Saturday, 9 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મણિકર્ણીકા - એક વીરબાળા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મણિકર્ણીકા - એક વીરબાળા!
ડૉ વિષ્ણુ એમ પ્રજાપતિ

 

 

 


રાજ જ્યોતિષે બાળવાયની મણિકર્ણિકા સામે પ્રજ્વલિત જ્યોત, હમણાં જ સળગીને શાંત બનેલો કોલસો, જળ પાત્ર, માટીનો બનાવેલો ઘોડો, કેટલાક બાળમાનસને પ્રલોભન આપે તેવા હાથ બનાવટના રમકડાં,  ચારેય વેદ-ગ્રંથો, સુવર્ણ તથા રત્નજડિત આભૂષણો અને શ્રૃંગારરસના પ્રસાધનો મુક્યાં.


બધાની નજર ચાર વર્ષની નાની ઉંમરે મણિકર્ણિકાનું ભવિષ્યકથન થવા જઇ રહ્યું હતું તેના પર હતી.


કાશીનગર મધ્યેના વિશ્વનાથ મહાદેવની પ્રાત:કાલ આરતીનો ઘંટારવ વાગીને 'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી થોડીવાર પહેલા જ શાંત થયો હતો. એકબાજુ ધર્મનું અસ્તિત્વ ટકાવવાનો સંઘર્ષ અને બીજી બાજુ અંગ્રેજોની હુકુમતનું જોર વઘી રહ્યું હતું. રજવાડાંઓને સામ દામ દંડ ભેદથી અંગ્રેજો પોતાના અંકુશમાં કરી રહ્યા હતા. ભારતવર્ષની સંસ્કૃતિ અને સમૃદ્ધિને જડમૂળમાંથી નેસ્તનાબૂદ કરવા જોર-જુલ્મના તમામ પ્રયાસો શરુ થઇ ગયા હતા ત્યારે એક નાની બાલિકાનું ભવિષ્ય જાણવા તેના માતા ભાગીરથી દેવી અને પિતા મોરોપંત તાંબે તેની તરફ નજર કરીને સ્થિર બેઠા હતા.


માં ભાગીરથી દેવીએ છેલ્લા સાત દિવસથી જીદ પકડી હતી કે મણિના જોષ જોવડાવો. તેમને કહેલું, 'મણિ બીજા છોકરાની જેમ સાદી રમતો રમતી નથી.. તે ઘોડે સવારીની જીદ કરે છે... તેના હાથમાં તીર અને તલવાર આવે તો તેની આંખોમાં ચમક આવે છે. મારી દિકરીમાં  શુરવીર પુત્રના બધા ગુણો દેખાય છે. થોડા દિવસ પહેલાં જ જ્યારે પેલો અંગ્રેજ આપણાં ઘરે આવેલો ત્યારે તેને ઘરનાં ઉંબરા વચ્ચે ઉભો રાખીને તલવાર ધરી દીધી હતી. પેલા અંગ્રેજ સૈનિકની તગતગતી આંખોની સામે મણિકર્ણિકાની આંખો પણ તેજ અંગારાના અગનગોળા વરસાવી રહી હતી. મને તેની આંખોમાં યુધ્ધ દેખાઇ રહ્યું હતું. આ તો મેં સમયસૂચતા વાપરી તેને બાળસહજ રમત કહીને તે અંગ્રેજને વારેલો... પણ મણિની અંગ્રેજો તરફ વેર-ઝેર અને દાઝ ભરેલી તગતગતી આંખોની જ્વાળાઓ જોઇને મારે જોવું છે કે મનુના ગ્રહો તેને કઇ દિશામાં લઇ જશે...?'


મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ મોરોપંત તાંબે પણ રાજ જ્યોતિષને બોલાવી આજે મણિકર્ણિકાના ભવિષ્યકથનની આગાહી સાંભળવા ઉત્સુક હતા.


નાનકડી મણિકર્ણિકા ધીરે ધીરે આગળ વધી રહી છે... તેને સુવર્ણ રત્નો કે આભૂષણો તરફ નજર સુધ્ધા નાંખી નહી... પણ પેલા પ્રજ્વલિત દિપક જ્યોતને એક જ ફૂંકે ઓલવી નાંખી...! તેની ચાલ બ્રાહ્મણની નહી પણ ક્ષત્રિયાણીની હતી...


રાજ જ્યોતિષે તરત જ કલમથી મણિકર્ણિકાની જન્મકુંડળીમાં થોડી નિશાનીઓ કરી.


મણિકર્ણિકા સામે રહેલા જુદાં જુદાં રમકડાં તરફ આગળ વધી...  તેમાં રહેલા માટીનું બનાવેલું ઘોડાનું રમકડું જમણા હાથથી ઉઠાવ્યું અને તેની આંખોમાં તેજ લીસોટો થયો.  પછી તે બાજુમાં રાખેલાં વેદ ગ્રંથો તરફ આગળ વધી રહી હતી ત્યાં જ... બારણે ટકોરા થયાં....!


જ્યોતિષ-કથનની ક્રિયામાં વિધ્ન આવ્યું... રાજ-જ્યોતિષની આંખોમાં કોઇ અકળ મૂંઝવણ સ્પષ્ટ રીતે તરીને છેક ચહેરા સુધી ઉપસી આવી.


બારસાખ પર ફરી પેલો અંગ્રેજે એક કાગળ સાથે બીજા અંગ્રેજોને લઇને આવ્યો હતો..... તેને તાંબેને ઇશારો કરી તે કાગળ લેવા જણાવ્યું... તેના ઇશારામાં સત્તાનો નશો અને આંખોમાં તુચ્છકારનો ભાવ હતો.


અનિચ્છાએ મોરોપંત ઉભા થયા અને કાગળ સ્વીકાર્યો... પેલા અંગ્રેજે તેના હાથમાં રહેલી બંદૂકનું નાળચું મોરોપંત તરફ રાખીને તે કાગળ એવી રીતે આપ્યો જાણે લાગે કોઇ ધમકીની કે અમલદાર શાહીની આગાહી કરી રહ્યો હોય...!


મોરોપંત્ત નિર્ભય બની તે અમલદારની નજીક પહોંચ્યા... અને તે ક્ષણે નાનકડી મણિકર્ણિકાના નાના પગલા જે સામે પડેલા વેદગ્રંથો તરફ વધી રહ્યા હતા તે અટકી ગયા અને તે ચિત્તાની જેમ તરાપ મારીને સામે લટકાવેલી તલવાર ખેંચી લીધી.... સિંહણ જાણે શિકાર માટે તરાપ લગાવે તેમ તે બીજા કુદકે મણિકર્ણિકા પિતાની રક્ષક બની તે બન્નેની વચ્ચે દીવાલની જેમ ઉભી રહી ગઈ..!  તેની આંખોમાંથી તેજ અગનઅંગારાઓ વરસી રહ્યાં હતા. મણિકર્ણિકાના હાથમા રહેલી તલવાર તેની ઉંચાઇ કરતા વધુ હતી પણ તેની પકડ એટલી મજબૂત હતી કે લાગતું કે તે જન્મોજન્મથી તલવાર પકડવાનું જાણે છે...!


સાવ નાની મણિકર્ણિકાનો આક્રોશ જોઇ પેલા અંગ્રેજને પોતાની બંદૂક અને પોતાની હુકુમતની તેજ નજરોને પણ હટાવી લેવી પડી. આ તેજ તીખારા ઝરતી નજર ત્યાં બેઠેલા કોઈથી છાની ન રહી અને રાજ જ્યોતિષે ફરી પોતાની કલમને આગળ ચલાવી.


અચાનક બનેલી ઘટના કોઈ મોટું સ્વરૂપ ધારણ ન કરી લે તે માટે મોરોપંત્તે તરત જ મણિને ઉંચકી લીધી અને જાણે તે સાવ નાની બાળા છે તેમ માથે હાથ મુકીને તેની આંખોને ઠારી લીધી. જો કે ત્યાં હાજર દરેક વ્યક્તિ તેને નાની બાળા માની રહ્યાં હતા જ્યારે રાજ જ્યોતિષે તરત જ તેની જન્મકુંડળીમાં 'વિરાંગના' લખીની પોતાની કલમ અને પોતાની ગ્રહોની ગણતરીઓ અટકાવી દીધી.


પેલો અંગ્રેજ હુકુમનામુ આપીને ચાલ્યો ગયો અને તે પાછા ફરતી વખતે બારણે અથડાઇ ગયો અને ગડથોલીયું ખાઇને ચત્તોપાટ પડ્યો... મણિ ત્યારે ખીલખીલાટ હસી પડી... જાણે કે તેને અંગ્રેજ પછડાય તો મજા આવતી હતી...! પેલો ઉભો થઇને ભાગ્યો... તેને ભાગતો જોઇને મણિકર્ણિકાની આંખોમાં ગજબની ખુશી છવાઇ ગઇ.


મોરોપંતના એક હાથમાં તલવારથી શોભી ઉઠેલી વિરાંગના અને બીજા હાથમાં હુકુમનામુ હતું. રાજજ્યોતિષે બન્નેની સામે જોઇને હાથ જોડીને વીરરસના શ્લોકનું આહવાન કર્યુ.


'શું છે મનુનું ભવિષ્ય...?' ક્યારનાયે ચુપ બેસેલા ભાગીરથીદેવીએ આખરે મૌન તોડ્યું.


રાજ જ્યોતિષે સૂર્યના કિરણોને પોતાની અંજલિમાં લીધા અને કહ્યું, ' દેવીજી... આપ ધન્ય છો... તમારા કુખે એક વિરાંગનાનો જન્મ થયો છે... !' પછી તે આંખો બંધ કરીને ચૂપ થઇ ગયા જાણે કે તે આગળનું ભવિષ્યકથન કરવા નહોતા માંગતા.


'હે ગુરુદેવ... આપ નિશ્ચિંત રીતે કહો..., મારી મણિની ગ્રહદિશા તેને  કઇ દિશામાં લઇ જશે...?' મોરોપંતે  તેડેલી મણિને નીચે મૂકતાં પૂછ્યું.


રાજ જ્યોતિષની નજર તેમને બનાવેલી મણિકર્ણીકાની જન્મકુંડળી તરફ સ્થિર હતી અને તેમને મોરોપંતની ઈચ્છા પૂર્ણ કરવા જયોતિષવેદને નમન કરી વીર રસ શૈલીમાં ભવિષ્ય કથન શરૂ કર્યું,  'હે બ્રહ્મ...તમે  ધન્ય છો કે બ્રાહ્મણકુળે ક્ષત્રિયનો અંશ અવતર્યો છે... તેની ગ્રહદિશા વિકટ અને સંઘર્ષમય છે... તે વેદજ્ઞાની અને પરમ સંસ્કૃતિની જાણકાર થઇ શકે તેમ તેજોમય તેનું વ્યક્તિત્વ છે.... પણ ગ્રહો તેને સંઘર્ષની દુનિયામાં જ લઇ જશે....' રાજ જ્યોતિષ થોડી વાર રોકાઇને મણિકર્ણિકાના હાથની તલવાર પોતે લેવા પ્રયત્ન કર્યો પણ મણિની પકડ રાજજ્યોતિષની તાકાત કરતા વધુ હતી એટલે તેમને વધુ જોર કરવું પડ્યું.


તેમને તલવાર હાથમાં લીધી અને પૂર્વ તરફ ઉગીને તેજ અંગારા પાથરી રહેલા સૂર્ય તરફ તેની તગતગતી ધાર કરીને ફરી બોલ્યા, 'એમ જ માની લો કે મણિકર્ણિકા પોતાના સુખ માટે નહી પણ ભારતવર્ષના સૂર્યોદય માટે આવી છે.... તેના જીવનમાં શૃંગાર કે સુખ નહી પણ સંઘર્ષ છે...! તેના જીવનમાં શ્રૃંગારરસનો ઝળહળાટ નહી પણ વીરાંગનાનું તેજ છે. ' રાજ જ્યોતિષે ખૂબ પ્રભાવવાહી શબ્દોમાં તેના સંઘર્ષની ગ્રહદશાને પણ એક વીરગાથામાં ગાઇ રહ્યા હતા.


તલવાર પરથી નીકળેલું એક તેજોમય સૂર્ય કિરણ મનુની આંખોમાં ઝળહળી રહ્યું હતું.


'અહીં મુકેલા તમામ પદાર્થો અને મણિકર્ણિકાની પસંદગી પાછળનું રહસ્ય કૃપા કરી અમને સમજાવશો..?' ભાગીરથીદેવી બન્ને હાથ જોડી હજુ ઘણું જાણવા ઇચ્છતા હતા.


આ શબ્દો સાંભળતા રાજ જ્યોતિષના ચહેરા પરની વીરતાની લકીરોએ ગંભીરતાનું સ્વરુપ ધારણ કર્યુ અને શબ્દો પણ ઉંડાણથી આવ્યાં, ' દેવીજી, ઘોડો અને તલવાર તેના જીવનનું અભિન્ન અંગ રહેશે... જે આજે આપણે પ્રત્યક્ષ જોયું.'


'તેને પેલા  દીપકની જ્યોતને  કેમ ઓલવી નાંખી...?' દેવીજી વધુ જાણવા ઉત્સુક હતા.


રાજ જ્યોતિષ વધુ ગંભીર બન્યાં અને કહ્યું, ' દેવીજી, મણિકર્ણિકાના જીવનમાં અનેક મૃત્યુ દુ:ખ છે...'


'હેં... મૃત્યુદુ:ખ... કોનું....?'  દેવીજી ચિંતામાં ગરકાવ થઇ ગયા.


'દેવીજી... આપ તે જાણવાની ઇચ્છા ન કરો...! તે ઇશ્વર આધિન છે...બસ તમારું પુણ્યબળ અને કર્મફળ છે કે આ વિરાંગના આપના કૂખે અવતરી છે.' રાજ જ્યોતિષે કેટલાક રહસ્યો એમ ને એમ જ રહેવા દીધા.


'તેની આયુ રેખા....?' દેવીજી ફરી કંઇક જાણવા ઇચ્છા પ્રગટ કરી રહ્યા હતા.


'આયુરેખાની દીર્ધ કે હૃસ્વ અવસ્થાનો મણિકર્ણીકાના જીવનમાં કોઇ ફર્ક નહી પડે.. તે અમર વીરાંગના બનશે…! દેવીજી આપ કૃપા કરી અન્ય પ્રશ્ન ન કરશો... આ ભારતવર્ષની તેજોમય લકીરની માતા બનવાના આપના આ ઉત્તમ અવસરને આનંદથી પસાર કરો.. અને માં ભગવતી પર અપાર શ્રધ્ધા રાખો.' એમ કહી રાજ જ્યોતિષે બે હાથ જોડી રજા માંગી.


મણિકર્ણીકા, મોરોપંત અને ભાગીરથી દેવી ત્રણેયે એક સાથે રાજ જ્યોતિષના ચરણસ્પર્શ કર્યા.


રાજ જ્યોતિષે તલવાર મણિકર્ણિકાના હાથમાં આપી કહ્યું, ' તારે આની જરુર પડશે મારા આશીર્વાદની નહીં...!' અને તેમને વિદાય લીધી.


રાજ જ્યોતિષની ભવિષ્યવાણી જાણ્યાં પછી પણ પિતા મોરોપંત અને મણિકર્ણિકા સ્વસ્થ હતા પણ માં ભાગીરથી બેચેન હતા. મણિકર્ણિકાના જીવનમાં જીવનભરનો સંઘર્ષ... વીરાંગના… આયુ વિશેની અકળ ભવિષ્યવાણી બધુ તેમના હૃદયમાં શૂળની જેમ ભોંકીને વેદના કરી રહ્યું હતું.


મોરોપંતની નજર હુકુમનામા પર ફરી રહી હતી... 'લગાન... ભારતીયોની સ્વતંત્રતા પર આકરા અંકુશો... અંગ્રેજો પ્રત્યે જો ગેરવર્તણૂક થશે તો દેશદ્રોહની સજા...' ભારતવર્ષ પર આવેલ અંગ્રેજોની હુકુમતની કાળી છાયા તેમના ઘર સુધી આવી પહોંચી હતી. તેમના ચહેરા પર ચિંતાની વાદળી છવાઇ ગઇ.


પણ મણિકર્ણિકાએ તો ત્યારે જ તલવારના એક ઝાટકે તે હુકુમનામાના બે ટુકડા કરીને પોતાના સંઘર્ષ અને ગ્રહની દિશા સ્પષ્ટ કરી દીધી.


ભાગીરથીદેવીએ તુરંત તેના હાથમાંથી તલવાર ઝુંટવીને દુર ફેંકી દીધી અને મણિને પોતાના આલિંગનમાં સમાવી લીધી.


તેના પાંચમા દિવસે ભાગીરથીદેવીનું હ્રદયશૂળથી  અવસાન થયું અને મણિકર્ણિકાના જીવનમાં પ્રથમ મૃત્યુદુ:ખ આવી ગયું. મણિકર્ણિકાનું ભવિષ્ય કોઇ કલમથી નહી પણ તલવારની ધારથી લખાયું હતું. તે તલવારબાજી અને બાણવિદ્યામાં પારંગત બની.


૧૪ વર્ષની આયુમાં લગ્ન અને ૨૩માં વર્ષે પોતાની કૂખે અવતરેલા પુત્રનું ચાર માસની નવજાત શિશુવયે જ અવસાન..... તે મણિકર્ણિકાના જીવનનું બીજુ મૃત્યુદુ:ખ...!


હજુ તો તેના જીવનના સંધર્ષોનો ઉદય થવાનો બાકી હતો... પતિનું મૃત્યુ થતાં રાજ જ્યોતિષે કહેલી તેના જીવનની મૃત્યુ દુઃખની ભવિષ્ય કથની સાચી પડી રહી હતી.


પોતાના દેશની અને ઝાંસીની રક્ષા કરવા અંગ્રેજો સાથે અનેક યુધ્ધો કરવા પડ્યા અને ૧૮૫૭ના વિપ્લવની એક મહાન વિરાંગના બની... પણ તેની ખુદની  આયુરેખા ખૂબ ટુંકી હતી....


જે ઉંમરે આપણે યુવા બનીએ છીએ તે ઉંમરે તો તેને દેશની સ્વતંત્રતા કાજે બધા આભૂષણો અને શ્રૃંગારરસ ત્યજીને રણચંડી જગદંબા બની હતી. યુધ્ધમાં આખા શરીરે ઘવાયેલી સિંહણ આખરે થાકી અને માત્ર ૨૯ વર્ષની  આયુમાં દેશને સ્વતંત્રતાનું સ્વપ્ન આપીને પોતે કાયમને માટે હોમાઇ ગઇ...!


આ વિરાંગના એટલે 'ઝાંસી કી રાની' લક્ષ્મીબાઇ એજ મણિકર્ણિકા - એક વીરબાળા...!'


આ વિરાંગના માટે સુભદ્રાકુમારી ચૌહાણનો એક કાવ્યાંશ સ્ટેટસમાં મુકી તમામ શહીદ વીરોને વંદન કરું છું અને સરહદ પર રહેલા જવાનોને સલામ કરું છું.... જય હિંદ...


સ્ટેટસ


सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,
बूढ़े भारत में आई फिर से नयी जवानी थी,
गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी,
दूर फिरंगी को करने की सबने मन में ठानी थी।
चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot0HYdw2kJXChvhE7nw%2BUn-E3LLwetUGqdyeG1cp6hGsQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment