Tuesday, 5 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રોજ સૂર્યોદય થાય છે અને એક નવોનક્કોર દિવસ ભેટમાં મળે છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રોજ સૂર્યોદય થાય છે અને એક નવોનક્કોર દિવસ ભેટમાં મળે છે!
ગુણવંત શાહ

 

 

 

મહાભારત જેવા મહાકાવ્યમાંથી ઈર્ષ્યા, દ્વેષ અને મોહની બાદબાકી કરો, તો આખું ને આખું મહાકાવ્ય કકડભૂસ થતું જણાશે. માનવ-ઇતિહાસ એટલે શું? હજારો સદીઓથી માનવી યુદ્ધ, હિંસા, ગરીબી, શોષણ, ભૂખમરો અને હરિફાઈથી પીડાની પજવણી પામતો રહ્યો છે. ગરીબ મનુષ્યને કેવળ ધનનો અભાવ નથી પજવતો, પણ ગરિમાનો અભાવ પજવતો રહે છે. યહૂદી પરંપરામાં એક માન્યતા વર્ષોથી ચાલી આવે છે. પરમેશ્વરે જ્યારે માનવીનું સર્જન કર્યું ત્યારે પ્રથમ મનુષ્યને જે શબ્દો કહ્યા તે આ પ્રમાણે હતા:


મેં જે કાંઈ સર્જન કર્યું,
તે તારા માટે કર્યું છે.
એટલે તું કાળજી રાખજે
અને મારા સર્જનનો
નાશ કરીશ નહીં,
કારણ કે
જો તું એમ કરીશ તો
આ સૃષ્ટિનું સમારકામ કરવાવાળું
કોઈ જ નહીં હોય.


પ્રશ્ન એક જ છે. આપણી સૃષ્ટિનું સમારકામ પ્રેમ, કરુણા અને અહિંસા વિના થઈ શકે ખરું? થોડીક નવી રીતે વિચારીએ, તો તરત સમજાય કે અહિંસા, પ્રેમ અને કરુણાને ધાર્મિક સદ્્વૃત્તિ ગણવાને બદલે આપણા સૌના કલ્યાણની વ્યૂહરચના ગણવામાં શાણપણ રહેલું છે. 'ઇતિહાસ'ની વ્યાખ્યા શી? મેક્સમૂલરે વ્યાખ્યા આપતાં કહ્યું છે, 'ઇતિહાસ એટલે માનવીના મનની આત્મકથા.'

    પ્રેમ, કરુણા અને અહિંસા વિના નહીં ચાલે. થોડીક નવી રીતે વિચારીએ, તો તરત સમજાય કે અહિંસા, પ્રેમ અને કરુણાને ધાર્મિક સદ્્વૃત્તિ ગણવાને બદલે આપણા કલ્યાણની વ્યૂહરચના ગણવામાં શાણપણ રહેલું છે

જો માનવીને એટલું સમજાઈ જાય કે અહિંસા પાળવામાં, કરુણામય જીવનશૈલીમાં અને પ્રેમ ઢોળવામાં જ આપણો 'સ્વાર્થ' રહેલો છે, તો એને ઉપદેશ આપવો ન પડે. શું કોઈ માણસને મિષ્ટાન્ન ખાવાનો ઉપદેશ આપવો પડે છે? શું કોઈને સેક્સ દ્વારા પ્રાપ્ત થતા સુખને પ્રાપ્ત કરવા માટે ઉપદેશ આપવો પડે છે? શું ઉનાળાની બળતી બપોરે ઠંડું અને મધુર શરબત પીવા માટે ઉપદેશ આપવો પડે છે? બસ, આ જ રીતે અહિંસા સુખમય છે, કરુણા મધુમય છે અને પ્રેમ જીવન અમૃતમય છે, એવું સમજાય પછી ઉપદેશની જરૂર નહીં પડે.


શાંતિ કોને નથી ગમતી? ઘોંઘાટ અને મારામારી કોને ગમે છે? કોમી હુલ્લડ થાય ત્યારે શાંતિ ખોરવાય છે અને રઘવાટ સાથે બિનસલામતી ફેલાય છે. આવું બને ત્યારે કયો માણસ સુખ પામે છે? તો પછી હુલ્લડો ન થાય તે માટે ગાંધીજીને શા માટે યાદ કરવામાં આવે છે? શું ગાંધીજીએ કદી સ્વાર્થની જાળવણી માટે ઉપદેશ આપ્યો હતો? ખરી વાત એ છે કે ઈસુ, બુદ્ધ, મહાવીર, મોહંમદ અને ગાંધીએ આપણને શાંતિમય, કરુણામય અને પ્રેમમય જીવનશૈલીનો મહિમા સમજાવીને આપણને ખરા 'સ્વાર્થ'ની સમજણ આપી હતી. માનવી પોતાનો સ્વાર્થ પણ ન સમજે અને પોતાના પગ પર કુહાડો મારે, તો આ બધા જ મહામાનવો લાચાર! સૃષ્ટિનું 'સમારકામ' ન થાય તેમાં કોનું હિત જોખમાય છે?

હિંસા થાય કે કત્લેઆમ થાય ત્યારે આખરે કોનું હિત જોખમાય છે? પોતાના હિતની પણ પરવા ન કરે, તો માણસને સર્વનાશથી કોણ બચાવી શકે? પર્વતની ઊંડી ખીણ કે ભેખડની ધાર પર તલવારબાજી કરનારા બે મહામૂર્ખોમાંથી કોઈ એક ગમે ત્યારે ખીણમાં પડીને મરી શકે છે. એ બે જણાને પોતાની સલામતી ખાતર તલવારબાજીને રોકવાની સલાહ આપે ત્યારે પ્રશ્ન પૂછવો પડે: ભેખડની ધાર પર તલવારબાજી કરનારા બે જણા સ્વાર્થી ગણાય કે નિ:સ્વાર્થી? જો તેઓ સ્વાર્થી હોય, તો એમને સ્વાર્થી બનવા માટે ઉપદેશની શી જરૂર? એમ બને કે કદાચ આ બધા મહામાનવોને દુનિયાના બધા જ મહામૂર્ખો સાવ 'નિ:સ્વાર્થ' લાગતા હશે. જે માણસ પોતાનો સ્વાર્થ પણ ન સમજે તેને શો ઉપદેશ આપવો? જાણીજોઈને જે માનવસમૂહ બિનસલામતીને વહાલી ગણે તે મહામૂર્ખ જ ગણાવો જોઈએ. દુનિયામાં મૂર્ખ લોકો ભારે બહુમતીમાં છે, તેથી જ ધર્મની જરૂર પડી એમ માનવું પડે!


એક ખાનગી વાત કરું? જે માણસ અત્યંત સાચકલો અને પ્રામાણિક હોય, તે માણસ દેખાવડો ન હોય, તોય મને દેખાવડો લાગવા માંડે, એનું કારણ શું? વળી જે માણસ દેખાવડો હોય, પરંતુ જૂઠો અને બેઈમાન હોય, તે માણસ મને કદરૂપાે લાગવા માંડે તેનું કારણ શું? જીવનનાં 80 વર્ષ વીતી ગયાં પછી માંડ સમજાય છે કે માણસના રૂપમાં એની ભીતર પડેલી ઈમાનદારી થોડોક વધારો કરે છે. બહારથી દેખાવડા હોવું એ ઉપરવાળાની બક્ષિસ છે, પરંતુ ઈમાનદાર હોવું એ તો ઉપરવાળા સાથે કરેલી દાદાગીરી છે. આવી દિવ્ય દાદાગીરી એ જ ખરું અધ્યાત્મ. આવા ખરા અધ્યાત્મને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, દેરાસર અને પેગોડાની જરૂર નથી. એવા માણસની ઇબાદતને કોઈ ઇમારતની જરૂર નથી. કોણ માનશે? સુંદર સ્ત્રીનો વટ પડે છે, પરંતુ ઈમાનદાર સ્ત્રીનો પ્રભાવ પડે છે. થોડાક દિવસ પર સુરતમાં એક નિશાળના નિષ્ઠાવાન પટાવાળાનું સન્માન થયું અને ભવ્ય વિદાય સમારંભ યોજાયો. આવો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો તેનું કારણ નિશાળના આચાર્ય વિજયભાઈ પટેલનું ફળદ્રુપ ભેજું હતું.


પ્રામાણિક માણસને શત્રુવૈભવ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. શત્રુ પેદા જ ન થાય એ રીતે જીવવામાં મનુષ્યનું તેજ ખતમ થતું રહે છે. ઝઘડાળું સ્ત્રી થોડીક દેખાવડી હોય તોય અસુંદર કેમ લાગે છે? એક જવાબ જડે છે. બહારની સુંદરતા પર અંદરની અસુંદરતાની નકારાત્મક અસર પડે છે. પ્રામાણિક કામવાળી દેખાવડી ઓછી હોય તોય બહારથી દેખાવડી ગૃહિણીને હરાવી દેશે. મારી વાત ખોટી જણાય, તો કોઈ કજિયાબેગમના દયનીય પતિને પૂછી જોજો. અંદરની સુંદરતાનાં ત્રણ મહત્ત્વનાં લક્ષણો છે:

પ્રેમ, અહિંસા અને ઈમાનદારી. છેલ્લાં બસો વર્ષનો Data તપાસી જુઓ! કેટલા જૈનોને ફાંસીની સજા થઈ? જે સમાજમાં અહિંસાના મહિમાનું પર્યાવરણ હોય, તે સમાજનો માણસ કોઈની હત્યા કરી શકે? કોઈની હત્યા કરવા માટે તો માણસે કેટલા 'નિ:સ્વાર્થી' બનવું પડે? કોઈનું ખૂન કરનાર માણસ કદી 'સ્વાર્થી' હોઈ શકે? જો માણસને ખરા સ્વાર્થની ભાળ મળી જાય, તો એણે ગીતા વાંચવી પડે ખરી? એક ભક્ત લોકોને વારંવાર કહેતો રહ્યો, 'તમારે ચર્ચમાં જવાની જરૂર નથી, તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે ચર્ચ લેતા જાઓ.' જો માનવજાતને ખરેખરા ધર્મનો પત્તો લાગી જાય તો ઓસામા બિન લાદેન, સદ્દામ હુસેન અને કર્નલ ગદ્દાફી જેવા સેતાનો સાવ સ્વાર્થવિહીન મૂર્ખો જેવા જણાશે. એમને કોણ સ્વાર્થી કહેશે?


જે ઘરમાં સંતાનોને કોઈને માટે ઘસાઈ છૂટવાના સંસ્કાર મળે છે, તે ઘરમાં ઘડપણની અનેરી શોભા પ્રગટ થાય છે. એ સંતાનો લેવડદેવડને સ્વચ્છ રાખવામાં ગૌરવ અનુભવે છે. જેની લેવડદેવડ ગંદી, તેના ઘરમાં પૂજા માટે સળગતી ધૂપસળી પણ સુગંધ પ્રસરાવી ન શકે. ચોખ્ખી લેવડદેવડમાં માનનારા દુકાનદાર માટે તો પોતાની દુકાન એ જ દેરાસર! ધર્મનું ઇમારતીકરણ બહુ થયું, હવે ધર્મનું માનવીકરણ થવું જોઈએ. ઘડપણની અનેરી શોભા કદી પણ બેઈમાન માણસના ઘરમાં પ્રગટ ન થાય. ઘડપણમાં જીવનની દિનચર્યાનો રોજમેળ અને જીવનમેળ પ્રગટ થતો હોય છે, જ્યારે મનુષ્યને લાગવા માંડે છે કે જીવનભર સેવેલી ઈમાનદારી આખરે વસૂલ થઈ ગઈ! રોજ સૂર્યોદય થાય છે અને નવોનક્કોર દિવસ આપણને ભેટરૂપે મળે છે!

પાઘડીનો વળ છેડે ે
દેખ્યાનો દેશ ભલે
લઈ લીધો નાથ,
પણ કલરવની દુનિયા અમારી,
વાટે ચાલ્યાની મોજ છીનવી લીધી,
તોય પગરવની દુનિયા અમારી!
ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtCFSs3U%2BMbMpRu4oiyOgkbGMUxQfBab1_-Wt-UGqPybg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment