| 
આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાંના સમયકાળ સુધી ભારતમાં હિન્દુઓના મોટા ભાગના બાળકોના અભ્યાસનો ક્રમ સામાન્ય રીતે વસંત પંચમીના દિવસથી શરૂ થતો હતો. એને વિદ્યારંભ સંસ્કાર કહેવામાં આવતો હતો. પશ્ર્ચિમ બંગાળ, ઓડીશા અને બિહારના મિથલાંચલ ક્ષેત્ર તથા ઉત્તર-પૂર્વમાં આસામ સહિત અનેક જગ્યાએ આજે પણ આ સંસ્કારની પ્રથા છે. એની પાછળ ધારણા એવી છે કે વસંત પંચમી જ્ઞાન તથા કલાની દેવી 'માં સરસ્વતી'નો જન્મદિન છે અને એટલે જ બાળકોના વિદ્યા-આરંભ માટે આ સૌથી સારો દિવસ માનવામાં આવે છે. આ વખતે વસંત પંચમી આજે (૧૦ ફેબ્રુઆરીએ) છે.
વસંત પંચમીને ઋષિ પાંચમ પણ કહેવામાં આવે છે. આ દિન વસંત ઋતુના આગમનનો પણ સૂચક ગણાય છે. દુનિયામાં ઋતુ ભલે ત્રણ કે ચાર હોય, પણ ભારતમાં છ મોસમ હોય છે અને એમાં વસંત ઋતુને તો ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. એટલે જ વસંત પંચમી ઋતુરાજના આગમનનો પર્વ ગણાય છે. એ મહા શુક્લની પાંચમના દિવસે હોય છે. ક્યાંક એને શ્રી પૂજાના રૂપમાં પણ મનાવવામાં આવે છે. ખાસ કરીને ભારતના ઓડીશા તથા પશ્ર્ચિમ બંગાળ સિવાય બંગલાદેશ, નેપાળ, ભૂતાન અને શ્રીલંકામાં પણ અલગ-અલગ રૂપમાં એ મનાવવામાં આવે છે. પાકિસ્તાનમાં વસંત પંચમીના દિવસે પતંગોત્સવનો જલસો પણ થાય છે. વસંત પંચમી અને પતંગોત્સવ વચ્ચે કોઈ સંબંધ તો નથી, પરંતુ એવું લાગે છે કે ધાર્મિક સંસ્કારો વિશેના બંધનથી બચવા ભારતમાં ઇસ્લામ ધર્મ અપનાવનારાઓએ ધર્માંતરના સમયે પતંગબાજીને જોડી દીધી હશે કે જેથી કોઈ પણ પ્રકારના ધાર્મિક બંધન વગર એની ઉજવણી થઈ શકે.
એટલે જ તો ઇસ્લામ ધર્મના અનુયાયી હોવા છતાં પાકિસ્તાન અને બંગલાદેશમાં મોટા પાયે લોકો વસંત પંચમીનો પર્વ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે. વસંત ખરા અર્થમાં પ્રકૃતિની ખુશીની અભિવ્યક્તિ તરીકે પણ ઓળખાય છે. ભારતીય ઉપખંડમાં વસંત ઋતુ એવા સમયે હોય છે જ્યારે એવું લાગે છે કે પ્રકૃતિએ જાણે શણગાર કરી લીધો. ઉત્તર ભારતમાં પંચનદી (સતલજ, વ્યાસ, રાવી, ચનાબ અને જેલમ)ના સમૂહથી લઈને ગંગા યમુનાના ક્ષેત્રો સુધી આ દિવસોમાં ચારેય બાજુએ ખેતરો સરસવના છોડથી શોભાયમાન હોય છે. એવું લાગે છે કે જાણે ચારેય કોર સોનું પથરાયેલું છે. બંગાળમાં એટલે જ એને સોનાર વસંત પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં જવ અને ઘઉંના છોડવાઓમાં દાણા ફૂટવા લાગે છે. આ મોસમમાં ઉત્તર ભારતમાં પ્રકૃતિની ખૂબસૂરતી જોતજોતામાં આકાર પામે છે. આ દિવસોમાં ખેતરો તથા બગીચાઓમાં ચારેય કોર રંગબેરંગી પતંગિયા અને મધમાખીઓ મંડરાવા લાગે છે. વસંત પંચમીની બાબતમાં એક પૌરાણિક કથા પણ છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભમાં જીવ-જંતુઓ, મુખ્યત્વે મનુષ્ય યોનીની રચના કરી હતી, પરંતુ પોતાના આ સર્જનથી તેઓ સંતુષ્ટ નહોતા. એમાં તેમને થોડી કચાશ લાગતી હતી. તેમને બધુ નિર્જીવ લાગતું હતું. એટલે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ પાસે વધુ કેટલીક રચનાની મંજૂરી માગી હતી. મંજૂરી મળતાં તેમણે પોતાના કમંડળમાંથી જળ લઈને ધરતી પર છાંટ્યું હતું. ભૂમિ પર જળના બિંદુઓ પડતાં જ ધરતીમાં સ્પંદનો થવા લાગ્યા હતા. એનાથી વૃક્ષોને એક અદ્ભુત શક્તિ પ્રદાન થઈ હતી. વૃક્ષો વધુ હર્યા-ભર્યા લાગવા માંડ્યા હતા. એ જળથી જ ચાર ભુજાવાળી એક અત્યંત સુંદર સ્ત્રી પ્રગટ થઈ હતી જેની એક ભુજામાં વીણા હતી અને બીજો હાથ વર મુદ્રામાં હતો. તેના અન્ય બે હાથોમાંથી એકમાં માળા હતી અને બીજામાં પુસ્તક હતું. એ જ હતાં 'માં સરસ્વતી'.
બ્રહ્માજીના અનુરોધ પર જ્યારે સરસ્વતીએ વીણાનો મધુરનાદ કર્યો તો સૃષ્ટિના સમસ્ત જીવ-જંતુઓ તેમ જ પ્રાણીઓને વાણી પ્રાપ્ત થઈ હતી. જળની ધારા કોલાહલ
મચાવવા લાગી હતી અને ચોમેર હવામાં સુગંધ ફેલાઈ ગઈ હતી. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતી માટે કહેવાયું છે કે...'પ્રણો દેવી સરસ્વતી વાજેભિર્વજિનીવતી ધીનામણિત્રયવત' અર્થાત્ આ પરમ ચેતના જ છે. એ આપણા જ્ઞાન, બુદ્ધિ, સમજદારી તથા મનોવૃત્તિઓની સંરક્ષિકા (સંરક્ષક મહિલા) છે. 'માં સરસ્વતી'ને આપણા સદાચાર તેમ જ ધારણા-શક્તિનો આધાર માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ 'માં સરસ્વતી'ને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિને તમારી પણ પૂજા-આરાધના કરવામાં આવશે. ત્યારથી ભારતમાં વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી 'માં સરસ્વતી'ની પણ પૂજા અચૂક કરાય છે. દેશના પૂર્વના રાજ્યોમાં વસંત પંચમી ખૂબ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે.
વસંત ઋતુમાં પ્રકૃતિની ખૂબસૂરતી જોઈને માત્ર મનુષ્ય જ નહીં, પણ પશુ-પક્ષી પણ હર્ષ તથા ઉલ્લાસમાં ડૂબેલા હોય છે. વસંત પંચમીનો પર્વ અનેક પ્રાચીન પ્રેરક ઘટનાક્રમો સાથે પણ જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં રાવણ દ્વારા સીતાના હરણ બાદ પ્રભુ શ્રીરામ તેમને શોધતા-શોધતા જ્યારે દક્ષિણ દિશામાં દંડકારણ્ય પહોંચ્યા તો ત્યાં તેમની મુલાકાત ભક્ત 'માં શબરી' સાથે થઈ હતી. શ્રીરામ 'માં શબરી'ની કુટિરમાં આવ્યા ત્યારે તેમને માતા શબરીએ ચાખી-ચાખીને રાખવામાં આવેલા મીઠા બોર ખવડાવ્યા હતા. એ સુંદર ઘટના 'શબરીના બોર' તરીકે જાણીતી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ વસંત પંચમીના દિવસે જ માતા શબરીના આશ્રમમાં પહોંચ્યા હતા. આજે પણ ગુજરાતના ડાંગ જિલ્લા ખાતેના માતા શબરીના આશ્રમમાં વસંત પંચમીના દિવસે મેળો ભરાય છે. આ ક્ષેત્રના વનવાસીઓ આ દિને એક શિલાને પૂજે છે. એ શિલા વિશે તેમનામાં એવી શ્રદ્ધા છે કે શ્રીરામ આવીને એ શિલા પર બિરાજમાન થયા હતા. એ રીતે, વસંત પંચમી સાથે અનેક કથાઓ રસપ્રદ જોડાયેલી છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvTfUzJb-v4DE%2BNLqSRF59nwCFwx7eFjKDfsTAfcjqt_Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment