Monday, 4 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જીવનમાં ચેકમૅટ જેવા સંજોગો આવી પડે ત્યારે શું થઈ શકે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવનમાં ચેકમૅટ જેવા સંજોગો આવી પડે ત્યારે શું થઈ શકે?
આશુ પટેલ

 

 

 

એક દુ:ખી યુવતી કેન્સરમાંથી ઊભી થઈને જગમશહૂર બની!

આજે વર્લ્ડ કેન્સર ડૅ છે ત્યારે ફ્રેન્ડ્સ સાથે એક અનોખી વ્યક્તિની વાત શૅર કરવી છે, જે કેન્સર જેવી ખતરનાક બીમારીમાંથી ફિનિક્સ પક્ષીની જેમ ઊભી થઈ, એટલું જ નહીં, તે જગવિખ્યાત લેખિકા બની અને તેણે લાખો લોકોની જિંદગીમાં પરિવર્તન આણ્યું તથા કેટલાય લોકોને ગંભીર બીમારીઓમાંથી કે ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી.

આશુ પટેલ

અમેરિકાના લોસ એન્જ્લસ શહેરમા આઠ ઓક્ટોબર, ૧૯૨૬ના દિવસે એક ગરીબ કુટુંબમા એક દીકરીનો જન્મ થયો. એ છોકરી માત્ર અઢાર મહિનાની હતી ત્યારે તેનાં માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. તેની મા કામ શોધવા અને રોજીરોટી રળવા દીકરીને ઘરે એકલી મૂકીને જતી એ દરમિયાન તે નાનકડી છોકરીની દેખભાળ કેટલાક ભલા પાડોશીઓ કરતા. માતા પાછી ના આવે ત્યા સુધી તે છોકરી સતત રડતી રહેતી હતી. એટલે પાડોશીઓએ તેને સંભાળવાની ના પાડી દીધી. પોતાની અને દીકરીની સલામતી માટે તેની માતાએ ફરી લગ્ન ર્ક્યાં. પણ એ પગલું તેના માટે ઊલમાંથી ચૂલમાં પડવા જેવું સાબિત થયું. બીજા લગ્ન પછી ટૂંક સમયમાં તે ફરી ગર્ભવતી બની. એકને બદલે બે દીકરી સંભાળવાની જવાબદારી તેના પર આવી પડી.


માતા સાથે સાવકા બાપના ઘરમાં આવેલી પેલી છોકરીનું બાળપણ સતત દહેશત સાથે પસાર થયુ. ક્ર્રૂર સ્વભાવના સાવકા પિતાને કારણે તે છોકરીના ઘરમાં હંમેશાં તનાવભર્યું વાતાવરણ રહેતું હતું. અધૂરામાં પૂરું, તે છોકરી પાંચ વર્ષની હતી ત્યારે એક પાડોશીએ તેના પર બળાત્કાર ર્ક્યો.


તે છોકરીનું બાળપણ અને કિશોરાવસ્થા માનસિક-શારીરિક સંતાપ અને જાતીય સતામણીમાં વીત્યા. તે પંદર વર્ષની ઉંમરે શારીરિક-જાતીય સતામણીથી થાકીને ઘર-સ્કૂલ છોડીને, ભાગીને એક હોટલમાં વેઇટ્રેસ તરીકે કામે વળગી ગઈ. તેની પ્રેમની ભૂખ અને તેનામાં ઘર કરી ગયેલી લઘુતાગ્રંથિને કારણે કોઇ પુરુષ સહેજ પણ લાગણી બતાવે તો તે પ્રેમ અને હૂંફ મેળવવા માટે તેની ખૂબ જ નજીક જતી રહેતી હતી, પણ તેને મળતા પુરુષોને માત્ર તેના શરીરમાં જ રસ હતો. આને કારણે તે છોકરીએ સોળ વર્ષની ઉંમરે એક દીકરીને જન્મ આપ્યો. તે પોતે પોતાની જાતને પણ સંભાળવા સક્ષમ નહોતી એમાં નાની ઉંમરે માતૃત્વને કારણે તેની હાલત ઓર ખરાબ થઈ ગઈ. સદ્નસીબે એક દંપતીએ તેની પુત્રીને દત્તક લઈ લીધી.


આ દરમિયાન તે ટીનેજર છોકરીના સાવકા બાપના તેની માતા પરના જુલમ હદ બહાર વધી ગયા હતા. એ વિશે જાણીને તે છોકરી ઉશ્કેરાઈને ઘરે ગઇ. તેણે તેની માતાને કહ્યુ કે આ જ ક્ષણે ઘર છોડીને મારી સાથે ચાલ. તે છોકરીની સાવકી બહેન તેના પિતા સાથે જ રહી કારણ કે તે તેના સગા પિતા હતા. ટીનેજર છોકરીએ થોડા મહિનાઓમાં તેની માતાને એક નોકરી શોધી આપી. નાનું ઘર ગોઠવી આપ્યું. અને પછી તે તેની એક યુવાન બહેનપણી સાથે શિકાગો જતી રહી.


શિકાગોમાં કેટલીક જગ્યાએ નોકરી કર્યા પછી તે છોકરી વીસ વર્ષની ઉંમરે મોડેલ બની ગઇ. જોકે મોડેલ બન્યા પછી પણ તેના મનમાંથી ભૂતકાળની કડવી યાદો ભુંસાઈ નહીં. એકાદ દાયકા સુધી ફેશન ઇન્ડસ્ટ્રીમાં મોડેલિંગ કર્યા પછી ૧૯૫૫મા તે શ્રીમંત અને વગદાર બિઝનેસમેન એન્ડ્રુ હૅને પરણી ગઈ. તેની સાથે તે દુનિયાભરમાં ફરી. ઘણાં રોયલ ફેમિલી સાથે અને વ્હાઇટ હાઉસમાં ડિનર લેવાની પણ તેને તક મળી. તે સુખી જીવન ગાળી રહી હતી. પણ ૧૪ વર્ષનાં લગ્નજીવન પછી તેનો શ્રીમંત પતિ કોઈ બીજી યુવતીના પ્રેમમાં પડ્યો. તેના પતિએ તે યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તે છોકરીને લાગ્યું કે તે આસમાનમાંથી જમીન પર પટકાઈ છે. તે હતાશામાં સરી પડી.


આગળની વાત તે છોકરીના જ શબ્દોમાં જાણવા જેવી છે:

'મારા પતિએ મને તરછોડી દીધી એના કારણે હું સાવ પડી ભાંગી હતી. હુ જીવનથી નાસીપાસ થઇ ગઈ હતી, પણ જેમતેમ સમય વીતતો ગયો. હું જીવતી ગઇ - જીવતી રહી ગઈ. જીવનના એ વિકટ તબક્કા દરમિયાન હું એક વાર ન્યૂ યોર્કના ચર્ચ ઓફ રિલિજિયસ સાયન્સની મીટિંગમાં ગઇ. ત્યાં મેં પાદરીનું પ્રવચન સાંભળ્યું. ત્યા મને મળેલો સંદેશ મારે માટે કંઇક નવો હતો. હું રવિવાર સિવાયના દિવસોમાં પણ ચર્ચમાં જવા લાગી. એ ચર્ચ જ મારું ઘર બની ગયું. ત્રણ વર્ષ પછી હું અધ્યાત્મ તરફ વળી ગઈ અને ચર્ચમા પ્રવચનો પણ આપવા માંડી.


ફરી એક વાર મારું જીવન થાળે પડી રહ્યું હતું. મારે જીવન પ્રત્યેની ફરિયાદો ઘટવા લાગી હતી, પણ એ દિવસોમાં મારી તબિયત બગડી અને એવું નિદાન થયું કે મને કેન્સરનો જીવલેણ રોગ લાગુ પડી ગયો છે. અને મને થયેલું કેન્સર અત્યંત ગંભીર તબક્કામાં હતું! પાંચ જ વર્ષની વયે મારા પર બળાત્કાર થયો હતો. પછી કેટલાંય વર્ષો સુધી મેં માનસિક-શારીરિક સતામણીનો સામનો ર્ક્યો હતો. જીવનમાં બીજા ઘણા આઘાત પણ મેં સહન કરી લીધા હતા, પણ કેન્સરનું નામ સાંભળતા જ હું હતાશાની ગર્તામા ધકેલાઈ ગઈ!


જો કે થોડા સમય પછી મેં વાસ્તવિકતા સ્વીકારવા માંડી. ચર્ચની પ્રવૃત્તિઓ દરમિયાન હું માણસના મનની શક્તિ અને તેની શરીર પર પડતી અસરો વિશે અભ્યાસ કરતી હતી, સભાન બનતી જતી હતી. મેં ચર્ચની પ્રવૃત્તિ દરમિયાન ઘણાય શારીરિક રોગીઓની પીડા અને મન વચ્ચેનાં સંબંધો પણ તપાસ્યા હતા. મેન્ટલ હીલિંગ વિશે ઘણી જ સમજ કેળવવા પ્રયત્નો ર્ક્યા.


અહીં જ આ તબક્કે હવે મારે મારી જાતની કસોટી થવાની હતી તેની મને ખાતરી થઈ ગઈ હતી! મને સમજાવા લાગ્યું હતું કે કેન્સર થાય છે કોઇક પ્રકારના ઊંડેઊંડે ઘર કરી ગયેલા કોઇ છૂપા રોષના ભાવથી. સૌ કોઇએ મારો ઉપયોગ જ કર્યાં છે એવી ભાવનાથી હું સમાજ પ્રત્યે નફરતની લાગણી અનુભવતી રહેતી હતી. બધા જ માણસો મને મારા દુશ્મનો જ લાગતા હતા. 'મારી આસપાસના જે લોકોએ મને અન્યાય કર્યો છે તે સૌને હુ કદીય માફ નહીં કરું' એવા વિચારો મારા મનમાં ઘુમરાતા રહેતા હતા.


ચર્ચની લાયસન્સ્ડ પ્રેક્ટિશનર તરીકે હું લોકોનુ કાઉન્સેલિંગ કરતી હતી અને તેમને સમજાવતી હતી કે તમારા મનની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરતી હોય છે. મે એ જ વાત મનમાં ઘૂંટવા માંડી અને મારા જીવનમાં જાણે ચમત્કાર થયો.'


આગળની વાત ઘણી લાંબી છે. પણ જેના જીવનની આ ઝલક છે એ સ્ત્રી એટલે કે લૂઈ હૅ તેના પુસ્તકો અને પ્રવચનો થકી અબજપતિ બની. જો કે આર્થિક સફળતા કરતા પણ તેના જીવનના ઉતાર-ચડાવની વાત વધુ અગત્યની છે.


જીવવા માટે જેની પાસે એક પણ કારણ નહોતું અને પોતે જીવવા ઇચ્છે તો પણ કદાચ જીવી શકે એમ નહોતી એવા ગંભીર કેન્સરના તબક્કામાંથી લૂઈ હૅ બહાર આવી. એ પછી તેણે એક પુસ્તક લખવાનું શરૂ કર્યુ. 1978માં તેણે પ્રથમ પુસ્તક લખ્યું: 'હીલ યોર બૉડી'. એ પુસ્તક સફળ થયું.


 એ પછી ૧૯૮૪માં તેનું પુસ્તક 'યુ કેન હીલ યોર લાઈફ' પ્રકાશિત થયું અને તરત જ એ પુસ્તક જગવિખ્યાત અખબાર 'ન્યુ યોર્ક ટાઈમ્સ'ના બેસ્ટ સેલર લિસ્ટમાં આવી ગયું. સતત તેર સપ્તાહ સુધી તે પુસ્તક 'ન્યુ યોર્ક ટાઈમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં ટોચ પર રહ્યું હતું.


લૂઈ હૅએ એ પુસ્તકમાં એવી વાત કરી છે કે તમારા મનને કારણે જ તમારા શરીરમાં રોગ પ્રવેશી જતા હોય છે. તમારા રોગોનો સંબંધ ક્યાંક તો તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે હોય જ છે. અને તમારા મન થકી જ તમે તમારી શારીરિક પીડાઓમાંથી બહાર આવી શકો છો.


લૂઈ હૅનું જીવન એટલું ઘટનાસભર છે કે તેના વિશે એક લેખમાં બધી વાત કરવી એ ગાગરમાં સાગર સમાવવા જેટલું કઠિન કામ છે. એટલે ફાસ્ટ ફોરવર્ડ કરીને કહુ તો લૂઈ હૅનું એ પુસ્તક વિશ્વની ૨૫ ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે અને તેની સેંકડો આવૃત્તિઓ થઈ ચૂકી છે.


લૂઈના અત્યાર સુધીમાં ૨૬ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ગુજરાતી પુસ્તકોની હજાર-પંદરસો પ્રત પણ વેચાઈ જાય તો લેખકો અને પ્રકાશકો ખુશ થઈ જતા હોય છે. લૂઈના માત્ર એક પુસ્તક 'યુ કૅન હીલ યોર લાઈફ'ની પુસ્તકની પાંચ કરોડથી વધુ પ્રતો વેચાઈ ચૂકી છે!


ત્રણ દાયકા અગાઉ સાઈઠ વર્ષની, મોટા ભાગના લોકો માટે નિવૃત્ત થવાની ઉંમરે, લૂઈ હૅએ સેલ્ફ હેલ્પ મુવમેન્ટ શરૂ કરી, અમેરિકામાં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી. એ પ્રકાશન સંસ્થાની ઓફિસીસ બીજા દેશોમાં પણ શરૂ કરી.


કેન્સર થયા પછી લૂઈ ગુમનામીની ગર્તામાં ધકેલાઈને પચાસ વર્ષની ઉંમરે મૃત્યુ પામી હોત એને બદલે તેણે પોતાની જાતને સંભાળી લીધી. અત્યારે જગતના કરોડો લોકો તેને ઓળખે છે. લૂઈની ખ્યાતિ એટલી ફેલાઈ કે વિશ્વપ્રસિદ્ધ ટીવી પર્સનાલિટી ઓપ્રાહ વિન્ફ્રેએ તેને પોતાના 'ઓપ્રાહ વિન્ફ્રે શો'મા આમંત્રિત કરી હતી.


બાય ધ વે, લૂઈ હૅનું મ્રુત્યુ 30 ઓગસ્ટ, 2017ના દિવસે થયું એના એક વર્ષ અગાઉ ૯૦ વર્ષની ઉંમરે તેણેપુસ્તક લખ્યું હતું, જેનુ નામ છે: 'લાઈફ લવ્સ યુ'!


ઘણી વાર અત્યંત કપરા સંજોગોમાં અટવાઈ પડીએ એ વખતે આપણને એવું લાગે કે જીવનના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે, પણ એવા સંજોગોમાં જુદી રીતે વિચારવાથી જિંદગીની નવી શરૂઆત થઈ શકતી હોય છે એ વાતનો પુરાવો લૂઈ હૅએ આપ્યો છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtHQrVp%3Dy%3DT725Wp5oMzcd%2BJbXAYpvq55GaiFDi0gw8cw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment