Wednesday, 6 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સાપ-સીડીની રમત અને આપણે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાપ-સીડીની રમત અને આપણે!
કાજલ ઓઝા વૈદ્ય

 

 

 

'શી ઇઝ અ બીચ... જેના મનમાં પાપ ન હોય, ગુનો ન હોય એ આવી રીતે ભાગે?' ચહેરા ઉપર અત્યંત કટુતાના ભાવ સાથે જેણે ઓશો, ભગવાન, પ્રોફેસર રજનીશને બોલતા સાંભળ્યા હોય એના મનમાં રહેલી આચાર્ય રજનીશની ઇમેજ ટૂટી-ફૂટીને તીતર-બીતર થઈ જાય એવું આ દૃશ્ય છે. નવાઈની વાત એ છે કે એમના વિશે બનાવેલી આ વેબ સીરિઝ એમની પ્રિય શિષ્યા અને સહયોગી મા આનંદશીલાએ પોતાની આત્મકથા કે આપવીતી તરીકે આપણી સામે મૂકી છે. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની આ વેબ સીરિઝમાં ઓશોના બનવા અને બગડવાની કથા તો છે જ, પણ એની સાથેસાથે એક વ્યક્તિની ભીતર અને બહારનો એક એવો પ્રવાસ આપણી સામે આલેખાયો છે, જેમાંથી જીવનની એક અદ્્ભુત સમજણ મળી શકે તેમ છે.

 

'જ્ઞાની હોવું પૂરતું નથી, સમજણ, સ્વીકાર અને એની સાથે જોડાયેલી નમ્રતા એક વ્યક્તિને સંપૂર્ણ બનાવી શકે છે. જ્ઞાન પોતાની સાથે અહંકારને લઈને આવે છે. લગભગ દરેક જ્ઞાનીને પોતાના હોવા વિશે એક વિચિત્ર પ્રકારની અનુભૂતિ હોય છે. મોટાભાગના લોકો એમ માને છે કે જ્ઞાની હોવાથી જીવનનું બધું જ ઉપલબ્ધ થાય છે. સત્ય તો એ છે કે જ્ઞાન ખાલી કરવાથી ભીતર કશુંક નવું જન્મી શકે છે. જેની પાસે બધી જ સમજણ છે એને શું આપી શકાય? જેને કંઈક મેળવવું છે એણે સહુથી પહેલાં તો એ સ્વીકારવું પડશે કે એની પાસે કંઈ નથી.' આ ઓશોના પોતાના શબ્દો છે.

 

નવાઈની વાત એ છે કે જેની પાસે આટલી સમજણ, ચેતના, કુશાગ્રબુદ્ધિ, જ્ઞાન કે પ્રજ્ઞા... જે લેબલ લગાડવું હોય તે લગાડી શકાય, પરંતુ આ બધું હોવા છતાં એમણે એવું કેમ કર્યું હશે? ક્ષમા કેમ નહીં કરી શક્યા હોય? 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' જોઈને આપણને આવા સવાલો થાય. મા આનંદશીલા અથવા શીલા પટેલનો પ્રયાસ જ કદાચ એ છે. આપણા મનમાં રહેલી ઓશો કે રજનીશની તસવીરને થોડીક ચૂંથી-ચહેરી-વેરવિખેર કરીને એમને પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લીધાનો સંતોષ થયો હોય, કદાચ! જગતની તમામ આપવીતીઓ કે આત્મકથાઓ સામાન્યત: એકતરફી હોય છે. એ સ્વાભાવિક પણ છે. મા આનંદશીલાનો એમના માટેનો પ્રેમ એટલો બધો તીવ્ર હતો કે અંતે એમના વિશેની ફરિયાદો, નિરાશાઓ કે તિરસ્કાર પણ અંતે એટલાં જ તીવ્ર બનીને પ્રગટ થયાં.

 

મા આનંદશીલાની આ ડોક્યુમેન્ટરી અથવા વેબની ફિલ્મ જોઈને અંબા અને ભીષ્મની કથા યાદ આવે છે. દ્રૌપદી અને કર્ણનો સંબંધ યાદ આવે છે. જેને આપણે અપ્રતિમ ચાહતાં હોઈએ એના તરફથી મળતો નકાર કે અવગણના આપણી ભીતર એટલી જ અપ્રતિમ તિરસ્કારની લાગણીને જન્મ આપે છે. જેને સહુથી વધુ ચાહ્યા હોય એને સહુથી વધુ ધિક્કારી શકાય.

 

માણસનું મન જ એક હીંચકા જેવું છે. જેમ ઊંચો હીંચકો ફંગોળાય તેમ પાછો ફરે ત્યારે એટલો જ ઊંચો જાય એ ફિઝિક્સનો નિયમ છે. એક્શન અને રિએક્શન સેમ હોય અને એક જ દિશામાં હોય એ સમજણ સાથે જો સંબંધને સમજવામાં આવે તો કોઈ પણ સંબંધમાં ગેરસમજણનો અવકાશ ન રહે.

 

આપણે બધાં જ સમજીએ છીએ કે પ્રેમ સાથે અપેક્ષા જોડાયેલી છે. જેને પ્રેમ કરીએ એ પણ આપણને ચાહે એ માગણી અને લાગણી બંને સ્વાભાવિક છે. માણસ માત્રને પ્રેમની સામે પ્રતિ પ્રેમની જરૂર છે. માણસ જ શું કામ, જીવ-જંતુ, જનાવર, પ્રાણી કે વૃક્ષોને પણ પ્રેમ કરવાથી એ આપણા થઈ શકે છે એવું વિજ્ઞાન કહે છે. મનોવિજ્ઞાન કહે છે કે તિરસ્કારની માત્રા પ્રેમની માત્રાની લગોલગ હોય છે.


આપણે જ્યારે કોઈને નકારીએ કે તિરસ્કારીએ ત્યારે એની ઊંડે ઊતરીએ તો સમજાય તો એમાં માત્ર આપણી અપેક્ષાનો અનાદર રહેલો છે. સંબંધો કોઈ પણ હોય, મિત્રતાથી શરૂ કરીને માતૃત્વ કે પિતૃત્વ સુધી ક્યાંય પણ આપણે જે કંઈ કરીએ તે પાછું પામવાના ઉદ્દેશથી કરીએ છીએ


આપણે જ્યારે કોઈને નકારીએ કે તિરસ્કારીએ ત્યારે એની ઊંડે ઊતરીએ તો સમજાય તો એમાં માત્ર આપણી અપેક્ષાનો અનાદર રહેલો છે. સંબંધો કોઈ પણ હોય, મિત્રતાથી શરૂ કરીને માતૃત્વ કે પિતૃત્વ સુધી ક્યાંય પણ આપણે જે કંઈ કરીએ તે પાછું પામવાના ઉદ્દેશથી કરીએ છીએ. પિતા બાળકને ઉછેરે છે, કારણ કે એને પોતાની વૃદ્ધાવસ્થામાં સહારો જોઈએ છે. પતિ પત્નીને અને પત્ની પતિને પ્રેમ કરે છે, ત્યારે પરસ્પર આધારિત હોવાની લાગણી પણ એટલી જ મજબૂત છે. જે ક્ષણે આ અપેક્ષાઓ ઉપર આઘાત થાય છે એ ક્ષણે પ્રેમ પણ મૃત્યુ પામે એ કેટલી બદ્્નસીબ બાબત છે!


પ્રેમને ખરેખર કોઈ પણ પ્રકારના અવલંબનની જરૂરત જ નથી. આપણે કોઈને ચાહીએે ત્યારે સામેની વ્યક્તિ આપણને ચાહે એવો આગ્રહ રાખવાનું કોઈ કારણ જ નથી. આપણો પ્રેમ આપણા માટે છે. આ વિચાર જે ક્ષણે સમજાય એ ક્ષણે મન શાંત થઈ જાય છે. આ શરણાગતિની સ્થિતિ છે. પરિસ્થિતિ સાથે અને પ્રેમ સાથે શરણાગતિ જેવી લાગણી બીજી કોઈ નથી. શ્રદ્ધા અને શરણાગતિને નિસ્બત નથી, કારણ કે ઈશ્વર પરત્વે આપણી શરણાગતિ જરા જુદા પ્રકારની છે. એ જે કરે તે સાચું એમ સ્વીકારી લેનારા બધા જ સુખી છે. જે પોતાનાથી ઘણા ઉપર, પામી ન શકાય એવી જગ્યાએ છે એની સામે વિદ્રોહ કરીને કશું મળવાનું નથી. તમે બૂમો પાડો, ચીસો પાડો, ડરો, ગાળો બોલો કે ધિક્કારો ઈશ્વરને કોઈ ફેર પડતો નથી. એ ક્યારેય રિએક્ટ થવાનો નથી અને થાય તો આપણને ખબર પડવાની નથી. ઉપનિષદો કહે છે ઈશ્વર છે અને તમે તે જ છો. તત્ ત્વમ્ અસી. જ્યારે આપણી આસપાસના લોકોને બૂમો પાડવાથી, ચીસો પાડવાથી, રડવાથી, ગાળો દેવાથી ફેર પડે છે. આપણે એમને ધિક્કારીએ તો એ પણ આપણને ધિક્કારે છે, સામાન્ય રીતે એવું બને છે!


પ્રેમ કરીએ તો પ્રેમ મળે એવું નક્કી નથી, પણ ધિક્કારની સામે તો ધિક્કાર મળે જ છે. ઓશો જેવા ઓશો પણ જો ક્યાંક માણસ બનીને વર્તી બેસે તો આપણે કોણ છીએ? સવાલ એ છે કે આવા ધિક્કાર માટે, અવગણના માટે, અપેક્ષાઓ માટે આપણી જાતને અપરાધી માનવી કે નહીં? આપણે સાધુ કે સંન્યાસી નથી, બુદ્ધ નથી, સામાન્ય છીએ એવું સ્વીકારી લઈએ તો અપરાધની ભાવના ઘટી જશે. આપણે જ્યારે જ્યારે આપણા વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવીએ ત્યારે આપણને આપણા વર્તન વિશે અપરાધની ભાવના પણ એટલી જ તીવ્રતાથી થાય છે.


નવાઈની વાત એ છે કે અર્જુન જ્યારે (અર્જુન વિષાદયોગ)માં કહે છે કે, 'હું આવું કેવી રીતે કરી શકું?' અથવા 'એમને મારીને મને શું મળશે?' અહીં અપરાધ ભાવના એટલા માટે છે, કારણ કે એનો પોતાના વિશે અભિપ્રાય બહુ ઊંચો છે. જે ક્ષણે એ ઊંચા અભિપ્રાયને બદલે શરણાગતિનું તત્ત્વ પ્રવેશે છે એ ક્ષણે મન શાંત થઈ જાય છે. એક જ લાગણી થાય છે, ના. આપણે અપરાધી નથી, કારણ કે આપણે માણસ છીએ.


વિષાદથી શરૂ કરીને વહાલ સુધી. પ્રેમથી શરૂ કરીને પ્રબુદ્ધતા સુધી પ્રવાસ છે. ક્યાંય કશે પણ પહોંચી જવું એ જ્ઞાનનું ધ્યેય જ નથી.


ઓશોની આ ફિલ્મ જોયા પછી એક વાત તો સમજાઈ જ ગઈ. આપણે બધા માણસ છીએ. કોઈક થોડા સમજુ, વિદ્વાન, પ્રબુદ્ધ, ચૈતસિક, પ્રજ્ઞાવાન કે સિદ્ધ છે, બાકીના સામાન્ય છે, પણ છે તો માણસ જ! જો કંઈક સ્વીકારવાનું હોય, એક જ સ્વીકારવાનું હોય તો આ વાત સ્વીકારવી જોઈએ. પોતાના વિશે પણ અને બીજાના વિશે પણ. જો આપણે માણસ છીએ તો બીજા પણ માણસ છે. જો આપણે ભૂલ કરી શકીએ, તો બીજા પણ કરી શકે. જો આપણે ઉશ્કેરાઈ શકીએ, તિરસ્કારી શકીએ, નકારી શકીએ તો બીજા પણ એ ન કરી શકે?


જે ક્ષણે આપણે સ્વયંને માફ કરીએ છીએ, એ જ ક્ષણે આપણે બીજાને પણ માફ કરતાં શીખવું પડશે. આપણા માટે જે જે ડિસ્કાઉન્ટ્સ આપણે માગીએ છીએ કે આપીએ છીએ, એ બધાં જ ડિસ્કાઉન્ટ્સ વાણી, વર્તન અને વ્યવહારમાં બીજાના માટે પણ આપવાં જ પડશે. જો એમ નહીં કરી શકીએ તો ગમે તેટલા ઊંચે ચડ્યા પછી પણ પછડાવાનું નિશ્ચિત છે.


સાપ-સીડીની રમતમાં જેમ 98-99નાં ખાનાં સુધી પહોંચ્યા પછી સાપના મોં ઉપર કુકરી પહોંચે અને છેક નીચે ઉતારી દે એવી જ રીતે આ સાપ અહંકારનો અને અપેક્ષાનો સાપ છે. સંબંધોમાં, સમજણમાં કે સિદ્ધિમાં ક્યાંય પણ પહોંચ્યા પછી જો આ સાપના મોં ઉપર પગ પડે તો સીધા છેક નીચે સુધી ઊતરવાનું છે એ નક્કી!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovm5VS89cDiYSU_pqP4-kEBk5cxJSX6pffF9Az0Cj6BNg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment