પ્રાઇવેટ પાર્ટ્સનો ટીબી એટલે કે જેનિટલ ટીબી સ્ત્રી અને પુરુષ બન્નેને થઈ શકે છે અને એ વ્યક્તિમાં ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર સાબિત થતો હોય છે, જેનું મોટા ભાગે સમયસર નિદાન થતું નથી; કારણ કે એનાં ખાસ કોઈ લક્ષણો જ નથી હોતાં.
ઇન્ફર્ટિલિટી એક એવો પ્રૉબ્લેમ છે, જે વ્યક્તિને સામાજિક અને માનસિક રીતે તોડી પાડે છે. એમાંથી પસાર થવું સહજ નથી. આજે તો આ પ્રૉબ્લેમ સામે લડવા માટે ઘણા ઇલાજ અને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આ ઇલાજ અને આ સુવિધાઓનો આંખો બંધ કરીને કરવામાં આવતા ઉપયોગથી ક્યારેક એવું ન બને કે પ્રૉબ્લેમ ઉકેલવાને બદલે ઉકેલી જ ન શકાય એવા બીજા પ્રૉબ્લેમ્સ ઊભા કરી દે. વૈજ્ઞાનિકોનો એક વર્ગ એવું માને છે કે જેનિટલ ટીબી એ ઇન્ફર્ટિલિટી માટેનું ખાસ કારણ સાબિત થઈ શકે છે. ટીબી મુખ્યત્વે ફેફસાંનો રોગ છે, પરંતુ એ શરીરના કોઈ પણ અંગને લાગુ પડી શકતું ઇન્ફેક્શન છે. જ્યારે એ વ્યક્તિનાં જનન અંગોને અસર પહોંચાડે છે ત્યારે હાલત કપરી બની જાય છે. અમુક આંકડાઓ જણાવે છે કે આજથી ૧૦ વર્ષ પહેલાં કુલ ટીબીના દરદીઓમાં ૧૦ ટકા દરદીઓ પ્રાઇવેટ પાર્ટના ટીબીથી પીડિત હતા, પરંતુ હવે એ આંકડો ૩૦ ટકા જેટલો વધી ગયો છે એટલું જ નહીં; નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્થના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ કુલ ઇન્ફર્ટિલિટીના દરદીઓમાં ૩૦-૪૦ ટકા દરદીઓને જેનિટલ ટીબીની તકલીફ જોવા મળે છે.
કોને થાય? ટીબીનાં જંતુ જ્યારે શ્વાસ મારફત શરીરમાં જાય અને કોઈ કારણોસર લોહીમાં ભળી જાય તો એ શરીરના કોઈ પણ ભાગને અસર પહોંચાડી શકે છે. આમ જો આ જંતુ પ્રાઇવેટ પાર્ટ્સને અસર પહોંચાડે તો એ ત્યાંનો રોગ બની જાય છે. આ રોગ કોને થાય એ બાબતે સ્પક્ટતા કરતાં વર્લ્ડ ઑફ વુમન, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, 'ખાસ કરીને જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય એ લોકોને એ પહેલાં અસર કરે છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે ખાસ કરીને HIV દરદીઓમાં, કૅન્સરના દરદીઓમાં, ડાયાબિટીઝના દરદીઓમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે એટલે આ રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જેને પ્રાઇવેટ પાર્ટનો ટીબી હોય એ વ્યક્તિ સાથે સેક્સ કરવાથી પણ આ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જાય છે. આમ જો પત્નીને જેનિટલ ટીબી હોય તો પતિને થઈ શકે છે અને જો પતિને હોય તો પત્નીને થઈ શકે છે.'
ઇન્ફર્ટિલિટી કઈ રીતે આવે? પુરુષોમાં જ્યારે પ્રાઇવેટ પાર્ટનો ટીબી થાય છે ત્યારે મોટા ભાગે એની અસર મૂત્રમાર્ગ પર થાય છે, જેને કારણે પુરુષોમાં સ્પમ્ર્સની સંખ્યામાં ઘટાડો થાય છે એટલું જ નહીં; એ માર્ગ બ્લૉક થઈ જવાને કારણે એનું સ્ખલન થવાનું મુશ્કેલ બને છે. સ્ત્રીઓમાં આ રોગની અસર સમજાવતાં આરુષ IVF અને એન્ડોસ્કોપી સેન્ટર, મલાડના ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, 'સ્ત્રીઓને પ્રાઇવેટ પાર્ટનો ટીબી થાય તો એની પહેલી અસર તેની બન્ને ફેલોપિયન ટ્યુબ્સ પર થાય છે. આ સિવાય તેના ગર્ભાશયના મુખ અને ગર્ભાશયની લાઇનિંગ, જેને કારણે તે બાળકને ૯ મહિના પોતાના ગર્ભાશયમાં રાખી શકે છે એ બન્ને પર પણ અસર થાય છે. જ્યારે ટીબી ફેલાતો જાય ત્યારે આ અંગોને ડૅમેજ કરે છે. ટીબીનો ઇલાજ ચાલે ત્યારે ટીબી તો ક્યૉર થઈ જાય છે, પરંતુ જે ડૅમેજ થઈ ગયા છે એ ભાગને રિપેર કરવા શક્ય બનતા નથી એટલે સમસ્યા સરજાય છે. સ્ત્રીઓમાં અને પુરુષોમાં ઇન્ફર્ટિલિટીનું કારણ આ રોગ બની શકે છે.'
સમયસર નિદાન અને ઇલાજ જેનિટલ ટીબી જેને થયો હોય એ વ્યક્તિનાં કોઈ ખાસ લક્ષણો હોતાં જ નથી. જે હોય છે એ ઓળખી શકાય એમ હોતાં નથી તો પછી રોગ કઈ રીતે સામે આવે? આ પ્રશ્નનો જવાબ આપતાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્થના સાયન્ટિસ્ટ ડૉ. દીપક મોદી કહે છે, 'જ્યારે કોઈ કપલને નૅચરલ પ્રોસેસથી બાળક નહીં થતું હોય ત્યારે તેઓ ડૉક્ટર પાસે જાય છે અને તેમની જરૂરી ટેસ્ટ કરાવવામાં આવે છે, જેના દ્વારા ખ્યાલ આવે છે કે કપલની ઇન્ફર્ટિલિટી પાછળનું જવાબદાર કારણ શું છે. ઘણા ડૉક્ટર્સ પણ એ નથી જાણતા કે ઇન્ફર્ટિલિટીનું કારણ ટીબી હોઈ શકે છે. તો તે ટીબીની ટેસ્ટ કરાવતા નથી અને એને લીધે ટીબીનું નિદાન સમયસર થતું નથી. આમ ટીબીનો ઇલાજ પણ થાય નહીં અને બીજી તકલીફોને પણ આમંત્રણ મળે છે. જોકે રિસર્ચ દરમ્યાન અમે જોયું કે અમુક કેસ એવા છે જેમનાં નિદાન અને ઇલાજ સમયસર થયાં હોય અને એને કારણે તેને કુદરતી રીતે જ પ્રેગ્નન્સી રહે અને બાળક પણ સ્વસ્થ જન્મે. આમ સમયસર નિદાન અને ઇલાજનું ખૂબ મહત્વ છે.'
શું કરવું? જ્યારે વ્યક્તિ ઇન્ફર્ટિલિટીની તકલીફ લઈને આવે ત્યારે જેનિટલ ટીબીની શક્યતા ચકાસવા આદર્શ રીતે શું થવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. દીપક મોદી કહે છે, 'જે ઇન્ફર્ટિલિટીની તકલીફ ધરાવતા દરદીઓ ડૉક્ટર પાસે ઇલાજ માટે જાય છે ત્યારે જો તેમની એકાદ IVF સાઇકલ પણ નિષ્ફળ જાય તો તેમણે ચોક્કસ ટીબીની ટેસ્ટ કરાવવી જોઈએ. ટીબીની ટેસ્ટ જો પૉઝિટિવ આવે તો પહેલાં ટીબીનો ઇલાજ કરાવવો જોઈએ. પછી જોવું જોઈએ કે ટીબીને લીધે રીપ્રોડક્ટિવ સિસ્ટમમાં કેટલી તકલીફ પડી છે. એ ખબર પડે એટલે નક્કી કરી શકાય કે વ્યક્તિને કયા પ્રકારના ઇલાજની જરૂર છે. IVFની જરૂર છે કે નહીં? IVF પછી પણ સરોગસીની જરૂર પડશે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ એ પછી મેળવીને આગળ વધી શકાય છે.'
વંશાનુગત ફેલાય છે ઇન્ફર્ટિલિટી સાયન્ટિસ્ટ ડૉ. દીપક મોદી તેમના સાથીઓ સાથે મળીને ઇન્ફર્ટિલિટી પર રિસર્ચ કરી રહ્યા છે. ઇન્ફર્ટિલિટી કયાં કારણોસર આવે છે એ કારણોની તપાસ માટે આ રિસર્ચ થઈ રહ્યું છે. આ રિસર્ચમાં જેનિટલ ટીબી પણ ખૂબ જ મહત્વનું પાસું છે. જોકે આ રિસર્ચ એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે. ૨-૪ મહિનામાં એનાં તમામ પરિણામો આપણી સમક્ષ હશે. ઇન્ફર્ટિલિટી સંબંધિત એક બીજી જરૂરી બાબત સમજાવતાં ડૉ. દીપક મોદી કહે છે, 'ટીબી સિવાય બીજાં પણ ઘણાં કારણો છે, જેને લીધે વ્યક્તિએ ઇન્ફર્ટિલિટીનો સામનો કરવો પડે છે. એમાંનાં અમુક કારણો જિનેટિક છે. આ કારણોને સમજવાં જરૂરી છે અને એટલું જ નહીં, એનું નિદાન પણ જરૂરી છે; કારણ કે જિનેટિક કારણોસર ઇન્ફર્ટિલિટીની તકલીફ ધરાવતો પિતા પોતાના પુત્રને આ રોગ વારસામાં આપતો હોય છે. આ કેસમાં IVF ટેક્નિક યુઝ કરવી પડે છે અને બેસ્ટ એ રહે છે કે પિતાનું સ્પર્મ યુઝ કરવામાં ન આવે. આ રીતે ઇન્ફર્ટિલિટીને ફૅમિલીમાં આગળ વધતી અટકાવી શકાય છે. આમ ફક્ત તકલીફ નહીં, પરંતુ આ તકલીફ પાછળનું કારણ પણ જાણવું જરૂરી છે; જે જાણીને યોગ્ય ઇલાજ તરફ આગળ વધી શકાય.'
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvijbafDZ_JVuda2Y3ReTBMPDYqX-61zshH0ePdg9yH_A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment