Friday, 8 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હું સપનાં દેખાડતો નથી, સપનાં જોઉં છું નીતિન ગડકરી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું સપનાં દેખાડતો નથી, સપનાં જોઉં છું! (નીતિન ગડકરી)
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

amdavadis4ever@yahoogroups.com

મારી ધીરજ ખૂટી રહી છે. લોકસભાની ચૂંટણીઓ આડે માંડ બેત્રણ મહિના રહ્યા છે ત્યારે દેશના વડા પ્રધાન બનવાના મારા નસીબ ખૂલી રહ્યા છે. ક્યારે હું દેશનો વડા પ્રધાન બનું અને ક્યારે શપથ ગ્રહણ કરું એનો ઇંતેજાર હવે મને વ્યાકુળ કરી મૂકે છે. આખરે મેં રાજકારણમાં દાયકાઓ કાઢી નાંખ્યા છે. આથી હવે જ્યારે વડા પ્રધાન બનવાનો અવસર આવ્યો છે ત્યારે મને ખુશી અનુભવવાનો હક્ક છે. એ ખુશી દુનિયા સમક્ષ વ્યક્ત કરવાનો પણ હક્ક છે. આથી જ હું મારી ખુશી જાહેરમાં વ્યક્ત કરતો રહું છું.

માણસ મોટા પદ પર આવવાનો હોય ત્યારે એનું દિલ પણ મોટું થઇ જાય. આથી તો અમારા કાયમી હરીફો બનેલા કોન્ગ્રેસીઓ પર હવે મને ખાસ વેરભાવ નથી થતો. આ જ કારણસર મેં થોડા સમય પહેલા ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. આ જ કારણસર મેં રાહુલ સાથે પણ થોડો પ્રેમભાવ વધાર્યો છે. અને અલબત્ત, મારા પક્ષના જે સાથીઓએ જે ભૂલ કરી છે એમને ટોણા મારવાનું શરૂ કર્યું છે. હું વડા પ્રધાન બનીશ ત્યારે કયા કયા કામો કરીશ એનો આખો પ્લાન મેં બનાવી રાખ્યો છે અને હવે ફક્ત એનો અમલ કરવાનો બાકી છે.

છેલ્લા કેટલાક સમયથી હું જાહેરમાં જે નિવેદનો કરી રહ્યો છું એ વિશે ઘણા વિવાદ થયા છે. જેમ કે મેં કહ્યું કે નેતાઓએ પ્રજાને એવા જ વચનો આપવા જોઇએ, જે પૂરાં થઇ શકે. આપેલા વચનો પૂરા ન થાય તો પ્રજા નેતાઓની પિટાઇ પણ કરે છે. હવે આ નિવેદન મેં કોના સંદર્ભમાં કર્યું એ વિશે જાતજાતના તર્કવિતર્કો થયા. મારા પક્ષના પ્રવક્તાઓ અને નેતાઓએ એવો દાવો કર્યો કે મેં આ નિવેદન કોન્ગ્રેસના નેતાઓની વિરુદ્ધમાં કર્યું હતું, જ્યારે એમના સિવાયનો આખો દેશ સાચું સમજ્યો કે મેં આ નિવેદન હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં કર્યું. આજે દેશના સ્કૂલ સ્ટુડન્ટ્સ પણ જાણે છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ પ્રજાને જે વાયદા કર્યા હતા, જે વચનો આપ્યા હતા એ તેઓ પૂરા કરી શક્યા નથી. આવી સાચી વાત હું કહું તો એમાં ખોટું શું છે? અને એક રાજકારણી તરીકે મેં નરેન્દ્ર મોદીનું નામ નથી આપ્યું એટલે સમય આવ્યે પલટી મારવાની છટકબારી તો રાખી જ છે.

મૂળ વાત એ છે કે નરેન્દ્ર મોદી તથા એમના સાથીઓ આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ મોદી સરકાર નિષ્ફળ ગઇ છે. આથી હવે નરેન્દ્ર મોદી બીજી વાર દેશના વડા પ્રધાન નહીં બની શકે એ નક્કી વાત છે. એમના બદલે હું જ દેશનો વડા પ્રધાન બનીશ એ વાત પણ લગભગ નક્કી છે. એક વડા પ્રધાનમાં જે લાયકાત હોવી જોઇએ એ બધી જ લાયકાત મારામાં છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં વિદ્યાર્થી નેતા તરીકે કારકિર્દી શરૂ કરીને હું આજે ભારતીય જનતા પક્ષમાં આ સ્થાન પર પહોંચ્યો છું અને મારી રાજકીય કારકિર્દી દરમિયાન મેં અનેક જવાબદારીઓ સંભાળી છે, અનેક વિકાસકાર્યો કર્યાં છે. મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન તરીકે મેં જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એને લોકો આજેય યાદ કરે છે. ખાસ તો દેશનો પ્રથમ છ લેનનો મુંબઇ- પુણે એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ મેં બનાવ્યો. આ ઉપરાંત, મુંબઇમાં ૫૫ ફ્લાયઓવર બ્રિજીસ બાંધવાનું શ્રેય પણ મને જ મળે છે. ૨૦૧૪ માં મેં માર્ગ પરિવહન અને હાઇવે ખાતાની કામગીરી સંભાળી અને એમાંય મેં અદ્ભુત કામ કર્યું છે. પહેલા રોજનું સરેરાશ બે કિ.મી. હાઇવે બાંધવાનું કામ થતું હતું, જે મેં પ્રધાન તરીકેના પહેલા વર્ષમાં વધારીને પ્રતિદિન ૧૬.૫ કિ.મી. કરાવ્યું અને બીજા વર્ષમાં એ ૨૧ કિ.મી. કરાવ્યું. શું આ નાની સિદ્ધિ છે? શું આને વિકાસ ન કહેવાય?

૨૦૧૦થી ૨૦૧૩ સુધી હું ભાજપનો પ્રમુખ હતો. એ સમય પક્ષ માટે ઘણો વિકટ હતો અને ત્યારે મેં પક્ષને ફરીથી ઊભો કરવા માટે ઘણી મહેનત કરી હતી. એ સમયે પણ મેં વિકાસને ધ્યાનમાં રાખીને જ પક્ષ માટેનો એજન્ડા તૈયાર કર્યો હતો. લેખક તુહિન સિંહા સાથે મળીને મેં એક પુસ્તક લખ્યું હતું 'ઇન્ડિયા એસ્પાયર્સ', જેમાં મેં ભારતના વિકાસ માટેની આખી રૂપરેખા તૈયાર કરીને વર્ણવી છે.

દેશનો વિકાસ કઇ રીતે કરવો એ માટે હું ચોક્કસ વિચારો ધરાવું છું અને એના અમલ માટે મહેનત કરવામાં માનું છું. હું એમ.કોમ. એલએલબી ભણ્યો છું અને એક ઉદ્યોગપતિ પણ છું. પક્ષના આવા અનુભવી અને સફળ નેતા હોવાને કારણે ખરેખર તો ૨૦૧૪માં જ પક્ષે મને વડા પ્રધાન બનાવવાની જરૂર હતી, પરંતુ એ સમયે મારી સામે પક્ષના અમુક લોકો રમત રમી ગયા અને મને બદનામ કરવામાં આવ્યો. મારી અમુક કંપનીઓ સામે આવક વેરાના દરોડા પાડવામાં આવ્યા, કેટલીક બેનામી કંપનીઓની વાતો બહાર આવી અને એકંદરે મારું નામ ખરાબ થઇ ગયું. આ કારણસર પક્ષના પ્રમુખપદ માટે બીજી ટર્મ મને ન મળી શકી એટલું જ નહીં, વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકેની શક્યતા પણ ખતમ થઇ ગઇ.

હવે જોકે સંજોગો બદલાયા છે. હવે હું વડા પ્રધાન બનું એવી પૂરેપૂરી શક્યતા ઊભી થઇ છે. અલબત્ત, આગામી લોકસભાની ચૂંટણીઓ તો પક્ષ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ જ લડશે, પરંતુ અમારા પક્ષને બહુમતી નહીં મળે એ વાત હવે લગભગ બધા જ સ્વીકારે છે. એવા સંજોગોમાં નરેન્દ્ર મોદીને સરકાર રચવા માટે બીજા કોઇ પક્ષ સાથ આપશે નહીં. બીજી તરફ મહાગઠબંધનવાળા પણ પોતાની સરકાર બનાવે એવી શક્યતા દેખાતી નથી. આવી ત્રિશંકુ લોકસભામાં સૌથી મોટો પક્ષ ભાજપ જ હશે અને ભાજપ જો મને વડા પ્રધાન બનાવવા તૈયાર થાય તો અનેક વિરોધ પક્ષના નેતાઓ ભાજપને સાથ આપવા તૈયાર થઇ જશે. વિરોધ પક્ષના નેતાઓ સાથે મારે દોસ્તી છે. એમના દુશ્મન ફક્ત મોદી છે. અને સાચી વાત તો એ છે કે મારા દુશ્મન પણ મોદી જ છે.

તો આ રીતે મારા વડા પ્રધાન બનવા માટેનો માર્ગ સાવ મોકળો થઇ ગયો છે. બસ, લોકસભાની ચૂંટણીઓ પૂરી થાય અને એના પરિણામો જાહેર થાય એટલી જ વાર છે. મેં તો શપથવિધિમાં કોને કોને આમંત્રણ આપવા એની યાદી પણ તૈયાર કરી નાંખી છે. અલબત્ત, એમાં રાહુલ ગાંધી અને પ્રિયન્કા ગાંધી તો હશે જ, સોનિયાજી હાજર રહી શકે તો મારા ધનભાગ્ય. રાહુલ આવશે એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નહીં જ આવે એની મને ખાતરી છે અને એ જ તો હું ઇચ્છું છું.

ગઇકાલે હું મારા શપધવિધિની કલ્પનામાં મશગૂલ હતો ત્યારે નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો: મને કહે કે તમે પેલી સપનાવાળી વાત મને ધ્યાનમાં રાખીને બોલ્યા હતા? મેં કહ્યું હા, તમે જ લોકોને ખોટા સપનાં દેખાડ્યાં અને એ પૂરા નથી કરી શક્યા. મારી વાત સાંભળીને નરેન્દ્ર મોદીએ જે જવાબ આપ્યો એ સાંભળીને હું વિચારમાં પડી ગયો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે,

'સપનાં દેખાડનારા કરતાં સપનાં જોનારની હાલત વધુ ખરાબ થાય છે, માટે તમે સંભાળજો.'

 



(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)

 



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuLxq3w2%2BGXzLn9nv-rfP8DNfmrCOcBeBO0jS%3DGMDvJpQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment