આજથી લગભગ પચાસ વર્ષ પહેલાંની સત્યઘટના. ભાવનગર જિલ્લાનું એક ગામ. ખોબા જેવડું ગામ અને મોભાદાર ખોરડું. મોટા ડેલામાં સામસામે આવેલાં બે મેડીબંધ મકાનો. વચ્ચે ક્રિકેટ રમી શકાય એવું મોટું સહિયારું ફળિયું. મોટું ડેલીબંધ પ્રવેશદ્વાર. એની સામેની બાજુએ એક જ ગમાણમાં હારબંધ બાંધેલી ત્રીસ ગાયો. સામાન્ય દિવસોમાં પણ એ ખોરડાની એક-એક ચીજમાંથી વૈભવ ઓવરફ્લો થાય. એમાં આજે તો રૂડો અવસર હતો. મોટા ભાઈ રામજી અને તેની પત્ની રમાબહેનની દીકરી રાજલનું લગ્ન હતું અને સામેના ખોરડામાં રહેતા તેમના નાના ભાઈ તળશી અને એની પત્ની તારાની દીકરી તેજલનું પણ લગ્ન હતું.
પરણવા ઉત્સુક બંને સાઢુભાઈઓ એકબીજાના ટાંટિયાખેંચની રમત રમી રહ્યા હતા. એકમેકને નીચું જોવડાવાના પ્રયત્નો કરતા હતા
ડેલા ઉપર આસોપાલવનાં તોરણ શોભી રહ્યાં હતાં. ફળિયું વળાઈ ઝુડાઈને વાનખેડેના મેદાન જેવું બની ગયું હતું. બે માંડવા રોપાઈ ગયેલા. આજુબાજુનાં દસ ગામડાંઓમાંથી ભડભાદર પટેલો આવીને ઢાળેલા ખાટલા પર બેસીને ચાના ઘૂંટડા માણી રહ્યા હતા. રઢિયાળી પટલાણીઓ હલકદાર કંઠે લગ્નગીતો ગાઈ રહી હતી. તેજલ અને રાજલ આગલા દિવસે ચડેલી પીઠીનો રંગ સ્નાન કરીને ઉતારી રહી હતી અને કાયાનો રંગ નિખારી રહી હતી. મોટા ભાઈ રામજીના હરખનો પાર નહોતો. એ થોડી થોડી વારે પત્ની આગળ આનંદ વ્યક્ત કરતા હતા, 'રમા, આપણી ત્રણ દીકરીઓમાંથી સૌથી મોટી રાજલનાં આજે લગ્ન છે. હવે પછી બબ્બે વર્ષના અંતરે બીજી બે દીકરીઓને વળાવી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી. પછી સુખે ભજીશું શ્રીગોપાળ.'
જવાબમાં રમા કહેતી, 'હજી તો આ પાશેરામાં પહેલી પૂણી છે. આપણી રાજલ નસીબદાર કે રમેશકુમાર જેવા સારા જમાઈ મળી ગયા. હજી બીજા બે એવા સારા મુરતિયાઓ શોધવા પડશેને?'
રામજી અને રમાને સંતાનોમાં માત્ર ત્રણ દીકરીઓ જ હતી. દીકરો ન હતો એ વાતનો એમને વસવસો પણ નહોતો. એ જમાનામાં લગ્ન બહુ નાની ઉંમરે થતાં હતાં. ત્રણ દીકરીઓની મા બન્યાં પછી પણ રમાની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. ધાર્યું હોત તો દીકરા માટે એક વધુ વાર પ્રયત્ન કરી શકતા હતા, પણ બંને સંતોષી જીવ હતાં. 'જેવી હરિની ઇચ્છા' એ એમનું જીવનસૂત્ર હતું.
સામે ખોરડે તળશી અને તારાને એક દીકરી અને એક દીકરો હતાં. યોગાનુયોગ એમને પણ દીકરી માટે સારો મુરતિયો મળી ગયો હતો એટલે બંને ભાઈઓએ એક જ દિવસે, એક જ મુહૂર્તે, બંને પિતરાઈ બહેનોનાં લગ્ન નિર્ધાર્યાં હતાં. સહિયારું ફળિયું હતું, સહિયારાં સગાંઓ હતાં અને સહિયારો આનંદ હતો.
બપોરે સૂરજનારાયણ માથા પર આવ્યા ત્યારે બંને જાન આવી પહોંચી. ગામની શાળામાં જાનનો ઉતારો હતો. આચાર્યએ એ દિવસે શાળામાં રજા જાહેર કરી દીધી હતી.
બંને જાન અલગ અલગ ગામોમાંથી આવતી હતી. બંને વરરાજાઓ વચ્ચે કોઈ સંબંધ કે સગપણ ન હતું. જે કંઈ સગપણ બંધાવાનું હતું તે હવે પછીના સમયમાં બંધાવાનું હતું. સગપણમાં સાઢુ અને જમવામાં લાડુ! રાજલના વરરાજા રમેશકુમાર અને તેજલના વરરાજા તેજસકુમાર. બંને એકબીજા સાથે સ્પર્ધામાં ઊતર્યા હોય એવા તૈયાર થઈને આવ્યા હતા. બંને વચ્ચે મીઠી મજાક મશ્કરી પણ ચાલતી હતી. રમેશકુમાર તો શાંત અને ઠરેલ સ્વભાવના હતા, પણ તેજસકુમાર તેજીલા તોખાર જેવા હતા. પોતાનું ચઢિયાતાપણું સાબિત કરવાની એક પણ તક ચૂકતા ન હતા.
'તમારાં કપડાં સીવડાવ્યાં છે કે કોઈ ભાઈબંધ પાસેથી માગીને લાવ્યા છો?' તેજસકુમારે સળી કરી.
'તમારા કરતાં મારું કાપડ પણ મોંઘું છે અને દરજી પણ મોંઘો. એ ન ભૂલશો કે મોટો જમાઈ હું છું.' રમેશકુમારે જનોઈવઢ જવાબ આપ્યો.
તેજસકુમાર એમ સહેલાઈથી હાર માને એવા ન હતા. 'તો તમારી મોજડી જૂની કાં લાગે?'
'હા, મારી મોજડીની ચમક તમારી મોજડીની ચમક કરતાં જરાક ઓછી છે, પણ એનું માપ મોટું છે.' રમેશકુમારે કોથળામાં પાંચશેરી ભરીને તેજસકુમારના લબોચામાં મારી. આમ ને આમ મજાક મશ્કરીમાં સમય પસાર થતો જતો હતો. બંને સાઢુભાઈઓ એકબીજાના ટાંટિયાખેંચની રમત રમી રહ્યા હતા. એકમેકને નીચું જોવડાવાના પ્રયત્નો કરતા હતા. એમાંથી જે હાસ્યની છોળો ઊડતી હતી તે બંને પક્ષના જાનૈયાઓમાં ફરી વળતી હતી.
સમી સાંજનો સમય હતો. લગ્નનું મુહૂર્ત નજીક આવી ગયું હતું. ઢોલીએ ઢોલ વગાડવો શરૂ કર્યો. બંને વરરાજા કીમતી વાઘાઓમાં સજ્જ થઈને રાજકુંવરોની જેમ શોભી રહ્યા. માંડવે પધારવાનું મુહૂર્ત નજીક આવી ગયું. ત્યાં તેજસકુમારે છેલ્લો ફટકો મારી દીધો, 'રમેશકુમાર, એક વાત યાદ રાખજો. જ્યારે જવ-તલ હોમવાની વિધિ થશે ત્યારે તમારે મારી ગરજ પડશે.'
'કેમ? એમાં શું નવું છે? જવ-તલ હોમવાની વિધિ તો કન્યાનો ભાઈ કરે. એમાં તમે ક્યાં વચ્ચે આવ્યા?' રમેશકુમારના ચહેરા પર આશ્ચર્ય ઊપસી આવ્યું.
તેજસકુમાર લુચ્ચું હસ્યા, 'એ જ તો વાત છે ત્યારે. તમારી પરણેતરને ક્યાં સગો ભાઈ છે? જવ-તલ હોમવા માટે મારા સાળાની ગરજ પડશે અને ત્યારે હું આગ્રહ રાખીશ કે પહેલાં અમારી વિધિ થાય પછી તમારી. ખરે ખબરું પડે કે કોણ મોટું અને કોણ નાનું. હું ભલે નાનો, પણ મારું લગ્ન તમારા પહેલાં થશે.'
રમેશકુમાર ઘા ખાઈ ગયા. એમને ઊંડે ઊંડે સમજાઈ ગયું કે આ સીધીસાદી મજાક મશ્કરી ન હતી. આ એક મેણું હતું, એક ટોણો હતો અને એક પાશવી દિમાગમાંથી ઊઠેલો ગર્વિષ્ઠ રણટંકાર હતો. આ મેણું જો સાંભળી લે તો એનો અર્થ એવો થાય કે પોતે પરાજય સ્વીકારી લીધો. નિર્દોષ મજાક અને મશ્કરી એને કહેવાય કે જે અવાસ્તવિકતામાંથી અથવા અતિશયોક્તિમાંથી જન્મેલી હોય. અહીં તો નક્કર વાસ્તવિકતા હતી.
રામજી પટેલને દીકરો ન હતો એ કડવી હકીકત હતી અને એ હકીકત પર તેજસકુમારે દાવ ખેલ્યો હતો. રમેશકુમારની દુખતી નસ દબાઈ ગઈ.
તેમણે હાથમાંનું શ્રીફળ નીચે મૂકી દીધું. માથે બાંધેલો સાફો ઉતારી દીધો. વડીલોને કહી દીધું, 'હું પાંચ મિનિટમાં આવું છું. અહીં જ રોકાજો.'
પછી તે પગે ચાલીને સીધા શ્વસુર પક્ષના ઘરે પહોંચી ગયા. કન્યા પક્ષનાં સગાંવહાલાંઓથી ખીચોખીચ ભરેલા ફળિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું, 'આ શું?!' આજ સુધીમાં આવી રીતે કોઈ વરરાજા માંડવે પધાર્યા હોય એવું કોઈએ જોયું પણ ન હતું અને સાંભળ્યું પણ નહોતું. વરરાજા સીધા સસરા પાસે પહોંચી ગયા, 'જરા અંદરના ઓરડામાં આવો તો. રામજીભાઈ બઘવાઈ ગયા, 'કેમ? શું થયંુ?' 'એ જરા એકવાર અંદર આવો પછી જણાવું.'
રામજીભાઈ અને રમેશકુમાર બંને ઘરમાં ગયા. રમાબહેન પણ એમની પાછળ ઘસડાયાં. ઓરડામાં કન્યારત્ન સોળે શણગાર સજીને બ્રિટનના તાજમાં શોભતા કોહિનૂરની જેમ ઝગમગી રહી હતી. આ ત્રણ જણાને અંદર પ્રવેશતાં જોઈને એની તમામ સહેલીઓ ઓરડામાંથી બહાર ચાલી ગઈ. રમેશકુમારે બારણાં બંધ કર્યાં.
'પણ થયું છે શું એ તો કહો.' રામજીભાઈ માંડ માંડ આટલું બોલી શક્યા. રમેશકુમારે જવ-તલ હોમવાની ઘટના કહી સંભળાવી. પછી કહ્યું, 'તેજસકુમારે મને જનોઈવઢ ટોણો માર્યો છે. હવે તો આર યા પાર. જ્યાં સુધી મારો સગો સાળો જવ-તલ નહીં હોમે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું.'
સાંભળીને રમાબહેન રડવા લાગ્યાં. રાજલનું હૈયું બેસી ગયું. રામજીભાઈ ગરીબડા બની ગયા. 'કુમાર, આ તમે શું બોલો છો? સીધેસીધું એવું કેમ કહેતા નથી કે તમારે મારી દીકરી સાથે નથી પરણવું. તમને તો ખબર છે મારે દીકરો નથી.'
'દીકરો નથી તો દીકરો પેદા કરો. મારી પ્રતિજ્ઞામાંથી હું પીછેહઠ નહીં કરું.'
'એ તો કેવી રીતે બને? આનો અર્થ એટલો જ કે તમે લીલાં તોરણે પાછા જશો અને મારી મીંઢળબંધી દીકરી આજીવન કુંવારી બેસી રહેશે.'
'એ બધું તમારા હાથમાં છે.' આટલું કહીને રમેશકુમારે સાસુમા તરફ જોયું, 'મને મર્યાદા નડે છે એટલે વધારે કંઈ નહીં બોલું. ડાહ્યાને ડામ અને ગાંડાને ગામ. મારો ઇશારો સમજી લો અને મારું વેણ પણ સાંભળી લો. હું બીજી કોઈ કન્યા સાથે લગ્ન નહીં કરું. જો પરણીશ તો રાજલ સાથે જ. બસ હવે જાઉં છું.' આટલું કહીને રમેશકુમાર નીકળી ગયા. વાયુવેગે સમાચાર પ્રસરી ગયા. બંને પક્ષે હતાશા વ્યાપી ગઈ. રમેશકુમારે એક સામાન્ય મહેમાનની જેમ તેજલ અને તેજસકુમારનાં લગ્નમાં હાજરી આપી અને પછી વિદાય થઈ ગયા. આજુબાજુનાં વીસ-ત્રીસ ગામોમાં મહિનાઓ સુધી આ વિરલ ઘટના ચર્ચાતી રહી.
બીજા દિવસે ફળિયું સૂનું પડ્યું અને રામજી પટેલના ઘરનો શયનખંડ બોલતો થયો. પટલાણીએ પતિને કહ્યું, 'આટલાં વરસ તમે ભક્તિ કરી છે તો ભગવાન આપણી સામું જોશે. મન પરથી ભેખ ઉતારો અને મારી તરફ નજર માંડો. આપણી દીકરીઓ મોટી થઈ છે, પણ હું હજી ઘરડી નથી થઈ.'
બીજા જ મહિને પરિણામ દેખાયું. નવ મહિના પછી રામજી પટેલનો ઓરડો પ્રસૂતિની પીડાથી ચીખી ઊઠ્યો. મળસ્કે સૂરજ ઊગવાને ટાણે દાયણે વધામણી ખાધી, 'રામજીકાકા, દેવના ચક્કર જેવો દીકરો જન્મ્યો છે. મને રાજી કરો.'
રામજી પટેલે કાંડા પર ધારણ કરેલું સોનાનું કડું દાયણને આપી દીધું. સમય પસાર થતાં ક્યાં વાર લાગે છે? ધીંગી પટલાણીનું ધાવણ પીને દીકરો અલમસ્ત બનતો ગયો. અગિયારમા મહિને ચાલતા શીખી ગયો. તેર મહિનાનો થયો ત્યાં હાકોટા મારતો થઈ ગયો અને અઢારમા મહિને તો જાણે ત્રણ વર્ષનો હોય એવો લાગવા માંડ્યો. ઘરની ગાયોનાં પવિત્ર દૂધ અને ઘીથી પોષાયેલો એનો દેહ પૂનમના ચાંદ જેવો ખીલી ઊઠ્યો.
વાત ઊડતી ઊડતી પરગામ પહોંચી. રમેશકુમારનો સંદેશો આવ્યો. 'તિથિ નક્કી કરો. લગ્નનું મુહૂર્ત કઢાવો. જાડેરી જાન જોડીને આવું છું. આજુબાજુનાં વીસ-ત્રીસ ગામોમાં નોતરા વગરનું એક પણ ઘર બાકી ન રાખતા. મારી રાજલરાણીને વરવા માટે આવું છું અને તેજસકુમારને તો ખાસ નોતરું મોકલજો.'
એમ જ કરવામાં આવ્યું. ફળિયું ફાટફાટ થાય એટલા મહેમાનોની હાજરીમાં લગ્નવિધિ શરૂ થઈ. કન્યા પધરાવો સાવધાનથી લઈને હસ્તમેળાપ તેમજ ફેરા ફરવા સુધીની વિધિઓ સંપન્ન થવા લાગી. પછી જવ-તલ હોમવાનો સમય આવી પહોંચ્યો. દોઢ વર્ષનો બાળરાજા વરકન્યાની સામે આવીને ઊભો રહ્યો. વરકન્યા ઝૂક્યાં. રામજી પટેલની આંખોમાં આંસુ હતાં. વાહ રે મારા પ્રભુ! કોઈના મોઢામાંથી નીકળેલા એક મેણાને કારણે મારી ત્રણ દીકરીઓને જવ-તલ હોમનારો ભાઈ મળી ગયો.
(શીર્ષક પંક્તિ : અનિલ જોશી) |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvresU%3DXQH9okgG6D2wStA-Kc1zx4YocXHb4RBsOhRUvg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment