અમેરિકામાં જોઈ હતી એક ટેલિવિઝન એડ. એક નાનકડી દીકરી જાય છે એના ડેડીની સ્ટડીમાં. ડેડી રજા ઉપર છે, પણ સ્ટડીના ટેબલ ઉપર છે ફાઇલો અને ડેડીના મોં ઉપર છે ચિંતા. એ ડાયરીમાં કંઈક લખી રહ્યા છે. બેબી શાંતિથી ઊભી રહે છે. ડેડીને એની હાજરીની ખબર નથી.
થોડીક વાર પછી એ દબાયેલા અવાજે પૂછે છે, 'ડેડી શું કરો છો?'
ડાયરીમાંથી મોં બહાર કાઢ્યા વિના ડેડી જવાબ આપે છે, 'હની, મારે કાલે જેને મળવાનું છે, જેને લંચ ઉપર લઈ જવાના છે એ બધાનાં નામ લખું છું.' વધારે દબાયેલા અવાજે એ નાનકડી દીકરી પૂછે છે, 'ડેડી, એમાં મારું નામ છે?'
મર્સિડિઝમાં જાવ છો ઓફિસે.
એક અગત્યની મિટિંગમાં તમે તમારા કર્મચારીઓને સમજાવો છો 'પ્રોપિન્ક્વિટી'ની કમાલ, પ્રોપિન્ક્વિટી (Propinquity) એવું કહે છે કે જેની સાથે સારા સંબંધો બાંધવા હોય, નિભાવવા અને નિખારવા હોય તે બધાને મળતા રહો. વારંવાર મળવાનાં બહાનાં શોધો અને દરેક મુલાકાતે ભાઈબંધીનો માહોલ ઊભો કરો. સામેની વ્યક્તિને સ્મિત, પ્રશંસા જેવા 'પોઝિટિવ સ્ટ્રોક' આપો.
મિટિંગ પતે છે સાંજે પાંચ કલાકે. સાડા પાંચ વાગ્યે તમારો દીકરો ઇન્ટર-સ્કૂલની ફૂટબોલની ફાઇનલમાં રમવાનો છે, પણ તમે થાક્યા છો પેલી પ્રોપિન્ક્વિટીની વાતો કરી. થાક ઉતારવા જાવ છો નજદીકની ફાઇવસ્ટાર હોટલની કોફી શોપમાં.
રમતની અંતિમ મિટિંગમાં તમારો દીકરો મેસી અને રોનાલ્ડોની અદાથી, બાઇસિકલ કિક મારી વિનિંગ ગોલ ફટકારે છે. સ્ટેડિયમ તાળીઓથી ગાજે છે, પણ તમારી નજર કરે છે વી.આઇ.પી. બોક્સમાં જ્યાં દરેક અન્ય ખેલાડીનાં માવતર હાજર છે.
તમે નથી. અને મમ્મી?
એ ગઈ છે કિટી પાર્ટીમાં. કોનું કોની સાથે લફરું છે, કોણ છૂટાછેડા લેવાનું છે એની ચર્ચા કરવા, પત્તાં ચીપવાં, સહેલીઓ સાથેના સંબંધોને નિખારવા. પતિ પ્રોપિન્ક્વિટી શીખવે છે ઓફિસમાં અને મેડમ એના ઉપર અમલ કરે છે કિટી પાર્ટીમાં.
ડેડી ઓફિસનું અને મમ્મી કિટી પાર્ટીનું મેનેજમેન્ટ કરે છે. બાળકોના મેનેજમેન્ટ માટે સમય નથી. ABCDનું નહીં XYZનું મેનેજમેન્ટ કરે છે.
પૈસાદાર માવતરોનાં બાળકો વંઠી જાય છે એવી ફરિયાદો સંભળાતી, બોલાતી, વંચાતી રહે છે.
કારણ?
કારણ કે માવતરને ફૂટબોલ રમતા દીકરાની ગજબની ગોલ જોવાની ફુરસદ નથી તો દીકરો એવું ગતકડું કરશે કે તમે બધું પડતું મેલી એને છોડાવવા પોલીસ સ્ટેશને પહોંચી, દીકરાને તમે કેટલો પ્રેમ કરો છો તેનો અહેસાસ કરાવવા મજબૂર બનશો.
માવતર છો? તો તમારી જિંદગીમાં અગત્યનું કોણ?
તમારી પ્રાયોરિટી કઈ?
અરજન્ટ શું?
ઇમ્પોર્ટન્ટ કયું?
જિંદગીમાં એવો સમય આવશે (ઈશ્વરના દરબારમાં ન્યાયને સ્થાન છે) જ્યારે ઘર કરડવા આવશે.
ઘરમાંથી બાળકોનાં તોફાનોની, મોજમસ્તીની, રીસામણા-મનામણાની, દાદાગીરીની સંપૂર્ણ બાદબાકી થઈ જશે. રહી જશે એમની યાદો, દીવાલ ઉપરનાં ચિત્રો, ફાટેલી ડ્રોઇંગબુક અને તૂટેલાં રમકડાં.
યાદ આવશે જ્યારે દીકરાની બાઇસિકલ કિકને બિરદાવવા તમે હાજર ન હતા.
યુનિવર્સિટી ફેસ્ટિવલમાં પોતાની ગજબની અદાકારીથી તાળીઓ પાડતાં ઓડિયન્સમાં મમ્મી ન હતી. તમે ન હતા. મમ્મી ગઈ હતી રિસેપ્શનમાં એના નવા દાગીનાનું પ્રદર્શન કરવા અને તમે હતા કોન્ફરન્સમાં, કસ્ટમર ડિલાઇટ ઉપર ભાષણ ઠોકવા.
જિંદગી ગુજરે છે 'અરજન્ટ' કામોમાં જે થાય છે 'ઇમ્પોર્ટન્ટ' કામોના ભોગે. પાર્ટીમાં જવાનું અરજન્ટ છે. બાળકને હોમવર્ક કરાવવાનું 'ઇમ્પોર્ટન્ટ' કામ કરવાની ફુરસદ નથી.
તમારી દીકરીને, તમારા દીકરાને તમે પૂર શુદ્ધિમાં, બિન કેફ હાલતમાં, કોઈ પણ જાતના દબાણ અને ધાકધમકી વિના આ દુનિયામાં પૂરી મરજીથી લાવ્યા છો.
એમનું નામ તમારી ડાયરીમાં છે?
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsSaMzNgn0FvgBpk%2Bf2Pwx60M8UfLXjC%3DTBBKy53aHu0Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment