| બેકલાકમાં આખો દેશ ફરી શકો અને આ દેશ એટલે લક્ઝમબર્ગ. અહીં તમે એક તરફ પૂર્વમાં મોસેલ નદીના કિનારે આવેલા દ્રાક્ષના બગીચા જોઈ શકો છો તો બીજી બાજુ ઉત્તરમાં આર્ડેનના સર્પાકાર રસ્તા અને ખાઈ વચ્ચે આવેલા મહેલો અને જૂની ઢબના ફાર્મહાઉસવાળા આકર્ષક ગામડાઓ જોઈ શકો છો. પરંતુ આ જ દેશની રાજધાની લક્ઝમબર્ગ શહેરના ભીડભાડવાળા રસ્તા પર અહીંના નાગરિકો રોજના બે કલાક ઓફિસથી ઘરે અને ઘરેથી ઓફિસ જવામાં વેડફી નાખે છે, પણ ૨૦૧૮ના અંતમાં આ શહેર ત્યારે લાઈમ લાઈટમાં આવ્યું જ્યારે અહીંની સરકારે જાહેરાત કરી કે તેઓ તમામ જાહેર પરિવહનનો પ્રવાસ ફ્રી કરી નાખશે.
હવે તમને થશે કે આ જાહેરાત અને ભીડવાળા રસ્તા વચ્ચે શું સંબંધ છે, રાઈટ? છેલ્લાં ચાર દાયકામાં લક્ઝમબર્ગની વસતી ૨,૪૦,૦૦૦ જેટલી થઈ છે. ૧૯૯૮માં અહીંના મજૂરોની સંખ્યા ૧,૬૧,૦૦૦ હતી જે બે દાયકા બાદ એટલે ૨૦૧૮ના અંતમાં ૪,૨૭,૦૦૦ જેટલી થઈ ગઈ હતી. આ સંખ્યામાં થયેલાં જંગી વધારાનું એક કારણ એ પણ છે કે સીમા પારથી આવનારા મજૂરોની સંખ્યામાં ૧૬૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
પહેલી માર્ચ ૨૦૨૦થી ટ્રેન, ટ્રામ અને બસમાં પ્રવાસ કરવા માટે એક પણ પૈસો નહીં લેવામાં આવે. જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે આવેલા આ નાનકડા દેશ દ્વારા ભરવામાં આવેલા આ પગલાંનો મુખ્ય હેતુ રસ્તા પરના ટ્રાફિકને ઘટાડવાનો કે પછી પર્યાવરણનું સંતુલન જાળવવાનો નથી. આ ક્રાંતિકારી પગલાંને કારણે ૬,૦૨,૦૦૦ રહેવાસીઓ, સીમાપારથી આવનારા ૧,૭૫,૦૦૦ મજૂરો અને દર વર્ષે અહીં આવનારા આશરે બારેક લાખ જેટલા પર્યટકોને ચોક્કસ જ ફાયદો થશે અને તેનું મુખ્ય કારણ છે અમીરો અને ગરીબો વચ્ચે વધી રહેલાં અંતરને ઘટાડવાનો છે અને આ એક સામાજિક નિર્ણય છે. ઓછી મજૂરી પર કામ કરનારાઓ માટે પ્રવાસનો ખર્ચ ખૂબ જ આો હોય છે.
યુરોપિયન દેશોની સરખામણીએ વ્યક્તિદીઠ કારનું પ્રમાણ વધુ છે અને ૬૦ ટકાથી વધુ લોકો ઑફિસ આવવા-જવા માટે કારનો ઉપયોગ કરે છે. કુલ વસતીના માત્ર ૧૯ ટકા લોકો જ એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા-જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે.
લક્ઝમબર્ગને એક અમીર દેશ માનવામાં આવે છે અને અહીં લોકોનો સરેરાશ વાર્ષિક પગાર સૌથી વધુ છે, પણ વિધિની વિચિત્રતા એ છે અહીં ગરીબી પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આંકડાઓ પર વિશ્ર્વાસ કરીએ તો સૌથી નીચલા વર્ગના ૧ ટકા લોકો સરેરાશ ૧,૦૧૧ યુરો (૮૭૮ પાઉન્ડ કે પછી ૧,૧૪૪ ડૉલર)માં એક મહિનો ગુજરાન ચલાવે છે, જ્યારે ૧૩ ટકા મજૂરો અને લગભગ ૧૦ ટકા પેન્શન મેળવનારા નાગરિકો પર ગરીબીનું સંકટ તોળાઈ રહ્યું છે.
દેશની આવા સાવ અંતિમ છેડાવાળી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ સરકાર જાહેર પરિવહનમાં સાવ મફતમાં પ્રવાસ કરવાના નિર્ણયને હવે કાયદાનું સ્વરૂપ આપવા માગે છે. આની સાથે સાથે જ ઓછામાં ઓછી મજૂરી અને પેન્શન યોજના, ઉચ્ચ શિક્ષણ માટે નાણાંકીય મદદ અંગે પણ એક કાયદો બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
અહીંના નાગરિકોનું માનવું છે કે એક વખત જો ઓછામાં ઓછી મજૂરી નક્કી થઈ જશે અને જાહેર પરિવહનનો પ્રવાસ મફત થઈ જશે તો ગરીબી રેખા હેઠળના મજૂરોને ખૂબ જ મદદ મળશે. પણ સરકાર સામે એક બીજો મોટો પડકાર એ પણ છે કે અત્યારે કારમાં ફરનારા ધનવાનોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે રાજી કરવાનો. મોટાભાગના નાગરિકો પબ્લિક ટ્રાન્સપોર્ટને અગવડભર્યું માને છે. ઉચ્ચ આવક ધરાવનારા વર્ગને કારમાંથી બસ, ટ્રેન કે ટ્રામમાં પ્રવાસ કરવાનો સમજાવવાનું ખૂબ જ અઘરું છે.
જોકે આમાં કોઈ એક પક્ષનો વાંક કાઢવો યોગ્ય નહીં ગણાય, કારણ કે જ્યારે તમે પ્રાઈવેટ કારમાં કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એ રૂટ પર પ્રવાસ કરો તો તેમાં સારો એવો સમય લાગી જાય છે. જે જગ્યાએ તેઓ કારમાં પચાસ મિનિટમાં પહોંચી શકે છે એ જગ્યાએ બસથી પહોંચવા માટે લગભગ બમણો એટલે કે ૯૦થી ૧૦૦ મિનિટનો સમય લાગે છે.
સરકાર પરિવહનના મૂળભૂત ઢાંચા અને નવી વાહનવ્યવહારની રણનીતિ ખજ્ઞમી ૨.૦માં રોકાણની યોજના તૈયાર કરી રહી છે, જેમાં ટ્રાન્સપોર્ટનું એવું નેટવર્ક ઊભું કરી શકાય જેથી ૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા વધુ લોકોની હેરફેર કરી શકાય. આ યોજનામાં રેલ નેટવર્કનું આધુનિકીકરણ, સારો સીમાપાર સંપર્ક, નવી ટ્રેન, ટ્રામ, બસ ઍક્સચેન્જ હબનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે. આ માટે સરકાર ૨૦૨૩ સુધી ૨.૨ અબજ યુરોનું રોકાણ કરશે. ભાડાને કારણે મળનારી મહેસૂલ કાઢી નાખવામાં આવે તો આ રોકાણ મોંઘું લાગી શકે.
પણ લક્ઝમબર્ગમાં જાહેર પરિવહન પર પહેલાંથી જ ભારેભરખમ સબસિડી લાદવામાં આવી છે. દર બે કલાકની મુસાફરીની કિંમત લગભગ બે યુરો અને આખો દિવસ સેક્ધડ ક્લાસની ટિકિટ ૪ યુરો જેટલી છે. સરકારની આ યોજના દેખાવમાં જેટલી આકર્ષક લાગી રહી છે, પણ તેને કેટલા ટકા સફળતા મળશે એ અંગે હજી પણ શંકા સેવાઈ રહી છે.
જાહેર પરિવહનનો પ્રવાસ ફ્રી કરી દેવાની સરકારની નીતિનો સીમાપારથી આવનારા મજૂરોને ચોક્કસ જ ફાયદો થશે પણ તેની સફળતા અંગે કોઈ ચોક્કસ ખાતરી આપી શકે એમ નથી. કેટલાક લોકોને સરકારનો આ નિર્ણય ખોટો અને સાવ અવ્યવહારુ લાગે છે તો સ્થાનિક યુનિયનોને પણ આ યોજનાની સફળતા સામે શંકા છે.ે તેમને લાગે છે કે આને કારણે અનેક લોકોની નોકરી જતી રહેશે. પણ સરકારે એ લોકોને પણ આશ્ર્વાસન આપ્યું છે કે ટિકિટ ચૅકર અને ડેસ્ક કર્મચારીઓએ નોકરી ગુમાવવાનો વારો નહીં આવે, તેમને સૂચના અને સુરક્ષા સંબંધિત જવાબદારીઓ સોંપવામાં આવશે.
આ ઉપરાંત જે લોકો જાહેર પરિવહનમાં પણ આરામથી અને મજેદાર પ્રવાસ કરવા માગે છે એમની પાસે દર વર્ષે ૬૬૦ યુરો અથવા દર મહિને ૭૫ યુરોની ટિકિટ ખરીદીને ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. ટ્રાન્સપોર્ટેશન ફ્રી કરવાના સરકારના ક્રાંતિકારી પગલાંએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. નિષ્ણાત અર્થશાસ્ત્રીએ આ બાબતે જણાવ્યું હતું કે જો લક્ઝમબર્ગ પ્રચાર અભિયાન કરત તો એ માટે તેને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડેે, પણ આ જાહેરાતથી તેનો મફતમાં જ પ્રચાર થઈ ગયો!
જોકે આવું પગલું ભરનારું લક્ઝમબર્ગ એ પહેલો દેશ નથી. આ પહેલાં જાન્યુઆરી, ૨૦૧૩માં ઈસ્ટોનિયાની રાજધાની ટૅલિનમાં પણ સાર્વજનિક પરિવહનનો પ્રવાસ ફ્રી કરવામાં આવ્યો હતો અને આ પાછળનો હેતુ રસ્તા પરની ભીડ ઘટાડવાનો અને ઓછી આવક ધરાવનારા વર્ગને મદદ કરવાનો હતો. આ ઉપરાંત ફ્રાંસના શહેર ડનકર્કે પણ સપ્ટેમ્બર, ૨૦૧૮થી ત્યાંના આશરે બે લાખ જેટલા રહેવાસીઓ માટે બસનો પ્રવાસ ફ્રી કરી નાખ્યો હતો અને ત્યાં આ યોજના શરૂ કર્યાના એકાદ મહિના બાદ કેટલાક રૂટ પર પ્રવાસીઓની સંખ્યામાં ૫૦ ટકાનો અને કેટલાક રૂટ પર પ્રવાસીઓની સંખ્યામાં ૮૫ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.
ખૅર હવે લક્ઝમબર્ગ સરકારનો આ નિર્ણય તેમના માટે ફાયદાકારક કે ગળાનો ઘંટ પુરવાર થાય છે એ તો સમય જ કહી શકશે!
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvTXVTBQP93DYQ3D3XBckOVqBZkqh9%2BUtiE0DG%2B2cdQcw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment