Wednesday, 6 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સતત રહેતી ઍસિડિટીને ટાળો નહીં... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સતત રહેતી ઍસિડિટીને ટાળો નહીં!
જિગીષા જૈન

 

 


દોઢ વર્ષથી તે રાત્રે સૂઈ નહોતા શકતા, જે ઑપરેશન પછી શાંતિથી સૂઈ શક્યા. આ વેપારીને છેલ્લાં ૬-૭ વર્ષથી સતત ઍસિડિટી રહેતી અને દવાઓ છતાં તેમનો પ્રૉબ્લેમ વધતો જ રહ્યો. દવાઓથી ઠીક ન થઈ શકતી ઍસિડિટી રોગ નથી, રોગનું લક્ષણ છે. એટલે ખાસ જરૂરી છે કે એ થવા પાછળનું કારણ શોધવું અને એનો યોગ્ય ઇલાજ કરવો.


સુરતના ૪૮ વર્ષના વેપારી રમેશ ભાદાણીને છેલ્લાં ૬ વર્ષથી ઍસિડિટીની તકલીફ હતી. સતત દવાઓ તે લેતા હતા, પરંતુ આ પ્રૉબ્લેમ દવાઓની સાથે પણ વધતો જ જતો હતો. છેલ્લા દોઢ વર્ષથી તો એવી હાલત હતી કે દિવસ દરમ્યાન સતત છાતી પાસે બળતરા થયા કરતી હતી અને રાત્રે જમ્યા પછી બે કલાકે સૂવે ત્યારે ઊંઘમાં ખાટા ઓડકાર આવે અને ઊઠી જવું પડે એટલું જ નહીં, જો પાછા સૂઈ જાય તો ફરી બે કલાક પછી પાછું ખાટું પાણી મોઢામાં આવી જાય. વારંવાર એવું ન થાય અને સૂવા મળે એટલે રાત્રે મોઢામાં આંગળી નાખીને રમેશભાઈ ઊલટી કરી નાખતા જેથી સૂઈ શકાય. પલંગ પર સીધા સૂવાને કારણે તેમને ઊંઘમાં પણ ખાટા ઓડકાર આવતા હતા એટલે તેઓ આરામખુરશીમાં સૂવા લાગ્યા હતા જેથી તેઓ સૂઈ શકે. આ તકલીફને ગૅસ્ટ્રોઈસોફેગલ રીફ્લક્સ ડિસીઝ (GERD) કહેવાય છે. એટલે કે જેમાં અન્નનળી મારફત ઍસિડ ઉપર તરફ મોઢામાં આવતું હોય. જ્યારે ઊંઘ પર ખૂબ અસર થવા લાગી ત્યારે તેમને લાગ્યું કે કંઈક તો કરવું જ પડશે. સુરતમાં બે વાર એન્ડોસ્કોપી કરાવી હતી, જેમાં ત્યાંના ડૉક્ટર્સને સમજાયું કે રમેશભાઈને હાયેટસ હર્નિયા થયું છે; જેને કારણે GERDની તકલીફ થઈ છે તેમને. જ્યાં સુધી હર્નિયાનું ઑપરેશન નહીં થાય ત્યાં સુધી આ તકલીફ પતશે નહીં. હાલમાં મુંબઈમાં રમેશભાઈએ તેમનું ઑપરેશન કરાવ્યું અને અત્યારે તે બિલકુલ સ્વસ્થ છે અને હવે શાંતિથી સૂઈ શકે છે અને બિઝનેસ પર ધ્યાન આપી શકે છે.


હર્નિયા
હર્નિયા એટલે શું એ સમજવા માટે આપણે શરીરની રચના પણ સમજવી પડશે. દરેક અંગ સ્નાયુઓથી જોડાયેલું છે. જ્યારે કોઈ પણ અંગ પોતાને એની જગ્યા પર પકડી રાખતા સ્નાયુ કે ટિશ્યુની દીવાલને ધક્કો મારીને બહાર આવી જાય છે એ તકલીફને હર્નિયા કહે છે. એ વિશે વાત કરતાં KEM હૉસ્પિટલ અને ફોર્ટિસ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને ગૅસ્ટ્રો સજ્ર્યન ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, 'ખાસ કરીને આંતરડાં પેટની દીવાલની નાજુક બાજુએથી કે નબળી પડી ગયેલી બાજુએથી બહાર નીકળે એ અવસ્થા એટલે હર્નિયા. સામાન્ય ભાષામાં સમજો તો પ્લાસ્ટિકની પાતળી થેલીમાં આંગળી ભરાવીને એને ખેંચીએ તો એ એકદમ પાતળી થઈને થોડીક બહારની બાજુએ ઊપસી આવે અને એમાં ધારોકે કોઈ વસ્તુ કે પાણી ભરાઈ જાય તો જે હાલત થાય એ જ હર્નિયા. અહીં પ્લાસ્ટિકની કોથળી એટલે સ્નાયુ, ટિશ્યુ કે પછી પેટની દીવાલ સમજો અને એમાં ભરાઈ જતી વસ્તુને અંગ કે આંતરડું સમજો તો સમજી શકાશે કે હર્નિયામાં શું તકલીફ થતી હોય છે.'


હાયેટસ હર્નિયા
રમેશભાઈના થનારી હાયેટસ હર્નિયાની તકલીફ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. એની પાછળ કોઈ કારણ જાણીતું નથી, પરંતુ વારસાગત આ રોગ આવી શકે છે. જોકે રમેશભાઈના ઘરમાં તો કોઈનેય આવી તકલીફ નથી. આ હાયેટસ હર્નિયા એટલે શું? આ પ્રશ્નનો જવાબ આપતાં રમેશભાઈનો ઇલાજ કરનારા ઝેન હૉસ્પિટલના ફાઉન્ડર અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રૉય પાટણકર કહે છે, 'આપનાં ફેફસાં અને આંતરડાંની વચ્ચે એક ડાયાફ્રેમ નામનો સ્નાયુ આવે છે. આ સ્નાયુનું મુખ જો વધુપડતું ખૂલી જાય તો આંતરડું છાતીમાં ઘૂસી જાય છે, જેને હાયેટસ હર્નિયા કહે છે. એને કારણે રમેશભાઈને GERDની તકલીફ થતી હતી. અમે તેમની એન્ડોસ્કોપી અને મોનોમેટ્રી ટેસ્ટ કરી હતી, જેમાં ખબર પડી હતી કે રમેશભાઈને કયા પ્રકારની સર્જરીની જરૂર છે. અમે લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા ડાયાફ્રેમનું ઓપનિંગ નાનું કરી દીધું, જેને કારણે છાતીમાં આંતરડું ઘૂસતું બંધ થઈ જાય અને હર્નિયાની તકલીફ સૉલ્વ થતાં તેમનું GERD પણ બંધ થઈ જાય.'


ચિહ્નો
હર્નિયામાં મોટા ભાગે માણસને એ જ ચિહ્ન પ્રખર રીતે જોવા મળે છે અને એ છે ઍસિડિટી, જે દવાઓથી ઠીક ન થતી હોય. ઍસિડિટીને આપણે હંમેશાં ખૂબ જ સામાન્ય સમજીને અવગણતા હોઈએ છીએ. જો ઍસિડિટી ક્યારેક થતી હોય તો એ સામાન્ય છે, પરંતુ જો સતત કોઈ વ્યક્તિને ઍસિડિટી રહેતી હોય તો તેણે ચોક્કસ વ્યવસ્થિત તપાસ કરવી જોઈએ. સતત રહેતી ઍસિડિટી રોગ નથી, પરંતુ છૂપા રોગનું ચિહ્ન છે એટલે એ જાણવું જરૂરી છે કે આ સતત રહેતી ઍસિડિટી પાછળ કયું કારણ જવાબદાર છે. આ સિવાય જો ઍસિડિટી સાથે વ્યક્તિનું વજન એકદમ ઓછું થઈ ગયું હોય, જમવાનું ગળામાં અટકતું હોય કે મળમાં લોહી પડતું હોય કે મળ એકદમ કાળા રંગનું આવતું હોય તો તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી છે.


સર્જરી જ કરાવવી પડે
હર્નિયાના ઘણા જુદા-જુદા પ્રકાર છે, પરંતુ કોઈ પણ પ્રકારનું હર્નિયા હોય એમાં દવાઓ કામ કરતી નથી. સર્જરી જ એકમાત્ર ઉપાય છે જેનાથી હર્નિયા ઠીક થઈ શકે છે. સર્જરીમાં વાર લગાડીએ તો એવું બને કે તકલીફ વધી જાય એટલે તકલીફનું જલદી નિદાન થવું જોઈએ અને નિદાન બાદ યોગ્ય સર્જરી દ્વારા ઇલાજ કરાવીને વ્યક્તિ સ્વસ્થ બની શકે છે.


કૅન્સરનું રિસ્ક
રમેશભાઈના કેસમાં એક અત્યંત મહત્વનો પ્રૉબ્લેમ હતો અને એ ટેસ્ટ દ્વારા સામે આવ્યો હતો. રમેશભાઈને જે ખાટા ઓડકાર આવતા હતા અથવા કહીએ કે ઍસિડ રીફ્લક્સની તકલીફ હતી એને કારણે તેમની અન્નનળીમાં પ્રીકૅન્સરસ ચિહ્નોની શરૂઆત થઈ ગઈ હતી. ખાટા ઓડકાર એક સામાન્ય તકલીફ છે અને કોઈને પણ ઍસિડ રીફ્લક્સનો પ્રૉબ્લેમ હોઈ શકે છે. આવા નાના પ્રૉબ્લેમમાં કૅન્સર જેવી મોટી તકલીફ કઈ રીતે શક્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. રૉય પાટણકર કહે છે, 'ઍસિડિટીનો પ્રૉબ્લેમ આમ તો સામાન્ય છે, પરંતુ સતત રેગ્યુલર જેમને આ તકલીફ રહેતી હોય તેમણે કોઈ પણ પેટના ડૉક્ટરને મળીને એક વખત એન્ડોસ્કોપી કરાવી લેવી; કારણ કે જો આ પ્રૉબ્લેમ લાંબો સમય રહે તો જે ભાગમાં એ અસર કરે છે એ ભાગના કોષોમાં પરિવર્તન શરૂ થઈ જાય છે જે કૅન્સરસ હોઈ શકે છે. આ કેસમાં પણ એવું જ હતું. હવે જ્યારે રમેશભાઈની સર્જરી થઈ ગઈ છે ત્યારે ઍસિડ અન્નનળીમાં આવશે નહીં અને એટલે જે પ્રીકૅન્સરસ ગતિવિધિ કોષોમાં દેખાય એ જાતે ઠીક થઈ જશે. જો તેમની સર્જરી ન થઈ હોત અને આમ ને આમ હજી એકાદ વર્ષ નીકળી ગયું હોત તો અન્નનળીનું કૅન્સર થવાનું રિસ્ક ચોક્કસ હતું.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot-KVsZgXEb_J1ZvtiT2PwjV%3DnWV7ckg0DT-CipTrTC6A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment