બધાને ફ્રન્ટપેજ પર દેખાતા હીરો-હીરોઇનની ખબર છે, પણ બેકસ્ટેજમાં રહેલા વફાદાર નોકર-ચાકરને કેટલા સમજીને અંજલિ આપે છે ? તમે સલામત રહો કે પછી તમારી જીંદગી સહેલી બને કે તમે આખો દિવસ આનંદ કરો - એની પાછળ કોઇને કોઈ ગુમનામ કે પરીચિત કર્તવ્યનિષ્ઠ વ્યક્તિનો ભોગ હોય છે.
ચાર્લ્સ પ્લમ્બ એમનું નામ. યુ.એસ. નેવીમાં જેટ પાયલોટ. એક-બે નહિ પૂરા ૭૫ જેટલા કોમ્બેટ મિશન સફળતાપૂર્વક કરી ચૂકેલા વોર હીરો. વિએતનામની લડાઈ વખતે આટલા અનુભવી ફાઈટર પાયલોટનું પ્લેન સરફેસ ટુ એર મિસાઇલના પ્રકારથી તૂટી પડેલું. પણ એમણે પેરેશૂટથી હવાઈ કૂદકો મારી જીવ બચાવેલો, અને દુશ્મન દેશમાંથી જીવતા પાછા આવી ભારે સન્માન સાથે નિવૃત્ત થયેલા.
એક દિવસે પ્લમ્બ એમની પત્ની સાથે રેસ્ટોરાંમાં ડિનર માટે ગયા. ત્યાં બીજા ટેબલ પરથી એક સાધારણ સ્થિતિનો લાગતો માણસ ઉભો થઇને એમની પાસે આવ્યો. બોલ્યો 'અરે વાહ ચાર્લ્સ પ્લમ્બ ! એરક્રાફ્ટ કરિયર કિટી હોકમાંથી વિએતનામમાં ઠેકડો લગાવેલો એ !'
ચાર્લ્સ પ્લમ્બને નવાઈ લાગી. 'આવી ટેકનિકલ વિગતો તમને ક્યાંથી ખબર ?' એવું પૂછ્યું. પેલા માણસે સાહજીકતાથી કહ્યું: 'તમારો પેરેશૂટ મેં પેક કરેલો ! આશા છે એણે સારું કામ આપ્યું હશે !' પ્લમ્બે આભારવશ થઈ હાથ મિલાવતા કહ્યું 'બિલકુલ નહિ તો આ વાત કરવા હું જીવતો ન હોત !'
પણ એ રાત્રે પ્લમ્બને નીંદર ન આવી. એને થયું કે પોતે ઉંચા હોદ્દાનો ફાઈટર પાયલોટ, અને આ મામુલી સેઇલર જેવી નીચી પાયરીનો કર્મચારી. યુનિફોર્મમાં એણે કેટલીયે વાર સેલ્યુટ કરી હશે, જેનો જવાબ સુધ્ધાં નહિ આપ્યો હોય પ્રોટોકોલના ભારમાં. ચહેરો તો યાદ રાખવાનો પ્રશ્ન જ નહોતો. પ્લમ્બના દિમાગમાં એ દ્રશ્ય તરવરવા લાગ્યું જેમાં પેલો પેરેશૂટ પેક કરનારો રોજેરોજ લાકડાના ટેબલ પર પેરેશૂટ પાથરીને ચીવટપૂર્વક એની ગડી ફોલ્ડ કરી પેક કરતો હોય.
પેરેશૂટ સરખો પેક ન થાય, તો અણીના વખતે ખૂલે જ નહિ. કોઇક વાર જ ઇમરજન્સીમાં જરૂર પડે, પણ કામ તો રોજેરોજ કંટાળ્યા વિના એકધારું કરવું પડે. એ ય મોનોટોનસ, બોરિંગ લાગતી જોબ. જે પેરેશૂટ પેક કરે, એ ક્યારેક કોઇનો જીવ બચાવે - પણ કોનો ? એ ય ખબર ન હોય. એ બચી જનારને ય કોણે પેક કર્યું એની કદર ન હોય !
વિચારોના આ ધક્કે પ્લમ્બ રાઇટર અને પછી સ્પીકર થઇ ગયો. 'હુ પેક્સ યોર પેરેશૂટ'ની થીમ પર એણે કેમ્પેઇન શરૂ કર્યું. દરેકે પોતાની જાતને પૂછવાનું: તમારો પેરેશૂટ કોણ પેક કરે છે ?' મતલબ, તમે સલામત રહો, કે પછી તમારી જીંદગી સહેલી બને,કે તમે આખો દિવસ આનંદ કરો - એની પાછળ કોઇને કોઈ ગુમનામ કે પરીચિત કર્તવ્યનિષ્ઠ વ્યક્તિનો ભોગ હોય છે.
એ એની જવાબદારી નિયમિત સુપેરે બજાવે છે, માટે તમને ઓછી તકલીફ પડે છે. પેરેશૂટ એટલે ફિઝિકલ કમ્ફર્ટસ જ નહિ. ઇમોશનલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ - કેટલાય પ્રકારના પેરેશૂટના ટેકા થકી માણસ પોતાની મંઝિલે હેમખેમ પહોંચી શકે છે ! આવા લોકોને આપણે સ્મિત સાથે પોંખીએ છીએ ? એમની રોજીંદી સામાન્ય કામગીરીની સ્પેશ્યલ નોંધ લઇએ છીએ ? એમને શોધીને શાબાશી આપીએ છીએ ?
આપણા જ નહિ, કોઇકના ય 'પેરેશૂટ' આવી રીતે પેક કરતી વ્યક્તિ ક્યાંક દેખાય તો ગમે તેટલી ઉતાવળમાં એને શબ્દોથી શાબાશી નહીં, તો મનોમન સલામ કરવાનું ભૂલાવું ન જોઇએ !
આ આખી વાતનું અનુસંધાન જોડાય છે, ઓસ્કારમાં દસ નોમિનેશન મેળવનાર સ્પેનિશ (મેક્સિકન) ફિલ્મ 'રોમા' સાથે !
આલફોન્સો ક્યુરોન કોઈ નવું નામ નથી, દિગ્દર્શક તરીકે ખાસ કરીને ઓસ્કારવિનર 'ગ્રેવિટી' બનાવ્યા પછી ! એ અગાઉ પણ સ્પેનિશમાં અને અંગ્રેજીમાં એક એકથી ચડિયાતી અને જડબેસલાક જકડી રાખતી ફિલ્મો બનાવી છે. ટીનએજ ઇરોટિકથી શરૂ કરીને હેરી પોટરનો ત્રીજો ભાગ (પ્રિઝનર ઓફ આઝકાબાન - ધ બેસ્ટ એમોંગ ઓલ) પણ બનાવે. રોમેન્ટિકથી સાયન્સ ફિકશન પણ બનાવે.
ગ્રેવિટીની વર્લ્ડવાઇડ સફળતા અને પ્રતિષ્ઠા પછી ડયુરોન ધારે એ પ્રોજેક્ટ કરી શકત. બજેટની લિમિટ કોઈ રાખત નહિ, મોંમાંગ્યા સ્ટાર દોડીને કામ કરત.પણ જે લોકો કોપીથી નહિ, કસબથી ટેલેન્ટેડ છે, એ નવી ચેલેન્જીઝ જીતનેઆપે છે.
શોલે પછી શાન અને ત્રિદેવ પછી વિશ્વાત્મા બનાવતા નથી. લાલા લેન્ડવાળા ડેમિયન ચીઝલે નીલ આર્મસ્ટ્રોંગની બાયોપિક 'ફર્સ્ટ મેન' પર હાથ અજમાવ્યો છે. ઇફેક્ટસ વિઝ્યુઅલી જોરદાર, ફિલ્મની ઓછી પણ તો ય કશુંક નવું તો કર્યું, કેવળ સક્સેસને એન્કેશ કરવાને બદલે !
તો આલ્ફોન્સો ક્યુરોને (કુરોન પણ બોલાય) ગ્રેવિટી પછી કોઈ ધમાકેદાર ડ્રીમ પ્રોજેક્ટને બદલે ૧૨ વર્ષથી પોતે જેના અંગે વિચાર્યા કરતા હતા એવી એક સ્કેલમાં નાની, બ્લેક એન્ડ વ્હાઇટ, સેમી ઓટોબાયોગ્રાફિકલ ટીવી ફિલ્મ બનાવી !પહેલી વખત ઓસ્કારવિનર દોસ્તો ગુલિરેનો ડેલ ટોરો અને ઇનારઇટ્રુને કાયમી ટેવ મુજબ નેકસ્ટ પ્રોજેક્ટ બાબતે પૂછ્યું નહિ.
રેગ્યુલર કેમેરામેનની ડેટ્સ નહોતી, તો ડાયરેક્ટર ખુદ રાઇટર-એડિટર પ્રોડયુસર પછી સિનેમેટોગ્રાફર પણ બની ગયા ! તાજેતરમાં વિદાય લઇ ગયેલા આપણા મૃણાલસેન જેવી ધીમી, આર્ટિસ્ટક ફિલ્મ, નિરાંતે એક એક ફ્રેમ મનમાં ખુલતા ખારી બિસ્કિટ જેવા મેમરીના પડની જેમ પસાર થાય. પણ થોડીક સંવેદના હોય તો ધીરજ ખૂટે નહિ. ધીમે ધીમે રેન્ડમ ફરફરતા ખાતાઓ જેવી એ શ્વેત-શ્યામ ફ્રેમમાં તમને લાગણીના રંગોનું મેઘધનુષ દેખાવા લાગે !
અને થિએટરને લિમિટેડ રિલિઝ આપી ડયુરોને ફિલ્મ જ નેટફિલક્સ પર રિલીઝ કરી દીધી ! નેમ એવ કે નામ-દામને બદલે આ વાત વધુ લોકો સુધી પહોંચે ! અને ફિલ્મનું શીર્ષક 'રોમા' હોવા છતાં ન તો એમાં ઇટાલીનું રોમ છે, ન તો રોમા નામની કોઈ નાયિકા છે.
ઇનફેક્ટ,મુખ્ય પાત્ર જેણે ભજવ્યું છે એ સામાન્ય દેખાતી મેક્સિકન નાયિકા જાલિઝાની તો આ ડેબ્યુ ફિલ્મ જ છે ! (તો ય એવોર્ડ નોમિનેશન) પણ રોમા નામ છે, એક વિસ્તાર પરથી, અમદાવાદની પાડાની પોળ કે જૂનાગઢના ગણેશ ફળિયા જેવો એક પાડોશ, જેને રોમા કહેવાતો જ્યાં ૧૯૭૦-૭૧માં સ્વયં દિગ્દર્શક ક્યુરોન અને એમના ભાંડરડાનું બચપણ વીતેલું !
બહુ ગાજેલી અને જ્યાં જાય ત્યાં એવોર્ડ લઇ આવતી રોમા ફિલ્મમાં વાર્તા જેવું ખાસ છે નહિ. મોનેન્ટસના મોન્ટાજ છે. છતાં ય આ એક ફકરો સ્પોઇલર્સવાળો ગણી રસિકજનો સ્કિપ કરે, અને નેકસ્ટ પેરેગ્રાફ પર ઠેકડો મારે. ૧૯૭૦ની સાલના મેક્સિકોમાં એક અપર મિડલક્લાસ એવો ડોક્ટરનો પરિવાર છે.
જેની ભણેલી પત્ની, ચાર છ થી ૧૨ વર્ષના બાળકો (એક બહેન, ત્રણ ભાઈ) નાનીમા અને બે નોકરાણીઓ એક રસોઇયણ અને એક હાઉસકીપર એક વારંવાર બધું બગાડતા રહેતા કૂતરા અને સાંકડા પ્રવેશદ્વારમાં આવી ન શક્તી વિરાટ ગાડી ફોર્ડ ગેલેક્ઝી સાથે રહે છે. પૈસાની કમી નથી, પણ કુટુંબના મોભી પુરૂષને બહાર રહેવું વધુ ગમે છે,બીજે ચક્કર ચાલે છે. વાતના કેન્દ્રસ્થાને જે છે, એ છે રોમાની જેને અર્પણ કરાઈ છે, એ ક્લિયો. જે સતત મૌનજ રહે છે.
સિવાય કે, બાળકોને ઉઠાડવા, જમાડવા, સૂવડાવવાની સૂચનાઓ આપવાની હોય, કે એમની કાલીઘેલી વાતોના હોંકારા આપવાના હોય. એને સહેલી સાથે સિનેમા જોવા જતાં પરિચયમાં આવેલા જુવાન ફર્મિન સાથે કાચી ઉંમરનો પ્રેમ થઇ જાય છે. પણ આ પ્રેગનન્ટ છે, એવંમ સાંભળતા જ ગામડે નાસી છૂટેલો એ ભાગેડુ જણ તો ત્યાં વળી રાજકીય ક્રાંતિના દળમાં ભરતી થઇ ક્લિયોને જ બીજી વાર મળીશ તો મારવાની ધમકી આપે છે.
સમજુ પરિવાર ક્લિયોની અસલામતી પારખી એની છત્રછાયા બને છે. ભાવિ બાળકના આગમનની તૈયારી વખતે જ નગરમાં વિદ્યાર્થી હિંસા ફાટી નીકળતા, ક્લિયોનો ભેટો હિંસાખોરી કરતા પૂર્વપ્રેમી સાથે થાય છે. એ હોસ્પિટલમાં દાખલ થતાં બાળક 'સ્ટિલબોર્ન' મૃત જન્મે છે. ઘણી ઘટમાળ અને પ્રસંગો પર્વો બાદ ડોક્ટર પત્નીને છૂટાછેડા આપે છે. બાળકો, ડિવોર્સી મા અને નોકરાણી દરિયાકિનારે મનફેર કરવા જાય છે, જ્યાં તરતાં ન આવડતું હોવા છતાં જીવ પર આવી નોકરાણી બાળકને બચાવે છે. ફરી પુરૂષ વિનાના ઘરમાં બધા રૂટિનમાં ગોઠવાય છે.
સ્પોઇલર્સ સમાપ્ત અબ આગે. આલફોન્સોએ આ ફિલ્મમાં પોતાના બાળપણની યાદો તાજી કરી છે. એને ય નાનપણમાં પાયલોટ થવું હતું, ફિલ્મોનો શોખ હતો. માને પિતા એ બાળક હતા ત્યારે છોડી જતા રહેલા, અને એમની ય એક નોકરાણી, હાઉસકીપર હતી લિબોરિયા રોડ્રીમ્સ. જેની વ્યક્તિત્વ પર આ ફિલ્મ છે, અને છેલ્લે નોટ પણ આવે છે ઃ ફોર લિબો !
આજે લિબો ૭૪ વર્ષની છે. વર્લ્ડ ફેમસ સર્જક બન્યા પછી પણ ક્યુરોન એની સાથે જીવંત સંપર્કમાં છે. એ કહે છે કે ''મારી મા જેટલી હૂંફથી જ ઉછેર આ નોકરાણી ગણાતી - ગરીબ ગામડિયણ ગમાર સ્ત્રીએ અમારા બધા ભાઈબહેનોનો કર્યો છે. હું નાનો હતો ત્યારે ક્યારેક એ પોતાના વતનના ઘરની, એના પિતાની, એણે પસાર કરેલા શિયાળાની ઠંડીની અને એવી વાતો કરતી. મને તો બાળક તરીકે એ એડવેન્ચર સ્ટેરીઝ લાગતી, એની તકલીફો અને એના મનમાં ધરબાયેલી પીડાનો કદી અહેસાસ જ ન થતો.
એણે પોતાનું આખું જીવન અમને આપી દીધું. એની રસોઈ અમે ખાધી, હું તોફાની ખોવાઈને હેરાન કરતો, તો ય એ અમને ફરવા ને ફિલ્મ જોવા લઈ જતી. સવારે વ્હાલથી ઉઠાડતી. સ્કૂલે તેડવા આવી, જમાડીને પોઢાડતી. અમે મજાઓ કરતા ને એ એની તૈયારી કે સાફસૂફી. એને મજબૂરી હશે, અસ્તિત્વ ટકાવવા આર્થિક એના વોઈસ કે ચોઈસ કશું રહ્યું જ નહોતું. એણે જ જીવ પર આવી મને ડૂબતો ય બચાવેલો, ખુદના પ્રાણના ભોગે. એ મુસીબતના સમયમાં મારા પરિવારનો ટેકો બની.''
પણ આર્ટીસ્ટ બન્યા પહેલા. અમને એવો વિચાર નહોતો આવતો કે એની પણ એક દુનિયા હોય. એને ય એના સુખદુઃખ હોય. એ રૂદન અને એ હાસ્ય એણે પોતાની ફરજ ખાતર ઢબૂરી દીધું હોય. એ વિચાર આવ્યો ત્યારે મોડું થઈ ગયું. પણ અમારા બચપણના ઘડતરનો એ ય હિસ્સો હતી, એનું તર્પણ કરવા આ ફિલ્મ બનાવવાનું ઘોળાતું હતું.
એને મેં સેટ પર પણ બોલાવેલી ત્યારે એની આંખમાં શૂટ થયેલા સીન જોઈ આંસુ હતા. એ વૃદ્ધા બોલતી હતી: બિચારા બાળકો... કેવા હેરાન થયા... ! એને ખુદની પરેશાનીઓ કરતાં ય આજે ય અમારા બચપણની યાદોથી ચિંતા થાય, એટલી એ અમારી સાથે ઓતપ્રોત હતી !
'રોમા' ફિલ્મને ઓસ્કાર મળવા સામે 'નેટફલિક્સ'ના લેબલનું હર્ડલ છે, તો મેક્સિકો સાથે ટ્રમ્પના બુલીઈંગના અમેરિકામાં ગાજેલા વિવાદનો સપોર્ટ છે. 'ક્રાઉચિંગ ટાઈગર, હિડન ડ્રેગન' કે 'લાઈફ ઈઝ બ્યુટીફૂલ' જેવી ફોરેન લેંગ્વેજ ફિલ્મો - મેઈનસ્ટ્રીમમાં જીતી શકી છે. ચાન્સ એકદમ બ્રાઈટ છે. ટેકિનકલી તો વેલ્વેટ બ્લેક એન્ડ વ્હાઈટ વાઈડ શોટસ, લાઈવ સાઉન્ડ ડિઝાઈન આપણને ભજવાતા સીનની વચ્ચે ઉભા રાખી દે છે. કેટલાય મેટાફોર છે.
પાર્ટી અને આગના સીનમાં સમાજજીવન ઝીલાયું છે. મોટી કારની એન્ટ્રીમાં પડતી તકલીફ સાથે પુરૂષની સિગારેટ સહિતની એન્ટ્રી સ્ત્રીમાં પરાણે પેનિટ્રેશન કરતા મેલ ઈગોની એન્ટ્રી છે. પુસ્તકોના ઘોડા લઈ પુસ્તકો છોડી જનાર માણસ સંવેદનાને બદલે સંપત્તિ પસંદ કરે એ દેખાડાયું છે. અમુક જગ્યાએ આંખોમાં ચીસ છે.
ધરતીકંપથી સિનેમા થિએટર સુધી કેમેરો ઓર્ડિનરી લાઈફની ડેપ્થ કેમ્ચર કરે છે. સ્મોલ ઈવેન્સને બિગ ફોક્સ આપે છે. જેમ કે, ફિલ્મમાં ફોન આવે ત્યારે ઉપરથી 'શેઠાણીબા' રિસિવર લે, ત્યારે નીચે એકલી નોકરાણી પણ રિસીવર લૂંછીને મૂકે. ઘરની દેખરેખની આદત પડી ગઈ હોય એવા લોકો ય હોય છે.
એ લોકોને પોલિટિક્સની કોઈ ખબર નથી. સમાચારોનું કોઈ નોલેજ નથી. ઘટનાઓ પર ઓપિનિયન નથી. કોઈ સોશ્યલ નેટવર્કિંગ રિયલ કે વર્ચ્યુઅલ લાઈફમાં નથી. ભણેલા, સમૃદ્ધ, ઉંચી જાત કે થોડીઘણી આવક અને સારા બેકગ્રાઉન્ડના લોકો તો આફત આવે તો ય જેમતેમ કરી ટકી જાય, વેરવિખેર જીંદગીને વિચારીને મોટીવેટ થઈને એકઠી કરે.
મદદ મેળવે. બેઠા થાય. પણ એક કચડાયેલો, અભણ, વંચિત શોષિત પીડિત નીચલો વર્ગ એવો છે - જેને તકલીફ પડે તો બે જ વિકલ્પ છે ઃ કાં મારામારી કરે, કાં સાવ ખામોશ રહી સહન કરે ! એમની મુસીબતો ય સેકન્ડ ડિગ્રી તરીકે ટ્રીટ થાય, કોઈ અંત્યોદય - સર્વોદયવાળો ગાંધી ન પ્રગટે ત્યાં સુધી એને વાચા જ ન મળે !
વાર્તાની રીતે પાતળી લાગતી 'રોમા'નું ફોક્સ આ છે. અવ્યક્ત અંધારા ખૂણામાં પ્રકાશ ફેંકવાનો. કેરટેકર એટલે માત્ર કપડાં ધોતુંસૂકવતું કે ચા-કોફી-દૂધના ગરમ ગ્લાસ હાજર કરતું યંત્ર નહિ. એ પણ માણસ છે. એને ય લાગણીઓ ને વેદનાઓ છે છતાં એનો અવાજ બીવીઓ માટે સંભળાય છે, ખુદ માટે નહિ !
'રોમા' ફિલ્મમાં જૂના વર્લ્ડ કપના દીવાળી પરના પોસ્ટર જેવી ડિટેઇલિંગ અને 'નવનિર્માણ' જેવા વિદ્યાર્થી આંદોલનની ટોળાશાહી ભાંગફોડ સાથે આ મુદ્દો વણી લેવાયો છે. સારપનો અર્થ સ્વાધીનતા ગુમાવી દેવી એ ? એ સેન્સેટિવ સોલનો રેસિયલ, સોશ્યલ, કલાસ
ડિફરન્સનો ગિલ્ટ બતાવે છે. એક સીનમાં બે જુદા-જુદા વર્ગની મહિલાઓ પુરૂષથી તરછોડાઈને કહે છે ઃ વી વુમન આર ઓલ્વેઝ એલોન ! (રિમેમ્બર, આ સ્ટેટમેન્ટ એક સંવેદનશીલ પુરૂષ અન્ડરલાઇન કરે છે એની ફિલ્મમાં !) પુરૂષચિત્ત અને સ્ત્રી ચિત્તનો સંઘર્ષ પણ છે.
અને બધાનો સાર એ કે આપણે પ્રેમને ય ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી એનો અસ્વીકાર કરીએ છીએ, અને આપણાથી નબળા હોય એનો તિરસ્કાર કરીએ છીએ ?
કલકત્તા હોય કે કેન્યા, ગુજરાતીઓ કમાયા પછી પગ દબાવવા અને ફુલકાં રોટી ઉતારવા ય નોકરોની ફોજ 'રિચ' થયા પછી રાખે છે. પોતાના વતનના ગામ ભૂલીને પરિવારને પ્રાયોરિટીમાં પાછળ રાખીને આખી જીંદગી કોઇ ઘરપરિવારની સેવા કરી હોય એવા ચાકરો આણંદમાં ય હોય અને અંજારમાં પણ !
મુંબઇ, દિલ્હી જેવા મહાનગરોથી ચરોતર, મારવાડ સુધી એવા કેટલાય સંતાનો નહિ હોય, જેમના મમ્મી-પપ્પા વ્યસ્ત હોય, ત્યારે વફાદાર નોકર, ડ્રાઇવર, રસોઇયા કે આયાએ બાળકો ઉછેર્યા હોય ! મહેલોના ઈતિહાસમાં ય રજવાડી તૈલચિત્રો પાછળ આવા સેવકોની જીંદગી ભીંત નથી બની ગઇ ? ક્યારેક તો વાચન, ભક્તિ, પ્રવાસ, જેવું ચારિત્ર્યઘડતર નોકરોના હાથમાં વધુ રહે છે, સમૃદ્ધ પરિવારોમાં !
બેશક, આમાં ઘણા લોકો લુચ્ચા-દાધારંગા-લાલચુ-વિશ્વાસઘાતી હોય છે. માલિકોને લૂંટી-મારી લેનારા હલકટો પણ પડયા છે. પણ કોઇ બળાત્કારી નોકર હોય એમ મડિયાની 'મિર્ચ-મસાલા'ની મૂળ વાર્તાની જેમ ચોકીદારી ખાતર જીવ આપી દેતો અબુમિયાં જેવો દરવાન પણ હોય.
જે ગુણિયલ નથી, એને દાબમાં રાખો કે દૂર રહો - માથે ન ચડાવો. પણ બોસ-બોસાણી પાર્ટી કરતા હોય ત્યારે એના ડ્રાઇવરને ત્યાં બાજુમાં બેસાડી જમાડી શકે છે ? તમારા ચાકરો 'ઘર'ને ઘર રાખે છે, પણ એને મેમ્બરના હકથી બાજુમાં બેસાડો છો ? 'કામવાળા' ગણાતા વર્ગના બાળકોના ભણતરની ચિંતા કરો છો ? ચોકીદાર બીમાર થાય, તો એની દવા લેવા ગાડીમાં બેસાડી દેવા લેવા જાવ છો ?
ફ્લાઇટનું કે ઈલેક્ટ્રીસિટીનું કે કાર-બસ-ટ્રેનનું મેઇન્ટેનન્સ ચેક કરતા મિકેનિક્સને આપણે મળતા-ઓળખતા નથી. પણ અકસ્માત ન થાય, એની કાળજી એમના હાથમાં છે. રોજ છાપું કે દૂધ આપનારાને ય ક્યારેક મોટા સાહેબની જેમ થેન્ક્સ ન કહી શકાય ? મોસમની ફરિયાદ વિના ફરજ પર દોડતા કોન્સ્ટેબલ કે ભૂખ્યા પેટે ઉજાગરા કરતા ડ્રાઇવરને આદર ન આપી શકાય ? નેગેટીવ નાલાયકો સામે ય પોઝિટિવના પોંખણા કરી આદર્શ સ્થાપિત ન કરાય ?
'રોમા' આ વાતનુ રિમાઇન્ડર છે. ઘર હોય કે સમાજ કેટલાય મૌન રહી પોતાનું કર્તવ્ય લાગણી અને જીવ રેડી, ખુદની ખુશીઓના ભોગે ય બજાવે છે. એની કેર એન્ડ કન્સર્નનો પડઘો પાડવા જેટલા માણસ આપણે છીએ ?
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuDvqpRDeeDiw3O%3DBszfmkqXMjSiWqxSTn5X6TSRbA0xA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment