર જોઈએ છીએ. ઘણી વાર આપણે એવું માનીએ છીએ કે, દરેક વ્યક્તિમાં ચિત્રભાષાની સરળ સમજણ નથી હોતી, પણ લેખનમાં આવું ન થવું જોઈએ, કારણ કે શબ્દોને સમજવા એ રંગ, રેખાઓ અને આકૃતિઓ-આકારોને સમજવાની સરખામણીમાં ખાસ્સું સહેલું છે. પરંતુ અહીં પણ આપણને જ્યારે કોઈ વ્યખ્યાની કે સમજણની આવશ્યક્તા પડે છે કલાકૃતિઓની વ્યાખ્યાઓની જેમ અહીં પણ એમ કરવું પડતું હોય તેમાં નવાઈ ન લાગવી જોઈએ.
એમ તો આપણે જાણીએ જ છીએ કે દરેક જણ જન્મ પછી જોતાં શીખે છે, બોલતાં શીખવામાં એને થોડો સમય લાગે છે અને વાત જ્યારે લખવા અને વાંચવાની પણ આવે છે ત્યારે સૌથી પહેલા તો એ અડધી-અધુરી આકૃતિઓ-આકારો બનાવવાનું શીખે છે. એના ખાસ્સા બધાં પ્રયાસો પછીએ અક્ષરો, શબ્દો અને વાક્યો વાંચતાં-લખતાં શીખી શકે છે. વળી, આપણે એ પણ જાણીએ છીએ કે, આપણે ત્યાં પૌરાણિક કાળથી જ કોઈ કલાકૃતિ માટે શિલ્પ શબ્દનો ઉપયોગ થતો રહ્યો છે તો વળી, વર્તમાનમાં આપણે શિલ્પ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો એનો અર્થ અંગ્રેજી ક્રાફ્ટ પરથી લેવામાં આવે છે. કદાચ આવા જ કારણોસર આપણા પૌરાણિક ગ્રંથોમાં કલાકાર જેવા શબ્દને બદલે શિલ્પકાર, શિલ્પી અથવા શિલ્પાચાર્ય જેવા શબ્દોનું ચલણ રહ્યું છે.
કોઈ પણ કલાકૃતિ અને શિલ્પને સમજવાના ક્રમમાં મહાન ભારતીય કલાકાર બિનોદબિહારી મુખર્જીનું કથન આપણા માટે ખાસ્સું મદદગાર બની શકે છે-શિલ્પની ભાષા મૂળમાં જ ભાવ પ્રધાન હોય છે. એની ભાષાની પોતાની કેટલીક ખાસિયતો હોય છે ને એમાં કેટલીક સંભાવનાઓ સમાયેલી હોય છે એ બીજી વાત છે. એમાં ઊંડા ઊતરતાં એવું જોઈ શકાય છે કે, શિલ્પની ભાષા અને એનો બોધ કોઈ પણ શબ્દને વ્યક્ત કરતો નથી. શબ્દને આશ્રિત એવા વાક્યોની મદદ વડે તથ્યોનું પ્રગટીકરણ અથવા યોજવામાં આવેલા વિષયને વ્યક્ત કરવો જેટલો સહજ કે સરળ છે એટલી સહજતા શિલ્પની ભાષામાં નથી. શિલ્પની ભાષા વ્યક્ત થાય છે આકાર અને ભંગિમાને-મુદ્રાને સહારે. કોઈ પણ દેશની કોઈ પણ કલાનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો મૌલિક બોધના સ્વરૂપમાં આકાર અને મુદ્રા જ પ્રાપ્ત થશે.
સ્વચ્છ પ્રકાશમય, રંગીન જગતની વચ્ચે આકાર અને ભંગિમા-મુદ્રા જ જિજ્ઞાસા બનીને કે કૂતુહલથી આપણા મનમાં જે ખાસ સંવેદનોનું જગત બનાવે છે એ જ સંવેદનોના માધ્યમથી શિલ્પકલાની સૃષ્ટિ સર્જાય છે. જાગૃતિથી ભાવ અને ભાવથી રસ-સૌંદર્ય પ્રગટ થાય છે. શિલ્પીની સૃષ્ટિમાં અર્થાત શિલ્પીની વાસ્તવિક સમજણશક્તિ અને માનસિક ઉન્મુખતા કે ઈન્તજારી આ બે તત્ત્વોના સમન્વય વિના ભાષાની સંપૂર્ણ ઉઘાડ ક્યારેય થતો નથી.
કલા અથવા શિલ્પના આ મહત્ત્વને ભારતીય સંદર્ભમાં સારી રીતે ઉજાગર કરે છે. ભારતીયકલાના તો પુરાતત્ત્વ છે કે ન તો ઈતિહાસ! એ તો ભારતીય સંસ્કૃતિનાં પરમ ઉત્કર્ષને રજૂ કરે છે. ભારતીય ચિત્રકલાના રૂપાત્મક ગુણોના વિશ્ર્લેષણ અને રૂપ તથા કલ્પનાની આંતરિક નિર્ભરતા માનવીય કલા ઈતિહાસમાં અદ્વિતિય છે. આ આંતરિક નિર્ભરતા એટલી પ્રત્યક્ષ અને આંતરિક છે જાણે વાક્ અને અર્થ એટલે શિવ અને પાર્વતી. કલા ના તત્ત્વજ્ઞાન છે, ના ધર્મ. ભારતીય કલાનો હેતુ ઈન્દ્રિયગોચર એ ઐંદ્રિય કે ઈન્દ્રિયજન્ય નથી, શતાબ્દીઓથી ભારતીય કલા સંપૂર્ણ યથાર્થનું ઉદાત્ત રજૂઆત બની રહી છે.
સંબંધિત પ્રયોજનના પરસ્પર સૂક્ષ્મ મિશ્રણ સહિત કોઈ પણ માનવ કે દેવતાની મૂર્તિ એ વ્યાપક વિધ્વંશ અને વિકૃતિકરણથી બચી ન શકી હોત. ભારતીયકલા તો એક પછી એક આક્રમણોમાં સંડોવાઈ છે. જગતમાં કોઈ પણ કલા એવા સંજોગોમાં સપડાઈ નથી. ભારતીય કલા શતાબ્દીઓથી સંપૂર્ણ યથાર્થનું ઉદાત્ત રજૂઆત બની રહી છે, એવું શ્રીપત રાયનું કથન છે.
ભારતીય કલા પરંપરાનું સાતત્ય અને જીવંતપણું મોટા ભાગે પૂર્ણ યથાર્થની-ઉચિતપણાંની ખોજ પર આધારિત છે. સાધારણ રીતે ભારતીય સભ્યતા ધર્મ-શાસ્ત્રીય ન રહીને તત્ત્વજ્ઞાની અને કાવ્યાત્મક કહી શકાય એવી છે. અહીં આપણે એ સમજવું જોઈએ કે માણસે પહેલી ચિત્રરચના કયા કારણોથી તથા કઈ પરિસ્થિતિમાં કરી હશે અથવા ચિત્રની રચના કરવાનો વિચાર શાથી અને કેવી રીતે આવ્યો હશે? અહીં એટલું સમજી શકાય છે કે, વિવેકશીલ હોવાની પ્રારંભિક અવસ્થામાં જ્યારે માણસે પોતાની આસપાસની પ્રકૃતિએ પ્રદાન કરેલી ચીજો અને દૃષ્યોને જોયા તો એના મનમાં અનેક ભાવ ઉત્પન્ન થયા હશે. એ ભાવોને વિકસિત કરીને કોઈ કલાકારે બીજાને એ સમજાવવા માટે આકૃતિઓ-આકારોનાં આલેખનની મદદ લીધી હશે. આમ ભાષાના અભાવમાં એણે પોતાની અભિવ્યક્તિનાં શરૂના માધ્યમ તરીકે રેેખાંકન કર્યું હશે.
જોકે, આજે એવું રહ્યું નથી, જેવું માનવની પ્રારંભિક અવસ્થામાં થયું હતું. આજે માણસ પાસે પોતાની વાતોને અભિવ્યક્ત કરવા માટે ભાષા સૌથી વધારે પ્રચલિત માધ્યમ બની છે. એને પગલે આજે આપણે સામાન્ય રીતે દરેક વાતને ભાષા અને શબ્દોના માધ્યમથી સમજવાની ટેવ ધરાવતા બની ગયા છીએ. આથી જ આપણી એવી અપેક્ષા હોય છે કે, આપણે કોઈ ચીજ એટલે કે ચિત્રકૃતિ જોઈને સમજી જઈએ અથવા કોઈ આપણને એ સમજાવે... પણ શું કલામાં આમ થવું શક્ય છે? કલામાં જો આવું થવા લાગ્યું તો કોઈ પણ રચનાને માટે કહેવાયેલો શબ્દ નકામો-અર્થહિન બની જશે કે સૌંદર્ય એ છે જેમાં દરેક બદલાતી જતી પળની સાથે નવીનતા હોય! જોકે, મારી સમજણ અનુસાર ઉચિત તો એ જ છે કે, આપણે આપણી કલાદૃષ્ટિને વિકસિત કરીએ અને એને માટે જે પહેલી જરૂરિયાત ઠે તે એવી છે કે, નિયમિત રીતે કલા-પ્રદર્શનોમાં જવાની સાથે કલા વિષયક ચર્ચામાં ભાગીદારી કરીએ! |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvinvqcXKiaG80cFK3vAn5dww9c7L97mVP0CCxAjkZYfw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment