માણસ પૈસા વાપરતી વખતે એનો હિસાબ રાખે છે અને, એણે જે પૈસા ખર્ચ્યા હોય એનું વળતર બરાબર મળ્યું છે કે નહિ એની પણ પાકી દરકાર કરે છે. જો પૈસાના પ્રમાણમાં એને વસ્તુ નથી મળી હોતી તો એનો જીવ બળે છે. પણ જો એનો સમય વેડફાય છે તો એનો જીવ બળતો નથી, મનુષ્ય જીવનની આ વિચિત્રતા છે!
હાર્વે બેઝીનનું એક વાક્ય છેઃ It is not the river that runs, but the water; It is not time that passes, but us. નદી નથી વહેતી પણ પાણી વહે છે. એ જ રીતે 'સમય' પસાર નથી થતો પણ આપણે પસાર થઈ જઈએ છીએ. સમયની નદીના પ્રવાહમાં માણસનું બચપણ, યુવાની, ઘડપણ, બધું જ વહી જાય છે. જીવનને વહી જતું અટકાવવા, એેને વેડફાઈ જતું અટકાવવા માણસે પૈસા કરતાં પણ સમયની કાળજી વધારે લેવી જોઈએ. પૈસા બીજીવાર મેળવી શકાય છે પણ સમય બીજીવાર મેળવી શકાતો નથી. બીજી અગત્યની વાત એ છે કે પૈસા વાપરવાના બદલે તમે એને સાચવી શકો છે! પણ સમયને તમે સાચવી શકતા નથી. એ તો વહેતો જ રહે છે, એને સંઘરવાની કોઈ કલા કે વિજ્ઞાન આપણે જાણતાં નથી.
અને એટલે જ, આજે જેની પાસે બાળપણ કે યુવાની છે એ ચાલ્યા જવાના છે. કાયમ તે એમની પાસે રહેવાના નથી અને એ ચાલ્યું જાય છે પછી જ માણસને એની ખબર પડે છે. આજે જે યુવાન છે, પ્રૌઢ છે, કે વૃદ્ધ છે છતાં કામ કરી શકે એવી સ્થિતિમાં છે પણ કાલે એ સ્થિતિમાં ઓટ આવવાની છે. યુવાન હશે એ પ્રૌઢ બનશે, પ્રૌઢ હશે એ વૃદ્ધ બનશે અને વૃદ્ધ હશે એ વધુ આજાર બનશે. આજે જે કામ કરી શકે છે એ કાલે કદાચ એવી રીતે નહિ કરી શકે.
એટલે 'આજ' નો ઉપયોગ સારામાં સારી રીતે કરી લેવો જોઈએ. આજનો દિવસ ગઈકાલ બની જાય એ પહેલાં જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ.
હ્યુ મુલિગનનું વાક્ય છે, 'વોટ આઈ ડુ ટુડે ઈઝ ઈમ્પોર્ટન્ટ બીકોઝ આઈ એમ એક્સચેઈન્જિંગ એ ડે ઓફ માય લાઈફ ફોર ઈટ.' આજે હું જે કરું છું એ મારા માટે અગત્યનું છે કારણ કે એના બદલામાં હું મારા જીવનનો દિવસ વટાવી રહ્યો છું. આવો વિચાર આપણને થાય છે ખરો? થવો જોઈએ.
જિંદગીનો એક અમૂલ્ય દિવસ વીતી ગયો. એ વીતી ગયો, કદાચ ક્ષુલ્લક વાતોમાં, નકામી પિંજણમાં, કોઈ સાથે ચાલાકી કરવામાં, વેર બાંધવામાં, નિંદા કરવામાં, કશીક તોડફોડ કરવામાં અથવા તો આળસમાં, ઊંઘવામાં કે ગપ્પાં મારવામાં.
– શું મળ્યું? કદાચ, થોડો થાક, ખાલીપો, હતાશા, વેરનું ઝેર કે કોઈકના નિસાસા.
જિંદગીના એક કીમતી દિવસના બદલામાં આવો ભંગાર કચરો ખરીદીને શું કરવાનું? એ બધું કયાં નાખવાનું? જીવન ઉપર એ બધો ભંગાર તો એક બોજો બની જવાનો. જે લાંબા ગાળે માણસને જ કચડી નાખશે.
રૂપિયો વટાવીએ અને છેતરાઈ જઈએ તો ચાલે. બીજો રૂપિયો મેળવી શકીએ. જિંદગીનો દિવસ ફરીથી ન મળે. એવા કીમતી દિવસના બદલામાં વેર ધિક્કાર, ઈર્ષ્યા, બુરાઈ શા માટે ખરીદવાં? માત્ર ગપ્પાં મારીને કે કોઈની નિંદા કરવામાં શા માટે અણમોલ દિવસને ઊડાવી દેવો? કે પછી આળસ કે ઊંઘવામાં શા માટે એને વિતાવી દેવો?
સમયને ઊડાડી નાખનાર માણસ પસ્તાય છે. સમયને કરકસરથી વાપરનાર પોતાને જોઈતું હોય તે જીવનમાં પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જે માણસ સમયને વાવે છે એને ક્યારેય પસ્તાવાનો વારો આવતો નથી. તેનું જીવન વધુ ને વધુ સમૃદ્ધ થતું જાય છે.
જે દિવસ ઊગ્યો છે તે આથમવાનો જ છે તો પછી મળેલા એ સમયનો ઉપયોગ એને વાવવામાં કે ઉત્તમ રીતે વાપરવામાં શા માટે ન કરવો? કોઈનું ભલું કરવામાં, મિત્રોના કુટુંબીઓનાં, સ્નેહીઓનાં કામકાજ કરવામાં, કોઈને મદદરૂપ થવામાં? કોઈના માટે થોડાં સારા શબ્દો કહેવામાં, કોઈને સાંત્વન આપવામાં, બે મીઠાં વેણ બોલવામાં, જ્ઞાન મેળવવામાં, સારાં પુસ્તકો વાંચવામાં, સંગીત સાંભળવામાં, કુદરતમાં ફરીને તન અને મનને તાજું કરવામાં, માણસ તરીકેની થોડી ફરજો બજાવવામાં, આપણને મળેલો કીમતી દિવસ કેમ ન વાપરવો?
અને દિવસ વપરાય પછી એ બાબતનો થોડો હિસાબ પણ કેમ ન મેળવી લેવો? અને એમાં કોઈ ભૂલ કરી હોય તો એ ભૂલને સુધારી લેવાનો ખ્યાલ કેમ ન કરવો? જે લોકો એમ કરે છે એમને પસ્તાવું પડતું નથી. કેટલાક માણસો, ખાસ કરીને મધ્યમવર્ગના માણસો શરમ અને સંકોચવાળા હોય છે. એવા માણસો સામે કામના ઢગલા હોવા છતાં, અને પૈસા કરતાંય સમયની તંગી વધારે અનુભવતા હોવા છતાં એમનો સમય લેવા આવનારને તેઓ 'ના' કહી શક્તા નથી. ઓફિસે જવાનું મોડું થાય તેમ હોય, અધિકારીનો ઠપકો સાંભળવું પડે તેમ હોય, બસ કે ટ્રેન પકડવાની હોય, ધંધાના કામ માટે કોઈકને મળવાનું હોય, પોતાના માટે કે પોતાના કુટુંબના કોઈક સભ્ય માટે ડોક્ટર પાસે જવાનું હોય એવા સમયે જ કોઈ આવી ચડે તો પણ એ સંસ્કારી માણસ કોઈને ખોટું લગાડી શક્તો નથી.
સમયની બાબતમાં આવી શરમ માણસે છોડવી જ જોઈએ. કોઈ સગાં-વહાલાં કે મિત્રો આપણી પાસે આવીને આપણા ગજા ઉપરાંતની રકમની માગણી કરે, બે-પાંચ લાખ રૂપિયા માંગે અને એ આપવાનું આપણું ગજું કે ઈચ્છા ન હોય તો આપણે જે રીતે ના કહેવી પડે છે એવી જ સલુકાઈથી આપણો કીમતી સમય માંગનારને પણ ના કહેવી જોઈએ.
એક વાત સમજજો કે સામી વ્યક્તિને તમારું જ કામ હશે તો એ તમારી અનુકૂળતાએ અને તમારા સમયે જ તમને મળવા આવશે અને એમાં એને ખોટું પણ નહિ જ લાગે.
યાદ રાખજો કે જે સમય તમારો છે એને જ તમે વાપરી શકો છો એટલે કરકસર અને ડહાપણથી જ એને વાપરવો જોઈએ. જિંદગીમાં જે કંઈ મળી શકે છે એ સમયના બદલામાં જ મળી શકે છે. કોઈપણ માણસ કેવો છે અથવા તો કેવો થશે તેનો આધાર તેને મળેલા સમયનો ઉપયોગ એ કેવી રીતે કરે છે તેના ઉપર છે.
હોર્વ બેઝીન કહે છે એમ માની લઈએ કે સમય પસાર નથી થતો અને આપણે પસાર થઈ જઈએ છીએ, પણ પસાર થવાની આપણી એ સફરમાં આપણે પાછળ કોઈક એવા પદચિન્હો મૂક્તા જઈએ કે ભવિષ્યમાં બીજું કોઈ એના પર કેડી કંડારી શકે તો આપણી સફર સાર્થક થઈ ગણાય.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvR_LsPKXP3ieEK5hBCLVWj-io-1OWDzU6FRoxR32CafA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment