આલેખ મારી ઉંમરના વાચકોએ મતલબ કે જેઓ ફિફટી પ્લસ છે એમના માટે નથી, એમણે ન વાંચવો. જેઓ હજુ હમણાં હમણાં ટીન એજમાંથી બહાર નીકળ્યા છે, જેઓ ટ્વેન્ટીઝમાં છે એમના માટે આ વાત લખી છે. ભૂલેચૂકેય જો કોઈ ફોર્ટી કે ફિફટી પ્લસવાળાએ વાંચી લીધો તો એમણે પ્રાયશ્ચિત રૂપે પોતાની નજીકના ટ્વેન્ટીઝમાં હોય એવા તરુણ-તરુણીને વાંચી સંભળાવવો.
નિવૃત્તિ એક અપ-શબ્દ છે. બેડ વર્ડ છે. ભગવાન ક્યારેય નિવૃત્ત થતો નથી. આ જગતનું એને આવડે એવું સંચાલન એ કરતો રહે છે. કુદરત ક્યારેય નિવૃત્તિ માગતી નથી. સૂર્ય રોજ ઊગે છે. કૂંપળો રોજ ફૂટે છે. માણસે છેલ્લા શ્વાસ સુધી કામ કરવું જોઈએ. બે ટંકનું ભોજન પામવાનું ઋણ એણે આ જગતને અદા કરતાં રહેવું જોઈએ. ૨૫ વર્ષે હથોડા ઝીંકીને ધાતુને ટીપી શકે એવી તાકાત બાવડાંમાં હોય અને ૬૦-૭૦-૮૦ કે ૯૦ની ઉંમરે એ તાકાત ઓસરી ગઈ હોય એવું બને. પણ એ વખતે ધાતુ પર કોતરકામ કરવાની આવડત કેળવી લેવી જોઈએ. આંખે ઝાંખપ આવી હોય કે હાથમાં ધ્રુજારી પ્રવેશી ગઈ હોય તો શરીરની એ મર્યાદા દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ- એ ઉંમરે નહીં પણ ટ્વેન્ટીઝમાં હો ત્યારથી એવી સાવધાની વર્તવી જોઈએ કે સિક્સ્ટીઝ પછી શરીર નીરોગી રહે. આમ છતાં વૃદ્ધાવસ્થામાં શારીરિક ક્ષમતાને અસર પડવાની જ છે તો જે અને જેટલી ક્ષમતા હોય એ પ્રકારે કામ શોધી લેવું જોઈએ પણ બેકાર બેસીને બગીચાના બાંકડા પર કૂથલીઓની મહેફિલ ન સજાવવી જોઈએ.
આપણા શાસ્ત્રોએ જ્યારે ચાર વર્ણાશ્રમની વાત કરી ત્યારે મનુષ્યની જિંદગીમાં કેટલીક વસ્તુઓ નહોતી. એ જમાના પ્રમાણે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમના વિભાગ બિલકુલ યોગ્ય હતા. હવે એ અપ્રસ્તુત છે. નોકરિયાતો માટે ૫૮-૬૦ કે ૬૫ની વય મર્યાદા બાંધી દેવામાં આવી છે. ત્યાર બાદ ફરજિયાત નિવૃત્તિ. પણ હવે એ જરૂરી નથી. નોકરી માટેના નિયમો બદલાશે ત્યારે બદલાશે. તમારે તમારું માઈન્ડ ટ્વેન્ટીઝમાં હો ત્યારે જ બદલી નાખવાનું છે કે નિવૃત્તિ મારા માટે હાનિકારક છે, નિવૃત્તિ મૃત્યુ છે, નિવૃત્તિ આ જગત પરનું ઋણ ચૂકવવાની જવાબદારીની છટકબારી છે.
નિયમિત કામ કરનારાઓને અનુભવ હશે કે વીકએન્ડની રજા લીધા પછી સોમવારે કામ શરૂ કરવાનું હોય ત્યારે સ્ફૂર્તિ આવવાને બદલે આળસ ચડી જાય છે. કામ કરવાનો કંટાળો આવે છે. અંગ્રેજીમાં એના માટે એક શબ્દપ્રયોગ છેઃ મન્ડે બ્લ્યુઝ. બ્લ્યુ કલર ક્યારેક ગમગીનીનો મનાયો છે મારા માટે તો એ પ્રફુલ્લિત રંગ છે, મારો ફેવરિટ છે. પણ એક દિવસ જો કામ ન કર્યું હોય તો બીજા દિવસે કામ કરવું જરા મુશ્કેલ બની જતું હોય છે. બીજે દિવસે પણ કામ ન કર્યું હોય તો ત્રીજા દિવસે શરૂ કરવું ર મુશ્કેલ બની જતું હોય છે. જેમ જેમ નિષ્ક્રિયતાના દિવસો વધતા જાય એમ એમ કહી કામ શરૂ કરવાનું કપરું બનતું જાય. મશીન કટાઈ જવા લાગે. વિજ્ઞાનની થોડી ઘણી જાણકારી ધરાવનારાઓ માટે ઈન્શિર્યા શબ્દ અજાણ્યો નથી. આપણે ઝાઝી વિગતમાં ઊતરવું નથી પણ એટલું સમજવું પૂરતું છે કે સ્થિર પૈડાને લટકાવીને એને એક વખત ગતિ આપો તો એ એની મેળે, પોતાનામાંથી જ ઊર્જા પેદા કરીને ફરતું રહે. આવાં ઘણાં મિકેનિકલ રમકડાં તમે જોયાં હશે જેને એક વખત જોર આપ્યા પછી, જ્યાં સુધી રોકો નહીં ત્યાં સુધી, ચાલ્યા જ કરે.
શરીરમાં પણ આવું કોઈ અદ્રશ્ય બળ હોવું જોઈએ જેને એક વખત ધક્કો આપો તો એ પોતાની ઊર્જા આપમેળે પેદા કરીને કામ કરતું રહે. પણ જો એને અટકાવી દો તો ફરી ચાલુ કરવા બમણી તાકાત લગાવવી પડે. રોજેરોજ લેખ લખનારાઓને અનુભવ હશે કે એક દિવસ ન લખાયું તો લખવાની રિધમ તૂટી જવાને લીધે બીજા દિવસે લખવું કપરું બની જતું હોય છે. એક લેખકને પૂછવામાં આવ્યું કે તમે રોજેરોજ રેગ્યુલરલી લખો છો એનું રહસ્ય શું? લેખકે જવાબ આપ્યોઃ હું રેગ્યુલરલી લખું છું એટલે જ રેગ્યુલરલી લખી શકું છું. વચ્ચે વચ્ચે રજા લેતો હોત તો મારી આ નિયમિતતા જળવાતી ન હોત.
નિવૃત્તિ તમારા જીવનની નિયમિતતા પર મરણતોલ પ્રહાર કરે છે. ફિઝિકલ નિવૃત્તિ કરતાં પણ વધારે ખતરનાક નિવૃત્તિનો વિચાર છે. સાઠ-પાસઠ વર્ષ પછી હીંચકે બેસીને છાપાં વાંચીશું અને પ્રભુની ભક્તિ કરીશું એવી માનસિક્તા કોઈપણ ઉંમરે મનમાં પ્રવેશવી ન જોઈએ.
વીસ-પચીસની ઉંમરે જ તમારે નક્કી કરી લેવાનું હોય કે કમ વોટ મે, હું નિવૃત્તિ નહીં લઉં, હું મારા માટે કે મારા સમાજ માટે નકામો નહીં બનું અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ, નક્કર પ્રવૃત્તિ કરતો રહીશ, શરીરને કેપેસિટી મુજબ જે કંઈ શક્ય હશે તે કામ કરતો રહીશ.
અને તમારા શરીરની કેપેસિટી બે જ જણના હાથમાં છે તમારા અને ભગવાનના. ભગવાનને એનું કામ કરવા દઈએ. આપણે આપણું કામ કરીએ. શરીરનું આ મોડેલ પૂરા ૧૦૦ વર્ષ ચાલે એવું બનાવવામાં આવ્યું છે. સૌ વર્ષ જીવવાનો નિર્ધાર કરવાનું મન ત્યારે જ થશે જ્યારે સંકલ્પ લેવાશે કે જીવીએ ત્યાં સુધી કાર્યરત રહેવું છે- કે.કા. શાસ્ત્રીની જેમ, ખુશવંત સિંહની જેમ કે પછી દેગી મિર્ચ વેચતા બાપાજીની જેમ.
શતાયુ થવાના આશીર્વાદ ત્યારે જ આશીર્વાદ જેવા લાગે જ્યારે મનમાં એવી કોઈ ભાવના ન હોય કે અમુક ઉંમરે કામકાજમાંથી પરવારીને નિવૃત્તિ લઈ લેવી છે. સો વર્ષ સુધી જીવવાનો દૃઢ સંકલ્પ હશે તો આપોઆપ તમે ટ્વેન્ટીઝમાં જ તમારા શરીરની, તમારા મનની એકસ્ટ્રા કેર લેતા થઈ જશો. તમારી પાસે, તમારા હાથમાં ચાનો કે ઠંડા પીણાંનો ડિસ્પોઝેબલ કપ હશે. કાગળનો કે પ્લાસ્ટિકનો તમે એની કેટલી કાળજી લેશો? અને તમારા હાથમાં ક્રિસ્ટલનો ગ્લાસ હશે તો કેટલી કાળજી લેશો? એ ગ્લાસ તમને તમારા બાપદાદાઓ પાસેથી મળ્યો છે. તમારા માટે એ કૌટુંબિક ગૌરવ સમો છે, હેરિટેજ છે, એરલૂમ છે. તમે એને વારસામાં આપી જવાના છો. પ્લાસ્ટિકની ચાની પ્યાલીમાં અને આ ક્રિસ્ટલ ગ્લાસમાં જે ફરક છે એની તમને ખબર છે. શરીરની જાળવણી એ જ રીતે કરવાની છે એની પણ તમને ખબર છે. ટ્વેન્ટીઝ ઉંમરનો એ ગાળો છે જ્યારે તમારે તમારાં આવતાં ૭૦-૮૦ વર્ષ વિશે વિચારી લેવાનું હોય. વૃદ્ધાવસ્થાનું પ્લાનિંગ એટલે પેન્શનની ગણતરી નહીં, ઈન્વેસ્ટમેન્ટનું વ્યાજ કેટલું આવશે એના સરવાળા-ગુણાકાર નહીં. વૃદ્ધાવસ્થાનું પ્લાનિંગ એટલે એ ઉંમરે હું મારી ૨૪ કલાકની જિંદગીમાં મેક્સિમમ સમય કઈ કઈ પ્રવૃત્તિઓમાં ગાળીશ એની કલ્પના. વૃદ્ધાવસ્થા નિવૃત્તિ માટે નથી ભરપૂર પ્રવૃત્તિઓ માટે છે એવી સભાનતા જો અત્યારે જ, તમે ટ્વેન્ટીઝમાં છો ત્યારે જ, જો મનમાં જડબેસલાક બેસી ગઈ હશે તો મોટી ઉંમરે તમે સિનિયર સિટીઝન તરીકે સમાજ પર ભારરૂપ નહીં બનો, કુટુંબ માટે કચકચિયા નહીં બનો, તમારા પોતાના માટે પ્રાર્થના કરતાં નહીં થઈ જાઓઃ હે પ્રભુ, હજુ કેટલા દિવસ! અને કોઈ દિવસ આવું ભજન નહીં ગાળો કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ ય સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માગે!
– પાન બનાર્સવાલા
– તમારી ઉંમર કેટલી છે એનું મહત્ત્વ નથી, એ ઉંમર સુધી તમે કેવી રીતે પહોંચ્યા છો અને હવે આ ઉંમરે તમે શું કરી રહ્યા છો એ અગત્યનું છે. – અજ્ઞાત |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtHVwj9niWFcPMOO2%3DduH1_802%2BCEYV%3DHEBaWokLav1Fw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment