અસ્થમાનો અટૅક જેને કારણે આવે છે એ ટ્રિગર્સને સમજવા અને એનાથી બચવું પણ એટલું જ જરૂરી છે. વળી આ ટ્રિગર્સ ફક્ત બાહ્ય પરિબળો જેમ કે ધૂળ, પ્રદૂષણ કે ઍલર્જિક તત્વો જ નથી હોતાં; પરંતુ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ જેમ કે ટ્રૉમા, સ્ટ્રેસ, ડર, ઉદાસીનતા, એકલતા વગેરે પણ ટ્રિગર તરીકે વર્તે છે. આજે વર્લ્ડ અસ્થમા ડે નિમિત્તે જાણીએ અસ્થમાના મૅનેજમેન્ટ માટે જરૂરી બાબતો.
આજે વર્લ્ડ અસ્થમા ડે છે. સમગ્ર દુનિયામાં લગભગ ૧૦૦થી ૧૫૦ મિલ્યન લોકો અસ્થમાથી પીડાય છે અને આ આંકડો વધતો જ જાય છે. વળી દુનિયાભરમાં દર વર્ષે અસ્થમાથી થનારો મૃત્યુઆંક ઍવરેજ ૧,૮૦,૦૦૦ છે. ભારતની વાત કરીએ તો અહીં ૧૫-૨૦ મિલ્યન લોકો અસ્થમાથી પીડાય છે. એમાં પણ આપણે ત્યાં ખાસ પાંચથી અગિયાર વર્ષનાં ૧૦-૧૫ ટકા બાળકોમાં આ રોગ જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે. શ્વાસને પ્રાણવાયુ કહેવાય છે અને જો એને સંબંધિત કોઈ તકલીફ હોય તો નક્કી એ પ્રાણઘાતક બની જતી હોય છે. આજનો આ દિવસ મનાવવા પાછળનો મૂળ હેતુ એ છે કે લોકોમાં જાગૃતિ ફેલાય કે અસ્થમાને મૅનેજ કરી શકાય છે અને એને કન્ટ્રોલમાં રાખી શકાય છે. આજે આપણે અસ્થમાના મૅનેજમેન્ટ વિશે ખાસ સમજીશું.
ટ્રિગર્સ શોધો જે વ્યક્તિને અસ્થમા છે તે વ્યક્તિની ફેફસામાં હવા લઈ જનારી અને એમાંથી હવાને બહાર કાઢનારી શ્વાસનળીઓમાં સોજો આવે છે. આ સોજાને લીધે શ્વાસનો આ માર્ગ ખૂબ જ સંવેદનશીલ બની જાય છે અને એને કારણે અસ્થમાનાં ચિહ્નો જોવા મળે છે. શ્વાસમાં સિસોટી જેવો અવાજ, છાતી ભારે થવી, કફ, ટૂંકા શ્વાસ વગેરે જેવાં ચિહ્નો દરદીમાં જોવા મળે છે. આ ચિહ્નો હોય ત્યારે કહેવાય છે કે દરદીને અસ્થમાનો અટૅક આવ્યો છે. આવાં ચિહ્નો સાથે પહેલી વાર કોઈ દરદી ડૉક્ટર પાસે જાય તો તેની ટેસ્ટ થાય છે અને એ ટેસ્ટ દ્વારા તેનું યોગ્ય નિદાન થાય છે. આ નિદાનમાં દરદીને અસ્થમા છે એટલું સાબિત કરવું પૂરતું નથી. દરદીને કયાં કારણોથી આ રોગ થયો છે એ શોધવું પણ ખૂબ જ જરૂરી છે. એટલે કે અમુક ટ્રિગર્સ હોય છે, જેને કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એ ટ્રિગર્સને જાણી લેવાં ખૂબ જરૂરી છે. આ બાબતે બૉમ્બે હૉસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ અને ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી નેને કહે છે, 'અસ્થમાના મૅનેજમેન્ટમાં દવાઓનો ખૂબ મોટો ફાળો છે. પરંતુ એવું ન થઈ શકે કે દરદી ફક્ત દવા લઈ લે એટલે બસ. મહત્વનું એ છે કે દરદીને અસ્થમાનો પ્રૉબ્લેમ કયાં કારણોસર છે એ જાણવું અને એ કારણોથી બચવું. અસ્થમા મૅનેજમેન્ટમાં આ અત્યંત જરૂરી બાબત છે.'
માનસિક પરિસ્થિતિ અને શ્વાસ ટ્રિગર્સ તરીકે ધૂળ, ધુમાડો, હવાના અમુક કેમિકલ્સ, પાળતુ પ્રાણીઓ અને એમની આજુબાજુ સરજાતું વાતાવરણ, હવામાંનો વધતો ભેજ વગેરે દેખીતાં પરિબળો છે; જેને લીધે વ્યક્તિને અસ્થમાનો અટૅક આવી શકે છે. વ્યક્તિને આવા કયા પરિબળથી ઍલર્જી છે એ જાણવું જરૂરી છે અને એનાથી બચવું પણ. પરંતુ ફક્ત બાહ્ય પરિબળો જ વ્યક્તિના અસ્થમાના અટૅક પાછળ જવાબદાર હોતાં નથી. ઘણાં માનસિક કે આંતરિક પરિબળો પણ હોય છે જે આ માટે જવાબદાર બની શકે છે. વ્યક્તિની માનસિક પરિસ્થિતિ અને શ્વાસને ઘણો સીધો સંબંધ છે એ સમજાવતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અશોક મહાશુર કહે છે, 'માનસિક અવસ્થા પ્રમાણે શ્વાસ બદલાતો રહે છે. જ્યારે વ્યક્તિ એકદમ ખુશ હોય ત્યારે તેનો જે શ્વાસ હોય એ એકદમ શાંત હોય ત્યારે તેના શ્વાસ કરતાં ઘણો જુદો હોય છે. જ્યારે-જયારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, ડર લાગતો હોય, માનસિક રીતે વિચલિત થઈ ગયા હોઈએ ત્યારે નોંધવું કે આપણા શ્વાસમાં ફરક આવી ગયો છે એટલું જ નહીં; આ કન્ડિશન શ્વાસની નળીઓને સેન્સિટિવ બનાવે છે, જેને લીધે એ નળીઓ પર કોઈ ઍલર્જિક તત્વોની અસર થવાની શક્યતા વધી જાય છે. લાગણીઓની અસર શ્વાસનળી પર થાય જ છે, પરંતુ એ પણ હકીકત છે કે એ વ્યક્તિએ-વ્યક્તિએ જુદી હોય છે. જુદી-જુદી લાગણીઓ જેમ કે અસુરક્ષાનો ભાવ, ડર, કોઈ નજીકની વ્યક્તિને ગુમાવી દીધા પછી ભાસતો ખાલીપો વગેરે શ્વાસ પર અસર કરે છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિમાં આ શ્વાસનો પ્રૉબ્લેમ અસ્થમારૂપે જ સામે આવે. પરંતુ અસ્થમાના દરદીમાં એવું બનતું હોય છે કે તેની અમુક પ્રકારની માનસિક પરિસ્થિતિ અસ્થમાને ટ્રિગર કરે.
સ્ટ્રેસ અને અસ્થમા ઘણાં એવાં રિસર્ચ છે, જે બતાવે છે કે મોટા ભાગનાં બાળકોને એક્ઝામ સમયે અસ્થમાનો અટૅક આવે છે. એવાં બાળકો, જેમનો અસ્થમા હંમેશાં કન્ટ્રોલમાં રહેતો હોય તેમને પણ એક્ઝામ સમયે તકલીફ વધતી જોવા મળે છે. એ દર્શાવે છે કે સ્ટ્રેસ વધવાથી રોગ પર અસર થાય છે. આ સંબંધ સમજાવતાં ડૉ. રૉય હેલ્થ સોલ્યુશન્સ ક્લિનિક, દાદરના અમેરિકન ર્બોડ સર્ટિફાઇડ અસ્થમા-ઍલર્જી સ્પેશ્યલિસ્ટ ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સીતેશ રૉય કહે છે, 'વ્યક્તિને જ્યારે કોઈ પણ પ્રકારની ચિંતા, ડર કે અસુરક્ષાની ભાવનામાંથી પસાર થવું પડે છે ત્યારે એ ભાવ તેના મગજમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે અને આ સ્ટ્રેસ શરીરમાં કૉર્ટિઝોલ નામના હૉર્મોનના સ્રાવ માટે જવાબદાર બને છે અને એડ્રિનાલ નામની ગ્રંથિ એડ્રિનલિન નામના ર્હોમોનના સ્ત્રાવ માટે જવાબદાર બને છે. આ બન્ને હૉર્મોન કૉર્ટિઝોલ અને એડ્રિનલિન મળીને અમુક કેમિકલ બનાવે છે, જે સીધાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને અસર પહોંચાડે છે અને શરીરમાં ઇન્ફ્લેમૅટરી ડિસીઝ માટે જવાબદાર બને છે. અસ્થમા એ રોગોમાંનો એક છે.'
સંપૂર્ણ ઇલાજ માંદા પડીએ ત્યારે આપણે શારીરિક અને માનસિક તકલીફોને અલગ-અલગ તારવીએ છીએ. શરીરને જ્યારે સંપૂર્ણ ફૉર્મમાં જોવામાં આવે ત્યારે કોઈ પણ રોગનું મૂળભૂત કારણ સમજી શકાય છે અને એના પર કામ કરીએ તો એને જડથી હટાવી શકાય છે. આ વાત સમજાવતાં ધ અધર સૉન્ગ ઍકૅડેમીનાં ડીન અને હૉમિયોપૅથ ડૉ. મેઘના શાહ કહે છે, 'હોમિયોપથીમાં અમે ફક્ત શારીરિક ચિહ્નોને મહત્વ આપતા નથી. અમે એ પણ જોઈએ છીએ કે દરદી કઈ-કઈ પરિસ્થિતિમાં પસાર થઈ હતી જેને કારણે તે આવી શારીરિક તકલીફો ભોગવી રહી છે. તેની સામાજિક, માનસિક, શારીરિક દરેક પરિસ્થિતિને સમજીને દરદી કઈ બાબતે કયા પ્રકારનું રીઍક્શન આપે છે એ જાણીને અમે તેના માટે એક રેમેડી શોધીએ છીએ. આ રેમેડી તેના સંપૂર્ણ શરીરને ઠીક કરે છે અને એ રીતે રોગને સંપૂર્ણ કાબૂમાં કરી શકાય છે એટલું જ નહીં, ઘણા કેસમાં એ રોગને જડથી પણ દૂર કરી શકાય છે. એટલે જ અસ્થમા જેવા રોગોમાં લોકો હોમિયોપથી પર વધુ વિશ્વાસ મૂકે છે.'
દવાઓ સિવાય કઈ વસ્તુઓ મહત્વની? અસ્થમાના મૅનેજમેન્ટમાં દવાઓ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ દવાઓ સિવાયની કઈ વસ્તુઓ મહત્વની છે, જેના પર ધ્યાન દેવું જરૂરી છે એ જાણીએ ડૉ. અશોક મહાશુર અને ડૉ. અમિતા દોશી નેને પાસેથી.
૧. અસ્થમાના મૅનેજમેન્ટમાં એ સમજવું જરૂરી છે કે દરેક દરદી અલગ છે. એટલે દરેક દરદીનો ઇલાજ એકસરખી રીતે થઈ શકે નહીં. ૨. સૌથી મહત્વની વાત એ છે કે કઈ વસ્તુ દરદીમાં અસ્થમાનો અટૅક લાવે છે એ ટ્રિગર્સને શોધવાં. કયા પ્રકારનાં બાહ્ય પરિબળો, કયા પ્રકારનાં આંતરિક પરિબળો અથવા તો બન્ને પરિબળોનું કેવું કૉમ્બિનેશન છે જે દરદીને અટૅક સુધી લઈ જાય છે એ સમજવું જરૂરી છે. ૩. ત્રીજી મહત્વની વસ્તુ એ છે કે આ પરિબળોથી પોતાની જાતને બચાવવી; જેમ કે ધૂળથી પ્રૉબ્લેમ હોય તો સ્વચ્છ વાતાવરણમાં જ રહેવું, જ્યાં ધૂળ હોય ત્યાં પોતાને રક્ષણ આપવું. આ સિવાય અસ્થમાના દરદીએ પાળતુ પ્રાણીઓથી પણ દૂર રહેવું જરૂરી છે. ૪. આ સિવાય જે માનસિક પરિબળો અસર કરે છે એ માટે સામાન્ય રીતે યોગ, પ્રાણાયામ, ધ્યાન જેવી ટેક્નિકનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય, જેનાથી માનસિક સ્વસ્થતા લાવવામાં ઘણી મદદ મળી રહે છે. ૫. અમુક દરદીઓ અસ્થમા સાથે ડિપ્રેશન પણ ધરાવતા હોય છે અને તેમનું ડિપ્રેશન અસ્થમાના મૅનેજમેન્ટમાં બાધક બનતું હોય છે. આવા કેસમાં ડિપ્રેશનનો ઇલાજ કરવો જરૂરી છે. સાઇકોલૉજિકલ રીતે સામાન્ય ઊથલપાથલ હોય તો એ પ્રાણાયામ અને ધ્યાનથી ઠીક થઈ શકે છે, પરંતુ જો રોગ જ હોય તો એનો ઇલાજ કરવો જરૂરી છે. ૬. એમનેમ પણ અસ્થમાના દરદીઓને મૅનેજમેન્ટ માટે બ્રીધિંગ ટેક્નિક્સ એટલે કે પ્રાણાયામ ઘણા જ મદદરૂપ થતા હોય છે. જ્યારે તકલીફ હોય ત્યારે જ નહીં, રેગ્યુલર એ કરવા જોઈએ જેથી અટૅકની ફ્રીક્વન્સી કાબૂમાં રહે છે. ૭. આ સિવાય ડાયટ પણ મહત્વનો ભાગ ભજવે છે. આર્ટિફિશ્યલ કલર્સ, પ્રિઝર્વેટિવ્સ, મોનોસોડિયમ ગ્લુટામેટ વગેરે જેમાં હોય એવો ખોરાક ન જ ખાવો જોઈએ; કારણ કે એ આ તકલીફ ઊભી કરી શકે છે. ૮. અસ્થમાના દરદીને સતત શરદી કે સાઇનસની તકલીફ રહેતી હોય કે ઍસિડિટી પણ રહેતી હોય તો તેને અસ્થમાનો અટૅક વારે-વારે આવી શકે છે. એટલે તેણે તરત જ તેની શરદી અને સાઇનસનો ઇલાજ કરાવવો જરૂરી છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os6O7%3DVJQ6neiUq1DNAxGx%2B-iy9wzWtVF%3D1ctzbz493QQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment