જનતા ઉપર રાજ કરવું હોય તો પ્રજાને નશામાં રાખો. હજારો વર્ષો જૂના આ સિદ્ધાંત ઉપર ઘણાય સરમુખત્યારો અને ઠેકેદારો કરોડો લોકો ઉપર રાજ કરી ગયા. જનતાને બુદ્ધિવિહીન બનાવવી હોય તો તેને પોતાની દુનિયામાં રત રાખવી પડે. આ સાબિત થયેલો સમૂહ મનોવિજ્ઞાનનો પ્રમેય છે. એક સમય હતો જ્યારે આખું ચાઈના ડ્રગ્સનું બંધાણી હતું અને માટે તેના ક્રૂર શાસકો પ્રજાજનોનું લોહી ચૂસીને પોતાનું ઘર ભરતા. લોકશાહીના જ્યાં પારણાં બંધાયા ત્યાં સમજુ લોકો એવું કહેતા કે પ્રજાને ઉત્સવોમાંથી બાકાત રાખો. ઉત્સવોનો નશો આંખ આડે પટ્ટી બાંધી દે છે અને શાસકમાં રહેલો શોષક નથી દેખાતો. દારૂનો નશો બધાને હોય કે નહિ દરેક વ્યક્તિને પોતાના ભૂતકાળનો નશો તો ચડાવવો ગમે જ છે. બસ એ નશાની કિક લાગવા માટે એક ટ્રીગર માત્રની જરૂર હોય છે.
જયારે એલેકઝાન્ડર ધ ગ્રેટ ઉફ્ર્ સિકંદર દુનિયા જીતીને પોતાના ગુરુ એરીસ્ટોટલ પાસે પરત ર્ફ્યો અને વિશ્વવિજેતા તરીકે પોતાની યશોગાથાનું પઠન શરૂ કર્યું ત્યારે તેના ગુરુએ બહુ સાહજિકતાથી કહેલું કે તું જરા બાજુ પર ખસ, તું મારા સૂર્યસ્નાનને અવરોધી રહ્યો છે. ભલે આ પ્રસંગની ઐતિહાસિક સત્યતા ન હોય અને કોઈ લેખકે ઈતિહાસના આ અમર નામોની લેખિત પર્સનાલિટી ઉપરથી આ ઘટના બનાવી કાઢેલી હોય પણ આ ટુચકો ઊંડો છે અને તેની ઊંડાઈમાં વેધક સત્ય છે. ભૂતકાળમાં જ રમમાણ રહેનાર બહુ આગળ ધપી શકતા નથી. ભયંકર વર્તમાનમાં રહેનાર વધતા-ઓછા અંશે ભવિષ્યનું અનુમાન બાંધી શકે છે અને એવી વ્યક્તિઓ અનન્ય હોય છે. ફેસબુક અને બીજા સોશિયલ મીડિયમમાં ચાલુ થયેલી 'હેશટેગ ટેન યર્સ ચેલેન્જ' એક સાથે આખા વિશ્વને પોતાના ભૂતકાળમાં ધરબી રાખવાનો કારસો છે અને જો એ કારસો ન હોય તો પણ પોતાના જ હનીટ્રેપમાં ઓલરેડી અગણિત લોકો ફ્સાઈ ચૂક્યા છે.
ટેન-યર્સ-ચેલેન્જના ટ્રેન્ડ પ્રમાણે ઇન્ટરનેટ વાપરતી લગભગ દરેક વ્યક્તિ પોતાનો દસ વર્ષ પહેલાંનો ફેટો અને વર્તમાન તસવીરને બાજુમાં રાખીને શેર કરે છે અગર તો બીજાએ શેર કરેલા આવા બીફેર-આફ્ટરના ફેટોગ્રાફ્સ મજાથી જુએ છે. કોઈ નિર્દોષ ટ્રેન્ડ શરૂ થાય એમાં વાંધો નથી બલકે ખુશીની વાત છે અને બધાની સાથે સહર્ષ પાર્ટીસીપેટ કરવું પણ જોઈએ. પણ ઉજવણીની રાત પતી જાય પછી શરીરમાં ઠુંસેલી ચરબી-કેલરીનો હિસાબ ન કરો તો કંઈ નહિ, બીજે દિવસે સવારે પાર્ટીના બિલનો હિસાબ તો કરવો જોઈએ કે નહિ? હા તો મુદ્દો એમ છે કે અત્યાર સુધી આઈસ બકેટ ચેલેન્જ આવી, પોતાની દસ પસંદીદા બુક્સના શીર્ષક શેર કરવાની બુક્સ ચેલેન્જ આવી, ગાડીમાંથી ઉતરીને ડાન્સ કરવાની કીકી ચેલેન્જ આવી, ફ્ટિનેસ ચેલેન્જ અને મેનીક્વીન ચેલેન્જ પણ આવી; પરંતુ આ બધી ચેલેન્જને પછાડીને ટેન યર્સ ચેલેન્જ નંબર વન કેમ બની ગઈ? જવાબ છેઃ લોકોને ભૂતકાળ ગમે છે.
એક સવાલનો જવાબ આપો. અત્યારે એકવીસમી સદી ચાલે છે. બે હજારને ઓગણીસની સાલ. આજની તારીખે વોઈસ ઓફ રફી, વોઈસ ઓફ કિશોર, ઓલ્ડ મેલડી સિંગર્સ જેવા અનેક કલાકારો અને ઓરકેસ્ટ્રાની સંખ્યા વધતી જ કેમ જાય છે? 'એ તો શંકર-જયકિશનનું આલાતરીન સંગીત અને શકીલ સાહેબના દર્દભર્યા શબ્દોનો કમાલ છે સાહેબ' – આવો જવાબ સાચો હશે પણ અધૂરો છે. જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ સામાન્ય માણસની નવું એડેપ્ટ, એક્સેપ્ટ અને એક્વાયર કરવાની માનસિક ક્ષમતામાં ઘટાડો થતો જાય છે. ટીનેજ યંગસ્ટર્સ એટલે જ ટીવી જોવા બેસે ત્યારે દર બે મિનિટે ચેનલ બદલ્યા કરે કે ગાડીમાં હોય તો રેડિયો સ્ટેશન કે ગીતો બદલ્યા કરે અને એ વખતે તેને વડીલો ટોકે જ 'કે ભાઈ તું એક ચેનલ પકડી રાખ'. ગમી ગયેલું એક જ પિક્ચર ઘણાં બધા લોકો વીસ-પચીસ-પચાસ વખત એટલા માટે જોતા હોય છે કે તેના મગજને ખબર છે કે એકઝેટ કયા સીનમાં કે કયા ડાયલોગ ઉપર મનોરંજન મળવાનું છે. નવી ફ્લ્મિ જુવે તો મગજને તસ્દી પડે કે ક્યારે પોતે એન્ટરટેઈન થશે. માટે વડીલો જૂના ગીતોની ચાલતી ક્લબમાં હોંશે હોંશે આજીવન મેમ્બર બને છે, જેથી ગીત સાંભળતાં પોતાનો ભૂતકાળ તાજો થાય અને મજા આવે.
ટેન-યર્સ-ચેલેન્જે એકસાથે કરોડો લોકોની માનસિક ઉંમર દસ વર્ષ કે વધુ વધારી નાખી છે. પોતાના જૂના ફેટોગ્રાફ સામે જોઈને પોરસાવું કોને ન ગમે? 'હું ત્યારે કેટલી પાતળી હતી' ઈત્યાદી સ્ટેટમેન્ટ ફ્ટકારવાનો એક નશો હોય. 'મારો પણ એક જમાનો હતો' આવું વાક્ય ત્રીસ વર્ષથી મોટી ઉંમરનો કોઈ ગુજરાતી ન બોલ્યો હોય એવો પૃથ્વીના પટ પર ક્યાંય નહિ જડે. ભૂતકાળની વાતો ભવિષ્યના વિઝન માટે ડાબલા પહેરાવી દે છે. ભવિષ્ય કેવું હશે કે ફ્યુચર પ્લાનિંગ માટે મગજ દોડાવવું પડે કારણ કે એ જાણતા નથી અને જે જાણીએ છીએ તેને વાગોળવામાં બુદ્ધિનું કોઈ કામ ન હોય એટલે એમાં મજા આવે. માનવજાતે પોતાને ઈતિહાસમાંથી શીખવા માટે નહિ પણ ઈતિહાસને પંપાળવા માટે સજ્જ કરી છે. જે છૂટક અપવાદોએ પોતાનો ભૂતકાળ ખંખેરીને ભવિષ્ય તરફ નજર રાખી એવા ઉદાહરણોને દુનિયા મોહનદાસ કરમચંદ ગાંધી જેવા વિશેષણોથી ઓળખે છે. આજના દિવસે ભલે તે શારીરિક રીતે વિલીન થયા હોય, તેનું વિઝન એટલે જ અમર રહ્યું કે તે ભૂતકાળને પોતાની ગર્લફ્રેન્ડ માનતા, પત્ની નહિ.
ન્યૂઝ મીડિયા કહે છે ઝુકરબર્ગ આ રીતે બધી વ્યક્તિઓની દસ વર્ષના અંતરે લેવાયેલી તસવીરોનો ડેટા મેળવીને ફેસિયલ રેક્ગનીશન જેવી ટેકનોલોજીમાં વાપરશે. આમ પણ આ રીયલ એસ્ટેટની કેપિટાલીઝમની સાથે સર્વેલન્સ અને ડેટા કેપિટાલીઝમનો યુગ છે એટલે આ વાત ખોટી હોય એવું માનવાને પાતળા કારણો દેખાય છે. આપણો મોટા ભાગનો અંગત ડેટા ઇન્ટરનેટ આપતી કે સોશિયલ મીડિયાની કંપનીઓ પાસે છે તે ગેરફયદો બીજા નંબરનો છે. પહેલો ગેરફયદો એ છે કે આપણી નબળાઈની નાડ અમુક ચંદ માણસો પારખી ગયા છે અને આપણે તેના પ્યાદાં છીએ. ભૂતકાળની ભવ્યતામાં અંજાયેલા એવા આપણને કોઈ ગોગલ્સ પણ નથી આપતું. દીર્ઘદ્રષ્ટા એમનેમ નથી થવાતું. તેના માટે પેટ ઉપર સિક્સ પેક એબ હોય કે નહિ મગજની ગડીઓમાં ટેન પેક એબ જોઈએ. મગજની ટેન યર્સ ચેલેન્જ આવી હોત તો? બધાની પરિપક્વતાની ઉંમર કેટલી હોત?
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3DSH4Ymb7w2akTEr1u%3Dha1vxbFQSPT8y8YNWwcuF-2Ng%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment