લાકડાંની સૉ મિલમાં જઈએ ત્યારે સંસારની લીલા સમજવામાં સરળતા રહે છે. મોટાં મોટાં લાકડાં ત્યાં યાંત્રિક કરવતથી વહેરાતાં રહે છે અને ભોંય પર લાકડાંનો વહેર ભેગો થતો રહે છે. આપણે રાજકારણીઓને લુચ્ચા ગણીએ છીએ પરંતુ પરિવારમાં પણ દેરાણી અને જેઠાણી વચ્ચે જે સૂક્ષ્મ રાજકારણ ખેલાતું રહે છે તેનો ખ્યાલ આપણને આવતો નથી. આવું જ ગંદું રાજકારણ નણંદ અને ભોજાઈ વચ્ચે પણ ચાલતું રહે છે.વર્ષો પહેલાં એક સૂચન મારી કૉલમમાં કર્યું હતું. અખિલ ગુજરાત નણંદ સંમેલન બોલાવીને સંસારને સ્વચ્છ બનાવવાની વિચારણા એ સંમેલનમાં થઈ શકે. નણંદ જ્યારે પિયર જાય ત્યારે પોતાની માતા સાથે બેસીને પોતાના ભાઈની પત્ની અંગે જે જે વાતો કરે તે ટેપ થવી જોઈએ. આજે પણ કેટલાક પરિવારોમાં પુત્રવધૂની હાજરીમાં ન થાય તેવી ઘણી વાતો થતી રહે છે.
નણંદ અને એની માતા (એટલે કે ભાભીની સાસુ) વચ્ચે વાતો થતી હોય ત્યારે ઓચિંતી ભોજાઈ આવી પડે ત્યારે વાતો તરત બંધ કેમ થઈ જાય છે? જો નણંદ પોતાના સાસરે દુ:ખી હોય તો તો ભોજાઈનું આવી જ બન્યું! સાસરે નડતાં બધાં દુઃખોની મનોવૈજ્ઞાનિક વસૂલાત પિયરમાં પતિ સાથે મોજથી રહેનારી ભોજાઈ પાસેથી થતી રહે છે.
આજથી પચાસેક વર્ષ પહેલાં બ્રિટનમાં રોનાલ્ડ લેયિંગ નામનો સમર્થ મનોવિજ્ઞાની થઈ ગયો. એને માટે વિવેચકોએ શબ્દો પ્રયોજેલાઃ 'મેટાફિઝિશિયન ઑફ મેડનેસ'. રોનાલ્ડ લેયિંગે બે યાદગાર પુસ્તકો લખ્યાં હતાં. 50 વર્ષ પહેલાં વાંચેલાં એ બે પુસ્તકોનાં મથાળાં હતાં:
1, પોલિટિક્સ ઑફ એક્સપિરિયન્સ 2, પોલિટિક્સ ઑફ ધી ફેમિલી, હજી બરાબર યાદ છે કે 'પોલિટિક્સ ઑફ ધ ફેમિલી' પુસ્તકમાં લેયિંગે એક મૌલિક ઉદાહરણ આપ્યું હતું. ઘરમાં મા અને દીકરી એકલાં રહેતાં હોય છે. માતાને જ્યારે પણ એનો પ્રેમી મળવા આવે ત્યારે માતા યુક્તિપૂર્વક દીકરીને દૂર રાખે છે. ક્યાં તો દીકરીને બેડરૂમમાં સૂઈ રહેવાની કે બેસી રહેવાની સલાહ આપવામાં આવે છે કે ક્યાં તો પ્રેમી મળવા આવે ત્યારે દીકરીને શોપિંગને નામે યુક્તિપૂર્વક ઘરની બહાર મોકલી દેવામાં આવે છે. રોનાલ્ડ લેયિંગ કહે છે કે પરિવારોમાં આવી નાની નાની લુચ્ચાઈઓ કાયમ અજમાવાતી હોય છે.
આવી લુચ્ચાઈ માટે મને 'માઇક્રો લુચ્ચાઈ'- શબ્દપ્રયોગ કરવાનું મન થાય છે. હવેથી કેવળ રાજકારણીઓને બદનામ કરવાનું બંધ થવું જોઈએ કારણ કે પરિવારની કક્ષાએ રમાતાં રાજકારણમાં આપણે સહુ માઇક્રો લુચ્ચાઈઓનો સાથ લેતાં રહીએ છીએ.
રામાયણની કથામાં દશરથ જ્યારે પુષ્ય નક્ષત્રમાં યોગ્ય મુહૂર્ત જોઈને રામના રાજ્યાભિષેકનો દિવસ નક્કી કરે ત્યારે ઈરાદાપૂર્વક ભરતને એના મોસાળ મોકલી દે છે. આ હતું રામયુગના પરિવારનું રાજકારણ. વનમાં જતાં રામને કૌશલ્યા કહે છેઃ 'તારા પિતાએ કૈકેયી પ્રત્યે પક્ષપાત રાખીને મારી અવગણના કરવામાં પાછું વાળીને જોયું નથી. તારા ગયા પછી કૈકેયી મારી શી દશા કરશે?'
મિલકતના ઝઘડા ભાઈ અને બહેન વચ્ચે, ભાઈ અને ભાઇ વચ્ચે, કાકા અને ભત્રીજા વચ્ચે તથા પિતા અને પુત્ર વચ્ચે પણ થતા જોયા છે. એ વખતે માતા પણ એવા રાજકારણમાં ભાગ લેતી હોય છે. આવું બને ત્યારે મનોવિજ્ઞાની રોનાલ્ડ લેયિંગ જરૂર યાદ આવે છે. સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પણ અંદર અંદરની વાતચીતમાં મરનારની પ્રશંસા થાય તેની સાથોસાથ જેઓ નથી મર્યાં તેવા લોકોની ખાનગી વાતોમાં જે રાજકારણ જોવા મળે તે પૂરેપૂરું અસ્વચ્છ હોય છે.
રાજકારણને સ્વચ્છ હોવા પ્રત્યે કોઈ દિલચશ્પી હોતી નથી. પાકિસ્તાનમાં ઓનર કિલિંગને નામે દીકરીની હત્યા થાય તેની પાછળ પણ મિલકતના ભાગલાનું રાજકારણ હોય છે. મહાત્મા ગાંધી જેવા કોઈ વિરલ મહામાનવ જ રાજકારણમાં પણ સ્વચ્છતાનો આગ્રહ સેવી શકે.
રામકથામાં જટાયુ પછી મારું પ્રિય પાત્ર મારીચ છે, વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને રાક્ષસોની સામે લડવા માટે અને યજ્ઞરક્ષા કરવા માટે કુમાર અવસ્થાના રામ-લક્ષ્મણને અયોધ્યાથી લઈ ગયા. તે વખતે તાટકાનો વધ થયો. તાટકા કોણ હતી? તાટકા જન્મજાત રાક્ષસી ન હતી. એ તો સુકેતુ નામના યક્ષની બળવાન અને સ્વરૂપવાન દીકરી હતી. સુકેતુએ પોતાની એ દીકરીને સુન્દ સાથે પરણાવી. સુન્દની તપસ્યા બાદ યક્ષકન્યા તાટકાને મારીચ નામનો પુત્ર થયો. મારીચ ઇન્દ્ર જેવો પરાક્રમી અને દુર્જય હતો. મુનિ અગત્સ્ય કોઈ કારણસર ક્રોધે ભરાયા અને એમણે સુન્દને મારી નાખ્યો. પતિની હત્યા થઈ તેથી તાટકાને ભારે ક્રોધ ચડ્યો અને તે મુનિ અગત્સ્યની સામે ધસી ગઈ. મુનિએ શાપ આપ્યો અને કહ્યું 'હે તાટકા, તું દૈવ યોનિનું સ્વરૂપ છોડીને રાક્ષસભાવને પામશે.'
તાટકા વધ પછી રામે તાટકાપુત્ર મારીચ સામે માનવાસ્ત્ર છોડ્યું, માનવાસ્ત્રના પ્રહારને કારણે મારીચ દરિયામાં ફંગોળાઈ ગયો અને આબાદ બચી ગયો. બચી ગયા બાદ મારીચનું જીવન પલટાઈ ગયું અને એ પાકો રામભક્ત બની ગયો. સમજવા જેવું છે કે મારીચ એક એવી વ્યક્તિનું નામ છે, જે પછડાટ ખાધા પછી જાગી જાય છે. સંસારમાં પછડાટ ખાધા પછી પણ જાગી ન જનારા મનુષ્યો ભારે બહુમતીમાં છે. પછીની કથા જાણીતી છે.
રામ સામે ષડ્્યંત્રની પેરવી કરનારા રાવણને મારીચ કહે છેઃ 'હે રાવણ, તું ષડ્્યંત્ર ગોઠવવાનું છોડી દે કારણ કે મને તો વૃક્ષોને પાંદડે પાંદડે રામનાં દર્શન થાય છે.' સંસારમાં રમાતા રાજકારણનું મુખ્ય વાહન ઇર્ષ્યા છે. બીજે નંબરે દ્વેષને મૂકી શકાય. સોક્રેટિસ જેવો પ્રબુદ્ધ માણસ ઇર્ષ્યા વિશે જે કહે તે મનનીય છે. સાંભળોઃ
એક ઇર્ષ્યાળુ માણસ પોતાના જાડા પાડોશીઓને જોઈને પીગળીને પાતળો પડી જાય છે. ઇર્ષ્યા તો અહંકારની પુત્રી છે, હત્યા અને વેરભાવની કર્તાહર્તા છે, છૂપા બળવાની શરૂઆત કરનારી છે, તથા સદ્્ગુણોને સદાય પીડા પહોંચાડનારી છે, ઇર્ષ્યા તો હૃદયમાંથી ઝરતો કચરો છે, ઝેર છે અને દ્વેષ છે. ઇર્ષ્યા તો શરીરની ચરબીને ઓહિયાં કરી જાય અને હાડકાંને સૂકવી નાખે તેવો પારો છે.
સોક્રેટિસના આવા શબ્દોમાં દુર્યોધનની માનસિકતાનો મર્મ પ્રગટ થતો હોય એવી લાગણી થાય છે. મહાભારતની કથામાંથી દુર્યોધનનો ઇર્ષ્યાભાવ બાદ કરીએ તો કદાચ મહાભારતની કથા કકડભૂસ થઈ જાય. ઇર્ષ્યામુક્ત માણસ માટે ગીતામાં 'अनसूयः' શબ્દ પ્રયોજાયો છે. મહાભારતની કથામાં સૌથી વધુ ઇર્ષ્યા અર્જુનની થઈ છે અને દ્વેષની બાબતે તેજસ્વિની, મનસ્વિની અને ઓજસ્વિની એવી રૂપસુંદરી દ્રૌપદી મોખરે છે. અન્ય લોકો પોતાની ઇર્ષ્યા ન કરે તે માટે કોઈ તેજસ્વી માણસને કૃત્રિમ નમ્રતા જાળવીને નિસ્તેજ હોવાનું નાટક કરવું પાલવે ખરું? કોઈ રૂપાળી સ્ત્રી પોતાની ઇર્ષ્યા ન થાય તે માટે સાદાં અને સફેદ વસ્ત્રોમાં શા માટે ફરે? આવી માઇક્રો લુચ્ચાઈથી ભરેલો સંસાર છોડીને સાધુ બનીને વનમાં જનારો માણસ સંસારનો ત્યાગ નથી કરતો.
એ તો માઇક્રો લુચ્ચાઈથી કંટાળી ગયેલો પલાયનવાદી ગણાય. ઇર્ષ્યામુક્ત અને દ્વેષમુક્ત સંસારી ખરો સાધુ ગણાવો જોઈએ. સંસાર જેવી કોઇ યુનિર્વસિટી આ જગતમાં નથી. 'યુનિવર્સિટી' શબ્દ પણ 'યુનિવર્સ' પરથી આવેલો છે. પુનરાવર્તનનો દોષ વહોરીને એને મારે કહેવું છે કે અનિખાલસ સાધુ કરતાં તો નિખાલસ ગણિકા પ્રભુની વધારે નજીક હોવાનો સંભવ છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot-LhZh4D%2BGSqYwqHzYYhF8ShSUc%2ByxPQwDTcF%3D6MjRxg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment