Sunday, 3 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઈતિહાસ તો ઠીક, શિક્ષણ સુધ્ધાં વગેરે વગેરે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈતિહાસ તો ઠીક, શિક્ષણ સુધ્ધાં વગેરે વગેરે...
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

amdavadis4ever@yahoogroups.com

માણસના ડહાપણને ત્રણ ભાગમાં વિભક્ત કરી શકાય. પહેલા ભાગમાં એવો ડાહ્યો માણસ હોય છે કે જેને બોધપાઠ શીખવા માટે બીજાઓના અનુભવ પૂરતા થઈ જાય છે. જે માણસ બીજાએ લીધેલા અનુભવોને સમજી જાય છે ને એ અનુભવોને આધારે પોતાના વર્તમાન અને ભવિષ્ય એમ બંનેને આકાર આપે છે. એને શાણપણની ટોચ કહેવાય. શાણપણના બીજા પ્રકારમાં એવા માણસોનો સમાવેશ થાય છે કે જેઓને કશુંક શીખવા માટે પોતાના અને માત્ર પોતાના જ અનુભવોની જરૂર પડે છે. બીજાના અનુભવો ઉપરથી એ કંઈ શીખી શકતો નથી. ત્રીજા પ્રકારમાં એવા માણસો છે કે જેઓ પારકાના કે પોતાના એવા એકેય અનુભવો ઉપરથી પણ કોઈ પદાર્થપાઠ લેતા નથી. આવા માણસોને તમે મૂર્ખતાના વર્ગમાં પણ મૂકી શકો.

ઈતિહાસ આપણા પોતાના અનુભવોનો નથી હોતો. વ્યક્તિગત ઈતિહાસની વાત જુદી છે, પણ જ્યારે દેશ કે સમાજના ઈતિહાસની વાત કરીએ ત્યારે એનું ફલક બદલાઈ જાય છે. જવાહરલાલ નેહરુએ બ્રિટિશ શાસન દરમિયાન ખાસ્સો જેલવાસ ભોગવ્યો હતો અને આ જેલવાસ દરમિયાન એમણે પુત્રી ઈંદિરાને ઈતિહાસનો પાઠ શીખવતા પત્રો લખ્યા છે. શેક્સપિયરનો પરિચય આપતા એક પત્રમાં એમણે ઈંદિરાને લખ્યું છે કે શેક્સપિયર રાણી વિક્ટોરિયાના જમાનામાં થઈ ગયો. આ પત્રો જ્યારે પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા ત્યારે જવાહરલાલે એની એક નકલ વિનોબા ભાવેને ભેટરૂપે મોકલી હતી. શેક્સપિયર રાણી વિક્ટોરિયાના જમાનામાં થયા હતા એવું જવાહરલાલનું કથન વાંચીને એમણે જવાહરલાલને ઠપકો આપ્યો હતો. વિનોબાએ જવાહરલાલને કહ્યું કે, જવાહરલાલ ઓછામાં ઓછું તમારે તો દીકરી ઇંદિરાને એ શીખવવું જોઈતું હતું કે રાણી વિક્ટોરિયા શેક્સપિયરના જમાનામાં થયાં હતાં.

વિનોબાજીની આ શીખ ઈતિહાસ વિશે આપણને નવેસરથી વિચારતાં શીખવે છે. ઈતિહાસ એટલે સંવતનોની સાલવારી, રાજાઓની નામાવલિ, રાજવંશોનાં પરાક્રમો ઈત્યાદિ ઈત્યાદિ એવું જ આપણે સમજીએ છીએ. પશ્ર્ચિમના ઈતિહાસકારો આવી સાલવારી અને રાજાઓનાં યુદ્ધો તથા એમની નામાવલિમાં વધુ પડતા સીમિત થઈ જાય છે. કવિ કુલગુરુ કાલિદાસ કયા રાજાના જમાનામાં થઈ ગયા એની કોઈ ચોકસાઈ ટકોરાબંધ ખાતરીપૂર્વક હિન્દુસ્તાનના કોઈ ઈતિહાસકારે નોંધ કરી નથી. કાલિદાસના હોવા વિશે કોઈ પણ બેમત નથી પણ એનો ચોક્કસ સમયગાળો આપણે કોઈ જાણતા નથી. રાજા અગ્નિમિત્ર હતો કે પુષ્યમિત્ર હતો કે પછી બીજો કોઈ હતો, સમયગાળો ઈ.સ.ની પહેલી સદી હતી કે ચોથી સદી હતી એ વિશે પણ ઈતિહાસકારોમાં મતભેદ છે. આમ ભારત માટે ઈતિહાસ એ રાજા નથી પણ સંસ્કૃતિ છે, સંસ્કાર છે, સમાજજીવન છે. કૌરવ-પાંડવોનું યુદ્ધ ક્યારે થયું એ કોઈ જાણતું નથી. કૌરવ-પાંડવોની વંશાવલિ આપણી સામે છે પણ એ વંશાવલિથીય વધુ ખાતરીપૂર્વક એના સમાજ જીવનનું આલેખન મહર્ષિ વેદવ્યાસે મહાભારતમાં કર્યું છે. આમ આપણા માટે ઈતિહાસ એટલે માત્ર રાજા નહિ, પણ પ્રજા અને પ્રજા જીવન એવો થતો હતો.

ઈતિહાસના અમુક તબક્કાને આપણે અંધકાર યુગ કહીએ છીએ. કેટલાકને સુવર્ણ યુગ કહીએ છીએ. સુવર્ણ યુગ આપણને ગમે છે. અંધકાર યુગ આપણને ગમતો નથી પણ ઈતિહાસ કંઈ આપણા ગમા-અણગમાના આધારે રચાતો નથી હોતો. કેટલીક વાર એવું બને છે કે પરદેશી આક્રમણો કે પછી સ્થાનિક પ્રજાના કોઈક ચોક્કસ વર્ગે જોરજુલમથી શાસન ભોગવ્યું હોય અને અન્યાયો પણ આચર્યા હોય. આવા અન્યાયો દૂર થવા જોઈએ પણ પરસ્પર સામે વેરવૃત્તિની સાંકળ બનવા ન જોઈએ. અંગ્રેજી ઈતિહાસકારોએ આ વિશે એક સરસ ઉક્તિ ઘડી કાઢી છે. ઋજ્ઞલિશદય વિંયળ બીિં મજ્ઞક્ષ'િં ઋજ્ઞલિયિ.ં ઈતિહાસ ભૂલવા માટે નથી, યાદ રાખવા માટે છે પણ એને વેરવૃત્તિની સાંકળ બનવા ન દેવાય.

ઈતિહાસ વિશેના આટલા જુદા જુદા વિચારો અહીં એકીસાથે ઊમટવાનું કારણ વઢવાણમાં ભોગાવાને કાંઠે આવેલું રાણકદેવીનું મંદિર છે. (આ મંદિરની મુલાકાત લેવાનો એક અવસર તાજેતરમાં પ્રાપ્ત થયો હતો.) સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ જૂનાગઢના રાજા રા'ખેંગારને પરાસ્ત કરીને એની પત્ની રાણકદેવીને લઈને અણહિલપુર પાટણ પાછો ફરતો હતો એ વખતે માર્ગમાં આ ભોગાવાને કાંઠે રાણકદેવી ચિતામાં પ્રવેશીને સતી થઈ ગઈ. આમ આ મંદિર એકાદ હજાર વરસ જૂનું હોવાનું કહેવાય છે. એક હજાર વરસ જૂના ઈતિહાસને જાળવીને રાખવાને બદલે આ મંદિરની અવસ્થા કોઈ પણ વિચારકના ચિત્તમાં ચિંતા જગાવે એવી છે. એટલું જ નહિ, આ મંદિરના પડછાયાના પરિસરમાં સંખ્યાબંધ પ્રાચીન મંદિરો અને શિલ્પો અવાવરું અવસ્થામાં વેરાયેલાં હોય એવી રીતે પડ્યાં છે. આ મંદિરોની વિશેષતા એ છે કે એમાંના ઘણાં ખરામાં કોઈ ને કોઈ જ્ઞાતિ કે સમૂહનાં કુળદેવ કે કુળદેવીની એમાં સ્થાપના થયેલી છે. આ પ્રત્યેક દેવ દેવીનો અચૂક એક વિશેષ ઈતિહાસ હોવાનો અથવા તો એની પાછળ એક લોકકથા હોવાની. આમાંથી કંઈ અહીં કંડારાયેલું નથી. આટલું અધૂરું હોય એમ, વઢવાણ તથા સુરેન્દ્રનગરના કેટલાક રિક્ષાવાળાથી માંડીને જાગૃત અને શિક્ષિત કહી શકાય એવા નાગરિકો સાથે આ વિશે પૂછપરછ કરી ત્યારે મોટા ભાગે આવા મંદિરો હોવાની કોઈ માહિતી જ એમની પાસે નહોતી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ઉંબરે ઊભેલા ઈતિહાસ વિશે પણ આપણે જરૂરી વિગતો જાળવતા નથી. ગુજરાતના ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓને ભલે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ કે રશિયાની બોલ્સેવિક ક્રાંતિ ભણાવવામાં આવે પણ એ સાથે જ આવા પરિસરોમાં જે ઈતિહાસ કે લોકજીવન ઢબૂરાયેલાં છે એનીય ઝાંખી કરાવી શકાય તો સારી વાત છે.

અહીં 'ધૂમકેતુ' લિખિત 'વિનિપાત' નામની એક ટૂંકી વાર્તા યાદ કરવા જેવી છે. આ વાર્તાનો પહેલો પરિચય આ લખનારને શાળાજીવનના કોઈક પાઠ્યપુસ્તક દ્વારા થયો હતો. શાળાજીવનને સમાપ્ત થયે લગભગ સાતેક દાયકા વીતી ગયા છે અને છતાં આ વાર્તાએ જે સંદેશો આપ્યો હતો એ સ્મરણમાં રહી ગયો છે. ડભોઈ શહેરમાં વસેલા એક અંગ્રેજી હાકેમની નજરે તળાવને કાંઠે વેરવિખેર પડેલા પથ્થરોમાં કોતરાયેલાં શિલ્પો વસી ગયાં હતાં. આ અંગ્રેજી હાકેમ પોતાના સેવાકાળ સમાપ્ત થવાથી સ્કોટલેન્ડ પાછો ફરી રહ્યો હતો. ડભોઈવાસીઓએ જ્યારે આ હાકેમને એના સેવાકાળની કદરદાનીરૂપે કશીક ભેટ આપવાનું કહ્યું ત્યારે એણે તળાવ કાંઠે પડેલા આ પથ્થરો માગ્યા હતા. આ પથ્થરોને તળાવ કાંઠે પાણીપીવા આવતા ઢોર ઠેબે ચડાવતા હતા અને મેલાં વસ્ત્રો ધોવા આવતી સ્ત્રીઓ આ પથ્થરો ઉપર પેલાં વસ્ત્રોને ધોકાવતી હતી.

આવા પથ્થરોને સ્કોટલેન્ડ લઈ જઈને આ શિલ્પકામના કર્તા હીરા સલાટને પોતે પોતાના ઘરના ચોગાનમાં સ્થાપિત કરશે અને રોજ સાંજે એની સાથે સમય ગાળશે એવી અંગ્રેજ હાકેમની વાત સાંભળીને ડભોઈવાસીઓ હેબતાઈ ગયા હતા.

વાર્તાને અંતે લેખકે એવો સંદેશ મૂક્યો હતો કે જે પ્રજા ઈતિહાસને ઓળખી શકતી નથી અથવા ઈતિહાસને જાળવી કે સંભારી શકતી નથી એ પ્રજાનો વિનિપાત થાય છે.

થોડાક દશકાઓ પહેલા આપણા શાલેય પાઠ્યક્રમમાં ઈતિહાસનો વિષય પરીક્ષાની દૃષ્ટિએ પૂરા એકસો માર્ક્સનો પ્રશ્ર્નપત્ર હતો. હવે આ ઈતિહાસ, સમાજશાસ્ત્ર વિષયનો એક ભાગ બની ગયો છે. પરિણામે વિદ્યાર્થીઓને આ વિષય ટૂંકામાં શીખવવામાં આવે છે. આઝાદીના આરંભે જ જૂના મુંબઈ પ્રાંતમાં શિક્ષણના અભ્યાસક્રમ વિશે એક અમેરિકન શિક્ષણવિદોની સમિતિ પાસેથી સલાહ લેવામાં આવી હતી. આ અમેરિકન શિક્ષણવિદો એ મુંબઈ પ્રાંતના તત્કાલીન અભ્યાસક્રમને તપાસીને એવી સલાહ આપી હતી કે ઈતિહાસનો વિષય આટલી વિગતોથી નવી પેઢીને ભણાવવાની કોઈ જરૂર નથી. સાચી વાત તો એ છે કે અમેરિકા પાસે એનો પોતાનો કોઈ ઈતિહાસ જ નથી. સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલ અને બ્રિટન એમ જુદા જુદા યુરોપવાસીઓથી માંડ બસ્સો વરસ પૂર્વે વસેલા આ પ્રદેશ પાસે દેખીતી રીતે જ પોતાનો સમૃદ્ધ ઈતિહાસ હોય જ નહિ. જેની પાસે પોતાનો ઈતિહાસ નથી એને ઈતિહાસનો વિષય અભ્યાસ તરીકે ઉચિત ન લાગ્યો હોય પણ એનું અનુકરણ આપણે શી રીતે કરી શકીએ? જેની પાસે પોતાનો સમૃદ્ધ અને પ્રાચીન ઈતિહાસ હોય એને વિસારી દેવાની વાત, બીજું ગમે તે હોય પણ શિક્ષણ તો નથી જ.

૧૯૪૭માં જ્યારે સ્વતંત્ર ભારતની પહેલી સરકાર બની ત્યારે પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ પોતાના પ્રધાનમંડળમાં મૌલાના આઝાદને શિક્ષણ ખાતું સોંપ્યું હતું. તત્કાલીન વાઈસરોય અને પછી ગવર્નર જનરલ બનેલા લોર્ડ માઉન્ટબેટને આ નિમણૂક વિશે પોતાનો અભિપ્રાય આપતાં એવું કહેલું કે ભારતે જો પોતાનું શિક્ષણનું માળખું નવેસરથી તૈયાર કરવું હોય તો શિક્ષણ પ્રધાન તરીકે મૌલાના આઝાદની નિયુક્તિ ઉચિત ઠરાવી શકાય નહિ. મૌલાના આઝાદ અત્યંત વિદ્વાન હતા. શૈક્ષણિક દૃષ્ટિએ વૈશ્ર્વિક સ્તરે ઊંડા અભ્યાસી પણ હતા પણ એમનો જન્મ, ઉછેર, શિક્ષણ અને પારિવારિક ભૂમિકા આ બધું અરબસ્તાનમાં થયું હતું. ફળસ્વરૂપે ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિ વિશે એમના મનમાં કોઈ વિશેષ લગાવ ન જ હોય.

સ્વાતંત્ર્યોત્તર કાળમાં કેટલાક દશકાઓ સુધી પ્રાંતિક સરકારો તથા કેન્દ્રીય સરકારમાં શિક્ષણ ખાતું એક સ્વતંત્ર વિભાગ હતો અને આ વિભાગના પ્રધાન તરીકે એક વિશેષ મંત્રીની નિયુક્તિ થતી. હવે આ શિક્ષણ ખાતું પૂર્ણ દરજ્જાનો વિભાગ નથી રહ્યું. હવે એ માનવ સંસાધન વિભાગનો એક અંશ બની ગયું છે. આમ આ શિક્ષણ હવે વગેરે વગેરે બની ગયું છે. જ્યાં સમગ્ર શિક્ષણ જ વગેરે વગેરે હોય ત્યાં એના એક અંશ જેવા ઈતિહાસને કઈ રીતે સંભારીએ?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otuz9K9_EVgRCLpKc2sKkDva7q-OdjxicJMxhr8hjSDTQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment