રસીકરણ માનવજાતને ચેપી રોગોથી બચાવવાનો ઘણો જ સસ્તો, સરળ અને અસરકારક ઉપાય છે; પરંતુ આજે પણ ભારતનાં લાખો બાળકો એનાથી વંચિત રહી જાય છે. આજથી શરૂ થતા વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીકમાં ચાલો પ્રતિબદ્ધ બનીએ કે આપણાં બાળકોને સંપૂર્ણ રસીકરણ આપીશું અને ફક્ત તેમને જ નહીં, તેમના થકી દેશ અને દુનિયાની પ્રગતિમાં આપણો ફાળો નોંધાવીશું. જ્યારે દુશ્મન સામે લડવાનું હોય ત્યારે સુસજ્જ થવું ખૂબ જરૂરી છે. રસીકરણથી રોગો સામે લડવાની સજ્જતા આવે છે. દુશ્મનનો આપણને પરિચય હોય તો તેની સામે કઈ રીતે લડવું એ આપણે સમજી શકીએ છીએ. આ સિદ્ધાંત પર કામ કરતું રસીકરણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પોતાના દુશ્મન વાઇરસ અને બૅક્ટેરિયાથી અવગત કરાવે છે. રસીને કારણે ભવિષ્યમાં જ્યારે આ વાઇરસ કે બૅક્ટેરિયા આપણા પર અટૅક કરે ત્યારે શરીરને ખબર હોય કે એની સામે કઈ રીતે લડી શકાય. આ રીતે બાળકની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રૉન્ગ બને છે અને બાળક રોગથી બચે છે. જો બાળક રસી લે નહીં તો જ્યારે પણ આ વાઇરસ કે બૅક્ટેરિયાનો અટૅક તેના પર થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ માટે એ નવો દુશ્મન છે જેને લીધે રોગપ્રતિકારક શક્તિ એની સામે લડવા માટે તૈયાર થાય ત્યાં સુધીમાં શરીર પર એની અસર ચોક્કસ છોડે છે, જેને લીધે બાળકને રોગનો ભોગ બનવું પડે છે.
ઉજવણી રસીઓ ચેપી રોગથી વ્યક્તિને જ નહીં; સમગ્ર સમાજ, દેશ અને દુનિયાને બચાવે છે. જેટલા પણ રોગની રસી બની છે એ બધા જ મોટા ભાગે ચેપી રોગ છે એટલે કે એક વ્યક્તિને થાય અને એમાંથી બીજાને ફેલાય. જો રસી આપવામાં આવે તો એ રસી દ્વારા આપણે એક વ્યક્તિને જ નહીં, સમગ્ર કમ્યુનિટીને આ રોગથી બચાવતા હોઈએ છીએ. એટલે જ રસીકરણને સરકાર આટલું મહત્વ આપે છે. એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું સમગ્ર દુનિયામાં વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક તરીકે ઊજવાય છે. આ વર્ષે ૨૪થી લઈને ૩૦ એપ્રિલ સુધી એ ઊજવાશે. આમ આજથી શરૂ થઈ રહેલા વીકની ઉજવણી માટે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ એમાં પણ ખાસ કરીને સંપૂર્ણ રસીકરણ સંબંધિત જાગૃતિ ફેલાવવામાં આવશે.
દુનિયા પર અસર એ વાતમાં કોઈ શંકા નથી કે દુનિયામાં લોકોની હેલ્થની સંભાળ રાખવા અને તેમને રોગોથી બચાવવા માટે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ જેટલા ઓછા ખર્ચમાં અકસીર સાબિત થતી પદ્ધતિ બીજી કોઈ નથી. દર વર્ષે રસીકરણને લીધે વીસથી ત્રીસ લાખ બાળકોને ડિપ્થેરિયા, ટિટનસ, પર્ટ્યુસિસ અને મીઝલ્સ જેવા રોગોથી થતાં મૃત્યુને ટાળવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન માને છે કે રસીકરણ ન્યુમોનિયા, ડાયેરિયા, પોલિયો કે મીઝલ્સ જેવા ચેપી રોગો અને એની સાથે જોડાયેલા મૃત્યુના રિસ્કને ઓછું તો કરે જ છે સાથે-સાથે દરેક દેશના શૈક્ષણિક અને આર્થિક વિકાસમાં પણ એટલું જ ઉપયોગી સાબિત થાય છે. તેમના ગ્લોબલ વૅક્સિન ઍક્શન પ્લાન હેઠળ ૨૦૨૦ સુધીમાં રસીકરણ દ્વારા લાખો લોકોના જીવને બચાવવાનું બીડું વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને હાથમાં લીધું છે; જે અંતર્ગત રૂટીન રસીકરણના પ્લાનને મજબૂત કરવું, રસી સંબંધિત રોગો પર સંપૂર્ણ કન્ટ્રોલ લેવો જેની શરૂઆત પોલિયોને જડમૂળથી ખતમ કરીને કરવી, નવી રસીઓ શોધવી અને કાર્યરત કરવી અને આ દિશામાં નવાં રિસર્ચ કરવાં અને નવી ટેક્નૉલૉજી દ્વારા આધુનિક રસીકરણની દિશામાં આગળ વધવું જેવાં કામોને હાથમાં લેવામાં આવશે.
ભારતમાં અસર દુનિયામાં રસીકરણથી વંચિત રહી જનારાં બાળકોની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે. ભારતમાં ૮૯ લાખ બાળકો દર વર્ષે બધી જ જરૂરી રસીઓ લેતાં નથી અને ૧૭ લાખ બાળકો કોઈ પણ પ્રકારની એક પણ રસી લેતાં નથી. ભારતમાં ૯.૯ લાખ નવજાત બાળકો દર વર્ષે જન્મ પછીના પહેલા જ વર્ષમાં મૃત્યુ પામે છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ લૉન્ચ કરવામાં આવ્યું છે, જેમાં હાલમાં ચાર નવી વૅક્સિન ઉમેરવામાં આવી છે.
ભ્રમ છોડો, સંપૂર્ણ રસીકરણ અપનાવો જે બાળકો હૉસ્પિટલમાં નહીં અને ઘરે આયાની મદદથી જન્મે છે તેમના સિવાયનાં બધાં જ બાળકો, જેમનો જન્મ હૉસ્પિટલમાં થયો છે, તેમને જન્મ સમયની રસી લગભગ મળી જ જાય છે. એનું કારણ છે કે જન્મ સમયે તો બાળકના રસીકરણની ફરજ હૉસ્પિટલની હોય છે, પરંતુ એક વખત ઘરે લઈ ગયા પછી સમયે-સમયે બાળકને રસી અપાવવાની જવાબદારી માતા-પિતાની છે. એમાં ચૂક થઈ રહી છે એટલે જ ઘણાં બાળકો રસીથી વંચિત રહી જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, 'ઘણાં માતા-પિતા એવું માનતાં હોય છે કે રસી અપાવવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જે વાત તદ્દન મિથ્યા છે. હકીકત એ છે કે રસી બાળકને રોગ સામે રક્ષણ આપવાનો યોગ્ય માર્ગ છે. રસીકરણ દ્વારા તમે બાળકનું ભવિષ્ય અને તેની હેલ્થ બન્ને સુરક્ષિત કરો છો. એટલે એ અપાવવી જરૂરી છે.'
ઍન્ટિબાયોટિક રેઝિસ્ટન્સથી બચાય વૅક્સિનથી ચેપી રોગોથી બચી શકાય છે, પરંતુ એનો એક બીજો પણ ફાયદો છે. હાલમાં ડ્રગ રેઝિસ્ટન્સ દુનિયામાં ખૂબ મોટો પ્રૉબ્લેમ ગણાય છે. ઍન્ટિબાયોટિક દવાઓના ખોટા, અપૂરતા કે બિનજરૂરી ઉપયોગને કારણે બૅક્ટેરિયા વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બનતા જાય છે અને એને લીધે એમને મારવા માટે જૂની દવાઓ કામ લાગતી નથી અને વધુ ને વધુ નવી સ્ટ્રૉન્ગ દવાઓની જરૂર પડે છે. આ બાબતને સમજાવતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, 'એક સમય એવો આવે છે કે બૅક્ટેરિયા એટલા સશક્ત થઈ જાય છે કે કોઈ પણ દવાઓ તેમના પર કામ કરતી જ નથી. જો રસીકરણ થાય તો રોગ જ ન થાય અને એને કારણે ઍન્ટિબાયોટિકનો ઉપયોગ જ ઘટી જાય છે. ડ્રગ રેઝિસ્ટન્સનો પ્રૉબ્લેમ ઘટાડવા માટે ઍન્ટિબાયોટિકના પ્રૉબ્લેમને ઓછો કરવો જરૂરી છે, જે રસીકરણને લીધે શક્ય છે. આમ ભવિષ્યના મોટા પ્રૉબ્લેમ્સ રસીકરણથી દૂર થઈ શકે એમ છે.'
પરિણામો અને પ્રગતિ ૧. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પાસે જે છેલ્લી ગણતરી હાથ ધરવામાં આવી હતી એ મુજબ ૨૦૧૫માં ૧૧૬ મિલ્યન એટલે કે કુલ બાળકોના ૮૬ ટકા જેવાં બાળકોને DTP૩ એટલે કે ડિપ્થેરિયા, ટિટનસ અને પર્ટ્યુસિસની રસી આપવામાં આવી હતી અને તેમને ગંભીર માંદગી; જે ક્યારેક મૃત્યુમાં પણ પરિણમી શકે છે એમાંથી બચાવવામાં આવ્યાં હતાં. પરંતુ ૧૯.૪ મિલ્યન બાળકો આ રસીથી વંચિત રહી ગયાં હતાં.
૨. મેનિન્જાઇટિસ નામનો મગજનો રોગ, જે આફ્રિકન દેશોમાં ઘણો પ્રબળ હતો એની રસી ૨૦૧૦થી શરૂ કરવામાં આવી હતી જેને કારણે આ રોગ પર ઘણોખરો કાબૂ લઈ શકાયો છે અને આજે આ રોગ અહીંથી લગભગ ખતમ થવાની અણી પર છે.
૩. મીઝલ્સ; જેને આપણે ઓરી કહીએ છીએ એ ચેપી રોગને લીધે તાવ આવી જતો, રૅશ આવતા, ક્યારેક વ્યક્તિને અંધાપો પણ આવી શકતો તો ક્યારેક એને કારણે લોકો મરી જતા હતા. ૨૦૦૦માં ઓરીથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૬,૫૧,૬૦૦ હતો, જ્યારે ૨૦૧૫માં આ આંકડો ૧,૩૪,૦૦૦ પર આવ્યો હતો. આમ ૧૫ વર્ષમાં ૭૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૬માં અમેરિકા દુનિયાનો પહેલો દેશ બન્યો, જે સંપૂર્ણ રીતે ઓરીમુક્ત બન્યો હતો.
૪. રસીકરણને કારણે ટૂંક સમયમાં જ સમગ્ર દુનિયા પોલિયોમુક્ત બનશે એવી આશા સેવાઈ રહી છે, કારણ કે આ વાઇરસ ફક્ત ત્રણ દેશોમાં જ હાલમાં જોવા મળી રહ્યો છે; જે દેશ છે પાકિસ્તાન, નાઇજીરિયા અને અફઘાનિસ્તાન. બાકીની સમગ્ર દુનિયા હાલમાં પોલિયોમુક્ત બની ચૂકી છે.
૫. ૨૦૧૬માં સાઉથ-ઈસ્ટ એશિયાના વિસ્તારોમાંથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને થતા રોગ ટિટનસથી મુક્તિ મેળવવામાં સફળતા મળી હતી. ૬. હાલમાં જે નવી રસીઓ ટૂંક સમયમાં આવશે એમાં ડેન્ગી અને મલેરિયાની રસીઓ ખાસ છે, જેમાંથી ડેન્ગીની રસીઓ હાલમાં અમુક દેશોમાં શરૂ થઈ ચૂકી છે; જ્યારે મલેરિયાની રસી ૨૦૧૮ સુધીમાં શરૂ થઈ જશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou58Puy%3D84yNgs%3Doc7mo9hib%2BYkwKai%2BvxXTj-j834cHQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment