મચ્છર કરડવાથી થતા આ રોગનો વ્યાપ છેલ્લાં ૫-૬ વર્ષમાં ઘણો વધ્યો છે. આ રોગની મહત્વની બાબત એ છે કે જે લોકોને ડેન્ગી થાય એ લોકોમાંના ૮૦ ટકા લોકોને પોતાને ખબર પણ નથી પડતી અને આ રોગ એની મેળે બીજા વાઇરલ ઇન્ફેક્શનની જેમ મટી જાય છે, પરંતુ ૧૦ ટકા કેસમાં લોકોને ઇલાજની જરૂર પડે છે અને ૧૦-૧૨ દિવસમાં એ ઠીક થઈ જાય છે. ફક્ત પાંચથી ૧૦ ટકા કેસમાં ઇલાજ કામ કરતો નથી અને આ રોગ ઘાતક સાબિત થાય છે. ગયા મહિને એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ ચેપી રોગોમાં સૌથી વધુ ફેલાતા રોગો જેનો ખતરો મુંબઈના લોકોને વધુ છે એવા બે રોગો છે- એક ટ્યુબરક્યુલોસિસ અને બીજો ડેન્ગી. અત્યારે ચોમાસું ચાલે છે અને આ ઋતુમાં ડેન્ગી થવાનું રિસ્ક વધુ રહે છે. ગયા વર્ષનો એક આંકડો એ કહે છે કે જેટલા લોકો ડેન્ગીને કારણે માર્યા ગયા એમાંથી એક-તૃતીયાંશ લોકો ૨૦થી ૩૯ વર્ષની ઉંમરના હતા. છેલ્લાં ૫-૬ વર્ષમાં ડેન્ગીનો વ્યાપ પહેલાં કરતાં આઠ ગણો વધી ગયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ૬ વર્ષમાં કુલ મળીને ૨૫,૯૪૮ કેસ નોંધાયા હતા જેમાંથી ૪૬૦ લોકો મૃત્યુ પામ્યા હતા. વળી ૨૦૧૫ તો આમ પણ ડેન્ગી માટે ખતરનાક વર્ષ રહ્યું હતું. ૨૦૧૬માં પણ એક નવો ફેરફાર નોંધવામાં આવ્યો હતો. ડેન્ગી એક એવો રોગ છે જે ચોમાસાની શરૂઆતમાં નહીં, પરંતુ મધ્યચોમાસે જોવા મળે છે જ્યારે વરસાદ ખૂબ પડતો હોય, પાણીના ખાડા ભરાઈ ગયા હોય ત્યારે જોવા મળે છે, પરંતુ આ રોગ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ જોવા મળ્યો હતો એટલું જ નહીં, મુંબઈમાં ડેન્ગીને લીધે ચોમાસામાં થયેલું પહેલું મૃત્યુ પણ જૂન મહિનામાં જ નોંધાયું હતું, જેનું કારણ નિષ્ણાતોના મતે વરસાદ હોય અથવા તો મુંબઈમાં ચાલતું અધધધ બાંધકામનું કામ હોય. આ રોગ અને એના વિશેની વિસ્તારમાં માહિતી આજે મેળવીએ.
રોગનો વાહક મચ્છર ડેન્ગી એક વેક્ટર બૉર્ન ડિસીઝ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. એટલે કે જે વ્યક્તિને ડેન્ગી થયો હોય એ વ્યક્તિને મચ્છર કરડે તો એ રોગનાં જંતુ એ મચ્છરની લાળમાં જતાં રહે અને પછી જ્યારે એ બીજી વ્યક્તિને કરડે ત્યારે એ ફેલાય. ડેન્ગી જે મચ્છરથી ફેલાય છે એનું નામ છે એડીઝ આઇજિપ્તી. આ મચ્છર દિવસના સમયે ખાસ કરીને કરડે છે. મલેરિયા પણ મચ્છરથી થતો રોગ છે, પરંતુ એના મચ્છર જુદા હોય છે અને એ સાંજના સમયે કરડે છે. વળી બન્નેમાં એ પણ ફરક હોય છે કે મલેરિયાના મચ્છર ગમે તે જગ્યાએ જન્મી શકે છે એટલે કે નદી, તળાવ કે નાળામાં પણ એ જન્મે છે જ્યારે ડેન્ગીના મચ્છર મોટા ભાગે ઘરની આસપાસ ભરાતા પાણીમાં જ જન્મે છે, કારણ કે જ્યાં માનવવસાહત હોય ત્યાં એમને એમનો ખોરાક સરળતાથી મળી રહે છે માટે એ વધુ અહીં જ જોવા મળે છે. જોકે મુંબઈ જેવા શહેરમાં જ્યાં લોકોની કમી નથી ત્યાં તો આ મચ્છર ગમે ત્યાં ઊભા થઈ શકે છે.
ગંભીરતા ડેન્ગી એક વાઇરલ ઇન્ફેક્શન છે એટલે કે વાઇરસથી જન્મતું ઇન્ફેક્શન. એના ચાર પ્રકાર હજી સુધી સામે આવ્યા હતા, પરંતુ હમણાં થોડા સમય પહેલાં પાંચમો પ્રકાર પણ સામે આવેલો તો કહી શકાય કે એના પાંચ પ્રકાર છે. આ ઇન્ફેક્શન વિશે વાત કરતાં દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, 'આ ઇન્ફેક્શનમાં ૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે અને મોટા ભાગે દરદીને ખબર પણ નથી પડતી એટલી જલદી એ જતું રહે છે. એટલે કે દરદીને લાગે કે તેને સામાન્ય વાઇરલ જેવું કંઈક થયું છે જેમાં તાવ આવે કે થોડું કળતર થાય અને ૪-૫ દિવસમાં સ્ટ્રૉન્ગ રોગપ્રતિકારક શક્તિને કારણે એ વ્યક્તિ ઠીક થઈ જાય, બાકીના ૨૦ ટકા કેસમાંથી ૧૦ ટકા કેસ એવા હોય છે જે થોડા સિરિયસ હોય અને ૧૦-૧૫ દિવસના ઇલાજ પછી એ ઠીક થઈ જાય, બાકીના ૫-૧૦ ટકા કેસ એવા હોય છે જે સિરિયસ કહી શકાય. એ કેસ એવા ગંભીર હોય છે કે આ ઇન્ફેક્શનની અસર તેમના પર ઘાતક સાબિત થાય છે. આમ એવું નથી કે ડેન્ગી થયો હોય તો એ ઘાતક જ હોય એવું જરાય જરૂરી નથી, પરંતુ એ વાત સાચી છે કે ડેન્ગી એક ગંભીર રોગ સાબિત થઈ શકે છે.'
લક્ષણો વ્યક્તિને મચ્છર કરડે એના પછી ૩-૪ દિવસે, ઘણી વાર ૫-૭ દિવસે તો કોઈ એકાદ કેસમાં એવું પણ બને કે લક્ષણો બહાર આવતાં ૧૦-૧૨ દિવસ પણ થાય. ડેન્ગીનો રોગ વાઇરલ ઇન્ફેક્શન હોવાથી બીજાં વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ એનાં લક્ષણો હોવાનાં. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, 'તાવ, શરદી, ખાંસી, વહેતું નાક જેવાં લક્ષણો તો એના બીજા વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ હોય છે, પરંતુ જો બાળકને ડેન્ગી થાય તો તેને ઝાડા, ઊલટી, ડીહાઇડ્રેશન ખાસ જોવા મળે છે. આ સિવાય મોટા લોકોને શરીરમાં કળતર ખૂબ જ થાય છે. જ્યારે ડેન્ગી ભારે હોય ત્યારે લોકોને બોન બ્રેક પેઇન એટલે કે હાડકાં ભાંગે તો કેવો દુખાવો થાય એવું બૉડી-પેઇન થતું છે. આવો દુખાવો બીજા કોઈ વાઇરલ ઇન્ફેક્શનમાં નથી થતો. આ દુખાવો એ ડેન્ગીનું ટિપિકલ લક્ષણ છે. આ સિવાય ડેન્ગીમાં વ્યક્તિને શરીર પર લાલ ચાઠાં થઈ જાય છે જેને દબાવો તો એ સફેદ દેખાવા લાગે છે. આ રોગનું એ બીજું મહત્વનું લક્ષણ છે. આમ, ડેન્ગીનું નિદાન અઘરું નથી. અમુક ખાસ લક્ષણોથી એને જલદી ઓળખી શકાય છે અને જે ડેન્ગી ઓળખાતો નથી એ એટલો માઇલ્ડ હોય છે કે શરીર જાતે જ એની સાથે લડી લે છે અને એને બીજા કોઈ નિદાન કે ઇલાજની જરૂર જ નથી પડતી.'
નિદાન જ્યારે કોઈ પણ વ્યક્તિને તાવ આવે અને એ ડૉક્ટર પાસે જાય ત્યારે એનાં ચિહ્નો જોઈને ડૉક્ટર નક્કી કરે કે આ વ્યક્તિને ડેન્ગીની ટેસ્ટ કરાવડાવવી કે નહીં. જો ચિહ્નો સૂચવતાં હોય કે ટેસ્ટની જરૂર છે તો જ ડૉક્ટર ટેસ્ટ કરવાનું કહે છે. આ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, 'એવું નથી હોતું કે વ્યક્તિને તાવ આવે એટલે તરત જ ટેસ્ટ કરવાનું કહેવામાં આવે, કારણ કે એની ટેસ્ટ પણ ૮૦૦-૧૦૦૦ રૂપિયાની થાય છે એટલે એ દરેક દરદી માટે પોસાય પણ નહીં કે લક્ષણ હોય કે નહીં ટેસ્ટ કરાવી લેવી. એની એક ટેસ્ટ એવી છે જેમાં તાવ આવ્યાના ૨૪ કલાક પછી જ એ કરાવી શકાય એના પહેલાં કરાવો તો રિઝલ્ટ નથી આવતું. ડેન્ગીની સમયાંતરે બે ટેસ્ટ થાય છે. એક વખત નિદાન થયા પછી વ્યક્તિનાં ચિહ્નો જોઈને એનો ઇલાજ શરૂ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે સામાન્ય પૅરાસિટામૉલથી જો તાવ ઊતરતો હોય તો એનો અર્થ એ છે કે વાઇરલ તાવ જ છે, પરંતુ એનાથી આ તાવ ન ઊતરે અને ૪-૫ દિવસ આમ જ પસાર થાય, લક્ષણો વધતાં ચાલે તો ટેસ્ટ કરાવીને યોગ્ય નિદાન થાય છે કે વ્યક્તિને શેનો રોગ થયો છે.'
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsOiQd24EbZG6CnWfc9sLcQ_BgWpn%2BYB%2BAtYr0zr77SbA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment