Friday, 8 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પાકિસ્તાનમાં વીર નર્મદ પાકે ખરો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાકિસ્તાનમાં વીર નર્મદ પાકે ખરો? હા, હા, હા! એનું નામ: હસન નિસાર!
ગુણવંત શાહ

 

 

 

 

જો લંકામાં વિભીષણ હોઈ શકે તો પાકિસ્તાનમાં હસન નિસાર જેવો નિર્ભય, નિખાલસ અને સત્યપ્રિય એવો વિચારક કેમ ન હોઈ શકે? આ એક વિચિત્ર ખોપરીનો અને આખાબોલો મુસલમાન છે, જે સાચું બોલતી વખતે જરાય ગભરાતો નથી અને ધરાઈને મુલ્લાઓના પછાતપણાને ભાંડતી વખતે કડક શબ્દોમાં ઉર્દૂ જબાનમાં વિચારની ધાર કાઢે છે. માનશો? એ હજી જીવે છે! એ ટીવી પર આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહે છે: 'પાકિસ્તાનને એક નરેન્દ્ર મોદીની જરૂર છે.' એ કહે છે: 'મને જૂઠું બોલવાનું ફાવતું જ નથી.' આવા સત્યનિષ્ઠ માણસના થોડાક શબ્દો સાંભળવા જેવા છે:


'ભારત અને પાકિસ્તાન વચ્ચે તો અમેરિકા અને કેનેડા વચ્ચે હોય એવા મજાના સંબંધો હોવા જોઈએ. ભારતમાં બનેલી કેટલીય વસ્તુઓ દેશ-દેશાંતર ફરી ફરીને આપણા પાકિસ્તાનમાં વેચાવા માટે આવે છે તેથી મોંઘી પડે છે. જહાંગીરનો દીકરો જીવલેણ બીમારીમાં ફસાયો ત્યારે એને બચાવનાર થોમસ રો પર ખુશ થઈને એના વજન જેટલું સોનું આપવાનો પ્રસ્તાવ બાદશાહે મૂક્યો. થોમસ રોએ સોનું લેવાની ના પાડી, પરંતુ પોતાના દેશને જહાંગીર પાસે વેપારની કરવાની મંજૂરી માગી લીધી. આ ખરો દેશપ્રેમ ગણાય. આપણો દેશ પાકિસ્તાન તો લૂંટારાઓનો દેશ છે. મુલ્લાઓ અને જમીનદારોએ પાકિસ્તાનની અવામને લૂંટવાનું કામ કર્યું છે. એમણે આપણું માંસ તો ખાઈ લીધું છે અને હવે આપણી હડ્ડીઓ પણ ચૂસી રહ્યા છે. આગ લાગી છે, પણ ઘરના ચિરાગથી!'


'પાકિસ્તાનમાં ક્યારેય લોકતંત્ર હતું જ નહીં. લોકતંત્રના ઓઠા હેઠળ જે જે લોકો આવ્યા (નવાજ શરીફ, ભુટ્ટો ઇત્યાદિ) તે સૌએ પોતાનાં ખિસ્સાં જ ભર્યાં છે. અન્ય જે તાનાશાહો આવ્યા એમની લાલચુ હરકતોથી પણ પાકિસ્તાન બચી નથી શક્યું. દેશ આઝાદ થયો ત્યારે બ્રિટિશ લશ્કર બે ભાગમાં વહેંચાયું. જે સૈનિકો ભારતમાં ગયા તે પ્રમાણમાં સારા હતા, પરંતુ જે લોકો આપણા દેશમાં આવ્યા તે નીચ કક્ષાના હતા. એમણે આપણા દેશને ફોલી ખાધો.'


'મુસ્લિમોનો ઇતિહાસ તપાસો, તો કેવળ ડંફાસ જ સાંભળવા મળશે. હજારેક વર્ષથી મુસ્લિમ શાસકોએ એકબીજાનાં ડોકાં કાપવા સિવાય બીજું કર્યું છે શું? અને આપણે આપણી સ્કૂલોમાં આપણા ભવ્ય ઇતિહાસની ગુલબાંગ હાંક્યે રાખીએ છીએ, જે સદંતર જૂઠી છે. એક વાત આપણે કાયમ યાદ રાખવી જોઈએ કે જે સમાજ ઇતિહાસને મચડે છે, તે સમાજને ઇતિહાસ કચડે છે. આપણા મુલ્લાઓએ લોકોની નજર વિજ્ઞાન તરફથી હટાવીને મજહબ તરફ વાળી છે. પરિણામે પાકિસ્તાનની ઘોર ખોદાઈ ગઈ છે.


મને પાકિસ્તાનનો એક આદમી બતાવો, જેણે દુનિયાને કશુંક આપ્યું હોય. આપણે કોઈ દવા શોધી? અરે! આપણે કારનો કાચ સાફ કરવાનું વાઇપર પણ શોધ્યું? આપણે બોલપેનનો પોઇન્ટ પણ શોધી શક્યા ખરા? આપણે દુનિયાને આપ્યું શું? ફક્ત અને ફક્ત આતંકવાદ! એક અબજ અને ચાલીસ કરોડ મુસલમાનો પર દુનિયા થૂંકે છે, તેનું કોઈ તો કારણ હશે ને? આપણને આખી દુનિયા 'આતંકવાદી' કહે છે, એ શું બસ એમ જ કોઈ કારણ વિના કહે છે? ઓસામા બિન લાદેન આપણા દેશમાં વર્ષો સુધી રહ્યો અને મર્યો એ શું બતાવે છે? આપણા દેશના પાસપોર્ટને આધારે દુનિયાના કેટલાય દેશો વિઝા નથી આપતા અને આપણે કેટલા મહાન છીએ એની ડંફાસ મારવામાંથી જ ઊંચા નથી આવતા. આરબ દેશોમાં આપણી ઇજ્જત કેવી? આપણો ધર્મ ઇસ્લામ હોવા છતાંય ત્યાં આપણને એક ચોરસ ઇંચ જેટલી મિલકત ખરીદવાની પરવાનગી નથી.'


'ખુદાએ આપણને ખિસકોલી, ઉંદર, ઘેટાં, ગાય, ભેંસ ન બનાવ્યાં અને આદમી બનાવ્યા, તે માટે આપણે સૌ અલ્લાહના શુક્રગુજાર છીએ. અરે! આપણને અલ્લાહે આદમી એટલા માટે બનાવ્યા કે આપણે આદમીમાંથી ઇન્સાન બની શકીએ. અલ્લાહે રહેમ કર્યો, પરંતુ આપણે તો આદમીમાંથી જાનવર બન્યાં! આપણે શું કરીએ છીએ? બકરાને ઇન્જેક્શન આપીને એનું વજન વધારીએ છીએ, બનાવટી દવાઓ બનાવીએ છીએ, માસૂમ બચ્ચાંઓ જે દૂધ પીએ તેમાં પણ મિલાવટ કરીએ છીએ અને ગરીબ લોકોની કિડની એમની જાણબહાર કાઢીને પૈસા બનાવીએ છીએ. આવું કર્યા પછી કુરાનની વાતો કરીએ છીએ! આટલું વાંચીને મને એવું થયું કે પાકિસ્તાનમાં એવું કયું અનિષ્ટ છે, જે ભારતમાં નથી?'


આપણને દેશના (ત્રણ) ટુકડા કરવાથી શું મળ્યું? પાકિસ્તાનના પાંચ-છ જમીનદાર પરિવારો જે દેશને ચલાવે છે, એમને અવામ જોડે કોઈ જ લેવાદેવા નથી. બધા પૈસા આ જ લોકો હડપ કરી જાય છે અને વળી એ પરિવારોના પૈસા સ્વિસ બેન્કોમાં જમા થાય છે. એક વાત મને યાદ આવે છે. એક વાત કરું? એક વાર કોઈ શોષણખોર જમીનદારનું સર્વસ્વ કુદરતી આફતમાં ખતમ થઈ ગયું. એ વખતે જમીનદારની અવદશા જોઈને ગામનો ગરીબ માણસ ટેકરી પર ચડી ગયો અને હરખભેર નાચવા માંડ્યો. જમીનદારે એને પૂછ્યું: 'તું કેમ નાચી રહ્યો છે?' જવાબમાં એ ગરીબે કહ્યું: 'આજે જીવનમાં પહેલીવાર મને ગરીબ હોવા બદલ ખુશી મળી છે.'


'આપણા દેશમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ખાડે ગઈ છે એનું કારણ શું? આપણા નેતાઓ વેચાઈ ગયા છે અને ટ્રેડિંગ દ્વારા પૈસા બનાવે છે. તેઓ પરદેશથી વસ્તુઓ મંગાવે છે અને અહીં વેચી મારે છે. પરિણામે રોજગારીની તકો ઘટી ગઈ છે. બેકારી વધતી જ રહી છે. આ નેતાઓને પાકિસ્તાની અવામ સાથે કોઈ નાતો નથી, એટલું જ નહીં પણ નેતાઓ પાકિસ્તાનીઓને 'થર્ડક્લાસ' પ્રજા ગણે છે. એમને આપણી તબીબી સેવાઓ કે શિક્ષણસંસ્થાઓ બેકાર જણાય છે.


એમના પરિવારો શિક્ષણ અને મેડિકલ ટ્રીટમેન્ટ માટે વિદેશ જવાનું પસંદ કરે છે. અહીંના ડોક્ટરો પણ એકજથ્થે એટલા દર્દીઓને તપાસે છે કે આપણને પ્રશ્ન થાય: શું આ રીતે રોગનું નિદાન થઈ શકે ખરું? વળી એ જ ડોક્ટરો દરદીઓને જાતજાતના ટેસ્ટ કરાવવાની સલાહ આપીને તેમાંથી કમિશન ખાય છે. આ દેશમાં તો પ્રધાનથી માંડીને પટવારી સુધી સૌ ભ્રષ્ટાચારી છે. મુલ્લાઓ વારંવાર મરજી મુજબ ફતવા બહાર પાડે છે. એમ કરવું એ તો પાકિસ્તાનની અવામનું અપમાન છે. એ કુરાનવિરોધી કૃત્ય પણ છે. એક વાત સમજી રાખવા જેવી છે: When thieves fight, trauth comes out. ચોરો લડી પડે ત્યારે સત્ય બહાર આવે છે.'


પાકિસ્તાનમાં રહેવું અને આવું નગ્ન સત્ય જાહેરમાં વારંવાર ઉચ્ચારવું એ જોખમકારક સાહસ ગણાય. હસન નિસારને કોઈકે પૂછ્યું: 'તમે આવું સત્ય બોલો છો તેથી તમારા જાન પર જોખમ છે એવો ભય નથી લાગતો?' હસનસાહેબ જવાબમાં કહે છે: 'પાકિસ્તાનમાં નાગરિકનું સરેરાશ આયુષ્ય 55 વર્ષનું છે. મારી ઉંમર 55થી વધારે છે, તેથી મને ડર શેનો?' હસનસાહેબ ભલે કહે: 'પાકિસ્તાનને એક નરેન્દ્ર મોદીની જરૂર છે.' મને એમ કહેવાનું મન થાય છે કે ભારતને એક હસન નિસારની જરૂર છે. એમને આપણી સલામ!

 

 


પાઘડીનો વળ છેડે

મને એવા બાળકને
જન્મ આપવાની ઝંખના છે,
જે મને એમ પૂછે:
મા!
યુદ્ધ એટલે શું?

-ઈવ મેરિયન (કવિ અને લેખિકા: 19-06-1992)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuWMcnj0mY_13Y507b%3DnD_36NdgdTD2NZ9m0nwv2%3DYoUQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment