| 
ભારત સરકાર દ્વારા દર ૨૬મી જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ વિવિધ ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપનારાઓને પદ્મશ્રી, પદ્મભૂષણ જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ૨૬મી જાન્યુઆરીની પરેડ જેટલી ખાસ હતી, એટલા ખાસ હતા આ વખતના પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કાર મેળવાનારા. આ યાદીમાં એક નામ ખૂબ જ ખાસ હતું અને એનાથી પણ વધુ અનોખું તો આ નામની વ્યક્તિએ કરેલું કામ હતું. હવે વધારે સસ્પેન્સ રાખ્યા વગર જણાવી દઈએ તો તે છે જર્મન ભારતીય મહિલા ફ્રેડરિક આઈરિન બર્નિંગ. નામ વાંચીને જ એક વાતનો ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ નામ ભારતીય નથી અને તેમણે કરેલું કામ એટલે ગૌરક્ષાનું. આજે ફ્રેડરિક ૧૮૦૦થી વધુ અનાથ ગાયોની સારસંભાળ રાખે છે. પોતાનો દેશ છોડીને કોઈ બીજા દેશમાં સેટલ થવાનો વિચાર જ આપણને ઘણી વખત બહુ દુ:ખદ લાગતો હોય છે, અને આ તો પાછું એ દેશમાં રહીને સમાજ સેવા કરવાની. વાંચવામાં આ જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં.
ખૅર, પણ આપણીએ આજની આ મહિલા મહેમાન બહુ હિંમતવાળી અને ભારતપ્રેમી છે, જેના માટે ભારત હવે વતન બની ચૂક્યું છે. એની કથા જણાવવાની તમને બહુ મજા આવશે. ૨૯મી જાન્યુઆરીએ પદ્મશ્રીથી સન્માનિત થનાર ૬૧ વર્ષીય ફ્રેડરિક જણાવે છે 'ભારત સરકારે મારા કામની નોંધ લીધી એનો આનંદ થયો અને મને વિશ્ર્વાસ છે કે કદાચ મારા વિશે જાણીને બીજી કોઈ વ્યક્તિને પણ આવું કરવાની પ્રેરણા મળશે જ. પ્રાણી માત્ર પર દયા કરવાનો જ સંદેશો હું હંમેશા લોકોને આપતી હતી, છું અને રહીશ. '
ફ્રેડરિકની સ્ટોરી ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. એના વિશે વાત કરીએ.? ૧૯૭૮માં ભારતમાં એક ટુરિસ્ટ તરીકે આવનાર ૨૦ વર્ષની એક યુવતીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તે હવે કદાચ કાયમ માટે અહીંની જ બનીને રહી જશે. બર્લિનથી ભારત ફરવા માટે આવેલી ફ્રેડરિકે ભારત વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મૂળ તો તે એક ગુરુ અને શાંતિની શોધમાં અહીં આવેલી. ભારત ભ્રમણ વખતે જ અહીંની સંસ્કૃતિ પર વારી ગયેલી ફ્રેડરિકે ઉત્તર પ્રદેશમાં આવેલા મથુરાના રસ્તા પર ગાયો રખડતી જોઈ અને બસ આ ગાયોને જોઈને જ ફ્રેડરિકને લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો. ત્યાર બાદ મથુરામાં રહીને જ ગાયો માટે કંઈક કરવાનો નિર્ણય તેણે લીધો હતો.
હવે સૌથી મોટો પ્રશ્ર્ન એ હતો કે આ ગાયો માટે આખરે શું કરવું જોઈએ? આ દરમિયાન તેણે અનેક પુસ્તકો વાંચ્યા અને એ બધા પરથી તેને એવું જાણવા મળ્યું કે જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે, કે બીમાર પડે છે ત્યારે લોકો તેને રસ્તા પર રઝળતી મૂકી દે છે. પુસ્તકો વાંચવા ઉપરાંત ગાયને સારી રીતે સમજવા માટે તેણે હિંદી ભાષા પણ શીખી લીધી. તેણે ખુદ રસ્તા પર એવી ગાયો જોયેલી જેમાં મોટા ભાગની ગાયોના શરીર પર ઈજાઓ થઈ હતી, આ ઉપરાંત એ ગાયોને યોગ્ય આહાર પણ નથી મળતો હોતો. બસ પછી તો તેણે આ ગાયોને આશ્રય મળી રહે અને યોગ્ય ખાન-પાન મળી રહે એ માટે જ પોતાનું બાકીનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું.
ફ્રેડરિક પોતાની આ પ્રવૃત્તિ વિશે વધુ વાત કરતાં જણાવે છે કે 'મથુરામાં લોકોની ચહેલપહેલથી થોડે દૂર મેં એક ગૌશાળા શરૂ કરી અને એ માટે મેં જર્મનીમાં રહેલી મારા પિતાજીની પ્રોપર્ટી વેચીને પૈસા ભેગા કર્યા. આ ગૌશાળામાં રસ્તા પર રઝળી રહેલી ગાયોને આશ્રય આપવામાં આવે છે. મને આનંદ છે કે આજે મારી ગૌશાળામાં ૧૮૦૦થી વધુ ગાય અને વાછરડાંઓ છે. એક નાનકડા આંગણાથી શરૂ કરેલું મારું કામ આજે વૈશ્ર્વિક સ્તરે પહોંચી ગયું છે. ગાયોની સંખ્યા વધતાં મેં રાધા કુંડ ખાતે સુરભાઈ ગૌશાળા નિકેતન નામે એક બીજી ગૌશાળા પણ શરૂ કરી દીધી છે.'
ગૌસેવાને કારણે આ ગોરી મૅમ હવે સ્થાનિકોમાં 'ગૌમાતાની આશ્રયદાતા'ના હુલામણા નામે ઓળખાય છે. છેલ્લાં અઢી દાયકાથી ફ્રેડરિક ગૌમાતાની સેવા કરતાં કરતાં ૬૧ વર્ષનાં થઈ ગયા છે અને કેટલાક સ્થાનિકો તો તેમને 'સુદેવી માતાજી'ના નામે પણ બોલાવે છે. 'હું ગાયોને મારા સંતાનની જેમ જ ઉછેરું છું, જે રીતે એક માતા પોતાના સંતાન વિના ના રહી શકે એ જ રીતે હું મારી ગાયો વિના નથી રહી શકતી. ગાયોની સાર સંભાળ માટે મહિને આશરે રૂ. ૬૫ લાખ જેટલો ખર્ચ થાય છે' એવું જણાવે છે ફ્રેડરિક. ફ્રેડરિકની ગૌશાળાએ ૬૦ જેટલા સ્થાનિક નાગરિકોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવી આપી છે, જ્યારે ગાયને ખાવા-પીવા, દવા-દારૂ અને કર્મચારીઓના પગાર મળીને આટલો ખર્ચ થાય છે, જેમાંથી છથી સાત લાખ રૂપિયા તો ફ્રેડરિક પોતાના ખિસ્સામાંથી ખર્ચી નાખે છે (આ રકમ તેના પિતાની પ્રોપર્ટીના ભાડામાંથી આવે છે) અને બાકીના પૈસા બહારથી ઊભા કરવા પડે છે. ૧૮૦૦ ગાયોને તો ફ્રેડરિક પાળી જ રહ્યા છે પણ તેમ છતાં પણ જો તેમને રસ્તામાં કોઈ બીમાર, અંધ કે ઈજાગ્રસ્ત પ્રાણી મળે તો તેઓ તે પ્રાણીને પોતાની ગૌશાળામાં લઈ આવે છે અને તેમની સંભાળ રાખે છે.
કોઈ પણ પ્રકારની ફરિયાદ કે અપેક્ષા વિના સમાજ સેવાનું કામ કરી રહેલાં ફ્રેડરિકે ભલે પુરસ્કાર મળતાં આનંદ વ્યક્ત કર્યો પણ તેમના મનમાં એક છૂપો ખટકો રહે છે અને એને વાચા આપતા તે કહે છે કે 'અઢી દાયકા બાદ આજે પણ મારે દર વર્ષે મારો વિઝા રિન્યુ કરાવવાની પ્રક્રિયા કરવી પડે છે. ભારત સરકાર મને લાંબી અવધીવાળો વિઝા આપે તો મને વિશેષ આનંદ થશે. હાલમાં તો સ્થાનિક સાંસદ અને બૉલીવૂડ ડ્રીમ ગર્લ હેમા માલિનીએ વિદેશ ખાતાના પ્રધાન સુષમા સ્વરાજનો સંપર્ક સાધીને વિઝા રિન્યૂ કરાવવામાં મદદ કરી છે. હું ભારતનું નાગરિકત્વ સ્વીકારી શકું એમ નથી, કારણ કે જો હું આવું કરીશ તો મારે દર મહિને બર્લિનથી થતી રૂ. છથી સાત લાખની આવક ગુમાવવાનો વારો આવે અને અત્યારે મને એ પોષાય એમ નથી. મારા પિતા જર્મન એમ્બેસીમાં ઊંચા હોદ્દા પર અધિકારી હતા અને તેમણે ભારતની રાજધાની દિલ્હીમાં આવેલી જર્મન એમ્બેસીમાં પણ કામ કર્યું છે અને તેઓ પણ અવારનવાર અહીં આવતા અને ગૌેસેવા કરતાં.'
ગૌસેવા માટે ફ્રેડરિકે લગ્ન પણ નથી કર્યા અને તેમણે ગાયોને જ પોતાનો પરિવાર, દુનિયા માની લીધી છે અને સતત તેમની સાથે જ સમય પસાર કરવાનું પસંદ કરે છે. સેલ્યુટ છે આ ગોરી મૅમની હિંમતને કે જેમણે પોતાનું વતન છોડી એક નવા જ વતનમાં ગૌસેવાની ધૂણી ધખાવી અને કોઈ પણ પ્રકારના ફળની આશા વિના નિ:સ્વાર્થ ભાવે આજે પણ આ કામ કરી રહ્યાં છે! |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvPc91sn0SGfr-rwvhzZPXwkRALG_W1ab8EYbdnebm0NQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment