Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પક્ષપલટો તો થાય પણ આમ નહીં... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પક્ષપલટો તો થાય પણ આમ નહીં!
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

amdavadis4ever@yahoogroups.com૨૦૧૯ ચૂંટણીનું વરસ છે એવું ગાજવીજ સાથે છેલ્લા એકાદ વરસથી આપણને કહેવામાં આવે છે. ૨૦૧૯ જ કંઇ ચૂંટણીનું વરસ નથી. ૭૦ વરસના સ્વાતંત્ર્યોત્તર કાળમાં એકેય વરસ એવું નથી ગયું કે જ્યારે ચૂંટણી યોજાઇ ન હોય! દર વરસે કોઇને કોઇ ચૂંટણી થતી જ રહે છે. કાં તો એ સંસદની હોય, વિધાનસભાની હોય કે છેલ્લે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય! રાજકીય પક્ષો સતત ચૂંટણીમાં જ રોકાયેલા હોય છે અને 'હિંદસ્વરાજ' માં ગાંધીજીએ કહ્યું છે એમ આ રાજકીય પક્ષો અને એમના નેતાઓ પ્રજાકલ્યાણનું ઓછું અને મોટે ભાગે આવી રહેલી ચૂંટણી જીતવાનું કામ કરવામાં જ રોકાયેલા હોય છે.

ચોમાસામાં જેમ દેડકાંઓ ફૂટી નીકળે અને ડ્રાંઉંડ્રાંઉં કરતાં આમથી તેમ કૂદાકૂદ કરવા માંડે છે એ જ પ્રાકૃતિક નિયમ પ્રમાણે ચૂંટણીનો ઢોલ વાગે કે તરત જ રાજકીય નેતાઓ પોતાના ખેસની અદલાબદલી કરવા માંડે છે. પક્ષપલટો એવો તો સહજ લાગે છે કે પેલી ગામઠી કહેવત યાદ આવી જાય- નાગાની પૂંઠે બાવળિયો તો કહેશે કે છાંયો થયો! વ્યક્તિ તો ઠીક પણ પક્ષોય એવા નાસિકાહીન થઇ ગયા છે કે વેશ્યાની જેમ ગ્રાહક બદલતા નેતાઓને આવકારે છે એટલુ જ નહીં એમને હોદ્દો આપે છે - ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર બનાવે છે- જેમણે લાંબા સમયથી પોતાના જ પક્ષમાં વફાદારીપૂર્વક કામ કર્યું છે એમને ઉવેખીને આ સર્વોચ્ચ નેતાઓ પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવવા પેલા વસ્ત્રહીન દેડકાને (દેડકા તો એવા જ હોય!) બાથ ભરીને ભેટે છે! આવા એક દેડકાને હું જાણુ છું જે પૂરાં ત્રીસ વરસ સુધી મ્યુનિસિપલ કોર્પોરેટર રહ્યો હતો. આ ત્રીસ વરસમાં દરેક વખતે એનો રાજકીય ખેસ જુદો જુદો હતો. કૉંગ્રેસ, સંસ્થા કૉંગ્રેસ, ઇંદિરા કૉંગ્રેસ, રાષ્ટ્રીય કૉંગ્રેસ, ભાજપ, સ્થાનિક પક્ષ અને અપક્ષ સુધ્ધાં એમ એણે દર ચૂંટણીએ સાત પક્ષ બદલ્યા હતા- દરેક પક્ષે એમને આવકાર્યા હતા. કારણ કે આ મહાશય પાસે પોતાની જ્ઞાતિની મતબેંક હતી. અને કોઇ પણ પક્ષ કે અપક્ષ હોય આ મતબેંક એમને જ ચૂંટી કાઢતી. પોતાની જાતને આ મહાશય 'અપક્ષના ઉમેદવાર' તરીકે ઓળખાવતા! ચૂંટણી ટાંકણે પક્ષપલટો કરીને વિપક્ષે જનારાઓ તથા આવા પક્ષપલટુને હોંશભેર આવકારનારાઓ વિશે કોઇકે અભ્યાસ કરવા જેવો છે. આવી અદલાબદલીમાં નાણાકીય વ્યવહાર તો થયો જ હોય પણ એ ઉપરાંત પક્ષની ટિકિટ તથા કોઇક પ્રકારના પદની પણ ગણતરી થતી હોય છે. આ પક્ષપલટા માટે મોટે ભાગે લગભગ એકસરખું જ કારણ આગળ ધરવામાં આવે છે. પક્ષના નીતિનિયમો કે સિદ્ધાંતની તો આમાં કોઇ વાત જ હોતી નથી. 'પક્ષમાં લોકશાહી નથી. મારો અવાજ કોઇ સાંભળતું નથી. મને ગૂંગળામણ થાય છે. ઇત્યાદિ લગભગ એકસરખાં બહાનાં જ પોતાના કૃત્યને વાજબી ઠેરવવા માટે કાઢવામાં આવે છે. જેઓ ગઇ કાલે કટ્ટર શત્રુઓ હતા અને જેઓએ પરસ્પરને ભરપૂર ગાળો ભાંડી હતી તેઓ હાથના અંકોડા ભીડીને બેઉ હાથ ઊંચા કરીને તસવીરો ખેંચાવે છે.

આનો અર્થ એવો નથી કે વૈચારિક રીતે માણસમાં કશું જ પરિવર્તન થાય જ નહીં. આજે મારી પાસે જ્ે કંઇ માહિતી હોય અથવા જે કંઇ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એના આધારે મારો મત નક્કી કરીને હું અમુકતમુક પક્ષ સાથે જોડાયેલો હોઉં છું. આવતી કાલે મારી આ માન્યતાઓ ભ્રામક હતી એવું નિરસન થાય ત્યારે જો ખરેખર જ મને એમ લાગે કે હું ખોટા પક્ષે છું ત્યારે મને લાધેલી સચ્ચાઇના પક્ષે જવામાં કોઇ દોષારોપણ નથી. આવા વખતે માનસિક ધર્મસંકટ અવશ્ય પેદા થાય છે પણ મૂળ વાત સચ્ચાઇની છે.

આવું ધર્મસંકટ જ્યારે પેદા થાય ત્યારે માણસે શું કરવું જોઇએ એ વિશેનાં કેટલાંક ઉદાહરણો આપણા જીવનગ્રંથો રામાયણ અને મહાભારતમાંથી શોધીને તપાસવા જેવાં છે. વિભીષણ આમાં સહુથી વધુ ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે. રાવણે દુષ્કર્મ આચર્યું અને રાવણના પક્ષે અધર્મ છે એવું વિભીષણને લાગ્યું ત્યારે એણે શરૂઆતમાં નિર્ભિકતાથી રાજસભામાં જ પોતાનો મત આપ્યો છે. રાવણે એ મત સ્વીકાર્યો નથી અને એણે આ મતની હાંસી ઉડાવી. વિભીષણને અપમાનિત પણ કર્યો. અહીં વિભીષણે પક્ષપલટો કર્યો. રામના પક્ષે ધર્મ હતો પણ એનો અર્થ એવો નથી થતો કે વિભીષણ પોતાના દેશ, કુળ તથા પરિવારનો દ્રોહ કરીને એનો નાશ કરવા સુધી વિપક્ષે જાય. વિભીષણે યુદ્ધમાં જો રામની સહાય કરી ન હોત તો રામનો વિજય થયો હોત ખરો? એવો પ્રશ્ર્ન પણ પૂછી શકાય. એટલું જ નહીં, હજુ તો યુદ્ધ શરૂ જ નહોતું થયું ત્યાં વિપક્ષે જઇને વિભીષણે રાવણના વધ પછી લંકાનું રાજ્ય પોતાને મળે એવું રાજતિલક પણ કરાવી લીધું હતું. કુંભકર્ણ પણ રાવણનો સગો ભાઇ છે. એણે પણ રાવણના કૃત્યને વખોડી કાઢ્યું હતું પણ પછી હવે જ્યારે યુદ્ધ આવી જ પડ્યું છે ત્યારે રાજ્ય, કુળ તથા પરિવારનું રક્ષણ કરવા માટે એ રાવણના પક્ષે રહીને પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે. ક્યાંય પક્ષપલટો કરતો નથી. મહાભારતમાં પણ બરાબર આવું જ જોઇ શકાય છે. વિદુર હસ્તિનાપુરના મંત્રી છે અને આ મંત્રીપદને કારણે મહાયુદ્ધને ટાંકણે કૌરવ પક્ષે રહીને હસ્તિનાપુરનું રક્ષણ કરવું એ એમનો ધર્મ હતો. વિદુરજી દુર્યોધનનાં પક્ષે ધર્મ નથી એ સત્યનો સાક્ષાત્કાર થયા પછી પાંડવ પક્ષે જતા નથી. દુર્યોધનના પક્ષે જો પોતે રહી શકે એમ ન હોય તો વિપક્ષે તો જઇ શકાય જ નહીં. પોતે હસ્તિનાપુરના મંત્રી હતા એટલે મંત્રી તરીકે યુદ્ધને ટાણે નિષ્કર્મ પણ રહી શકાય નહીં. વિદુરે મંત્રીપદનો ત્યાગ કર્યો, વિપક્ષે તો ગયા જ નહીં- સામા પક્ષે ધર્મ છે એ જાણવા છતાં અને તીર્થયાત્રાએ નીકળી ગયા. બળરામનું ઉદાહરણ પણ અહીં ટાંકવા જેવું છે. બળરામ માનતા હતા કે અધર્મ પાંડવ પક્ષે પણ આચરાયો જ છે. યુધિષ્ઠિરે દ્યુત રમીને બધું ગુમાવ્યું એમાં દુર્યોધનનો શો દોષ? એટલું જ નહીં, કૃષ્ણ પાંડવ પક્ષે હતા એટલે પોતે જો કૌરવ પક્ષે જાય તો કૃષ્ણ સામે જ લડવું પડે. આ સ્થિતિ બળરામ માટે અસહ્ય હતી એટલે યુદ્ધ વેળાએ કોઇનો પક્ષ લીધા વિના એ તટસ્થ રહ્યા. (બળરામ અને કૃષ્ણ બન્ને યાદવ હતા. બન્ને ભાઇઓ હતા. આજે મુલાયમ અને અખિલેશ પણ યાદવ છે, પિતા-પુત્ર છે અને આમ છતાં પરસ્પર તલવારો તાણીને ઊભા છે. યાદવી પતનનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.)

આજના પક્ષપલટુઓને આવું કોઇ ધર્મસંકટ હોતું નથી. એમની સાથે આ ધર્મ શબ્દને સાંકળવો એ જ પીડાદાયક પરિસ્થિતિ છે. એમને કોઇ સંકટ પણ હોતું નથી. એમને મન તો તરી જવાનો આ અવસર હોય છે. સાચી વાત તો એ છે કે મતદારોએ આવા પક્ષપલટુઓને જાકારો આપવો જોઇએ. કોઇ પક્ષ કે વ્યક્તિ જો એવું માનતા હોય કે પોતે પક્ષપલટા પછી પણ હોદ્દા ઉપર ટકી રહેશે તો એમને પૂંઠે લાત મારવી એ પ્રજાનો ધર્મ બની જાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuioLg2JOJ2dY%2BaqaAg87d7Eff3RWGAzYch2GXyU32Y5g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment