Thursday, 7 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એવું વિશ્ર્વ જ્યાં નારીનું રાજ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એવું વિશ્ર્વ જ્યાં નારીનું રાજ!
નારી વિશ્ર્વ-દિવ્યાશા દોશી

amdavadis4ever@yahoogroups.com

કેનિયામાં ઉમોજા નામનું ગામ છે, જ્યાં કોઈ પુરુષને પ્રવેશ આપવામાં નથી આવતો. ભૂલેચૂકે પણ જો કોઈ પુરુષ એ ગામમાં પ્રવેશ કરે તો ગામની સ્ત્રીઓ પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. ૪૮ સ્ત્રીઓની વસતિ ધરાવતા આ નાનકડા ગામમાં બાળકો ઉછેરાય છે, પણ જો તે બાળક છોકરો હોય તો ૧૮ વરસની ઉંમર થતા તેણે ગામ છોડવું પડે છે. આ ગામ હજી ત્રીસ દાયકા પહેલાં જ અસ્તિત્વમાં આવ્યું. ઉમોજાનો અર્થ થાય છે સ્વાહિલી માટે એકતા. ૧૯૯૦ની સાલમાં કેટલીક સામબુરુ સ્ત્રીઓ પર બ્રિટિશરો દ્વારા બળાત્કાર થયો હતો. તેમના પતિઓએ તેમનો તિરસ્કાર કરતાં કહ્યું કે તમે કુટુંબ માટે કલંકરૂપ છો. ઘરમાંથી કાઢી મુકાયેલી પંદરેક સ્ત્રીઓએ પોતાના માટે જમીન શોધી ત્યાં ઘર બાંધી રહેવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અન્ય સ્ત્રીઓ જેમને પરિવારમાં ત્રાસ હોય, પતિ ક્રૂરતા આચરતો હોય, સ્ત્રી જનનાંગ છેદનથી બચવા માટે કે પછી કોઈપણ કારણસર તેમનો પિતૃસત્તાક સમાજમાં સ્વીકાર ન હોય તો તેઓ ઉમોજા ગામમાં રહેવા આવી જતી. પિતૃસત્તાક માનસિકતા ધરાવતી સામબુરુ જાતિમાં આજે પણ નવ કે દસ વરસની છોકરીઓ ગર્ભવતી થઈ હોય એવું જોવા મળે છે. આ જાતિમાં પુરુષો એકથી વધુ સ્ત્રીઓને પરણી શકે છે. નાની બાળકીઓને મ્યુટિલિયેશન એટલે કે જનનાંગને છેદી નાખવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી સ્ત્રીઓ સેક્સ માણી શકે નહીં. નાની બાળકીઓને મોટી વયના પુરુષની બીજી કે ત્રીજી પત્ની તરીકે પરણાવી દેવાનો રિવાજ પણ ખરો.

ઉમોજા ગામમાં ૧૮ વરસની રોઝલિના લિઅરપુર ત્રણ વરસની હતી ત્યારે પોતાની માતા સાથે આવી હતી. તેના પિતા ગુજરી ગયા બાદ રોઝલિનાને સ્ત્રી જનનાંગ છેદનથી બચાવવા માટે તેની માતા ઉમોજા ગામમાં રહેવા આવી ગઈ હતી. આ ગામની નવાઈની વાત એ છે કે અહીં દરેક સ્ત્રી પોતાની કમાણી ગામને આપી દે છે. એક વ્યક્તિ નક્કી કરવામાં આવી હોય જે હિસાબ રાખે. તેઓ પથ્થરમાંથી મણકા અને ઘરેણાં બનાવીને પ્રવાસીઓને વેચે છે. પ્રવાસી કેમ્પ સાઈટ માટે પણ કામ કરે છે અને જે કમાણી થાય તેમાંથી ગામની દરેક વ્યક્તિની જરૂરિયાત સંતોષવામાં આવે છે. બાળકોને ભણતર માટેનું પણ ફંડ રાખવામાં આવે છે. રોઝલિના એક માત્ર છોકરી છે જેણે અગિયારમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જાતિમાં સ્ત્રીઓને શિક્ષણ લેવાનું હોતું નથી એટલે એ પ્રથમ છોકરી છે જે છોકરાઓની શાળામાં ભણી. હવે તે શિક્ષિકા બનવા માગે છે અને છોકરીઓને ભણાવીને પગભર કરવા માગે છે. તે લગ્ન પણ કરશે પણ એવા જ છોકરા સાથે કે જે તેને વ્યક્તિ તરીકે સ્વીકારે. રોઝલિના ભવિષ્યને બદલવા માગે છે જેમ તેમની માતાઓએ બદલ્યું. આ ગામની દરેક સ્ત્રી રોઝલિનાની મા છે અને જે છોકરો લગ્ન કરવા માગશે તેણે આ દરેક માતાની પરીક્ષામાંથી પાસ થવું પડશે. આમ પિતૃસત્તાક સમાજ દ્વારા ત્યજાયેલી અને પુરુષોના દમનનો શિકાર બનેલી અભણ સ્ત્રીઓએ પોતાનું એક નવું વિશ્ર્વ ઊભું કર્યું અને ગૌરવભેર જીવી રહી છે.

સો વરસ પહેલાં બેગમ રુકૈયાએ લખેલી વાર્તા યાદ આવે છે. 'સુલતાના'સ ડ્રીમ'. બેગમ રુકૈયા દ્વારા લખવામાં આવેલું પહેલું અને છેલ્લું અંગ્રેજી પુસ્તક. ટૂંકી એક વાર્તાનું પુસ્તક હાથમાં આવતાં એકી બેઠકે જ વાંચી જવાય. આખી વાર્તા સ્વપ્ન પ્રદેશની છે. ક્યારેક આપણને લાગે કે બાળવાર્તા જેવું છે, પણ આ વાર્તામાં લેખિકા તંદ્રામાં એવા પ્રદેશની કલ્પના કરે છે કે જ્યાં પિતૃસત્તાક સમાજ નથી. સ્ત્રીઓ દ્વારા રાજ ચાલે છે અને તેમાં કોઈ જ તકલીફો નથી. પુરુષોને જનાનખાનાની જેમ અંદર રાખવામાં આવે છે. કેમ? તો કહે કે આપણે હિંસક પ્રાણીઓને રસ્તા પર રખડવા દેતા નથી. એટલે અંદર રાખવામાં આવે છે. તે છતાં તેમના પર બીજા કોઈ બંધન નથી કે બોજ પણ નથી. સોલાર અને વાદળામાંથી પાણીનો ઉપયોગ થાય છે. ઊડતી કાર છે જે એચટુઓ પર ચાલે છે. આ પુસ્તક વિશે વાત ફક્ત એક જ બાબતે લખવી છે કે આજે જ્યારે સ્ત્રીની સલામતી માટે આપણે ચિંતિત છીએ ત્યારે સ્ત્રી પર જ પ્રતિબંધ લગાવવાની વાત પિતૃસત્તાક સમાજ કરતો હોય છે. જે હિંસક છે તેને બહાર ન નીકળવાની વાત નથી કરવામાં આવતી. ખેર, આ જુદો સરસ વિચારની કલ્પના સો વરસ પહેલાં એક સ્ત્રીએ કરી હતી. તેને અભણ આદિવાસી પ્રજાતિએ અમલમાં મૂકી બતાવ્યું. રડતાં કકડતાં બિચારી બનીને જીવવા કરતાં એક નવું વિશ્ર્વ ઊભું કર્યું. માતૃસત્તાક સમાજ વ્યવસ્થા હજી પણ કેટલીક જગ્યાએ વિશ્ર્વમાં છે. ભારતમાં મેઘાલયમાં અને ચીનમાં પણ છે. નારીવાદના અભ્યાસુઓ માતૃસત્તાક અને માતૃવંશીય સમાજ વ્યવસ્થાને પણ ક્રિટિકલી જુએ છે, પણ અહીં તે વિશે વાત ન કરતાં આજે જ્યાં સ્ત્રીઓ પોતાના સમાજમાં રાજ કરે છે તેની જ વાત કરીશું.

વિશ્ર્વમાં લગભગ છએક પ્રજાતિ છે જેમકે મોસુઓ સિયાચિન અને તિબેટના સીમાપ્રદેશમાં આ જાતિ રહે છે. તેમના સમાજમાં મિલકત પણ માતાથી દીકરીને મળે છે. આખી વ્યવસ્થા જ માતૃસત્તાક છે. સ્ત્રીઓ બિઝનેસ સંભાળે અને પુરુષો રાજનીતિ. બાળકો સ્ત્રીના વંશ જ તરીકે જ ઓળખાય. બાળકો માતાના ઘરે જ ઉછરે, તેમના સમાજમાં લગ્નપ્રથા પણ નથી. સ્ત્રી પોતાને મનગમતા પુરુષ સાથે સંભોગ કરે પણ ક્યારેય સાથે ન રહે.

મિનાનકાબુ ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં આ જાતિ વસે છે. અહીં પણ માતાના ઘરે જ બાળકો ઉછરે અને મિલકત દીકરીને જ મળે. પુરુષો ધાર્મિક અને રાજકીય કામ કરે. સ્ત્રી પોતે પુરુષ પસંદ કરે પણ તે સ્ત્રીના ઘરે ફક્ત રાત પૂરતો જ રહે, સવારે નાસ્તો કરવા માતાના ઘરે જાય. પુુરુષો જુદા રહે અને પોતાનું કામ શીખે. પુરુષ જો યોગ્ય રીતે કામ ન કરે તો તેને સત્તા પરથી ફારેગ કરવાની સત્તા સ્ત્રીઓ પાસે જ હોય. આ રીતે માતૃસત્તાક જાતિની સંખ્યામાં મિનાનકાબુની વસ્તી સૌથી વધારે છે.

ઘાનામાં આવેલી અકાન જાતિમાં પણ માતાનો વંશવેલો આગળ વધતો હોય છે, પણ અહીં પુરુષો સાથે રહે છે. તેમના હાથમાં સમાજની સત્તા હોય છે. તેમણે બે ઘરને સાચવવાના હોય છે એક તો પોતાનું કે અને બીજું જે છોકરી સાથે તે રહેતો હોય તેમનું.

કોસ્ટ રિકાના લિમોન પ્રોવિન્સમાં બ્રીબ્રી નામની નાનકડા જાતિનો સમૂહ છે. તેમની સંખ્યા ફક્ત ૧૩૦૦ જ છે. અહીં તેઓ કબીલામાં રહે છે. દરેક કબીલાની મિલકત સ્ત્રીની જ હોય છે. પુરુષ અહીં મિલકતનો માલિક બની શકતો નથી.

મેઘાલયમાં ખાસી જાતિ જે માતૃસત્તાક સમાજ ધરાવે છે તેની જેમ જ ગારો નામની જાતિ છે જે તિબેટિયન બર્મીસ વિસ્તારમાં છે. નાની દીકરીને મિલકત મળે અને વંશ પરંપરા ચાલે પણ પુરુષો સમાજના નિયમો ઘડે અને મિલકતને સાચવે.

પુરુષ લગ્ન કરીને સાસરે જાય અને બહાર કામ ન કરે. ઓપન મેરેજની પ્રથા અહીં છે, પુરુષ અને સ્ત્રી લગ્નમાં રહેવા ન માગે તો સમાજમાં નાલેશી થતી નથી. તેઓ સરળતાથી છૂટા પડી શકે છે. ન્યૂ ગિનિના પશ્ચિમે આવેલો બોગનવિલે ટાપુ પર નાગોવિસિ નામની જાતિ પણ માતૃસત્તાક સમાજ વ્યવસ્થા ધરાવે છે. અહીં લગ્ન પ્રથા નથી. સ્ત્રી પુરુષ પોતાની મરજીથી સાથે રહી શકે છે.

એસ્ટોનિયાના તટથી સાત કિલોમીટરે આવેલો કિનુ ટાપુ પર સમાજની દરેક વ્યવસ્થા સ્ત્રીઓ સંભાળે છે. અહીં પુરુષો વરસનો મોટાભાગનો સમય માછલી પકડવા માટે બહાર જ રહેતો હોવાથી સ્ત્રીઓ જ ટાપુની દરેક વ્યવસ્થા અને સત્તા ચલાવે છે.

આપણે ત્યાં મોટાભાગના પુરુષો કહેતાં હોય છે કે અમારા ઘરમાં તો એમનું જ એટલે કે પત્નિનું જ રાજ ચાલે છે, પણ સ્ત્રીને પોતાની મિલકત પર કોઈ અધિકાર ખરેખર હોતો નથી. નાનામાં નાનો નિર્ણય પણ સ્ત્રી પોતાના માટે પણ લઈ શકતી નથી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuitnFWUcsbwLnbkv_Yu-tPHXMEC5ogW4mEV%3DfMrSyhdQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment