| 
કપિલ શર્માના શોમાં જ્યારે પુરુષો સ્ત્રી બનીને આવે ત્યારે હાથ, પગ અને મોઢા પરના વાળ કઢાવવા પડે છે. સ્ત્રી અને પુરુષનો ભેદ શારીરિક તો છે જ પણ ચહેરા પર વાળ હોય, હાથ, પગ પર વાળ હોય તો પુરુષ અને ન હોય તો સ્ત્રી એવું સહજ બંધારણ સમાજનું થઈ ગયું છે. એક જમાનો હતો કે મૂછ વિનાનો મર્દ ન કહેવાય. મૂછ સાથે મર્દાનગીનું કનેકશન હોવાનું મનાતું. ધીમે ધીમે પશ્ર્ચિમના વાયરે જેમ ધોતી ગઈ ને પેન્ટ આવ્યા તેમ મૂછો પણ ગઈ. જો કે વળી પાછો ટ્રેન્ડ આવ્યો છે મૂછ અને દાઢી બન્ને રાખવાનો. સાથે લાંબા વાળ પણ. મનુષ્ય વાળને લીધે બીજાં પ્રાણીઓથી જુદો પડતો હતો. માથાના આટલા લાંબા વાળ માણસ સિવાય બીજા કોઈના નહોતા. માણસ ચોપગા પ્રાણીમાંથી ટટ્ટાર ચાલતો થયો અને મનુષ્ય તરીકે વિકાસ થતો ગયો તેમ માથાના વાળ ઓછા થતા ગયા. જો કે તેને હજારો વરસ લાગ્યાં.
ઈજિપ્ત અને રોમન સામ્રાજ્યમાં પુરુષો માથાના વાળ ટૂંકા કે પછી સાવ જ કાઢી નાખતા પછી ઉપરથી વિગ કે ખાસ ટોપો પહેરતા. ત્યારબાદ બ્રિટિશરોમાં પણ પુરુષો માથા પર વિગ પહેરતા. આજના આધુનિક સમયમાં પહોંચતા સુધીમાં વિગ પહેરવાનું ફક્ત કોર્ટરૂમમાં ન્યાયાધીશ સુધી સીમિત હતું તે પણ કોર્ટની ઐતિહાસિકતા જાળવવા માટે જ હતું એવું લાગે છે. હવે તો એ પણ નથી રહ્યું. જો જૂની ફિલ્મોના કોર્ટરૂમના સીન જોશો તો ન્યાયાધીશના પાત્રમાં તેજસપ્રુ માથે સોનેરી વિગ પહેરીને બેઠેલા જોઈ શકાય છે.
ટાલ પુરુષોને જ પડે છે તેનું કારણ છે પૌરુષિય હોર્મોન. સ્ત્રીઓને એલોપેસિઆનો રોગ થયો હોય તો જ ટાલ પડે છે. હા હોર્મોનલ ફેરફારને કારણે વાળ ઓછા થવાનું કેટલીક સ્ત્રીઓમાં જણાય છે, પરંતુ પુરુષોમાં તેનું પ્રમાણ વધારે છે. પુરુષને પાંત્રીસેકની ઉંમર બાદ આગળથી ચંદ્રાકારે કે પછી પાછળથી ટાલ પડવાની શરૂઆત થાય છે. એટલે મોટી ઉંમરનો પુરુષ જે સફળ થયો હોય, વડીલ હોય તેને ટાલ હોય તેવું માનવામાં આવે છે. ટાલ એ પૌરુષિયપણાનું પ્રતીક હોવા છતાં પુરુષ હવે યુવાન નથી રહ્યો તેવી માન્યતાને કારણે પુરુષોને ટાલિયાપણું ગમતું નથી. તેને વારવાના બધા જ પ્રયત્નો થાય છે. વિગ પહેરાય છે કે પછી હેર વિવિંગ કરવામાં આવે છે. એ સિવાય પુરુષોના છાતી પરના વાળને એક જમાનામાં સેક્સીલુક મનાતો.
કોફી વીથ કરણની પહેલી સિઝનમાં એક એપિસોડ દરમિયાન અભિષેક બચ્ચનની કોમેન્ટ સાંભળી હતી કે તેની મા જયા બચ્ચને કહ્યું છે કે જે પુરુષના છાતીના વાળ ન હોય તેનો ક્યારેય વિશ્ર્વાસ ન કરવો. અફકોર્સ આ મજાક જ હતી. પણ અભિષેકે બીજું કહ્યું કે છાતીના વાળ કાઢવાનું હું વિચારી શકતો નથી. સિવાય કે ખરેખર રોલની ડિમાન્ડ હોય. છાતીના વાળ પૌરુષિય વ્યક્તિત્વ દર્શાવે છે.
વેલ, યાદ આવ્યો જ્હોન અબ્રાહમ, સલ્લુ, સિક્સપેકવાળો શાહરુખ ખાન, આમિરખાન અને રિતીક રોશન... દરેકના ક્લીન શેવ્ડ બોડી સાથે ફોટા છપાયા છે અને ફિલ્મોમાં ય જોયા જ છે. પુરુષોને મૂછ, દાઢી, છાતી, પીઠ અને હાથ, પગ પર વધારે વાળ હોય છે તેનું કારણ ટેસ્ટોટરોન હોર્મોન જ જવાબદાર હોય છે, સો ઇટસ નેચરલ.. શરીર પરના વાળ પણ પૌરુષિય નિશાની ગણાય, પરંતુ છાતીના કેટલા ભાગમાં વાળ હોય, જાડાં, બરછટ કે સુંવાળા કે પછી છાતીથી પેટ સુધી વાળની પેટર્ન હોય તે દરેક બાબત તમને વારસામાં મળેલા જીન્સ - ડીએનએ પર આધારિત હોય છે. કેટલાક પુરુષોને કુદરતી રીતે જ છાતી પર વાળ નહોય તેવું ય બને. એ જોઇને આજનો યુવક કહેશે... હાઉ લક્કી..
એક જમાનો હતો છાતીના વાળ સેક્સી ગણાતા હતા તે સમયે દેવઆનંદે કાલાપાની ફિલ્મમાં શર્ટના બટન ખુલ્લા રાખીને પોતાના છાતીના વાળનું પ્રદર્શન કર્યું છે. તો જિતેન્દ્ર, ફિરોઝ ખાન, અમિતાભ બચ્ચન પણ શર્ટના બેથી ચાર બટનો બંધ કરતા નહીં. જ્યારે આજના હીરો તો શર્ટલેસ સીન આપવા તત્પર હોય છે. તેમનું સિક્સપેક શરીર ક્લીન શેવ્ડ હોય છે. પૌરુષિય પ્રતિભા દર્શાવતું જેમ્સ બોન્ડનું પાત્ર કરતાં સીન કોનેરી, પિઅર્સે બ્રોસનનએ એક જમાનામાં શરીરના વાળ દર્શાવ્યા હતા. એક જમાનો હતો જ્યારે મૂછો સાથે છાતી પરના વાળ પૌરુષત્વની નિશાની મનાતા હતા. આજે પણ જુનવાણી વિચારધારા ધરાવતા પુરુષો અને સ્ત્રીઓ પુરુષના ચહેરાને કે છાતીને ક્લીન શેવ્ડ જોવું પસંદ નથી કરતા.
જો કે હવે ચહેરા પર અને શરીર પર ખાસ કરીને છાતીના વાળ હવે પૌરુષિય પ્રમાણ નથી ગણાતા. પૌરુષિય રમતો ફૂટબોલ અને રગ્બીના સ્ટાર ખેલાડીઓ પણ હવે ક્લીન શેવ્ડ શરીર સૌષ્ઠવ દર્શાવી રહ્યા છે. જાહેરાતોમાં દાઢી કરતો પુરુષ દર્શાવાય ત્યારે પીઠ અને છાતી ઉપર પણ વાળ નહીં જ હોય. આ ટ્રેન્ડ શરૂ થયો છે છેલ્લા બે દશકાથી. વિશ્ર્વપ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહમ પણ ક્લીન શેવ્ડ છાતી ધરાવે છે.
આ દરેક સેલિબ્રિટીની અસરને કારણે આજનો વરણાગી રાજા પણ ક્લીન શેવ્ડ છાતી અને પેટ માટે કેટલી તકલીફો વેઠે છે. છાતી અને પેટ પરથી વાળ કાઢવા કેટલા કષ્ટદાયક છે. રોજ રોજ દાઢી કરવી તો સમજ્યા પણ અસ્તરો કે મોંઘુદાટ ઇલેક્ટ્રિક ક્લીન શેવર વસાવવું પડે છે. વળી આખી છાતી અને પેટ પરથી વાળ કાઢવા માટે ખાસ્સો સમય બાથરૂમમાં વિતાવવો પડે છે. અથવા બ્યુટી સલૂનમાં વિતાવવો પડે છે. અફકોર્સ સમય સાથે પૈસેટકે પણ મોંઘું પડે જ, પરંતુ પુરુષો હવે દેખાવ બાબતે સજાગ થઈ ગયા છે કે વધુ અસલામતી અનુભવવા માંડ્યા છે તે સંશોધનનો વિષય છે. જાહેરાતોમાં સુંદર સ્ત્રીઓની બાજુમાં ઊભેલો પુરુષ ક્લીન શેવ્ડ શરીરવાળો જ હશે. ફિલ્મોમાં પણ હીરો ક્લીન શેવ્ડ અને સ્ત્રીઓને આવા પુરુષો ગમે છે તેવું ધારી બેસતાં સામાન્ય વ્યક્તિઓ પણ ક્લીન શેવ કરાવવા માટે અનેક જહેમતો ઉઠાવવા લાગ્યા છે. સ્મુથ સ્કીન માટે સ્ત્રીઓની જેમ વેક્સ કરાવવું પડે યા તો લેસર પ્રક્રિયાથી કાયમ માટે વાળ દૂર કરો. વેક્સ કરાવતી સમયે અધધધ પીડા સહન કરતાં પુરુષો ય છે. તો લેસર પ્રક્રિયા મોંઘીદાટ છે એ તો સેલિબ્રિટીને જ પરવડે. મેન હેર રિમૂવર ગુગલ પર ટાઇપ કરોને અઢળક ઓપ્શન તમને જોવા મળશે. વેક્સ વીથ સ્ટ્રીપ, જેલ, શેવર સ્પ્રે વગેરે વગેરે...
પીઠના વાળ કાઢવા માટે પત્નીને કહેતાં પુરુષો અચકાવા માંડ્યા છે, કારણ કે સ્ત્રીઓને આખા શરીર પરથી વાળ કાઢતા પુરુષને જોવું ગમતું નથી. હકીકતમાં તો સ્ત્રીઓને છાતીના વાળ ધરાવતો પુરુષ ગમતો હોય છે, પરંતુ છાતી પર સફેદ વાળ જોઇને પુરુષને ગભરામણ થવા માંડે છે. સફેદ વાળ વૃદ્ધત્વની નિશાની ગણાય છે અને પુરુષાતન ઓછું થયાના માનસિક ભય હેઠળ પણ મધ્યમવયના પુરુષો છાતી પરથી વાળ કાઢવાનું પસંદ કરવા લાગ્યા છે. મોટેભાગે બોડી બિલ્ડર પુરુષો ક્લીન શેવ્ડ હોય છે, કારણ કે તેમના ટોન મસલ્સ દેખાઇ શકે તે માટે તેઓ ક્લીન શેવ્ડ રહેવાનું પસંદ કરે છે.
જેટલા પણ સર્વે થયા છે તેના પરથી એવું સાબિત થાય છે કે મોટાભાગે સ્ત્રીઓને છાતી પર વાળ હોય તેવા પુરુષો આકર્ષક લાગે છે. પણ આખી પીઠ અને હાથ પર રીંછ જેવા વાળ હોય તો તેમને નથી ગમતું. છાતી પર થોડાઘણાં સ્મુથ વાળ હોય તો આકર્ષે છે. બહુ વાળ ધરાવનાર પુરુષોમાં જો સ્વચ્છતાનો અભાવ હોય તો પરસેવાની વાસ આવી શકે છે. એટલે જ ઘાટા વાળ ધરાવનાર પુરુષો આકર્ષક નથી લાગતા. એટલે છાતીના અને બગલના વાળ સંપૂર્ણ ન કાઢી નાખતાં તેને ટ્રિમ કરવા સ્વચ્છતા માટે અને ગ્રુમિંગ માટે પણ જરૂરી છે. છાતીના વાળ રેઝરથી કાઢશો તો તમારી નજીક આવતી સ્ત્રીને ક્યારેય નહીં ગમે, કારણ કે તે ઇરિટેટિંગ હોઇ શકે છે. એટલે કોઇપણ ટ્રેન્ડ અપનાવતા પહેલાં તેને યોગ્ય રીતે સમજી લેવું જરૂરી છે.
વળી ક્લીન શેવ્ડ પુરુષનું શરીર જો કસરતી ન હોય તો તે ય સારું નથી લાગતું. અત્યાર સુધી સ્ત્રીઓને માટે આકર્ષક દેખાવાને માટે સુંદરતાની ટિપ્સ અપાતી હતી. પણ હવે પુરુષોને માટે ગ્રુમિંગની ટિપ્સમાં ક્લીન શેવ્ડ અને કસરતી શરીર હોવું મસ્ટ બની ગયું છે.
આમ તો દરેક બદલાવ માર્કેટ ડ્રિવન જ હોય છે. બાકી સદીઓથી જે માનસિકતા હોય છે તે સરળતાથી બદલી શકાતી નથી. એટલે જ કસરતી શરીર બનાવવા માટે જરૂરી હોય છે જીમ અને અંગત ઇન્સ્ટ્રકટર ત્યારબાદ ટોન્ડ શરીર દર્શાવવા માટે જરૂર પડે ક્લીન શેવની તેને માટે પણ સાધનો પાછળ પૈસા ખર્ચવા જરૂરી બને છે. દરેક વ્યક્તિ પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવે છે. તેનો સહજ સ્વીકાર જરૂરી હોય છે. જે વ્યક્તિઓ જાહેરાતો અને સેલિબ્રિટીને નજરમાં રાખીને પોતાનું વ્યક્તિત્વ બદલવાનો પ્રયત્ન કરે છે હકીકતમાં તેઓ અસલામતીના ભયથી પીડાતા હોય છે.
મેટ્રો સેક્સુઅલ મેલ બનવા માટે બાહ્ય દેખાવ જ નહીં માનસિકતા બદલવાની જરૂર પડે છે. છેવટે તો કોઇપણ સ્ત્રીને બાહ્ય દેખાવ કરતાં હાઈજીનીક, સ્ત્રીની લાગણીઓનો આદર કરનાર, કાળજી લેનારો પ્રેમાળ પુરુષ જ ગમે છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYnN1-ZN8EFRi3e7Vw39G-c%2B3e6KY85c6BOOMguMOfJg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment