જાણે હંસા આવવાની હોય એવી આતુરતાથી પોસ્ટમાસ્ટર ઝડપભેર સ્ટેશનમાં દાખલ થયા. મરિયમ અલી ડોસાને, ના , તેના અબ્બુને શોધતી હશે. પોતે મોડા નથી પડયા એની ખુશી સાથે પોસ્ટમાસ્ટર અધીરતાથી ગાડીને આવતી જોઇ રહ્યા. ગાડી સ્ટેશનની અંદર દાખલ થઇ ચૂકી હતી. પોસ્ટમાસ્ટર જાણે હંસાને તેડવા આવ્યા હોય અને બારીમાંથી હંસા તેને જોઇને ખુશખુશાલ બનીને ચીસ પાડી ઉઠવાની હોય તેમ અધીરતાથી દરેક ડબ્બાની બારીમાં જોઇ રહ્યા.
પણ મરિયમ તેને કયાં ઓળખવાની હતી કે નહોતા તે મરિયમને ઓળખવાના..ના.. એ જરૂર ઓળખી જશે.સાથે નાનકડો મહમુદ પણ છે ને.
ગાડી ઉભી રહી. એક ડબ્બામાંથી નાનકડા બાળકને તેડીને એક યુવતી ઉતરી. યુવતીની બહાવરી નજર આસપાસ ફરી વળી.પોસ્ટમાસ્ટર એ તરફ દોડયા. નક્કી એ જ મરિયમ..એને ઓળખવામાં એ ભૂલ ન જ કરે. પિતાને શોધતી આવી નજર બીજા કોની હોય ?
યુવતીની પાસે જઇ ધીમેથી પોસ્ટમાસ્ટર બોલ્યા મરિયમ, પોસ્ટમાસ્ટરને પોતાને નવાઇ લાગી.એના સદાના રૂક્ષ અવાજમાં આવી મ્રુદુતા કયાંથી આવીને બેસી ગઇ ?
તમે ? તમે કોણ ? મારા અબ્બુ કયાં ?
બેટા, તારા અબ્બુ નથી આવી શકયા. એમણે જ મને મોકલ્યો છે.સાબિતી રૂપે હાથમાં રહેલો મરિયમનો કાગળ તેના હાથમાં મૂકતા પોસ્ટમાસ્ટરબોલ્યા. અંકલ, આપ ? એ બધી વાતો પછી..ચાલ બેટા, પહેલા ઘેર જઇએ. કહેતા પોસ્ટમાસ્ટરે મહમદને તેડવા હાથ લંબાવ્યા.
પણ મહેમૂદ વધારે જોશથી અમ્મીને વળગી રહ્યો.
તેને થોડી વાર અજાણ્યું લાગશે તેને. કહેતા મરિયમ મીઠું હસી રહી. તેણે મહેમૂદને નીચે ઉતારવા પ્રયત્ન કર્યો. પણ તે નીચે ઉતરવા તૈયાર ન થયો. અને માને વધારે જોશથી વળગી રહ્યો.
પોસ્ટમાસ્ટર હસી પડયા અને મરિયમની બેગ ઉંચકી લીધી અને આગળ ચાલ્યા. મરિયમ ચૂપચાપ પાછળ દોરાઇ.
મરિયમના માસૂમ ચહેરા પર એક બાળક જેવી નિર્દોષતા છવાયેલી હતી. તેની મોટી પાણીદાર આંખો કેવી યે પારદર્શક હતી. એની સામે જોઇને જાણે કંઇ ખોટું બોલી જ ન શકાય. ઘઉંવર્ણા લંબગોળ ચહેરા પર સ્મિતની લહેરખી ફરફરતી હતી. એની આંખો જાણે અધીરાઇથી કોઇને શોધી રહી હતી. લાંબી, પાતળી સુડોળ કાયા પર મરુન ટીપકી વાળા કાળા રંગના સલવાર કમીઝ અને કપાળ સુધી ઓઢેલી એવી જ ઓઢણી. હાથમાં તાજા ખીલેલા ફૂલ જેવું ખિલખિલ હસતું
શિશુ..પોસ્ટમાસ્ટર ઘડી ભર મરિયમને જોઇ રહ્યા. હંસા કદાચ મરિયમથી થૉડી નીચી હશે. જો કે હંસાના ચહેરાનો રંગ ગૌરવર્ણો ખરો.પણ નમણાશ તો મરિયમની જ.નહોતી કરવી તો યે પોસ્ટમાસ્ટરથી મનોમન સરખામણી થઇ જ ગઇ. હંસા પણ આમ જ બાળકને તેડીને આવશે ને ?
અંકલ. અબ્બુ..? મરિયમે ફરીથી તેનો પ્રશ્ન દોહરાવ્યો.
સામે હંસા ઉભી હતી કે મરિયમ ? માસ્તર જરા ગૂંચવાયા.
સફાળા ભાન આવ્યું હોય એમ બોલી ઉઠયા. ' બેટા, પહેલા ઘેર ચાલ. ઘેર જઇને આપણે વાત કરીએ છીએ. '
હંસાને બેટા કહીને જ તો સંબોધતા હતા ને ? એ જ શબ્દ અત્યારે આ અજાણી યુવતી માટે મોઢામાંથી નીકળી ગયો.
જોકે મરિયમ અજાણી કયાં રહી હતી ? કદાચ મરિયમ અને હંસા એકમેકમાં ઓગળી ગયા હતા.
જવાબ ન મળવાથી મરિયમના મનનું સમાધાન તો ન થયું પણ એ સિવાય બીજો કોઇ ઉપાય પણ કયાં હતો ?
બેટા, ચિંતા ન કરતી. મને તારો પિતા જ સમજી શકે છે. મરિયમનો હિચકિચાટ સમજી ગયેલ પોસ્ટમાસ્ટર બોલ્યા.
મરિયમનો હાથ પકડી પોસ્ટમાસ્ટર ઘરમાં દાખલ થયા ત્યારે ફકત તેમનો ચહેરો જ નહીં આખ્ખું અસ્તિત્વ ઝળાહળા હતું.
ઘરમાં પ્રવેશતા જ પોસ્ટમાસ્ટરે રામજીને બૂમ પાડી.
રામજી, તારી વહુને કહે આરતીની થાળી લાવે. વરસો બાદ દીકરી ભાણિયાને તેડીને ઘેર આવી છે.
ઓછાબોલો રામજી માસ્તર સામે જોઇ રહ્યો. રામજીની પત્ની કશું સમજી તો નહીં પણ પતિના કહેવા મુજબ હાથમાં આરતીની થાળી લઇને આવી. મરિયમ અને નાનકડા મહેમૂદની આરતી ઉતારી.
આવ બેટા.. કંઇક સંકોચાતી મરિયમ ધીમા પગલે અંદર આવી. પોસ્ટમાસ્ટરને પગે લાગી. મહેમૂદને પણ પગે લગાડયો. અંકલ, આશીર્વાદ આપો.
પોસ્ટમાસ્ટરે મહેમૂદને માથે હાથ મૂકી મૌન આશીર્વાદની ઝડી વરસાવી. મહેમૂદના મીઠા હાસ્ય પર માસ્તર ઓળઘોળ બની રહ્યા. આ તો અદ્લ હંસાનો દીકરો..પોતાનો દોહિત્ર.
મરિયમની આંખો ઓરડામાં આમતેમ ઘૂમી રહી. અબ્બુ કયાં ? એ કેમ દેખાતા નથી ? બીમાર હશે ?
પોસ્ટમાસ્ટર મરિયમનો મૌન પ્રશ્ન તો કયારના સમજી ચૂકયા હતા. પણ જવાબ આપવામાં બને તેટલું મોડું કરતા હતા. કદાચ ટાળી શકાય તો ટાળવા ઇચ્છતા હતા. પણ એ કયાં શકય હતું ?
મરિયમની અધીરાઇ હવે ભયમાં પરિણમી હતી.
અંકલ, સાચું કહેજો..મારા અબ્બુને કંઇ થયું તો નથી ને ? એ મને લેવા આવ્યા સિવાય રહે જ નહીં. કયાં છે મારા અબ્બુ ? મરિયમે પોસ્ટમાસ્ટરને હચમચાવી નાખ્યા.
જવાબ આપ્યા સિવાય બીજો કોઇ ઉપાય કયાં બચ્યો હતો ?
' બેટા, જીવનમાં આપણને ન ગમતી વાતો થતી જ રહે છે ને ? તારા અબ્બુ ઉપરથી તમારા બંને ઉપર દુવા વરસાવી રહ્યા છે. તને સુખી જોઇને એનો આત્મા જયાં હશે ત્યાં ખુશ થતો હશે.
મરિયમ ત્યાં બેસી પડી. એની આંખો ધોધમાર વરસી રહી.
અબ્બુને મળવામાં પોતે મોડી પડી એનો અફસોસ એના કાળજાને કોરી રહ્યો. હવે એના અબ્બુ એને કદી નહીં દેખાય ?અબ્બુ મહેમૂદને કયારેય નહીં જોઇ શકે કે નહીં રમાડી શકે ?
પોસ્ટમાસ્ટરે મરિયમને રડવા દીધી. મન ભરીને રડી લે બેટા..હૈયુ હળવું કરી લે. થોડી વાર ઘરમાં સન્નાટો છવાઇ રહ્યો. કોચમેન અલી ડોસા જાણે આ ક્ષણે જ જાણે કબરમાં પોઢયા. ' અલી, મને માફ કરજે. પણ તારી દીકરીને તારી ખોટ સાલવા નથી દીધી હોં.'
પોસ્ટમાસ્ટર મનોમન બોલી રહ્યા. મરિયમે પોસ્ટમાસ્ટરે આપેલો પિતાનો કાગળ ફરી એકવાર વાંચ્યો અને ફરી એકવાર વરસી રહી. બે હાથ જોડી, આંખો બંધ કરી મનમાં જ કશુંક ગણગણી રહી. રામજીની વહુએ પાણીનો ગ્લાસ તેના હાથમાં થમાવ્યો. નાનકડો મહેમૂદ માના ખોળામાં સૂઇ ગયો હતો. કદાચ થાકી ગયો હતો. બેટા, પહેલા એને જમાડીને અંદર સૂવડાવી દે.
અત્યારે એ જમશે તો નહીં રસ્તામાં ખવડાવી દીધું છે. ખાલી દૂધ પીશે. સૂતા પહેલા એને દૂધની આદત છે.
મરિયમના અવાજમાં થોડો સંકોચ હતો.
રામજી દૂધ લઇને આવ્યો. થોડી વારે બાળકને દૂધ પીવડાવી,, અંદર સૂવડાવી પરિયમ બહાર આવી. રડી રડીને એની થાકેલી આંખો લાલહિંગળોક બની હતી.
' અંકલ, તમારી ઓળખાણ તો આપી જ નહીં. મારા અબ્બુના ખાસ મિત્ર છો એ તો જણાઇ આવ્યું. એનો કાગળ લઇને તમે મને દીકરી કહીને તેડવા આવ્યા.. અંકલ, મારા અબ્બુને તમે કયારથી ઓળખતા હતા ? એને ઓળખવામાં બહું મૉડો પડયો હતો બેટા, એક બાપના દિલને ઓળખવામાં હું બહું મૉડો હતો. પોસ્ટમાસ્ટર મનમાં જ વિચારી રહ્યા.
અંકલ, તમે જવાબ ન આપ્યો.
કેટલાક પ્રશ્નોના જવાબ નથી હોતા બેટા.પણ એ રોજ તારા કાગળની આશાએ પોસ્ટઓફિસે ધક્કો ખાતા, ત્યાં સાંજ સુધી બેસી રહેતા. એની આંખોમાં જ નહીં, એના આખા અસ્તિત્વમાં તારી અને ફકત તારા કાગળની જ પ્રતીક્ષા હતી. તારી રાહ જોવામાં એ કદી થાકયા નથી કે ટાઢ, તાપ જોયા સિવાય એક પણ દિ પોસ્ટઓફિસે આવવાનું એ બાપ ચૂકયા નહોતા. બેટા, તું નસીબદાર છો આવો વત્સલ બાપ…
કહેતા માસ્તરને ગળે ડૂમો ભરાયો. આવા બાપની વત્સલતા પોતે કયારે પિછાણી ? જયારે પોતાના પગ નીચે રેલો આવ્યો ત્યારે જ એ પીડા સમજાણી ને ?
માસ્તરના શબ્દો સાથે મરિયમની આંખો ફરી એક વાર વહી નીકળી.
હા, અંકલ, હું ખરેખર નસીબદાર હતી પણ
બેટા, મને યે નવાઇ લાગે છે કે તેં બાપને કેમ કાગળ ન લખ્યો ? શું તને જાણ નહોતી કે તારા અબ્બુ તારા કાગળ માટે કેટલા તડપતા હશે ?
હા, અંકલ, મને ખબર હતી. અબ્બુ કાગડોળે મારા પત્રની રાહ જોતા હશે એની મને જાણ હતી જ.અને છતાં…છતાં...આવા અબ્બુને હું સમયસર એક કાગળ પણ ન લખી શકી.
પણ શા માટે બેટા શા માટે ?
શું કહું અંકલ ? વાત એમ હતી કે આ મહેમૂદના અબ્બા લડાઇના મોરચે ગયેલા અને એના કોઇ સમાચાર નહોતા મળતા.એથી સાસુએ જયાં સુધી એના દીકરાના ખબર ન મળે ત્યાં સુધી અબ્બુને કાગળ લખવાની મનાઇ ફરમાવી હતી. મહેમૂદના અબ્બુના સોગંદ આપીને બાંધી લીધી હતી. મારે માટે આ બહું અઘરી વાત હતી.
રોજ રાતે સપનામાં અબ્બુને કાગળ લખતી રહેતી.મને કયાં ખબર હતી કે હું અબ્બુને મળવામાં મોડી પડીશ..નહીંતર સોગંદ તોડી નાખતા યે અચકાત નહીં.
મરિયમ હીબકે ચડી.
બેટા, એમાં તા�
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsSygS9hgKUkKU73qDWw%2BUOQLyWwju7NpaWAvat5B-%3D6w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment