Tuesday, 5 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કહેવાતા સિદ્ધાંતો અને શાસ્ત્રોની દીવાલો જલદીથી તૂટતી નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કહેવાતા સિદ્ધાંતો અને શાસ્ત્રોની દીવાલો જલદીથી તૂટતી નથી!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

 

 

 


માણસ પોતાની શક્તિ અને ગજા પ્રમાણે દીવાલો ઊભી કરી રહ્યો છે. માટીની દીવાલો એટલી ખતરનાક નથી, તે સહેલાઈથી પડી શકે છે, પરંતુ સિદ્ધાંતોની, શાસ્ત્રોની, માન-અભિમાન, અહંકાર અને પૂર્વગ્રહની દીવાલો જલદીથી તૂટતી નથી. આ દીવાલો હેઠળ જીવન સીમિત થઈ રહ્યું છે.

એક વિજેતા રાજાએ પોતાની સુરક્ષા માટે સુંદર વિશાળ મહેલ બનાવ્યો હતો. આ મહેલમાં તેણે માત્ર એક દરવાજો રાખ્યો હતો. બારી-બારણાઓ પણ નહીં જેથી દુશ્મન અંદર આવી શકે નહીં અને એક મુખ્ય દરવાજો હતો ત્યાં ખુલ્લી તલવારો સાથે સૈનિકોનો પહેરો ગોઠવી દીધો હતો. મહેલની રચના એવી બનાવવામાં આવી હતી કે એક ચકલું પણ અંદર ફરકી શકે નહીં.

મિત્ર રાજાઓને મહેલ જોવા માટે બોલાવવામાં આવ્યા હતા. મહેલ જોઈને બધા ખુશ હતા. એક મિત્ર રાજા ખૂબ પ્રભાવિત થઈ ગયા. તેણે કહ્યું હું આ મહેલ જોઈને બહુ પ્રસન્ન છું. આ મહેલ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અંદર ગયા પછી કોઈ જાતનો ખતરો નથી. કોઈ પણ રાજા આવી સુરક્ષાની ઢાલ જેવો મહેલ બનાવી શક્યો નથી.

મિત્રની વાત સાંભળીને મહેલ બનાવનાર રાજાની છાતી ગજગજ ફૂલવા લાગી. નગરમાં આવેલા એક સૂફી સંતને પણ પગલાં માટે બોલાવવામાં આવ્યા હતા.

આ બન્ને મિત્ર રાજાઓની વાત સાંભળીને આ સૂફી સંત હસી પડ્યા. મહેલના માલિક રાજાએ પૂછ્યું, આપ કેમ હસો છો? આપને આ મહેલ કેવો લાગ્યો?

સંતે કહ્યું, એકદમ સાચું કહી દઉં. આ મહેલમાં એક કસર રહી ગઈ છે. આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. સૌને આશ્ર્ચર્ય થયું.

રાજાએ કહ્યું: મહારાજ, બોલો શી ભૂલ રહી ગઈ છે.

સંતે કહ્યું: બીજુ બધું તો ઠીક છે, પરંતુ તમે આ એક દરવાજો રહેવા દીધો છે એ ઠીક કર્યું નથી. આ દરવાજા મારફત દુશ્મન અંદર આવી શકે છે. આપ અંદર ચાલ્યા જાવ અને આ દરવાજો પણ ચણાવીને બંધ કરી દો. પછી આપ બિલકુલ સુરક્ષિત બની જશો.

રાજાએ કહ્યું: ગુરુદેવ, આ દરવાજો ચણાવીને હું અંદર ચાલ્યો જાઉં તો આ મહેલ કબર બની જાય.

સંતે કહ્યું: રાજન, આ મહેલ કબર તો બની ગઈ છે માત્ર એક દરવાજો બાકી રહ્યો છે. આટલી ઊણપ રહી છે તે પૂરી કરી નાખો. પછી દુશ્મન તો શું મોત પણ અંદર નહીં આવી શકે.

રાજાએ કહ્યું; આ દરવાજો ચણાવી લઉં તો મોત આવ્યા પહેલાં હું મરી જઈશ. સંતે કહ્યું; રાજન, હવે આપ બરાબર સમજ્યા. મહેલમાં જેટલા દરવાજા હતા તેટલું જીવન હતું, જેટલા દરવાજા ઓછા થઈ ગયા એટલું જીવન ઓછું થઈ ગયું. હવે એક દરવાજો બચ્યો છે એટલું જીવન બચ્યું છે તે પણ બંધ કરી નાખો એટલે સંપૂર્ણ સલામતી.

સંતે કહ્યું; સંન્યાસ ધારણ કર્યા પહેલાં હું પણ રાજવી હતો. મારી પાસે મહેલ હતો અને મેં અનુભવ્યું કે મહેલ એ એક જેલ છે એટલે ધીરે ધીરે હું મહેલના દરવાજા મોટા કરતો રહ્યો અને દીવાલોને દૂર કરતો રહ્યો. પછી મને વિચાર આવ્યો કે ગમે તેટલા દરવાજા મોટા કરીશ કે નાના કરીશ, પરંતુ દીવાલો તો રહી જવાની છે એટલે મેં દીવાલોમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું. હવે હું ખુલ્લા આકાશમાં છું અને સંપૂર્ણ રીતે જીવિત છું. ઓશોએ ટાંકેલી આ કથા સૌને માટે પ્રેરક છે.

જીવનમાં આપણે પણ શું કરી રહ્યા છીએ? દરેક માણસ પોતાની શક્તિ અને ગજા પ્રમાણે દીવાલો બનાવી રહ્યો છે. પથ્થર અને માટીની દીવાલો એટલી ખતરનાક નથી. તે આસાનીથી પડી શકે છે, પરંતુ આપણે જે સિદ્ધાંતોની, શાસ્ત્રોની, માન-અભિમાનની, ઈર્ષા અને અહંકારની, ઘૃણા અને પૂર્વગ્રહની જે દીવાલો ઊભી કરી રહ્યા છીએ તે જલદીથી તૂટતી નથી, કારણ કે આ દીવાલો દેખાતી નથી. આપણે ચારે બાજુ આ પ્રકારની દીવાલો ઊભી કરી દીધી છે એટલે જીવન મુરઝાઈ ગયું છે અને માણસ સત્યના ખુલ્લા આકાશથી દૂર થઈ ગયો છે.

દરેક માણસ પોતાની જાતને સ્વતંત્ર માને છે, પરંતુ આ જગતમાં કોઈ સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી. જીવન એક બીજા પર આધારિત છે. સ્વતંત્રતાની સીમા અને મર્યાદા છે. માણસ મનથી જ્યારે સ્વતંત્ર બને ત્યારે તે મુક્તિનો અહેસાસ અનુભવી શકે છે. જન્મથી મૃત્યુ સુધી માણસ એક યા બીજી રીતે કેદમાં પુરાતો રહ્યો છે. સીમિત થતો રહ્યો છે. જીવન જ્યારે સીમિત અને સંકુચિત બની જાય છે ત્યારે તે કેદ જેવું બની જાય છે.

ઉદાર અભિગમ દ્વારા જ આ બધી દીવાલો તૂટી શકે. માત્ર પોતાના માટે જીવવું અને પોતાના સ્વાર્થ માટે જ કાંઈક કરતા રહેવું એ જીવન નથી. આ પ્રકારનું જીવન જીવતો માણસ છેવટે કોચલામાં પુરાતો જાય છે અને જીવનનો રસ ગુમાવતો જાય છે. બીજાને માટે કાંઈક કરવાનો, બીજાને સુખ આપવાનો આનંદ અનોખો છે. કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતની અપેક્ષા અને બદલાની ભાવના વગર જે લોકો પોતાની ફરજ અને કર્તવ્ય બજાવે છે તેમના જીવનની પળો સોનાકણો જેવી હોય છે. ભલાઈના કોઈ પણ વહેવારને ત્રાજવેથી તોળાય નહીં અને તેનો હિસાબ રખાય નહીં, તેમાં તો છૂટી જવાનું હોય છે. આપીને ભૂલી જવાનું હોય છે.

ધન, શક્તિ અને સત્તા મેળવવી સહેલી છે, પરંતુ તેનો સદ્ઉપયોગ કરવાનું મુશ્કેલ છે. ધનની ત્રણ ગતિ છે. દાન, ભોગ અને નાશ. જે ધન આપતો નથી, ભોગવતો નથી તેના ધનનો છેવટે નાશ થાય છે. ધનનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ દાન છે. પરહિતકાજે વપરાયેલું ધન અનેકગણું થઈને પાછું આવે છે. તેમાંથી મળતું સુખ અપાર છે. એ પરિગ્રહના પાપનું પ્રાયશ્ર્ચિત છે. દાન કરવામાં માત્ર પ્રસિદ્ધિની જ ભાવના હોય, તે માટેનો અહંકાર હોય તો એ દાનનો કોઈ અર્થ સરતો નથી.

દરેક માણસ સુખ ઈચ્છે છે અને દુ:ખને ટાળવા મથે છે. સાચું સુખ શેમાંથી મળે તેની ખબર નથી. સુખ ઝાંઝવાના જળ જેવું છે. શોધવા જાવ તો ભટકો, મળશે નહીં અને તેની પાછળ દોડવાનું બંધ કરી દઈએ અને જે પ્રાપ્ત થાય તેમાં આનંદ અનુભવીએ તો સમજો સુખી થઈ ગયા. ધનની પ્રાપ્તિ, નામની ખ્યાતિ આ બધા સુખનાં કાલ્પનિક રૂપો છે. આપણાથી કોઈનું દિલ ઠરે અને તેમાંથી આનંદની જે અનુભૂતિ થાય છે તે સુખની પરાકાષ્ટા છે. સુખની કોઈ વ્યાખ્યા નથી, કોઈ સીમા નથી, મર્યાદા નથી. ઈચ્છા અને અપેક્ષા રાખીએ તો સુખ દૂર ઠેલાતું જાય. ઈચ્છાઓ કદી પૂર્ણ થતી નથી. ઈચ્છા અને તૃષ્ણાઓનો કોઈ અંત નથી. ગમે તેટલું મળશે તો પણ સંતોષ થવાનો નથી. માણસ મનથી સમૃદ્ધ હોય તો સુખનો સાગર છે.

ન્યાય સંપન્ન ધન-વૈભવ, કુશળ સંસ્કારી પત્ની, આજ્ઞાંકિત સંતાનો અને સારો સત્સંગ જેને હોય તે માણસ સુખી છે, સારા થવું અને સારું કરવું એ ઉત્તમ ધર્મ છે.

કરીએ સારું કોઈનું

એ જ ધર્મનું કર્મ

બીજા કલ્પિત ધર્મ છે

મનમાં સમજો મર્મ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsAVVfCpA-QhTq1K%3DnevMNV99evJGYJ1esWOJ45wwCBug%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment