Tuesday, 5 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બધી ખબર પડી જશે તો વારતા પતી જશે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બધી ખબર પડી જશે તો વારતા પતી જશે!
અનિલ ચાવડા

 

 

 

લોગઇન

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે
ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે
તું હા કે ના કહે નહીં- છે ત્યાં સુધી મજા- મજા.
જવાબ જો મળી જશે તો વારતા પતી જશે
''નથી ખબર કશી તને'' એ વારતાનો પ્રાણ છે.
બધી ખબર પડી જશે તો વારતા પતી જશે
 ''નથી ખબરકશી તને''-એ વારતાનો પ્રાણ છે.
બધી ખબર પડી જશે તો વારાત પતી જશે
આ વારતા પતી જવી બહુ જરૂરી છે વિરલ
કશું સતત ટકી જશે તો વારતા પતી જશે

-વિરલ દેસાઇ

 

 

પ્રત્યેક માણસ ઇચ્છામાં જીવતો હોય છે. ભગવાન બુદ્ધે માણસ દુ:ખી શા માટે થાય છે એટલી વાત શોધવા માટે વર્ષો સુધી તપ કર્યું અને કારણ મળ્યું તૃષ્ણા, ઇચ્છા. ઝંખના પણ તૃષ્ણાનો એક પ્રકાર છે. ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. જ્યાં સુધી ઝંખના છે, ત્યાં સુધી જીવાય છે. ક્યારેક કોઇ વૃદ્ધ વ્યક્તિ મરવા પડી હોય, પણ કોઇ નાનકડી વાતમાં તેમનો જીવ અટકી રહ્યો હોય, આવી વાત તમે સાંભળી હશે.

 

તેમને ધરપત આપવામાં આવે છે કે તેમનો જીવ જેમાં અટક્યો છે તે કામ થઇ જશે, તમે સુખેથી સીધાવો. ત્યારે તે વ્યક્તિ પ્રાણ છોડે છે. ફિલ્મોમાં આવા સિન સહજ રીતે આવતા હોય છે. જીવનની ફિલ્મમાં પણ આવાં દ્રશ્યો ભજવાતાં હોય છે.

 

નરસિંહ મહેતાએ કહ્યું હતું, 'હરિના જન તો મુક્તિ ન માગે, જનમ જનમ અવતાર છે.' એ સંદર્ભ આપણે અહીં બીજી પંક્તિમાં જોડી શકીએ. જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે, અર્થાત્ મોક્ષ મળી જશે, બધું પમાઇ જશે, તો છેડો આવી જશે.

 

નરસિંહ મહેતાની જેમ જનમો જનમ અવતારની મજા છે. મરીઝનો એક સુંદર શેર છે, 'લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો.' મંજિલને પામ્યા કરતા, ત્યાં સુધી પહોંચવાની સફરની જે મજા છે તે કંઇ ઓર છે.

 

પ્રેમને પામવામાં પણ આવું જ છે. પ્રેમ મળી જાય એ જ ક્ષણે પ્રેમને પામવાની રીતનો રોમાંચ મરી જાય છે. પ્રેમિકાની હા અને ના વચ્ચે અટવાવવાની જે મજા તે જવાબ સાંભળ્યા પછી ઓસરી જાય છે. જવાબ મળતા જવાબ મેળવવાની તાલાવેલીવાળા આવેગો આપોઆપ શમી જાય છે. અમુક ઉદ્વેગની પણ મજા હોય છે.

 

કોઇ માણસ પૃથ્વી પર એવો નથી કે કે જે ક્યારેય દુ:ખી ન થયો હોય. માત્ર સુખ મળતું રહે એનાથી મોટું દુ:ખ કોઇ ન હોઇ શકે. આપણે ભગવાન બુદ્ધની વાત કરી, તેમનું સૌથી મોટુ દુ:ખ એ હતું કે તેમની પાસે દુ:ખ જ નહોતુ. અચાનક તેમણે દુ:ખ જોયું. રસ્તા પર વૃદ્ધ જોયો, મૃત્યુ જોયું અને વૈરાગ્ય જાગ્યો.

 

જીવનમાંથી પીડા ખૂટી જાય તો પણ વારતા પતી જાય. સંતાપ વિનાના જીવનની કલ્પના જ થઇ શકે. તાપ સંતાપ તો રેલવેના બે પાટા જેવા છે, તેની પર જીવનની ટ્રેન દોડતી હોય છે. એક પાટા પર ટ્રેન ન દોડી શકે. સુખના પાટાની જેમ દુ:ખનો પાટો પણ જરૂરી છે જીવનની ટ્રેનને દોડતી રાખવા માટે.

 


ગુજરાતીમાં કહેવત છે, બધું જોયાનું ઝેર છે.એક માણસને અજગર ગળી ગયો, અમુક માણસોએ તે જોયું અજગરને મારીને માણસને કાઢવામાં આવ્યો. બીજા દિવસે તે ભાનમાં આવ્યો. તેણે પૂછ્યું કે હું ક્યાં છું, ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું અત્યારે તમે દવાખાનામાં છો, પણ કાલે અજગરના પેટમાં હતા. આટલું સાંભળીને ભાનમાં આવેલ સ્વસ્થ માણસ ત્યાં જ હેબતાઇને મરી ગયો. કશી ખબર ન હોવી એ ઘણીવાર બહુ ઉપકારક હોય છે.

 

દરેક વાર્તાનો અંત છે. સર્જન છે તેનો વિનાશ છે. વારતા પતવી જ જોઇએ. કશું કાયમી નથી. અશ્વત્થામાની વારતાથી આપણે પરિચિત છીએ. તેને અમરત્વનું વરદાન મળ્યું. પણ કેવું વરદાન પીડિત. શાપિત વરદાન. અંગ્રેજી ફિલ્મ એક્સમેનના હિરોને પણ આવો શાપ છે તે ક્યારેય મરી નથી શકતો. તેના ઘાવ આપોઆપ ભરાઇ જાય છે. જીવન જરૂરી છે, તેટલું જ મૃત્યુ પણ જરૂરી છે.

 

વિરલ દેસાઇની ગઝલમાં સૂઝપૂર્વકની માવજત દેખાઇ આવે છે. આ ગઝલની રદ્દીફ 'વારતા પતી જશે' છે. પણ આવી સરસ રદીફને લીધે પ્રત્યેક શેરમાં કાવ્યમય વાર્તા રચાતી રહે છે. સહજતા એ ગઝલનો પ્રાણ છે. અને આ ગઝલમાં તે સુપેરે પાર પડે છે. વિરલ દેસાઇની જ બીજી એક રચનાથી લોગઆઉટ.

 

 

લોગઆઉટ

કોઇ કળી શક્યું ના આ દ્વારની ઉદાસી
એને ગળી ગઇ છે ઘરબારની ઉદાસી
ઉંચા વિચાર, શેરો ને ફિલસુફી જીવનની
કંઇ કેટલું દઇ ગઇ પળવારની ઉદાસી
જુદી જુદી કરી છે મારી સરળતા માટે
અજવાસની ઉદાસી, અંધારની ઉદાસી
આખું જગત બનાવી હેરાન થઇ ગયો છે
કેવી વિશાળ મળશે કરતારની ઉદાસી
અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી

-વિરલ દેસાઈ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov4GMqENX0Mg3Pt7AVngjTfVt363%2BFPa4dHPhwAc2Q3qA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment