પાટણ માથે ગુલાલરંગી સાંજ ઢળી ગઇ છે. દીવે વાટયું ચડયું કે ચડશે એવું ટાણું થાતું આવે છે. પાણી શેરડો સૂનો થવા માંડયો છે. સીમમાંથી રડયાખડયા ઢોરની ખરીઓના અવાજ ઊઠે છે. પંખીઓ માળામાં પહોંચી ગયાં છે. ઠાકર મંદિરની ઝાલર વાગવાનું વેળુ છે. એવે ટાણે બારોટવાડાની ડેલીએ મોઢ નામનો એક બુઢ્ઢા બારોટ બેઠો બેરખો ફેરવે છે. અખંડ જગદંબાના જાપ જપે છે. પોણોસો વરસનો પંથ કાપેલી કાયા હજુ કડે છે. આંખ્યુનાં તેજ અને મોઢાંની બત્રીસી અકબંધ છે. માથે આવેલાં પળીઆં એના બુઢાપાને છતું કરે છે. એક પડખે હમણાં જ પીધેલો હોકો પડયો છે. બીજે પડખે તલવાર પડી છે. બારોટની બેઠકેથી સાંજનો ડાયરો વિખાઇ ગયો છે, ને મોઢ બાપાએ હમણાં જ બેરખો હાથમાં લીધો છે. ત્યાં એને કાને સાદ પડયો: 'મોઢ બાપા ?' બારોટનો બેરખો થંભી ગયો, બારોટ નજરને નોંધી બોલ્યાઃ 'કોણ દીકરી ?' 'બાપા, ઇં તો હું ચંપા, હીરાચંદ્ર શેઠની દીકરી.' 'હીરાચંદ શેઠ ફોફળીઆવાડાવાળા !' 'હા બાપા.' 'કેમ અહુરી?' 'તમારું કામ પડયું છે, મને મારે સાસરે મૂકવા કોઇને મોકલો ને!' 'અટાણે તો દીકરી ડાયરો વિખાય ગયો છે. જુવાનડા વાળુ કરવા ઊઠયાં ને હું આ બેરખો લઇને બેઠો. અહુર ટાણાનું જાવાનું માંડી વાળ્ય. 'મારે ઘરેથી વાવડ આવ્યા કે મારી સાસુને સુવાણ નથી, ગયા વગર છુટકો નથી.' 'ઠીક ત્યારે હાલ્ય દીકરી, હું જ આવું. બીજા કોને બોલાવું ? બેરખો પછી ફેરવીશ.' બુઢ્ઢા બારોટે માથે પાઘડી ટેકવી, બગલમાં તલવાર દબાવી પગરખાં પહેર્યાં. તે દિ' પાટણ માથે અલાઉદ્ીનના સૂબાની આણ ફરતી હતી. એક વાડામાંથી બીજા વાડામાં રાત-વરત બહેન દીકરીથી નીકળાતું નો'તું. દિ' આથમ્યે સારા ઘરની જુવાન વહુ-દીકરીઓના પાલવ પણ ફરકતા નહીં. કપરા કાળમાં પણ પાટણની ભાંગતી જાહોજલાલીની જયોત ઝબૂકતી હતી. વાણીઆ - વેપારીની પેઢીઓ હતી. ખાનદાન ખોરડાં હતાં. દીકરા-દીકરીના વેવાર ગામમાં થતાં હતા. ચંપાનું સાસરું મદાલસા વાડામાં હતું અને મદાલસા વાડામાં જવું હોય તો તરપોળીએ (ત્રણ દરવાજા) થઇને જવાતું. ત્રણ દરવાજે રાત દિ'લુચ્ચા લફંગા માણસોની બેઠક રે'તી. આથી કોઇ આબરૂદાર ઘરની ઓરતની મજાલ નહોતી કે રક્ષણ વગર ત્રણ દરવાજાને વળોટી જઇ શકે. ક્ષિતિજમાં ડૂબી ગયેલા સૂર્યનાં છેલ્લા કિરણો અવની ઉપર ઉજાસ પાથરી રહ્યાં છે. વસંતનો વાયુ વાતાવરણમાં વિલસી રહ્યો છે. ચંપાને સાસુની માંદગી ગોળથીએ ગળી લાગી. એક વરસથી પિયરમાં વિરહના વસમા દિવસો કાઢતી ચંપાના વિજોગી દિલને કોકિલાના ટહુકાએ દઝાડી દીધું હતું. મોઢાગળ બુઢ્ઢો બારોટ પાછળ હીરાચંદ શેઠની ચંપા પગલાં માંડી રહી છે. એનાં ઝાંઝરના ઝણકાર પાટણની પગદંડી રણકી ઉઠી છે. સાગના સોટા જેવી હેમવરણી કાયા પર જોબનના ઘોડા થનગને છે. કાજળના દોરાથી અંજાયેલી આંખમાં નવોઢાના ભાવ ભમે છે. વાંભ એક લાંબા કેશે વળાએલા મોરલા જેવી ડોક પર પડેલા ઢળકતા અંબોડા પર બીજના ચંદ્ર જેવી વેણી શોભી રહી છે. ભૂખી સિંહણની કેડ જેવી કમ્મર પર કટીમેખલા ઝૂલી રહી છે. ગળામાં લટકતી માળાનાં મોતી આછા સાળુમાંથી પોતાનાં તેજ પાથરી રહ્યાં છે હાથમાં હેમનાં કડાં અને એક હાથે બાજુબંધ શરણાઇ જેવા ઘાટીલા હાથને શોભાવી રહ્યાં છે. કમળની દાંડી જેવી આંગળીમાં હીરાજડિત અંગૂઠીઓ ઝળકી રહી છે. કટાખ કોરેલી ચોરી અને અટલસના ચણીઆમાં યૌવનને ઢબુરીને ચંપા પિયુઘર પરહરવા ઉત્સુક ઉરે ડગ દઇ રહી છે. વરસનો વિજોગ તૂટવાનું વેળુ ચંપાને હાથવેંતમાં લાગે છે. મનમાં સાસુની માંદગીની ચિંતા અને પતિમિલનનું સ્મિત જાણે સામસામાં ટકરાતાં હોય એમ એના ગોરા મોં પર ક્યારેક વિનોદ લી પાતા જાય છે. તો માને કામ કરાવવાના લોભમાં મોડું કર્યાનો પસ્તાવો પંડયને દુઃખ દઇ રહ્યો છે. ફોફળીઆવાડની આખી આબરૂનું જોખમ લઇને બુઢ્ઢો બારોટ મોઢ બાપો જરાક ઉતાવળે પગલે હાલે છે ને બબ્બે ડગલે અટકીને ચંપાને ટપારે છે. 'દીકરી, જરા ઉતાવળી પગ ઉપાડજે.' અને પછી પગ ઉપાડીને બબડે છે. 'વળતાં તો મારે કાંઇ ઉતાવળ નથી. કામેય શું છે, બેઠાં બેઠાં બેરખો ફેરવવાનો છે ને.' અને ચંપા પેલા તરપોળીઆની કલ્પનાએ ભય અનુભવતી બધા જ ભાવ સંકેલી ડગ માંડે છે. જેવો મોઢ બાપો અને ચંપા ત્રણ દરવાજે પૂગ્યાં કે બે-ત્રણ ખોંખારના જણ સળવળ્યાં. બારોટ મોઢ બાપાએ તલવારને બગલમાં વધારે ભીસી, સહેજ પણ થડક્યા વગર સાવઝ જેમ લફક લફક પૃથ્વી ઉપર પંજા મૂકે એમ પગ ઉપાડયા. જેવા દરવાજા પાસે પૂગ્યા કે ત્રણ જુવાનડા આડા ઊભા રહી ગયા. મોઢ બાપાએ વેણ કાઢ્યાં: 'છોકરાંવ, મારગ આંતરસો મા.' એમાંથી એક બોલ્યો: 'ચાચા, તમને કોણ રોકે છે.' 'આમ કેની કોર્ય ?' 'મદાલસા વાડામાં.' 'તમતમારે જાવ.' ચંપા વાવાઝોડામાં કેળ કંપે એમ કંપી ઉઠી. પળવાર પહેલાંની માઢ મેડીએ પોઢવાની રંગીન કલ્પના ઉપર જાણે મેશ ઢળી ગઇ. ઉરના ઉમંગો અલોપ થઇ ગયા. બારોટ બાપા મોળા પડશે તો પોતાને જીભ કરડીને મરવાનું વેળું આવશે. આંખના પલકારામાં તો એના મનમાં લાખ લાખ વિચારોનો હારડો રચાઇ ગયો. બારોટે હાકલ દીધી: 'છોકરાવ, મારગ મોકળો કરો.' એના અવાજમાં કરડાકી હતી. આંખમાં આગ હતી. 'ચાચા, આ ઓરતને અમે મૂકી આવશું.''મોઢ બાપાએ જાણ્યું કે છોકરાની નજર ચંપા ઉપર પડી છે, જો મોડું કરીશ તો બે-પાંચ આવી પૂગશે ને ચંપા ઘેરાશે. બગલમાં દબાવેલી તલવાર તાણીને બુઢ્ઢા બારોટે ત્રાડ નાખીઃ 'આવો, મરદના દીકરા.' બુઢ્ઢાનો પડકાર ઝીલતા જુવાનો સાબદા થઇ ગયા. ચંપાના રૂપથી અંજાઇ ગયેલા જુવાનો જાનને જોખમમાં મૂકીને મેદાને પડયાં. ત્રણ દરવાજાના ચોકમાં જંગ જામ્યો. એક બાજુ બુઢ્ઢો બારોટ અને બીજી બાજુ જુવાનોનું જૂથ, સામસામાં ઘા ઝીંકવા માંડયા. બુઢ્ઢા બારોટ કાંડા ઉપર કડીઆળી લાકડીઓના ઘા ઝીલવા માંડયો. આ જંગ જોઇને ચતુર ચંપા પલકવારમાં અંધારામાં ઓગળી ગઇ. પોતાના પિયર પાછી વળી ગઇ. અંધારૂં ઘૂંટાઇ ગયું હતું. પાટણના ખોરડે ખોરડે દીવા ઝબૂકવા માંડયા હતા. અહીં બુઢ્ઢો બારોજ જંગે ચડયો હતો. લડતાં લડતા એણે પાછળ જોયું તો ચંપા ન મળે. બારોટને હૈયે ઘ્રાસકો પડયો. મારે ભરોસે આવેલી ચંપાને ઉપાડી ગયા. એક ભવમાં બે ભવ મારે ભરોસેને એની કાયામાં લોહી વેગથી વહેવા માંડયું. અને પાછા ફરતાં તો ધોળામાં ધૂળ પડે. મંડયા ઘા ઝીંકવા પણ મોતને મૂઠીમાં લઇને મેદાને પડયા હતા. બારોટની તલવારને ઘાએ વેતરાતા પાછા હઠવા માંડયા. હઠતા હઠતા વચલા દરવાજા સુધી પહોંચ્યા. મોઢ બાપાએ કંઇકના ઢીમ ઢાળી નાંખેલાં જોઇ બીજા માણસો જુવાનોની મદદે આવ્યા. લડતાં લડતાં મોઢ બાપાએ સોડ તાણી. આજે પણ પાટણના ત્રણ દરવાજામાંથી પસાર થતાં વરઘોડાવાળા શ્રીફળ વધેરી આ અમર શહાદતને અંજલિ આપી નવોઢા ઋણ ચુકવે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvaVvgPpOsUAy7AnjHyG-JB59m4U%2B-d1GFDXX0u9TtDYQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment