ગામ નાનું એટલે દસ મિનિટમાં જ સમાચાર ફેલાઈ ગયા કે સવિતાબા ગયા. આખું ગામ બ્રાહ્મણ શેરીમાં ભેગું થઈ ગયું. ખડકીની અંદર પાંસઠ વર્ષના દેવશંકર બે હાથ વચ્ચે માથું પકડીને ઉભડક પગે બેઠા હતા. ધ્રૂજતા અવાજે એ બોલતા હતા."રોજની જેમ હું ઓટલે દાતણ કરતો હતો. ચા બનાવું છું એમ કહીને એ ઘરમાં ગઈ. હું અંદર આવ્યો ત્યારે આ જ રીતે ચત્તીપાટ પડેલી ! "
સવિતાબહેનના શબ સામે આંગળી ચીંધીને દેવશંકરે નિ:સાસો નાખ્યો.
"કોઈ ચીસ નહીં, એક ઉંહકારો પણ નહીં.જાણે આરામથી ઊંઘી ગઈ હોય એવું જ લાગે..મારી તો રાડ ફાટી ગઈ. સામેથી રાજેશ દોડતો આવ્યો. મારું મગજ બહેર મારી ગયું હતું. રાજેશે નાડી ચેક કરી,નાક પાસે હથેળી રાખીને શ્ર્વાસ તપાસ્યા ; પછી મને કીધું કે દેવુદાદા,સવિતાબા ગયા..આટલું કહીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો..તોય મને તો કંઈ સમજાય નહીં ને માનવામાંય ના આવે...."
એમણે નિરાશાથી માથું ધૂણાવ્યું." પચાસ વર્ષનો સાથ છોડીને આંખના પલકારામાં તો એ પરલોકમાં પહોંચી ગઈ! હજુ માનવામાં નથી આવતું.."
"આવું રૂડું મોત તો નસીબદારને મળે, દેવુભાઈ,કોઈનીયે ચાકરી લીધા વગર ખોળિયું ખાલી કરીને જીવ ઊડી ગયો.." દેવશંકરની જોડે બેસીને પાડોશી વજુભાઈએ સાંત્વના આપીને પૂછ્યું. "બંને દીકરીઓ અને જમાઈઓને જાણ કરવાની છેને ?"
દેવશંકર અને સવિતાબહેનને સંતાનમાં માત્ર બે દીકરીઓ. મોટી સુશીલાએ જાતે લગ્ન કર્યા હતા. નાની શ્રીદેવી મા-બાપે શોધેલા મુરતિયા સાથે પરણી હતી. બંને આસપાસના ગામમાં જ રહેતી હતી. દેવશંકર ભાંગી પડ્યા હતા.એ ગૂમસૂમ બનીને બેઠા હતા.
વજુભાઈએ વહીવટ સંભાળી લીધો. ગાયના છાણથી માંડીને તલ અને રાળ સુધીની તમામ સામગ્રી આવી ગઈ.બહાર આખું ગામ મદદ કરવા ઊભું હતું.
સુશીલાનો પતિ પ્રશાંત આવી ગયો એ પછી એણે જવાબદારી સંભાળી લીધી. નાનો જમાઈ જયેશ પણ એને મદદ કરતો હતો.
"આ મોટા જમાઈની જોડે દેવુભાઈને ઝાઝું બનતું નથી, લગ્ન પછી ત્રણ વર્ષ તો એને બોલાવ્યો પણ નહોતો; તોય સગા દીકરાની જેમ સેવામાં લાગી ગયો છે.."
"માણસની ખાનદાનીની આવા સમયે જ ખબર પડે.બધી કડવાશ ભૂલીને એ દોડતો આવી ગયો.. "
સ્મશાનમાં ચિતા સળગતી હતી ને બીજી બાજુ લોકોની ચર્ચા ચાલતી હતી. "દેવુભાઈ નસીબદાર તો ખરા. દીકરો નથી પણ બંને જમાઈ હીરા જેવા છે.."
"આ ઉંમરે બૈરું મરે એ મોટી તકલીફ. હેડમાસ્તર તરીકે રિટાયર થયા છે એટલે પેન્શનની આવકમાં તકલીફ ના પડે તોય જીવતર ભાર જેવું લાગે.ક્યારેક આંખ-માથું દુ:ખે તોય કહેવું કોને? બેમાંથી એકાદ દીકરીના ઘેર રહેવા જાય તો સૌથી સારું.."
"દેવુભાઈ તો વટનો કટકો છે. આખી જિંદગી સિધ્ધાંત જાળવીને જીવનારો માણસ દીકરીના ઘરનું પાણી પણ ના પીવે! કાકી કરતાંય હાઈક્લાસ રસોઈ આવડે છે એમને. એ માણસ દીકરીના ઘરનો ઉંબરો ના ચડે.. "
બધા સ્મશાનેથી પાછા આવ્યા ત્યારે પણ દીકરીઓનું રૂદન ચાલુ જ હતું. હવે બાપને વળગીને એ બંને જે હૈયાફાટ વિલાપ કરતી હતી એ દ્રશ્ય જોનારની આંખ ભીની કરી દે એટલું હ્રદયદ્રાવક હતું.
"તમારી મા તો સાક્ષાત દેવી હતી. એની પાછળ રડવાનું ના શોભે. એના પવિત્ર આત્માને પીડા પહોંચે..." લગીર સ્વસ્થ થઈને બાપે દીકરીઓને સમજાવ્યું. "પ્રભુસ્મરણથી એને રાજી રાખવાને બદલે તમે રડો તો એ આત્મા રિબાય.. "
બીજા દિવસે બંને જમાઈઓ ગયા.દીકરીઓ રોકાઈ. બધી વિધિ પતે એ પછી અમારી સાથે રહેવા આવી જાવ એવું કહીને એ બંને ખૂબ કરગરી, પણ દેવશંકરે હાથ જોડીને ના પાડી. જમાઈઓ વચ્ચે વચ્ચે આવી જતા હતા. બારમા-તેરમાની વિધિમાં પણ એ બંને ખડે પગે ઊભા રહ્યા.
"તમે બંને તો મારી જમણી-ડાબી આંખ છો.." જમાઈઓ સવારે લેવા આવવાના હતા. એ રાત્રે બાપે બંને દીકરીઓને સામે બેસાડી. "ઈશ્ર્વર સાક્ષી છે કે તમારા બંને વચ્ચે ક્યારેય કોઈ વેરોઆંતરો નથી રાખ્યો... "
અવાજ અને આંખમાં ભીનાશ સાથે એમણે સુશીલા સામે જોયું." મોટી,તેં જાતે લગ્ન કર્યા એટલે ત્રણ વર્ષ તને બોલાવી નહોતી એના કારણમાં મારી જીદ. બાકી,અંદરથી તો જીવ બળતો હતો. મારી બીકથી તારી મા કંઈ બોલતી નહોતી પણ મનોમન હિજરાતી હતી, એ મને દેખાતું હતું. આજે વાત નીકળી છે તો સાંભળ, બેટા, એની દશા જોઈને હૈયામાં એવો વલોપાત થતો હતો કે મેં જાતને સજા આપેલી. તારા સમ! ગળકૂડો હોવા છતાં, એ ત્રણ વર્ષ દરમ્યાન કોઈ ગળી આઈટમ મેં થાળીમાં નહોતી લીધી! છેલ્લે ના રહેવાયું ત્યારે હાર કબૂલીને તને ને જમાઈને માનભેર ઘેર બોલાવ્યાં."
ગળામાં અટકેલો ડૂમો ખોંખારવા એ લગીર અટક્યા.પછી બંનેની સામે જોયું. "તમારી મા લક્ષાધિપતિ નહોતી એ છતાં એ બિચારી દસ-વીસ રૂપિયા કરીને પણ તમારા માટે બચાવતી હતી..એનો સામાન ફંફોળ્યો એમાંથી સોળ હજાર રૂપિયા નીકળ્યા એટલે આઠ-આઠ હજાર તમારા. બાકી,એની બીજી બેગોમાંથી સાડલાઓ અને નાની-મોટી વસ્તુઓ વહેંચીને લઈ જજો.." "બાપા,મારે કંઈ નથી જોઈતું..." આંખમાં ઝળઝળિયાં સાથે સુશીલાએ બાપની સામે હાથ જોડ્યા. "તમારા ને બાના આશીર્વાદ મળ્યાં એ જ મારી મૂડી. પ્રેમથી કહું છું કે આ બધુંય નાનીને આપી દો... "
એની વાત ઉપર ધ્યાન આપ્યા વગર દેવશંકરે ખિસ્સામાં હાથ નાખીને વેલ્વેટની વાદળી રંગની નાની પોટલી બહાર કાઢી. "બીજો મુદ્દામાલ આમાં છે..હું તો પહેલેથી અલગારી.લગ્ન વખતેય મૂડી કે બચત જેવું કંઈ નહોતું તમારા બાપ પાસે. આટલા વર્ષમાં એ બિચારીને વાલની વાળીયે નથી અપાવી.એના પિયરથી જે દાગીના લાવેલી એને મરણમૂડીની જેમ એ બાપડીએ સંતાડીને સાચવી રાખેલા. વાર-તહેવારે કે પ્રસંગે એ પહેરીને એણે મારી આબરૂ જાળવેલી.."
એમણે પોટલી ખોલી. "તમારી માની પ્રસાદી સમજીને આ દાગીના તમે વહેંચી લો એટલે હું છૂટો... "
સોનાની ચાર બંગડીઓ, કાનની બુટ્ટીની જોડ અને નાકની વાળી સામે બંને દીકરીઓ તાકી રહી. ઓરડાના ખૂણામાં પત્નીની છબી સામે ઘીનો દીવો ઝળહળી રહ્યો હતો. દેવશંકર સ્થિતપ્રજ્ઞની એ તરફ જોઈ રહ્યા હતા.
"બાપા, બધી બેગ ચેક તો બરાબર કરી છેને ?" શ્રીદેવીએ હળવેથી પૂછ્યું. આશ્ર્ચર્યથી પોતાની સામે તાકી રહેલા બાપની સામે જોઈને એણે ખુલાસો કર્યો. "ત્રણ તોલાનો એક હાર હતો એ નથી દેખાતો. એ નેકલેસ તો મારી બા જીવની જેમ સાચવતી હતી. એ ક્યાં છે ?"
"રામ જાણે! " દેવશંકરની સ્થિતપ્રજ્ઞતા અકબંધ હતી. "બધુંય ચેક કર્યા પછી જ તમને બોલાવ્યા..એવો કોઈ હાર કે નેકલેસ ઘરમાં ક્યાંય નથી. હોય તો આ બધાની સાથે જ હોયને? " સવિતાબહેનની છબી સામે જોઈને એ બબડ્યા. " આવી વાતમાં ક્યારેય માથું નથી માર્યું એટલે એના ખજાનામાં શું શું છે એની કંઈ ખબર નથી..તમારી સ્વર્ગવાસી જનેતાની જે કંઈ છે એ આટલી પ્રસાદી છે એને સંપીને વહેંચી લો.." એમણે શ્રીદેવીને ધરપત આપી." એ છતાં,તારા સંતોષ ખાતર બધુંય ફરીથી ફેંદીશ.. "
"એવી કંઈ જરૂર નથી, બાપા!"તરડાયેલા અવાજે સુશીલા બબડી અને બીજી જ સેકન્ડે બે હાથ વચ્ચે માથું ઢાંકીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. શ્રીદેવી અને દેવશંકર એકબીજાની સામે આશ્ર્ચર્યથી તાકી રહ્યા.
મોકળા મને થોડીક વાર રડ્યા પછી સુશીલાએ બાપા અને નાની બહેન સામે જોયું." હું ગુનેગાર છું,બાપા! તમારા બેઉનો અપરાધ કર્યો છે..!" હીબકાંને લીધે એનો અવાજ તૂટતો હતો. " લગ્નના બે વર્ષ પછી એમની નોકરીમાં મોટી ઘાંચ આવેલી. ઑફિસમાં કોક મોરલે કળા કરી ને નામ એમનું આવ્યું. આંધળા ભરોસે સહી કરેલી એમાં એ ફસાયા. અઠવાડિયામાં પૈસા ભરીએ તો ભીનું સંકેલાઈ જાય અને નોકરી બચે એવું એમના સાહેબે સમજાવ્યું.. "
શ્રીદેવી અને દેવશંકર સ્તબ્ધ બનીને સાંભળતા હતા. સુશીલા રડતી રડતી બોલતી હતી.
" એ વખતે તમે તો મને મરેલી માની લીધી હતી. સાસરા પક્ષની કોઈ ઓથ નહોતી. હું અભાગણી સાવ ઓશિયાળી દશામાં આપઘાત કરવાનું વિચારતી હતી. છેલ્લા ઉપાય તરીકે મને મારી મા સાંભરી. દર સોમવારે સવારે એ મહાદેવના મંદિર જાય છે એ ખબર હતી એટલે ત્યાં જઈને ખોળો પાથરીને મારી વીતકકથા કીધી. સાંભળીને એ પણ રડી. શું કરવું એનો કોઈ ઉપાય જડતો નહોતો એટલે મા-દીકરી એકબીજાને વળગીને ખૂબ રડ્યા. એકદમ એના મોઢા ઉપર તેજ ઝળક્યું. મને કહે કે જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર તારા બાપથી છાનું રાખીને આ કામ કરવું પડશે. એમનો સ્વભાવ તો નરસિંહ મહેતા જેવો છે. મારી પાસે ક્યા ક્યા ઘરેણાં છે એનું એ ભોળિયા દેવપુરૂષને કંઈ ભાન નથી. ગામના સોની પાસે તો જવાય નહીં. કંઈક બહાનું કાઢીને બપોરે તાલુકે જઈશ.ત્રણ તોલાનો નેકલેસ વેચી નાખીશ..મને બથમાં ભીંસીને કહે કે મારી દીકરીનું જીવતર રાગે પડતું હોય તો આવા નેકલેસની શી વિસાત?"
ધ્રૂજતા અવાજે કબૂલાત કરતી વખતે એની આંખ આંસુથી છલકાતી હતી. "જગદંબા જેવી જનેતાએ જૂઠનો આશરો લઈને દીકરીની જિંદગી સાચવી લીધી..બાપા, એણે મને સોગન આપેલા કે જીવતેજીવ મોઢું ના ખોલતી.." એણે શ્રીદેવી સામે જોયું."પણ નાનીને અન્યાય કરું તો એ ડંખ આખી જિંદગી મનમાં વલોવાયા કરે. એટલે મેં પહેલાં જ કહી દીધેલું કે મારે કંઈ નથી જોઈતું, બધુંય નાનીને આપી દો..નાની બેનને છેતરવાનો વલોપાત વેઠવાને બદલે સોગન તોડવાનું સસ્તું પડે.." ઊભી થઈને એ સવિતાબહેનની છબી પાસે ફસડાઈ પડી. "બા,તારા સોગન તોડવાનો અપરાધ કર્યો છે..મોટું મન રાખીને માફ કરી દેજે.. "
એ ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. દેવશંકર અને શ્રીદેવીની આંખ પણ કોરી નહોતી.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osg4VkO0%3De8AK7R4%2B3LVw6ttQ0314_dOeX5ijXGALQStg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment