Sunday, 3 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ધમકી: છોકરી જોવા આવીએ છીએ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ધમકી: છોકરી જોવા આવીએ છીએ...
વિનોદ ભટ્ટ

 

 


સાડા પાંચ-છ દાયકા પહેલાંની દીકરીઓ પ્રમાણમાં ઘણી કહ્યાગરી હતી, મા-બાપ માટે તે બોજારૂપ છે એવું તે માનતી ને તે પસંદ કરે એ મુરતિયા સાથે પરણી જતી, ને સુખે-દુ:ખે જીવન પૂરું કરી નાખતી. છોકરો તેને ગમશે કે નહીં એવું વિચારવાને બદલે છોકરો તેને પસંદ કરશે કે કેમ એની તે ચિંતા કરતી.


અને છોકરાવાળાને ત્યાંથી સંદેશો આવે કે અમે તમારી દીકરીને જોવા મંગળવારે આવીએ છીએ ને એ જ પળથી દીકરીની હાલત કેવી દયનીય થઇ જતી એ તો એનું મન જ જાણતું. તેની ભૂખ, તરસ, ઊંઘ-ચેન વગેરે વરાળ થઇ ઊડી જતું. પાતળી, સુકોમળ અને પ્રમાણસર બાંધાની દીકરીને એ વાતે ફિકર થતી કે છોકરાને હું દુબળી તો નહીં પડુંને! છોકરાની માને ઘરનું કામકાજ કરે એવી ભરાવદાર શરીરવાળી વહુ ખપતી હશે તો? અને શરીરે થોડી સુખી હશે એ દીકરી એ વાતે દુ:ખી થશે કે છોકરાને હું જાડી તો નહીં લાગુંને?


આપણા ગુજરાતની દીકરીઓની એવરેજ હાઇટ, ઊંચી એડીનાં ચંપલ કે સેન્ડલ પહેર્યા વગર પાંચ ફૂટની આસપાસની હોય છે. આથી છોકરાની શારીરિક ઊંચાઇ છોકરી કરતાં વધારે હોય તો પંચાત અને તે છોકરીથી થોડો ઠીંગણો, ટેણિયો હોય તો ડબલ પંચાત, ને બંને ઊંચાઇમાં લગભગ સરખાં હોય તો પણ મુસીબત. લગ્ન બાદ છોકરી ક્યારેક ઊંચી હિલની ચંપલ પહેરીને પતિની હારે બહાર જાય ત્યારે કોઇક સગો તેમને જોઇ જાય તો વરજીનો મૂડ બગડી જવાનો, સાથે જોવા ગયેલ કોમેડી પિક્ચર પણ ટ્રેજિક લાગવાની શક્યતા ખરી - પ્રશ્ન સ્વમાનનો છે, પત્નીની ઊંચાઇ તેના પતિથી વધારે કેવી રીતે વધારે હોઇ શકે? (પત્નીની માનસિક ઊંચાઇની વાત અલગ છે-એ રસ્તે જનાર ક્યાં જોઇ શકવાનો છે!)


અલબત્ત ઊંચાઇ ને એવું બધું ગોઠવણીનાં લગ્નોમાં જ જોવાતું હોય છે, પ્રેમલગ્નમાં કોઇનીય ઊંચાઇ કે નીચાઇ આડે આવતી નથી. ત્યાં તો સબ સે ઊંચી પ્રેમ સગાઇ જ હોય છે. પ્રેમની સગાઇ આગળ બીજી બધી જ ઊંચાઇ ગૌણ બની જાય છે. દા.ત. ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન તો આજે ઘણો બુદ્ધિશાળી છે. તેની યુવાનીમાં પણ હશે તેમ છતાં કુમારી જયા ભાદુરીને શ્રીમતી જયા બનાવવા અગાઉ તેના પ્રેમમાં પડતાં પહેલાં તેની પાસે મેજર ટેપ લઇને એ જાણવા નહોતો ગયો કે જયાનું માથું મારી કમરે અડકે છે કે મારા ઢીંચણે!


હવે છોકરાવાળાની થોડી વાત. શાકબજારમાં ભીંડા, પરવળ કે પછી ટીંડોળાં ખરીદવા જતાં હોય એ રીતે, છોકરો પરણવા માટે ઉંમરલાયક થવા માંડે એટલે ઘણાં મા-બાપ તેને માટે છોકરીઓ જોવાનો ઉદ્યમ શરૂ કરી દે છે. વધારે સારું, સસ્તું ને નમતું શાક અહીં નહીં તો બીજા કાછિયાને ત્યાંથી મળશે એવી ગ્રાહકીય શ્રદ્ધા દીકરાનાં માતા-પિતાને હોય છે, એટલે તે આઠ-દસ છોકરીઓને નજર તળે કાઢી લે છે, ને પછી આ બધી દીકરીઓમાંથી જે કન્યાના પરિવારની ખાનદાની, સંસ્કારિતા, કુટુંબની આર્થિક સ્થિતિ, સામાજિક વજન વગેરેનો અભ્યાસ કરી પ્લસ-માઇનસ કરવામાં આવે છે, ને ત્યારબાદ સંબંધમાં આગળ વધવાનું વિચારાય છે.


એમાંય જો દીકરો એકનો એક હોય તો મા-બાપ પાંચ-સાત દુકાનો વધારે ફરે છે જેથી છેતરાઇ ન જવાય. છેવટે દીકરીનાં મા-બાપને કહેવડાવે છે કે અમે છોકરી જોવા આવીએ છીએ. અને એ જ ક્ષણથી દીકરીનાં મા-બાપ ઇશ્વરને મનોમન પ્રાર્થના કરવા લાગી જતાં હોય છે કે આ પાઠકજીને ત્યાં બહેનબાનું ગોઠવાઇ જાય તો સારું. એ લોકોને પોતાનું ઘર નથી, ભાડે રહે છે તો શું થઇ ગયું? - વર હશે તો વરમાંથી ગમે ત્યારે ઘર થશે.


છોકરાને નોકરી નથી એટલે અત્યારે તે શેરબજારનું કરે છે. ભલે, પણ તે કંઇક તો કરે છે ને! કહેવતમાં કહ્યું છે કે (ઘરે) બેઠા કરતાં બજાર ભલું. એ તો મનુકાકાને કહીને ગમે તે નોકરીમાં વળગાડી દઇશું. એકવાર છોકરો હાથમાં આવે પછી તે છટકી ન જાય એ માટે દીકરીનાં મા-બાપ ગમે તેવાં સમાધાન કરવા તૈયાર થઇ જતાં. ખાનદાન છોકરા ક્યાં મળે છે આજકાલ!


એક જમાનો એવો પણ હતો જ્યારે છોકરા-છોકરીનાં ચોકઠાં તેમનાં અવતર્યાં અગાઉ, માતાના પેટમાં આકાર પામતાં હોય એ દિવસોમાં જ ગોઠવાઇ જતાં. આપણા સરસ્વતીચંદ્રકાર ગોવર્ધન ત્રિપાઠીની સગાઇ એ રીતે જ થઇ હોવાનું કહેવાય છે. પણ પછી એવો સમય આવ્યો જ્યારે છોકરા-છોકરી એકબીજાને જોયા કે મળ્યા વગર, વડીલો ગોઠવે ત્યાં ચૂપચાપ ગોઠવાઇ જતાં. આપણા નાટ્યકાર ચંદ્રવદન મહેતા આ જ પદ્ધતિએ પરણેલા ને એ કારણે દુ:ખી થયેલા એવું તેમણે ગઠરિયામાં લખ્યું છે. આમાં તો જોકે એવું છે કે લગ્ન બાદ સુખ અને દુ:ખ બંને એકબીજા સાથે જોડાયેલાં છે,


માટે જ કવિતામાં કહેવાયું છે કે, 'સુખ-દુ:ખ મનમાં ન આણિયે' વગેરે વગેરે... આ બંનેને નહીં ગણકારીએ તો જ જીવન ટકી જશે. એક શાણા માણસે કદાચ એટલે જ કહ્યું છે કે લગ્ન માટે છોકરી જોવા જાવ ત્યારે કોઇ બુદ્ધિશાળી મિત્રને સાથે લઇને જાવ કે મૂર્ખ મિત્રને જોડે લઇ જાવ, તો પણ પરિણામ તો એ જ આવતું હોય છે.


એ સમયનો છોકરો, કારણ  વડીલોની આમન્યા હોય કે પછી ગમે તે હોય, છોકરી પસંદ કરવા જાતે જતો નહીં, વડીલોના માથે નાખતો. આથી તેમની જવાબદારી વધી જતી. કવિ રવીન્દ્રનાથ ટાગોર તો રસિકજન, પ્રેમીજન હતા, તો પણ પોતાની પત્નીને પસંદ કરવાનું કામ તેમણે તેમની ભાભીને સોંપી દીધેલું ને તેમની ચીંધાયેલ આંગળીવાળી છોકરીને રવિબાબુએ પત્ની લેખે સ્વીકારી લીધેલી. એટલે પછી કુંભારને ત્યાંથી માટલું ખરીદતી વેળાએ માટલા પર મારવામાં આવતા ટકોરા કરતાંય વધારે ટકોરા એ કન્યા પર મારવામાં આવતા, માટલું તો એક સિઝન પૂરતું હોય છે, જ્યારે આ લગ્નસંબંધ તો સાત નહીં, સત્તર પેઢીઓ સુધી નિભાવવાનો છે એટલે ખરાઇ બરાબર કરવી જોઇએ કે નહીં? - દીકરીના ગાલ પર તલ હોય તો એ બ્યુટી સ્પોટ છે કે ધોળા સિવાયના અન્ય રંગનો કોઢ છે? ખાતરી કરી લેવી સારી.


કરાતી પણ ખરી. દીકરીના દાંત પણ પોતાના છે કે ચોકઠું છે એની ચકાસણી કરવા એને સોપારીનો કટકો ચાવવા માટે અપાતો. વાળ અસલી છે કે વિગ એ જોવા માથાના વાળની એક લટ પણ ખેંચવામાં આવતી. છોકરી બોલવે ચાલવે કેવી છે એ તપાસવા તેને ચલાવવામાં આવતી જેથી જાણી શકાય કે તેને પગે ખોડ નથી. બરાબર પશુમેળા જેવું જ દૃશ્ય ભજવાતું. અને છોકરીને રાંધતાં આવડે છે કે નહીં એનું પારખું કરવા તેના હાથમાં તદ્દન કાચો, શેક્યા વગરનો પાપડ તેના હાથમાં મૂકી કહેવામાં આવતું કે જાવ, આ પાપડ શેકી લાવ.


આપણે જાણીએ છીએ કે પાપડ શેકવો ઘણો કઠિન હોય છે- તે શેકતાં અમુક ભાગ કાચો ન રહી જાય કે પછી બળીને કાળો કોલસા જેવો ન થઇ જાય એ માટે રૂંવેરૂંવે જીવ રાખવો પડે. આવી આકરી પરીક્ષા દીકરીઓને એ કાળમાં  આપવી પડતી, સ્ત્રીઓના હાથે જ એક કુમળી કન્યા પીડા સહેતી અપમાનીત થતી.


એ ગભરુ પીડિત છોકરીઓ આજે તો વડદાદીનીય દાદી થઇને પરલોકે સિધાવી હશે, એ દાદીમાઓનું જાણે વેર લેવા હવેની દીકરીઓ માથાભારે થવા માંડી છે, થઇ ગઇ છે એમ જ સમજોને!... છોકરાને ત્યાંથી (હા, રિપીટ, છોકરાને ત્યાંથી સંબંધ બાબતે રસ બતાવવામાં આવે ત્યારે દીકરી એની માને પૂછે છે કે એ લોકોના ઘરમાં જૂનું ફર્નિચર કેટલું છે? (ચોખવટ: જૂનું ફર્નિચર એટલે ડોસા ડગરાં) એમની સંખ્યા વધારે હોય તો મારી ચોખ્ખી 'ના' છે, ને બબાલ તો બેય વધારે છે. બબાલ અર્થાત્ છોકરાનાં બહેન. એમની ખીટપીટ સહન કરે એ બીજાં, હું નહીં.


અને એવું શા માટે કે છોકરો જ અમને જોવા આવે? તેને જોવા અમે તેના ઘરે ન જઇએ? તેના ઘરબા'ર કેવા છે, રહેણીકહેણી કેવી છે. તેના ઘરના સભ્યો 'મોડ' (મોડર્ન) છે કે દેશી વાજું એની ખબર તો ત્યાં જઇએ એટલે તરત જ પડી જાય ને 'યસ'-'નો'નો ફેસલો ચપટી વગાડતાંમાં થઇ જાય. છોકરો શું ના પાડતો'તો? - એ પહેલાં તો હું જ તેને 'રિજેક્ટ' કરીને ઊભી થઇ જઉં. અને છોકરો છોકરીનું ઘર પહેલાં શા માટે જુએ? પરણીને મારે છોકરાના ઘરે જવાનું હોય એટલે તો મારે જ એનું ઘર ફરીને જોવાનું હોય- મારું તો ઝૂંપડી હોય તો ઝૂંપડું, એને શું લેવા દેવા? શરમ કે એવું લાગે તો લગ્ન પછી એ સાસરે ન આવે.


દીકરીઓનો આ પ્રકારનો ગુસ્સો મને ગમે છે. મારા એક સ્વજનની પૌત્રીને જોવા એક મુરતિયો ગયેલો. ઘણો જ શ્રીમંત. કદાચ એ જ કારણે તેની પાસે જેટલા રૂપિયા હતા એટલા વાળ તેના માથા પર ન હતા. ટાલિયો નર કો'ક નિર્ધન? કહેવત સાર્થક ઠરતી હતી. એ કેશવિહીન યુવાનને કન્યા ગમી ગઇ. કન્યા જોડે વાત કરવાની ઇચ્છા એ મુરતિયાએ પ્રગટ કરી. દીકરીએ વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. મુરતિયો માઠું લગાડીને ત્યાંથી ચાલ્યો ગયો. મારા સ્વજને એ કન્યાને ઠપકો આપ્યો કે છોકરાના માથે ટાલ છે એથી શું થઇ ગયું? એની સાથે વાત કરવામાં તારા  બાપનું શું જાત? જવાબમાં દીકરીએ જણાવ્યું કે ભલે એની પાસે ચિક્કાર ધન હોય, પણ એનું કપાળ ક્યાં પૂરું થાય છે ને ટાલ ક્યાંથી શરૂ થાય છે એની મને તો ખબર જ નહોતી પડતી. તેના રૂપિયા કરતાં તો તેની ટાલ વધારે ઝગારા મારતી હતી. આવો સરહદ વિહોણો છોકરો કોઇ કાળે મને નહીં ખપે.


અને દિવસે દિવસે દીકરીઓની દાદાગીરી વધી જશે, કેમ કે તાજા સર્વે પ્રમાણે 1000 છોકરાઓના જન્મની સામે ફક્ત 776 છોકરીઓ જ જન્મે છે. દીકરીઓનો તોટો છે...


યાદ આવ્યું:  પત્રકારમિત્ર મણિલાલ મ. પટેલે મને બે કંકોતરીઓ મોકલી છે. એક તો તેમની સુપુત્રી ચિ. હાર્દિકાનાં લગ્નની અને બીજી, 33 વર્ષ અગાઉ તેમણે કરેલ લગ્નની. (પોતે સ્વાતંત્ર્ય સેનાની મટી ગયાનું માણસ ક્યારેય પણ ભૂલી શકતો નહીં હોય?) એ જરા હળવી કંકોતરીમાં તેમણે જણાવ્યું છે: 'ક્યારે પરણવાના છો?' છેલ્લા કેટલાય વખતથી સગા, સંબંધી, સ્વજનો અને સખાઓ સૌ કોઇ આ એક જ સવાલ કરતા હતા, એટલે હવે પીઢ વયે ગંભીરતાપૂર્વક બજરંગબલી શ્રી હનુમાનદાદાની કૃપાથી પાર્વતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. (આમાં હનુમાનદાદાનો કોઇ વાંક-ગુનો?)


એકલા, જો હોય બંને તો સાથે, અને હોય તો આપનાં શાંત બાળકો, પણ વધુમાં વધુ બે સાથે લઇને આવજો. લગ્ન તા. 7-6-1984, સવારે 10-30થી 1. તાક: 10-30 પહેલાં આવવું નહીં અને જમ્યા પછી રોકાવું નહીં. (વર્ષો પૂર્વે રામભરોસે હિન્દુ હોટલ જેવી હોટલોમાં પૂંઠાના પાટિયાં લટકાવાતાં: 'ચા-નાસ્તો કર્યા બાદ વધુ સમય બેસવું નહીં- બરાબર આવો જ હુકમ આ કંકોતરીમાં હતો.)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot3vXKqfQGM9v6z7Au-bmqZpzW9xOpc-985Egr9m_jatg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment