Sunday, 3 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોચિંગ સેન્ટરોની ભીંસ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોચિંગ સેન્ટરોની ભીંસ!
કવર સ્ટોરી-પરેશ શાહ

amdavadis4ever@yahoogroups.com

આખાય ભારતમાં ભણવું-શિક્ષણ લેવું એ કેટલું તણાવદાયી અને નીચોવી નાખનારું છે એ આપણે સૌ જાણીએ છીએ. ગળાકાપ હરીફાઈ વિદ્યાર્થીઓની તંદુરસ્તીનો અને માનસિક શાંતિનો ભોગ લઈ રહી છે. એક બાળક મોટું થાય અને ૧૧મા ધોરણમાં આવે અને સૌની ગમતી સાયન્સ શાખામાં પ્રવેશ મેળવે એટલે એના પરનું દબાણ વધી જાય છે. માતાપિતાઓ કે વાલીઓ પોતાના સંતાનના અભ્યાસ-શિક્ષણ પ્રત્યે વધારે પડતા સાવધ અને કાળજી કરતાં થઈ જાય છે અને સ્કૂલ કે કૉલેજનો અભ્યાસક્રમ શરૂ થતાની સાથે જ એ ભણતરને પૂરક નીવડે એવું, સપ્લિમેન્ટરી એવું કશું શોધવાના પ્રયાસમાં શ્રેષ્ઠ કોચિંગ ક્લાસ કે સેન્ટરની શોધમાં લાગી પડે છે. આવું એટલા માટે થાય છે કે, માતાપિતા એમનું સંતાન ૧૨મું ધોરણ પૂર્ણ કરતાની સાથે તેમનાં શહેરની કે દૂરના શહેરની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કે મૅડિકલ કૉલેજમાં ભણતું હોવાનું શમણું જોતાં હોય છે. આવું લગભગ દરેક વિદ્યાર્થી સાથે બને છે. માતાપિતાના શમણાની સાથે વિદ્યાર્થી પણ બીજાઓ કરતાં આગળ રહેવાની સ્પર્ધામાં જાણે-અજાણે જોડાઈ જ ગયો હોય છે. વિદ્યાર્થીઓ અને માતાપિતાના આવા શમણાંને સંતોષવા માટે કોચિંગ સેન્ટરો કે ક્લાસો જ શ્રેષ્ઠ સંભવિત વિકલ્પ છે.

આવી ખાનગી શિક્ષણ સંસ્થાઓનાં પાટિયા કોઈ પણ શહેરના દરેક નુક્કડ અને ગલીના ખૂણે લટકતાં જોવા મળે છે અને દરેક સંસ્થા શહેરની બીજી કોઈ શિક્ષણ સંસ્થા નહીં આપી શકે એવું કડકડતું અને શ્રેષ્ઠ ભવિષ્ય તમારા સંતાનને આપવાનું વચન આપે છે... પણ બાળકને શિક્ષણ અને જ્ઞાન આપવાના હેતુ સાથે શરૂ કરાયેલી આ શિક્ષણ સંસ્થાઓ આજે એ હેતુથી ખાસ્સી દૂર હોવાનો અનુભવ તમારામાંથી અનેક જણને થયો હશે! આ સંસ્થાઓ, આમાંની કેટલીક સંસ્થાઓ 'મની મેકિંગ બિઝનેસ'નો હેતુ સાકાર કરનારી અને અપવાદરૂપ સુવિધાઓ સાથે અપવાદ રૂપ શિક્ષણ આપવાનાં પોકળ વચનો આપી લોકોને ખો આપી દેનારી બની રહી હોવાનું વારંવાર અને જુદા જુદા અહેવાલોમાં જણાવાયું છે. એક નિષ્ણાતે તો ત્યાં સુધી કહ્યું છે કે, 'આ સંસ્થાઓ જે ફી વસૂલે છે તે એટલી મોટી હોય છે કે તેની સામે તેના દ્વારા અપાતું શિક્ષણ એ ફીની તુલનામાં 'ચણા-મમરા' પણ ન આવે એટલું અને એવું હોય છે.

આવા અહેવાલો અને સર્વેક્ષણોમાંથી હાથ આવેલા નિષ્કર્ષોને માની લઈએ તો એવો મહત્ત્વનો સવાલ ઊભો થાય છે કે, આવા કોચિંગ ક્લાસો કે સેન્ટરો એક વિદ્યાર્થીનું ભાવિ ઘડવામાં શું ખરેખર મહત્ત્વની ભૂમિકા ભજવે છે? હવે તો પાછું ઑનલાઈન કોચિંગનો જમાનો આવ્યો છે ત્યારે અન્ય એક અહેવાલ જણાવે છે કે, ખાનગી કોચિંગનો પ્રસાર થવાને પગલે શિક્ષણ ઉદ્યોગમાં એક સમાંતર શિક્ષણ ઉદ્યોગ વિકસ્યો છે, જેનું નામ કોચિંગ છે અને એને કારણે વિદ્યાર્થીઓમાં ભણતર સંબંધી વાતાવરણ સુધર્યંુ છે અને હવે તો ઑનલાઈન શિક્ષણજૂથોના આગમન પછી શિક્ષણ ક્ષેત્રમાં ખાસ્સો સુધારો જોવાયો છે! ખેર, આ વાત શીરાની જેમ ગળે ઊતરી જાય એવું અનેકોને નથી લાગતું, કારણ કે હજી સંશોધનો આનાથી વિપરીત ચિત્ર દેખાડે છે.

આપણે થોડાં વર્ષો પાછળ જઈએ તો જોવા મળશે કે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે માંડલેની જેલમાંથી એટલે કે લગભગ ૧૯૧૨ના સુમારે તેમના સંતાનોનાં ભણતરની ચિંતા વ્યક્ત કરતાં પત્રો લખ્યા હતા. ટિળક જેલમાં હતાં અને તેમનાં પત્ની હયાત નહોતાં. એમને સંતાનોના પાલનપોષણની અને ખાસ કરીને એમનાં શિક્ષણની બહુ ફિકર થતી. એમાં પણ સંતાનોનું મેટ્રિકનું વર્ષ હતું એટલે જાતે હાજર ન હોઈને સંતાનોના ભણતર વિશે સતત વિચારતા રહેતા હતા. એનો અફસોસ પણ વ્યક્ત કરતા હતા. મેટ્રિકમાં ભણતાં સંતાનોએ વધારાનો, એક્સ્ટ્રા કે પૂરક અભ્યાસ કરવો એ વિચાર એ કાળમાં પણ એટલો જ પ્રચલિત હતો જેટલો આજે છે. આજે એ વિચારે સંચાર માધ્યમોની ઝડપી ગતિશીલતાને પગલે ટેન્શનનું સ્વરૂપ લીધું છે. માતાપિતાઓનાં આવા ટેન્શનોમાંથી ખાનગી કોચિંગ ક્લાસ 'બિઝનેસ સેક્ટર' બન્યાં છે ત્યારે એવું પણ બન્યું છે કે, ખરા અર્થમાં મન દઈને વિદ્યાર્થીઓને પૂરક જ્ઞાન-શિક્ષણ આપતી સંસ્થા વિરુદ્ધ વધારે કલાકો ભણાવવામાં બાળકોનો સમય ખર્ચ કરાવવાનો આક્ષેપ કરીને કેસ કરાયો હોય.

પ્રામાણિકતા સામે આવો કેસ કરાતો હોય ત્યારે એમાં કોના કોના હિત હોઈ શકે એવો સવાલ અવશ્ય થાય. આવા સવાલના સમયગાળામાં જ ખાનગી શિક્ષણ વર્ગો (કોચિંગ ક્લાસો) સંબંધે એક અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં આવા ક્લાસોના નિયંત્રણ માટેનો પ્રસ્તાવિત કાયદો, એમાંની જોગવાઈઓ અને આક્ષેપો તથા એ કાયદાના અમલમાં ઢીલ વગેરેનો મામલો ફરી ચર્ચાની પતંગ બન્યો છે.

ખરી વાત એ છે કે, મૂળમાં ખાનગી કોચિંગ ક્લાસની જરૂર, તેનું આજે ઊભું થયેલું સ્વરૂપ આપણી શિક્ષણ વ્યવસ્થાનો પરાજય હોવાનો સંકેત છે! વર્ષો અગાઉ પોતાના સંતાનોને ખાનગી શિક્ષણ ક્લાસમાં મોકલવો એ વિદ્યાર્થીને મન અને વાલીઓને પણ ઓછાપણાંનો, ઊણપનો અનુભવ કરાવનારી બાબત હતી અને અન્ય લોકોને આમ ભણનારાં છોકરા ડોબા હોવાનો ભાવ પણ થતો તો ખંભાત-આણંદ, પેટલાદ, બોરસદ, અમદાવાદ-વડોદરા જેવા નગરોમાં ભદ્રવર્ગના લોકોના સંતાનોને ભણાવવા-પૂરક જ્ઞાન આપવા ઘરે શિક્ષકો અને મૌૈલવીઓને આવતાં જોયાનું પણ સ્મરણમાં છે. એ સમયગાળો ૧૯૬૨ની આસપાસનો હતો. સમયાંતરે કાળ બદલાયો અને આજે અમુકતમુક કોચિંગ સેન્ટરમાં કે ફલાણા ફલાણા કોચિંગ ક્લાસમાં છોકરું પ્રવેશ મેળવે એ હવે સૌને માટે પ્રતિષ્ઠાની નિશાની-સ્ટેટસ સિમ્બોલ છે. એટલું જ નહીં, ભલા ભાઈ, ઘરના બાળકે કઈ પ્રખ્યાત સ્કૂલમાં કે જાણીતી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો છે એના પરથી ઘણીવાર કુટુંબની શાખને તોલવામાં આવે છે!

નેશનલ સૅમ્પલ સર્વે અનુસાર ભારતમાં ટ્યૂશન ક્લાસોમાં જનારાં વિદ્યાર્થીઓની સંખ્યા ૭.૧ કરોડની છે એટલે કે છોકરાઓની કુલ વસતિના ૨૬ ટકા જેટલી છે. એમાં ૪.૧ કરોડ છોકરાઓ અને ત્રણ કરોડ છોકરીઓ છે ત્યારે એક કુટુંબની આવકનો ૧૧થી ૧૨ ટકા હિસ્સો ટ્યૂશન માટેના ક્લાસ માટે ખર્ચાય છે. શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીનું ટ્યૂશન ક્લાસમાં જવાનું વધારે છે. પ્રાથમિક સ્કૂલોના ૮૭ ટકા છોકરા અને હાઈસ્કૂલોના ૯૫ ટકા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસોમાં જાય છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩ના સમય દરમિયાન ટ્યૂશન ક્લાસનો ઉદ્યોગ ૩૫ ટકા જેટલો વધ્યો હતો.

શિક્ષણ સંસ્થાઓમાં કામ કરનારા શિક્ષકો પર ખાનગી કોચિંગ ક્લાસો ચલાવવા કે લેવા પર સરકારના બંધનો છે. એમ છતાં પ્રચલિત શિક્ષણ વ્યવસ્થાને સમાંતર એવી એક કોચિંગ-સંસ્કૃતિ વિકસી છે. આ સંસ્કૃતિ વિશે કશુંય સારું-નરસું બોલવા પહેલા શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા વાલી, શિક્ષક, સરકાર, વિદ્યાર્થી અને સમગ્ર સમાજ જેવા ઘટકો પણ ઓછા-વધતા પ્રમાણમાં જવાબદાર છે એ બાબત પ્રત્યે દુર્લક્ષ્ય કરવું પાલવે નહીં.

ઘણા વાલી કે માતાપિતા સંતાનને કોચિંગ ક્લાસમાં મૂકવા બાબતે એમની પાસે સમયનો અભાવ હોવાનું કહેતાં હોય છે તો ક્ેટલાક વાલી કે માતાપિતા પાસે છોકરાને ભણાવવાનો સમય હોવા છતાં બદલાતાં અભ્યાસક્રમ અને પરીક્ષાની પદ્ધતિને કારણે તેઓ એમ કરી શકતાં નથી. છોકરાને ક્લાસમાં મોકલવાનું આ પણ એક કારણ છે. જોકે, અહીં સ્કૂલ-કૉલેજોની ભૂમિકા પણ મહત્ત્વની બને છે. સ્કૂલ-કૉલેજોમાં છોકરા-છોકરીઓને સ્થળ પર જ વ્યક્તિગત માર્ગદર્શન આપવાને બદલે શિક્ષણ સંસ્થાના બારણે જ ક્લાસના બારણાં ખોલ્યા હોય તો બીજું કહેવાનું બાકી રહેતું નથી. વળી, કેટલાંક ઠેકાણે શિક્ષણ સંસ્થાનો ખાનગી ક્લાસ સાથે જ અલિખિત કરાર કરેલો હોય છે એટલે શિક્ષણ સંસ્થામાં પરીક્ષા માટે જરૂરી હાજરી નોંધવામાં આવે છે અને હકીકતમાં ભણતર આવા ક્લાસોમાં થતું હોય છે. ઘણીવાર સરકારી અનુદાન-ગ્રાન્ટ ન મેળવતી શિક્ષણ સંસ્થા જો ફી વધારો કરે તે વાલીઓને-માતાપિતાને રુચતું નથી, પણ એ જ વાલીઓ ખાનગી કોચિંગમાં ખીસું ખાલી કરી દેનારી ફી ચૂકવતાં ખચકાતાં નથી. આ સિવાય શિક્ષણ સંસ્થા એટલે આર્થિક લાભ મેળવવાનું કારખાનું કે રાજકારણમાં સહેલો પ્રવેશ મેળવવાનું, સેટલ થવાનો જીવન-તબક્કો એવું સંસ્થા ચાલકનું માનવાનું છે, એ પણ એક કારણ છે. આવા અનેક કારણો-મુદ્દાઓ છે જે અહીં મૂકી શકાય તો એવા પણ અનેક વિચારો છે જે આવા ખાનગી કોચિંગ સેન્ટરો કે ક્લાસોની તરફેણના મુદ્દા પણ મૂકે છે.

ટૂંકમાં બાળકને પુસ્તક ભણાવવું એટલે એને શબ્દોની ઓળખ અને જ્ઞાન આપવું એમ કહીએ તો એ શબ્દોનો અર્થ, જીવનના મર્મનો અર્થ ક્યાં, ક્યારે, કોણ શીખવશે, શિક્ષક, શિક્ષણ સંસ્થા, ખાનગી કોચિંગ ક્લાસો, ઑનલાઈન શિક્ષણજૂથો કે વાલી-માતાપિતા? એમ તો ક્યાં કેટલી ફી લેવાય છે અને બદલામાં શિક્ષણના નામે શું અપાય છે એ વિશે પણ વિગતે વાત કરી શકાય, તોતિંગ ફીનો મોટો હપ્તો લઈને મહિનામાં જ કોચિંગ ક્લાસ, સેન્ટર કાયમ માટે બંધ થઈ ગયા હોવાના અને માતાપિતાની પરસેવાની કમાણી ગુમાવાઈ દેવાયાનાં દાખલા પણ છે. ગુજરાતી અખબારના એક સિનિયર પત્રકારના કિસ્સામાં આવું બન્યું હતું. ભાઈએ એક લાખ રૂપિયા ભર્યા હતા અને આ રીતે ગુમાવ્યા પણ હતા. આવી ઘટનાઓ અને મુશ્કેલીઓની વાતો માટે નોખું પ્રકરણ બને!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvbnJhm8e1YFbvET%2B6PTSMqKPXOV-UbP85mrWgxR%3DS8Hw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment