Tuesday, 5 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બજેટ ભાજપને સત્તા અપાવી શકશે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બજેટ ભાજપને સત્તા અપાવી શકશે?
રાજીવ પંડિત

 

 

 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કામચલાઉ નાણાં પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે મોદી સરકારની પાંચ વર્ષની ટર્મનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું. વન ડે ક્રિકેટ મેચમાં કોઈ ટીમ ૪૦ ઓવર લગી ઠિચૂક ઠિચૂક રમે ને પછી છેલ્લી ૧૦ ઓવરમાં ધુંઆદાર બેટિંગ કરી નાંખે એવો ઘાટ આ બજેટે કરી નાંખ્યો. આ છેલ્લા બજેટમાં મોદી સરકાર તમામ વર્ગો પર બરાબરની રીઝી ને તેમાં પણ મધ્યમ વર્ગ-નોકરિયાતો અને ખેડૂતોને તો રાજી રાજી કરી દીધા. મોદી સરકારનું આ છઠ્ઠું બજેટ હતું ને અગાઉનાં પાંચ બજેટમાં ઝાઝું કમાવાનું નહોતું.

 

નરેન્દ્ર મોદી મધ્યમ વર્ગને આંબા-આંબલી બતાવીને સત્તામાં આવેલા પણ તેમના પહેલા બજેટમાં મધ્યમ વર્ગ રાજી થાય એવું કશું નહોતું. જેટલીએ તેમના પહેલા બજેટમાં આવકવેરાના દરોમાં નજીવી રાહતો આપેલી. ભાજપ સત્તામાં આવ્યો એ પહેલાં આવકવેરાની મર્યાદા વધારીને પાંચ લાખ કરવાની વાતો કરતો હતો પણ એ વચન એક પણ બજેટમાં ના પાળ્યું. આ બજેટમાં પણ તેમણે એ વચન નથી પાળ્યું પણ ટેક્સ રીબેટ મેળવવા માટેની મર્યાદા પાંચ લાખ કરી દીધી. તેનો અર્થ એ થાય કે, જેમની આવક પાંચ લાખ રૂપિયા સુધી હશે તેમણે કોઈ ટેક્સ નહીં ભરવો પડે. એ લોકો દોઢ લાખ સુધીનું રોકાણ નિયત કરેલી સ્કીમોમાં કરે તો બીજો દોઢ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે.

 

મોદી સરકારે જાહેરાત કરી ત્યારે સૌને એવું લાગતું હતું કે, આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરાઈ છે પણ એવું નથી. અલબત્ત આ જોગવાઈના કારણે બહુ મોટા મધ્યમ વર્ગ તથા નોકરિયાત વર્ગને થોડો ઘણો ફાયદો તો થશે જ. ગોયલે નોકરિયાતો માટેની ગ્રેજ્યુઈટીની મર્યાદા પણ વધારીને વીસ લાખ કરી દેવાઈ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં પણ ૧૦ હજારનો વધારો કરી નાંખ્યો તેના કારણે પણ નોકરિયાતોને ફાયદો છે.

 

મોદી સરકાર અત્યાર લગી ખેડૂતો માટે પણ વાતોનાં વડાં કર્યા કરતી હતી પણ કશું નક્કર નહોતી કરતી. આ વખતે બે હેક્ટર સુધી એટલે કે ૧૨ વીઘા સુધીની જમીન ધરાવતા ખેડૂતોને વરસે ૬ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરી નાંખી. એ જ રીતે બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું એલાન પણ કરી નાંખ્યું. મધ્યમ વર્ગને બીજું ઘર ખરીદવા પર પણ રાહત આપી દીધી ને બીજી પણ ઘણી એવી જાહેરાતો છે કે જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. ટૂંકમાં મોદી સરકારે બધા વર્ગનાં લોકોને સાચવી લીધા છે. આ દૃષ્ટિકોણથી મોદી સરકારનું આ શ્રેષ્ઠ બજેટ છે તેમાં શંકા નથી પણ આ બજેટ એવું જોરદાર પણ નથી કે તેના પર ઓળઘોળ થઈ જવાય છે.

 

જોકે એ પછી પણ મોદી સરકારનું આ બજેટ એન્ટિ ક્લાઈમેક્સ જેવું છે કેમ કે અત્યાર લગીનાં મોદી સરકારનાં બજેટ બહુ હરખાવા જેવાં નહોતાં. ભારતમાં મધ્યમ વર્ગ સૌથી મોટો છે અને સૌથી પ્રમાણિક કરદાતા છે. આ પ્રમાણિક કરદાતાને રાહત આપવા છેલ્લાં પાંચ વર્ષ લગી કશું નહોતું કરાયું. તેના કારણે આ વર્ગમાં નિરાશા હતી પણ મોદી સરકારે આ નિરાશા કંઈક અંશે ખંખેરાઈ જાય એવી જાહેરાતો કરી છે.

 

મોદી સરકારના પહેલા પહેલા બજેટમાં જેટલીએ આવકવેરા મર્યાદામાં થોડીઘણી રાહતો આપી પણ એ બધી છેતરામણી હતી ને તેના કારણે બહુ ફાયદો નહોતો થયો. બીજા બજેટમાં જેટલીએ સર્વિસ ટેક્સના દરમાં વધારો કરીને મધ્યમ વર્ગને રીતસરનો ખંખેરી નાંખેલો. સર્વિસ ટેક્સનો દર પહેલાં ૧૨.૩૬ ટકા હતો. જેટલીએ તે વધારીને સીધો ૧૪ ટકા કરી દીધો નાંખેલો. સર્વિસ ટેક્સ હેઠળ મોબાઈલ ફોનથી શરૂ કરીને જિમ્નેશિયમ સુધીની સેવાઓ આવી જાય. આ બધી સેવાઓ મધ્યમ વર્ગને જ વધારે અસર કરે છે ને એ રીતે જેટલીએ તેમના ખિસ્સા પર કાતર ફેરવી દીધી હતી. એક વર્ષ પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ શરૂ થયો પછી સર્વિસ ટેક્સના દર પાછા વધારીને જેટલીએ મધ્યમ વર્ગને એક વરસના ગાળામાં બે વાર ખંખેરી નાંખેલો.

 

નોકરિયાતોને સાવ એવું ના લાગે કે પોતાની સાવ અવગણના થઈ છે એટલે જેટલીએ તેમને રીઝવવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સની કરમુક્તિની મર્યાદા વધારવાનો ટુકડો ફેંકી દીધો હતો. અગાઉ મેડિક્લેઈમની ૧૫,૦૦૦ રૂપિયા સુધીની રકમને આવકવેરામાંથી મુક્તિ મળતી. જેટલીએ એ મર્યાદા વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરી હતી પણ તેના કારણે નોકરિયાતોને ઝાઝો ફાયદો થયો નથી. માંડ એકાદ હજારનો ફાયદો થાય ને એ ફાયદો લેવા તેમણે વધારાના ૯૦૦૦ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને ખટાવવા પડે તેવો ખેલ જેટલીએ કરેલો.

 

જેટલીએ જેમની આવક એક કરોડ રૂપિયા કરતાં વધારે છે એ લોકો પરનો ટેક્સના સેસમાં ૦.૨ ટકાનો વધારો કરેલો પણ એ વધારો લોકોને બેવકૂફ બનાવવાનો ખેલ જ હતો. જેની આવક એક કરોડ રૂપિયા કરતાં વધારે હોય તેણે ૨૦,૦૦૦ રૂપિયા વધારાનો કર ભરવો પડે તેનાથી તેમને કોઈ ફરક પડતો નહોતો. નજીવા સેસ વધારાના બદલામાં જેટલીએ કોર્પોરેટ ટેક્સના દરમાં સીધો પાંચ ટકાનો ઘટાડો કરીને બિઝનેસમેન તથા ઉદ્યોગપતિઓને બખ્ખાં કરાવી દીધેલાં. પહેલાં કોર્પોરેટ ટેક્સનો દર ૩૦ ટકા હતો તે ઘટાડીને જેટલીએ સીધો ૨૫ ટકા કરી દીધો હતો.

 

જેટલીએ તેમના ત્રીજા બજેટમાં પણ કોઈ રાહત નહોતી આપી ને ઉલટાનો સર્વિસ ટેક્સના દરોમાં પાછો વધારો ઝીંકી દીધેલો. નોકરિયાતોને પંપાળવા ટેક્સ રીબેટની મર્યાદા વધારવાનો ટુકડો ફેંકેલો પણ તેનાથી મોટો ફાયદો નહોતો. પહેલાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર બે હજાર રૂપિયા ટેક્સ રીબેટ મળતું. જેટલીએ આ રકમ વધારીને પાંચ હજાર રૂપિયા કરેલી. આ જાહેરાત પણ લોકોને બેવકૂફ બનાવવા માટેની હતી. પાંચ લાખ રૂપિયા સુધીની આવક હોય તેમાં ટેક્સ ત્રણ લાખ રૂપિયાથી વધારેની આવક હોય તેના પર જ લાગે છે.

 

બીજા દોઢ લાખ સુધીનું રોકાણ ને હોમ લોનના વ્યાજ પર ટેક્સ નથી લાગતો. એ સંજોગોમાં ખરેખર તો પાંચ લાખ સુધીની આવક હોય તેમણે કોઈ ટેક્સ જ ચૂકવવાનો નથી થતો. તેના કારણે આ ત્રણ હજાર રૂપરડી ટેક્સ રીબેટ વધે તેનાથી નોકરિયાતોને કોઈ મોટો ફાયદો નથી. જેટલીએ જેમની આવક એક કરોડ રૂપિયા કરતાં વધારે છે એ લોકો પરનો સેસ સતત બીજા વર્ષે વધારેલો. પહેલાં એક કરોડ રૂપિયાથી વધારે આવક પર ૧૦ ટકા સેસ લાગતો. જેટલીએ બીજા બજેટમાં એ વધારીને ૧૨ ટકા કરેલો ને ત્રીજા બજેટમાં ૧૫ ટકા કરી દીધો.

 

આ નાની નાની રાહતો સામે જેટલીએ મધ્યમ વર્ગને સર્વિસ ટેક્સના દરમાં વધારો કરીને મોટો ફટકો મારેલો. સર્વિસ ટેક્સનો દર પહેલાં ૧૨.૩૬ ટકા હતો બીજા બજેટમાં જેટલીઅ વધારીને ૧૪ ટકા કરી દીધેલો. તેમાં પાછું સ્વચ્છ ભારતના નામે અડધા ટકા સેસનું લટ્ઠુ ઘુસાડેલું. એ રીતે સર્વિસ ટેક્સનો દર વધીને ૧૪.૫૦ ટકા થયેલો. ત્રીજા બજેટમાં તેમણે કૃષિ કલ્યાણ સેસના નામે પાછું અડધા ટકાનું લઠ્ઠુ ઘુસાડીને સર્વિસ ટેક્સ વધારીને ૧૫ ટકા ટકા કરી નાંખ્યો હતો. મધ્યમ વર્ગને તમામ સેવાઓ માટે જંગી ટેક્સ ચૂકવવો પડે તેવો બંદોબસ્ત તેમણે કરી નાંખેલો.

 

જેટલીએ પોતાના ચોથા બજેટમાં ઈન્કમટેક્સના રેટમાં નજીવો ઘટાડો કરીને મધ્યમ વર્ગના ઘા પર મલમ લગાવવાની કોશિશ કરેલી. ૨૦૧૭ સુધી અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહોતો પણ અઢી લાખથી પાંચ લાખ સુધીની આવક પર ૧૦ ટકા ટેક્સ લાગતો. જેટલીએ આ ઈન્કમટેક્સ રેટ ૧૦ ટકાથી સીધો ઘટાડીને ૫ ટકા કરી નાંખ્યો હતો. તેમાં પણ ૩ લાખ સુધીની આવક હોય તેને ૫૦૦૦ રૂપિયાનું રીબેટ મળે તેથી ૩ લાખ રૂપિયાની આવક હશે તેણે એક રૂપિયો પણ ટેક્સ ના ભરવો પડે. આ જોગવાઈના કારણે જેમની આવક ત્રણ લાખ કરતાં વધારે ને પાંચ લાખ રૂપિયા કરતાં ઓછી હોય તેમને ફાયદો કરાવેલો.

 

જેટલીના ગયા વરસના બજેટમાં ઈન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર નહોતો કર્યો પણ સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ વધુ ચાલીસ હજારની આવક પર ટેક્સ નહીં લાગે એવી જાહેરાત કરી હતી. તેના કારણે નોકરિયાતોને ચાર હજાર રૂપિયાનો ફાયદો થાય પણ સામે એજ્યુકેશન સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરીને તેમાં પણ કાપ મૂકી દીધો હતો. જેટલીએ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો અને છ રૂપિયા રોડ સેસ નાબૂદ કર્યો પણ સામે લિટરે આઠ રૂપિયાનો રોડ ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ઠોકી દીધો. તેના કારણે સરવાળે પેટ્રોલ-ડીઝલના ભાવ ત્યાંના ત્યાં જ આવીને રહી ગયા હતા.

 

આ રીતે જેટલીના પાંચ વર્ષના બજેટમાં મધ્યમ વર્ગ અને નોકરિયાતોએ હરખાવા જેવું કશું નહોતું પણ ગોયલે એ પરંપરા તોડી છે. ભાજપની વફાદાર મતબૅંક મધ્યમ વર્ગના શહેરી લોકો અને નોકરિયાતો છે ને તેમના જોરે ભાજપ કેન્દ્રમાં સત્તા લગી પહોંચ્યો હતો. અત્યાર સુધી ભાજપે તેમની જ મેથી સૌથી વધારે મારી હતી, તેમને જ સૌથી વધારે ચૂસ્યા હતા. આ વર્ગને રાજી રાખવાના બદલે ભાજપે બીજી જાત જાતની યોજનાઓનાં ગતકડાં રમતાં મૂકીને બીજા વર્ગોને પોતાની તરફ ખેંચવા ફાંફાં માર્યાં હતાં. તેના કારણે એવું લાગતું હતું કે ભાજપની હાલત બાવાનાં બેઉ બગડ્યા જેવી થશે પણ ભાજપને છેલ્લે છેલ્લે અક્કલ આવી ને તેણે મધ્યમ વર્ગ તથા નોકરિયાતોને સાચવવાની ક્વાયત હાથ ધરી.

 

આ દાવને કારણે ભાજપની વફાદાર મતબૅંકમાંથી બહુમતી લોકો નહીં ફરે, ભાજપની સાથે જ રહેશે. ભાજપના શહેરી મતદારોમાંથી મોટો વર્ગ ભાજપ સાથે જોડાયેલો રહેશે. અલબત્ત તેના કારણે ભાજપ ફરી સત્તામાં આવી જશે એવું કહેવું જરા વહેલું છે, કેમ કે ભારતમાં હજુય બહુમતી મતદારો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

 

જોકે ભાજપને લોકસભાની ચૂંટણીમાં મતદારો સુધી જવા માટે એક મજબૂત મુદ્દો મળી ગયો છે તેમાં શંકા નથી. ભાજપે પોતે આપેલાં વચન પાળતો નથી એવું મહેણું સાવ ભાંગ્યું નથી પણ તેણે એકસાથે ઘણા બધા વર્ગને ખુશ કરવા કોશિશ ચોક્કસ કરી છે. આ બધા મુદ્દાના જોરે ભાજપ લોકસભાની ચૂંટણીમાં તરી જાય એવું પણ બને. આ જાહેરાતોના કારણે યંગ ઈન્ડિયા ફરી મોદી પર ઓવારી જાય ને તેના કારણે ભાજપની વધુ પાંચ વર્ષ માટે સત્તામાં આવવાની શક્યતા નકારી ના શકાય.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtwQT5KbEbb1uggRYj-NVDLQmPor2aoE5Rr1Qt%3DgGdA-g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment