કનેક્ટેડનેસનું આપણું વ્યસન એ ટીવી કે ફોનનું, કામનું કે નશાનું, પાવર કે સફળતાનું, સેક્સનું કે મેડિટેશનનું વ્યસન નથી. એ વ્યસન બોર નહીં થવાનું છે. આપણને સેન્સેશનનું, વ્યસ્ત રહેવાનું વ્યસન છે. આપણે આપણી અંદરની શૂન્યતા કે બોરડમથી ડરીએ છીએ, એટલે જાતને મનોરંજનમાં, વ્યસનમાં, કામમાં, લોકોની કંપનીમાં, ખાવા-પીવા-ફરવામાં ડુબાડી દઈએ છીએ. આપણે જાતનો સામનો કરવાનું ટાળીએ છીએ.
મુસીબત એ છે કે, જાતથી છુટ્ટા રહીને સમસ્ત સાથે કનેક્ટેડ રહેવાથી એકલતા દુર નથી થતી, ઔર સખ્ત થાય છે. આપણે ટોળામાં એકલવાયા લોકો છીએ. ૧૦૦ વર્ષમાં કનેક્ટેડનેસ માટે આપણે જેટલી પણ તરક્કી કરી છે, આપણે એટલા જ એકલવાયા થતા ગયા છીએ. આપણી કનેક્ટેડનેસ હકીકતમાં આપણું બેધ્યાનપણું છે. એ આપણને આપણાથી દુર લઇ જવામાં 'મદદ' કરે છે.
Raj Goswami બ્લેઝ પાસ્કલ: ખુદ સે મિલના મિલાના ભૂલ ગયે, લોગ અપના ઠીકાના ભૂલ ગયે
-નવનીત સમર્પણ (ફેબ્રુઆરી, ૨૦૧૯) ---------------------------------------------- જે લોકો સાયન્સમાં ભણ્યા હશે તેમને ફ્રેંચ વિચારક બ્લેઝ પાસ્કલનું નામ ખબર હશે. ૩૯ વર્ષની સાવ જ કાચી ઉંમરે પેટના કેન્સરમાં મરી જતાં પહેલાં પાસ્કલે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં, વિશેષ કરીને તરલતા (ફ્લુઈડ), ભૂમિતિ અને અનુમાન (પ્રોબેબિલિટી)માં, ધુઆંધાર યોગદાન કર્યું હતું. ૧૨ વર્ષની ઉંમરે એક પ્રમેય સિદ્ધ કર્યો હતો, જે આજે વિશ્વમાં ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંત તરીકે ભણાવવામાં આવે છે. પિતા લોકલ સુધારાઈમાં હિસાબનીશ હતા. બહુ હિસાબો કરવા પડતા. એ ઘરે આવીને પણ લખાપટ્ટી કરતા. પિતાની આ મજુરી જોઇને પાસ્કલે ૧૯ વર્ષનો થયો ત્યારે, ગણિત ગણવા માટે પૈંડા અને ગીયરથી ચાલતી મશીન બનાવી. પેટન્ટ પણ કરાવી હતી. એનું નામ એણે 'પાસ્કલાઈન' પાડ્યું હતું. આ મશીન એટલે આધુનિક કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટરનો પુર્વાવતાર. પાસ્કલ (૧૬૨૩-૧૬૬૨)એ વૈજ્ઞાનિકોમાંથી એક છે, જેનો પ્રભાવ આ નેચરલ સાયન્સથી પણ આગળ જઈને સોશ્યલ સાયન્સને પણ મદદ કરી ગયો. દિલચશ્પ વાત એ છે કે, એનું મોટાભાગનું વૈજ્ઞાનિક ચિંતન કિશોરાવસ્થા અને વીસીમાં જ આવી ગયું. એ પછી અલોકિક અનુભૂતિના પરિણામે એ વિજ્ઞાન છોડીને ધાર્મિક અને દાર્શનિક ચિંતનમાં વળી ગયો. પ્રસિદ્દ કવિ ટી.એસ. ઇલિયટ આ પાસ્કલને 'સંસારી સાધુ' કહે છે.
મૃત્યુ પહેલાં પાસ્કલ દાર્શનિક વિરોધાભાસો, અસીમતા, શૂન્યતા, વિશ્વાસ, તર્ક, આત્મા, પદાર્થ, મુર્ત્યું, જીવન અને ઉદેશ્ય જેવી બાબતો પર વિચારો કરતો હતો, જે એના મર્યા પછી 'પાંસે' (Pensées, વિચાર) નામની કિતાબમાં પ્રગટ થયા. આમ તો આ ચોપડીમાં ઈસાઈ ધર્મમાં શ્રદ્ધાની વકીલાત હતી, પરંતુ એમાં માણસ હોવું એટલે શું એ અંગે પાસ્કલના જે વિચારો હતા તેમાં ભવિષ્યમાં આવનારા સાઈકોલોજીના સાયન્સની બુનિયાદ હતી.
એમાં પાસ્કલનો સુર નિરાશાવાદી હતો. નિરાશાવાદ એ દર્શનશાસ્ત્રની એવી શાખા છે, જેમાં ગ્લાસ અડધો ભરેલો હોય તો, એમાં અડધો ગ્લાસ ખાલી છે તેના પર ફોકસ કરીને એને કેવી રીતે પૂરો ભરવો એની વાત થાય છે. આને જીવન-તરફી ચિંતન કહેવાય. પાસ્કલને હતું કે, માનવ જીવન જેટલુ અધૂરું અને મુસીબતવાળું છે, તેની વાત કરવાથી વાચકોમાં ઈશ્વર પર્ત્યે શ્રદ્ધા પેદા થશે. પાસ્કલે એમાં સૂઝ-બુઝથી ભરપુર અનેક વિચારો આપ્યા, અને એનું વાંચન આજે પણ એટલું જ લોકપ્રિય છે, પણ એના ચિંતનનું હાર્દ એના આ સૌથી પ્રખ્યાત વિધાનમાં આવી જાય છે:
"માણસની સમસ્યાઓનું કારણ એ છે કે, એ ખાલી રૂમમાં થોડો વખત પણ શાંતિથી એકલો બેસી શકતો નથી," પાસ્કલે હતું.
એ એમ કહેવા માંગતો હતો કે, માણસ બુનયાદી રૂપે બોરિંગ છે, અને એનું મન વાંદરાની જેમ ઉછળકૂદ કરતું રહે છે. એને પોતાની અંદરની છટપટાહટથી એટલી બીક લાગે છે કે, એ નિરુદ્દેશ ક્યાંકને ક્યાંક વ્યસ્ત રહ્યા કરે છે. જાત સાથે એકલા ના રહેવું એ કોઈ આજકાલની સ્થિતિ નથી. દરેક કાળમાં, દરેક સમાજમાં, દરેક માણસ બોરડમથી, એકલતાથી, અધીરાઈથી, ચીડથી અને ઉચાટથી પરેશાન રહ્યો છે. પાસ્કલના સમયમાં પણ આવું હતું. આજે પણ છે.
માણસની આ વિચિત્ર સચ્ચાઈ છે. યુએસની વર્જીનીયા યુનિવર્સીટીના રિસર્ચરે એક પ્રયોગ કર્યો હતો. એક ગ્રુપને બંધ રૂમમાં દીવાલ તરફ મ્હો કરીને ખુરશીમાં બેસાડ્યું. બારીઓ પર પડદા ઢાળવામાં આવ્યા. મોબાઈલ ફોન, લખવાની પેન કે કાંડા-ઘડિયાળ જેવી વસ્તુઓ લઇ લેવામાં આવી. પછી કહેવામાં આવ્યું કે, હવે તમે દીવાલ પર નજર રાખીને મનમાં જે વિચારો આવે તેની પર ફોકસ કરો. મોટાભાગના લોકો માટે આ એટલું અસુવિધાજનક હતું કે, એ બોર થવા લાગ્યા, અને એમને આવી રીતે એકલા બેસવા કરતાં ઇલેક્ટ્રિક શોક પણ વધુ સારા લાગ્યા. ખાલી ૧૨ મિનીટ માટે પણ કશું જ કર્યા વગર બેસી રહેવું એ ધાર્યા કરતાં ઘણું અઘરું છે, એમ રિસર્ચરે તારણ કાઢ્યું હતું.
આ પ્રયોગ પરથી 'જસ્ટ થિન્કિંગ' પુસ્તક લખાયું હતુ.
માણસ માટે ખાલી થિન્કિંગ કષ્ટદાયક છે. એ કૈંક કરતો હોય અને વિચાર કરે એ સહ્ય છે, પરંતુ માણસ કોઈ જ પ્રવૃત્તિ કાર્ય વગર પોતાના વિચારો સાથે એકલો રહી શકતો નથી. એટલે જ પેલા ગ્રુપના લોકોને કશું કર્યા વગર વિચાર કરવાને બદલે ઇલેક્ટ્રિક શોકની પીડા પણ 'એક્ટીવિટી' લાગી હતી.
એક્ટીવિટી એક્સાઇટમેન્ટ છે. આપણે જેને થ્રિલ કહીએ છીએ, તે રોમાંચ કે ઝણઝણી, આપણે ખાવા-પીવામાંથીય લઈએ છીએ અને રોલર-કોસ્ટર રાઇડ્સમાંથીય મેળવીએ છીએ. સેન્સ એટલે ઇન્દ્રિય, અને એના પરથી સેન્સેશનલ શબ્દ છે; ઇન્દ્રિયને ખળભળાવવી. ઇન્દ્રિય 'મૃતપ્રાય' હોય એના કરતાં ઇલેક્ટ્રિક શોકથી ઝટકો આપવાનુંય 'સારું' લાગે.
મૂળમાં મુદ્દો એ છે કે, આપણે એકાંત (સોલિટ્યૂડ)ને જીરવતાં શીખ્યા નથી. આપણે સતત કશુંક કરતા રહેવું પડે છે. ૧૦૦ વર્ષ પછી પાસ્કલનું એ ડહાપણ, એના સમય કરતાંય, આજે સૌથી વધુ સુસંગત છે. આટલા વર્ષોમાં આપણે જે પ્રગતિ સાધી છે, એને એક શબ્દમાં સમજાવવી હોય તો એ છે, કનેક્ટેડનેસ. કાગળથી લઇ ટેલીફોન, રેડીયો, ટીવી અને ઈન્ટરનેટ થકી, આપણે વધુને વધુ નજીક અને કનેક્ટેડ છીએ. દુનિયાના કોઈપણ છેડે બેસીને તમે વોઈસ કે ટેક્સ્ટ કે વિડીઓ મારફતે તમારી 'જાત'ને બીજા છેડે ટ્રાન્સપોર્ટ કરી શકો છો. એના ફાયદા ખુબ જ છે, અને એનું ફરી રટણ કરવાની જરૂર નથી.
પરંતુ ડેટા-ચોરી અને પ્રાઈવસી ભંગ ઉપરાંત, એની એક બીજી એક નકારાત્મક બાજુ પણ હવે સામે આવી રહી છે; આપણે હવે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જેમાં આપણે ખુદને બાદ કરતાં સમસ્ત સાથે કનેક્ટેડ છીએ. એક શાયર અંજુમ લુધિયાનવીએ લખ્યું હતું તેમ,
ખુદ સે મિલના મિલાના ભૂલ ગયે લોગ અપના ઠીકાના ભૂલ ગયે સ્માર્ટ-ફોન અને સ્માર્ટ-કમ્પ્યુટરના સંસારમાં કનેક્ટેડનેસનો તર્ક બહુ આકર્ષક અને સાફ છે: સેકન્ડોની આસાનીથી કનેક્ટેડ રહેવાતું હોય તો એકલા શા માટે ઘૂંટાવું? જવાબ એ છે કે, બહારથી આવતા મોટા ઘોંઘાટની નીચે ખુદની અંદરથી આવતો શોરબકોર દબાઈ જાય છે તેનો અર્થ એ નથી કે, એનો ઈલાજ થઇ ગયો છે.
આપણે અવાજોથી, કનેક્ટેડનેસથી, એક્ટીવિટીથી, એક્સાઇટમેન્ટથી અંદર બોરડમનો ફૂવો ભરતા રહીએ છીએ, પણ આપણને એ ખબર નથી કે એ કૂવાનું તળિયું નથી. પાસ્કલની વાતને યાદ કરીએ તો, ખાલી રૂમમાં શાંતિથી બેસવાનો આપણો અણગમો એ આપણા બુનિયાદી બોરડમનો અણગમો છે. આપણને આપણા 'નકામા' વિચારો પરેશાન કરે છે. એને સહ્ય બનાવવા આપણને કશુંક કરતા રહેવું પડે છે.
કનેક્ટેડનેસનું આપણું વ્યસન એ ટીવી કે ફોનનું, કામનું કે નશાનું, પાવર કે સફળતાનું, સેક્સનું કે મેડિટેશનનું વ્યસન નથી. એ વ્યસન બોર નહીં થવાનું છે. આપણને સેન્સેશનનું, વ્યસ્ત રહેવાનું વ્યસન છે. આપણે આપણી અંદરની શૂન્યતા કે બોરડમથી ડરીએ છીએ, એટલે જાતને મનોરંજનમાં, વ્યસનમાં, કામમાં, લોકોની કંપનીમાં, ખાવા-પીવા-ફરવામાં ડુબાડી દઈએ છીએ. આપણે જાતનો સામનો કરવાનું ટાળીએ છીએ.
મુસીબત એ છે કે, જાતથી છુટ્ટા રહીને સમસ્ત સાથે કનેક્ટેડ રહેવાથી એકલતા દુર નથી થતી, ઔર સખ્ત થાય છે. આપણે ટોળામાં એકલવાયા લોકો છીએ. ૧૦૦ વર્ષમાં કનેક્ટેડનેસ માટે આપણે જેટલી પણ તરક્કી કરી છે, આપણે એટલા જ એકલવાયા થતા ગયા છીએ. આપણી કનેક્ટેડનેસ હકીકતમાં આપણું બેધ્યાનપણું છે. એ આપણને આપણાથી દુર લઇ જવામાં 'મદદ' કરે છે.
તમે ઓફીસમાં બોર થયા એટલે ઘરે આવી ટીવી સર્ફ કરવાનું શરુ કર્યું. નેશનલ જ્યોગ્રાફી પર 'જંગલની જીંદગી' કાર્યક્રમ મસ્ત લાગ્યો. વૃક્ષો, તળાવો, પ્રાણીઓ, વરસાદ..અહા! જંગલમાં કેમેરા ફરતો ગયો તેમ તમે ખુશ થતા ગયા. કલાક પછી તમે 'રીફ્રેશ' થઇ ગયા. જંગલનું જીવન શું કહેવાય એનો તમને મસ્ત અનુભવ થયો. ખરેખર? ના, કશુંક ખૂટે છે. તમે એરકંડીશન્ડ રૂમમાં બિયર પીતાં પીતાં જંગલની ઠંડક અને લીલોતરીનો 'અહેસાસ' કરો છો. તમે જંગલને જુવો છો, સાંભળો છો, અને એના વિષે વિચારો છો. પણ, તમે એને ચાખી શકતા નથી, સ્પર્શી શકતા નથી, સુંઘી શકતા નથી.
તમારું મન જંગલમાં ખોવાઈ ગયું છે, પણ શરીર ત્યાંનું ત્યાં જ છે. તમને જંગલની 'માહિતી' છે, જેને તમે અનુભવનું નામ આપો છો. હકીકતમાં એ અનુભવ કાર્બન-કોપી છે. કાર્બન-કોપીનો પ્રોબ્લેમ એ છે કે એનો રંગ થોડા વખતમાં ઉડી જાય છે, ઝાંખો પડી જાય છે. અને તમે પાછા ત્યાંના ત્યાં જ આવી જાવ છો જ્યાંથી જંગલની સફારી શરુ થઇ હતી; બોરડમ. તમે નેશનલ જ્યોગ્રાફી બંધ કરીને રણબીર કપૂરની ફિલ્મ ચાલુ કરો છો. એક્ચુઅલી, તમે 'જંગલ-સફારી'માં પણ બોર જ હતા, પણ થોડો વખત એક્સાઇટ થઈને ભૂલી ગયા હતા.
છેવટે, બોરડમ એટલે શું? બોરડમ એટલે જેમાં માઈન્ડ અને બોડીનું ઈન્ટીગ્રેશન (એકીકરણ) ના હોય, જયારે શરીર અહીં હોય અને મન ત્યાં હોય, આપણને 'અહીં, આ જ ક્ષણ' બેમતલબ લાગે અને બીજું કશુક, બીજે ક્યાંક સારું લાગે એ બોરડમ.
આપણે થોડીવાર બેધ્યાન થઈએ છીએ, એક્સાઇટ થઈએ છીએ, કૈંક કર્યાનો, જીવ્યાનો અહેસાસ કરીએ છીએ, અને પાછા બોર થવા લાગીએ છીએ. અંદરના બોરડમથી છૂટવા માટેની આ લડાઈ હારી જવાયેલા યુદ્ધ જેવી છે. આપણે જેટલી પ્રગતિ કરીશું તે બુનિયાદીરૂપે ખુદથી દુર જવાનો ઉપક્રમ જ હશે, અને હર પડાવ પર પાસ્કલનો અવાજ જોર જોરથી સંભાળતો રહેશે: માણસની સમસ્યાઓનું કારણ એ છે કે, એ ખાલી રૂમમાં થોડો વખત પણ શાંતિથી એકલો બેસી શકતો નથી. તો શું કરવાનું?
એકલતાના બોરડમને જીવતાં શીખી લો.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsZdFycO%2Bw0J%3DJZr4u_FVn8RZEDo%3DAhipDsCF22VGNiUQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment