– વાત આફ્રિકા અને ભારતમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રિઝવાન આડતિયાની..
દરિયાપાર રહેતા ગુજરાતીઓનો વતનપ્રેમ માત્ર હૃદયમાં નથી હોતો, અમલમાં પણ હોય છે. દરિયાપર ગયેલા ગુજરાતીઓથી જમીનની ભૂગોળ તો છૂટે છે પણ હૃદયની ભૂગોળમાં તો માદરે-વતન સતત ધબકતું જ રહે છે.
દરિયાપાર વસતા ગુજરાતીઓ બે પ્રકારના હોય છે.
એક એવા ગુજરાતીઓ જે 'ગયા બાદ ગયા'માં માનીને જીવે છે. હું કોણ અને વતન કોણ? જે દેશમાં ગયા ત્યાં જ રહી પડ્યા. આવા લોકો સ્વપ્નમાંય વતનને યાદ કરતા નથી હોતા. ઘણા લોકો તેને 'ફાટેલી નોટો' કહે છે. રિઝવાન આડતિયા કહે છે, 'અમારા દેશના ખેડુતો કહે છે કે ધરતીમાંથી જેટલું ધાન્ય ઊગે તે બધું ખાવા માટે નથી હોતું, એમાંથી થોડાક દાણા ફરીથી ધરતીમાં રોપવા પડે છે, તો જ બીજો પાક ઊગે છે.'
દરિયાપાર વસતા બીજા કેટલાક ગુજરાતીઓ એવા છે જે માતૃભૂમિનું ઋણ ભૂલતા નથી. તેઓ સતત પોતાના વહાલા અને પ્યારા દેશને યાદ કરે છે. માત્ર યાદ કરીને તેઓ બેસી નથી રહેતા, વતનનું ઋણ ફેડવા કશુંક નક્કર કરે છે. આવા ગુજરાતીઓ 'ખણખણતા રૂપિયા' જેવા હોય છે.
આફ્રિકાના મોઝામ્બિકમાં વસતા રિઝવાન આડતિયા આવો જ એક ખણખણતો રૂપિયો છે.
સફળ જીવન તો ઘણા જીવતા હોય છે, રિઝવાનભાઈ સાર્થક જીવન જીવી રહ્યા છે.
વર્ષોથી રોજ સવારે ત્રણ વાગે ઊઠી જાય છે. ધ્યાન અને યોગ કરે. વહેલી સવારનો સમય તેઓ પોતની જાત માટે અનામત રાખે છે. તેમના શ્વાસોચ્છવાસમાં પોઝિટિવિટી અને પરમાર્થ છે.
આ એક એવા એનઆરઆઈ છે જે પોતાના વતન માટે મોટી સખાવતો આપે છે, અનેક પ્રવૃત્તિઓ કરે છે તો સાથે સાથે તેઓ જ્યાં વસે છે, તે સ્થાનિક આફ્રિકાના લોકો માટે પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, એશિયા ખંડમાં તેઓ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. છ લાખથી વધુ લોકોએ તેમની સંસ્થાનો સીધો લાભ લઈને જીવનમાં અજવાળું પાથર્યું છે.
જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને પ્રત્યેની પોતાની કૃતજ્ઞતાને તેઓ અદા કરી રહ્યા છે.
રિઝવાનભાઈ મૂળ પોરબંદરના. તેમના પિતાનું બે ઓરડીનું મકાન. એમાંથી એક રૂમમાં શિંગ-દાળિયા શેકવાની ભઠ્ઠી હતી. બીજી એક ઓરડી હતી તેમાં નવ જણ રહેતા. રિઝવાનભાઈને નાનપણમાં શાળાએ જવાનું ના ગમતું. મન જ ના માનતું. ધાર્મિક પ્રકૃતિના રિઝવાનભાઈને હિઝ હાઈનેસ નામદાર આગાખાન સાહેબની તસવીર ગમતી. નાનપણથી જ શ્રદ્ધાળુ. તેઓ નાના હતા ત્યારે, પોરબંદરમાં એક વખત એક બાવો વશીકરણ કરીને રિઝવાનને લઈ જતો હતો. છેક ગામ બહાર પાડોશી મહિલાએ તેને જોઈ ગઈ અને માંડ માંડ પરત લાવી. રિઝવાન આડતિયાએ પરત આવવાનું જ હતું કારણ કે સામાજિક દાયિત્વનું ઘણું કામ તેમની પ્રતીક્ષામાં હતું.
રિઝવાનભાઈ નાના હતા ત્યારથી જ તેમના મનમાં નિત્ય નવું કામ કરવાનો ઉત્સાહ રહેતો. તેમને ધાર્મિક પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડે, પણ વિજ્ઞાન કે ગણિત ના ગમે. માતાની આજ્ઞા લઈને તેમણે નાનપણમાં પોરબંદરની માધુરી નોવેલ્ટી સ્ટોરમાં વગર પૈસે નોકરી કરી હતી. મૂળ તો ધંધો શીખવાની ભાવના. નિષ્ઠા અને સૂઝ એવી કે એક મહિનામાં તેમણે 40 ટકા ધંધો વધારી આપ્યો. એ વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ માણસ ધંધા માટે જ જન્મ્યો છે.
1986માં તેમણે સત્તર વર્ષની ઉંમરે પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો. પ્રથમ જોબ કરી અને પછી ધંધો શરૂ કર્યો. માત્ર 150 રૂપિયા લઈને નીકળેલો એક નાનકડો છોકરો પ્રામાણિકતા, નિષ્ઠા, મહેનત, ધંધાકીય સૂઝ, વહેંચીને ખાવાની વૃત્તિ જેવા ગુણો ને કારણે જોતજોતામાં સફળ વેપારી બન્યો અને અનેક દેશોમાં તેમનો ધંધો વિસ્તર્યો.
રિઝવાનભાઈ ખૂબ કમાયા તો એ બધું સમયસર સમાજને ખોબલેને ખોબલે પરત પણ આપવા લાગ્યા.તેમણે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની રચના કરી. આફ્રિકાના મોઝામ્બિકના પાટનગર મપુતોમાં મધર ટેરેસા સંચાલિત એક અનાથાશ્રમ આવેલો છે. અહીં 125 બાળકોને આશ્રમ આશ્રય આપવામાં આવ્યો હતો. તેમના ભોજન અને શિક્ષણનો ખર્ચ ક્યાંથી કાઢવો તે પ્રશ્ન હતો. રિઝવાનભાઈએ તરત જવાબદારી સ્વીકારી. આવી તો તેઓ અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
મોઝામ્બિકના એક નાનકડા ટાઉનમાં દેશના શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં એક આધુનિક બાંધકામવાળી નવી શાળાનું ઉદઘાટન થયું. તે મકાન બાંધી આપ્યું હતું રિઝવાન આડતિયાએ. એ વખતના ઉદબોધનમાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું, "આ દેશ(આફ્રિકા)માં લાખો વિદેશી લોકો આવીને અબજો ડોલર્સ કમાતા રહ્યા છે પણ તેમાંથી રિઝવાન આડતિયા જેવો પરગજુ વિચાર ભાગ્યે જ કોઈને આવ્યો હશે!" જવાબમાં રિઝવાનભાઈએ કહ્યું હતું, 'હું આ દેશને પ્રેમ કરું છું... હું જે કંઈ કમાયો છું તે આ દેશને પ્રજાના સાથ અને સહકારને કારણે કમાયો છું. અમારા દેશના ખેડુતો કહે છે કે ધરતીમાંથી જેટલું ધાન્ય ઊગે તે બધું ખાવા માટે નથી હોતું, એમાંથી થોડાક દાણા ફરીથી ધરતીમાં રોપવા પડે છે, તો જ બીજો પાક ઊગે છે.'
નવ દેશોમાં 150 સ્ટોર્સ અને 40થી વધુ વેરહાઉસ ધરાવતા રિઝવાન આડતિયાએ આફ્રિકામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તો એશિયા અને ભારતમાં પણ તેમનું ફાઉન્ડેશન સેંકડો પ્રવૃત્તિઓ કરે છે. આ ફાઉન્ડેશને લોકોની જીવનશૈલીમાં સુધારો કરીને તેમને આત્મનિર્ભર કરવાનું બીડું ઝડપ્યું છે. ભારતમાં આ ફાઉન્ડેશને જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના નામનું ગામ દત્તક લીધું છે અને કરોડો રૂપિયાના ખર્ચ તેને આદર્શ ગામ બનાવ્યું છે.
તેઓ સિનિયર સિટિઝન માટે પણ અનેક પ્રવૃત્તિઓ કરે છે. ગુજરાતના જુદાં જુદાં શહેરોમાં તેઓ નિયમિત રીતે સિનિયર સિટિઝન્સ માટે આખા દિવસના ઉત્સવ કરે છે. જુદા જુદા વૃદ્ધાશ્રમોમાંથી વડીલો સજીધજીને આવે. એસી બસમાં જ તેમને લાવવાના. ભાવતાં ભોજન કરાવાય. મનોરંજક કાર્યક્રમો યોજાય. તેમને આદર અને પ્રેમથી ભીંજવી દેવાના. જતી વખતે આકર્ષક ભેટ પણ અપાય.આનંદ અને માત્ર આનંદ.
એક વખત તેમણે પોરબંદરની વરિષ્ઠ ઈસ્લામી મહિલાઓ માટે આઠ દિવસનો સિંગાપોર અને મલેશિયાનો પ્રવાસ ગોઠવ્યો. ક્રુઝ દ્વારા કરાવેલા આ પ્રવાસની તમામ તૈયારી તેમના ફાઉન્ડેશનને કરી. તેમનો પાસપોર્ટ બનાવ્યો, સામાનની બેગ, સ્વાસ્થ્ય માટેની દવાઓ, બધી સગવડ ફાઉન્ડેશન કરી. આવા એક કાર્યક્રમમાં તેમણે દરેક લાભાર્થીને ટેબલેટ આપ્યું હતું. અરે, ટેબલેટ ચલાવતાં પણ શીખવ્યું હતું. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન ઉંમર, જાતિ, શારીરિક ક્ષમતા, ધર્મ કે રાજકીય પક્ષાપક્ષીના ભેદભાવ વિના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર અને આજીવિકા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. ભારતમાં એકલા રહેતા વડીલો માટે તેઓ ઘણી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ યુવાનો અને સિનિયર સિટિઝન માટે પસંદગી મેળા, સમૂહ લગ્ન, મહિલા સશક્તિકરણ અને કોમ્યુનિટી હૉલનું નિર્માણ પણ કરે છે.
રિઝવાનભાઈ દર વર્ષ સમાજ માટે એક ચોક્કસ રકમ જુદી રાખે છે, જે લાખો કરોડોમાં હોય છે. તેઓ સફળ મોટિવેટર પણ છે. વ્યક્તિત્વવિકાસનાં તેમનાં વ્યાખ્યાનો ઘણાં લોકપ્રિય છે. દુનિયાના વિવિધ દેશોના યુવાનો સમક્ષ તેઓ વ્યક્તિત્વ વિકાસનાં વ્યાખ્યાનો આપે છે.
આટલી બધી સખાવતો કરતા રિઝવાનભાઈ કહે છે, "આપણાથી થાય એટલું આપણે કરવું. સમાજે આપેલું છે તે જ સમાજના ચરણે પાછું ધરવાનું છે."
તો આ છે એક અનોખા એનઆરઆઈ.
લાગણીવેળાઃ- જે આપે છે, તે જ પામે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsMeAsaMt%2Bpfo5ohFXBeCC602ZdURThC2XY5OZP1OGyTA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment