| વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના મીડિયા ઍડવાઈઝર તરીકેની નોકરી સ્વીકાર્યા પછી સંજય બારુએ પહેલું કામ એચ. વાય. શારદાપ્રસાદને ફોન કરીને એમના આશીર્વાદ લેવાનું કર્યું. 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં બારુએ એમની સાથે શું વાતચીત થઈ એની ઝલક આપી છે જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે એક જમાનામાં કૉંગ્રેસી વડા પ્રધાનો (તેમ જ પ્રધાનો) પ્રેસને કેવી રીતે 'સાચવતા' હતા.
શારદાપ્રસાદે પત્રકાર તરીકે 'ઈન્ડિયન એક્સપ્રેસ'થી કરિયરની શરૂઆત કરી હતી. પછી પ્લાનિંગ કમિશનના મુખપત્ર 'યોજના'ના તંત્રી બન્યા હતા. એ પછી એમને ઈન્દિરા ગાંધીએ પોતાના મીડિયા ઍડવાઈઝર બનાવ્યા હતા. શારદાપ્રસાદ ૨૦૦૮માં ગુજરી ગયા.
એંશી વર્ષના અનુભવવૃદ્ધ શારદાપ્રસાદે પોતાના દીકરાની ઉંમરના પચાસ વર્ષીય સંજય બારુને સલાહ આપતાં કહ્યું, 'અમારા જમાનામાં હું મુખ્ય દૈનિકોના તંત્રીઓને નિયમિત મળતો, પણ એ જમાનામાં પાંચ જ તંત્રીઓ હતા જેમનું કંઈક ઉપજતું. સ્ટેટ્સમેન, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, હિન્દુ, ઈન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુસ્તાન ટાઈમ્સ. આજકાલ તો ઘણાં છાપાં નીકળી પડ્યાં છે અને ટીવીની ન્યુઝ ચેનલો પણ છે, પણ જેમની ગણના થતી હોય એવા બધાના સંપર્કમાં તમે રહેજો. વચ્ચે ક્યારેક ક્યારેક પી.એમ. પણ એમના સંપર્કમાં રહે એનું ખાસ ધ્યાન રાખજો. ક્યારેક કોઈ છાપામાં અભિનંદન આપવા જેવું લખાયું હોય તો મેક શ્યોર કે પીએમ એ છાપાના તંત્રીને કે કૉલમનિસ્ટને ફોન કરીને અભિનંદન આપે. બને તો ભારતીય ભાષાઓનાં અખબારોના તંત્રીઓને પણ સાથે રાખજો.'
શારદાપ્રસાદની આ સલાહનો ઉલ્લેખ અહીં સહેતુક કર્યો છે. કૉંગ્રેસના જમાનામાં પીએમ પોતે તંત્રીઓને ફોન કરીને કે મળીને કે કૉલમનિસ્ટોને અભિનંદન આપીને આ બધા જ લોકો પોતાનાં ગુણગાન ગાતાં રહે એનું ધ્યાન રાખતા. આ પત્રકારોને કોઈ 'તકલીફ' હોય તો એનું 'યોગ્ય નિવારણ' પી.એમ.ઓ.ના માર્ગદર્શન હેઠળ થતું. નીરા રાડિયા ટેપ્સ ૨૦૦૯ની સાલમાં બહાર આવી ત્યારે પુરવાર થયું કે બરખા દત્ત અને વીર સંઘવી સહિતના કેટલા બધા પત્રકારો પત્રકાર હોવાના એક્સેસનો ફાયદો કેવી રીતે ઉઠાવતા હતા, પણ એ તો માત્ર આઈસબર્ગનો વન ટેન્થ ભાગ છે. જેના કોઈ પુરાવા નથી એવા મીડિયા-ભ્રષ્ટાચારને લીધે દાયકાઓ સુધી આ દેશની જનતા ગુમરાહ થતી રહી છે. છાપામાં છપાય તે બધું જ સાચું અને ટીવી પર દેખાયું તે તો અલ્ટીમેટ એવું માની બેઠેલા કરોડો વાચકો-દર્શકોને, જેમની પીએમઓ સુધી પહોંચ હતી એવા પત્રકારો બેવકૂફ બનાવતા રહ્યા. મોદીએ આવીને આ બધાને મળતા પ્રિવિલેજીસ બંધ કરી દીધા. મોદી પરદેશ જાય ત્યારે પત્રકારોને ભાગ્યે જ પોતાની સાથે લઈ જાય છે. અગાઉના વડા પ્રધાનો પત્રકારોને મફતમાં પરદેશની મોજ કરાવતા, ઊંચા માયલો દારૂ પીવડાવતા (પ્લેનમાં પણ), મોંઘી ભેટો આપતા અને જે-તે દેશની ભારતીય ઍમ્બસી કે ભારતીય હાઈકમિશનોના ખર્ચે મોજમજા કરાવતા. (પરદેશમાં જ્યાં જ્યાં ભારતીય રાજદૂતાલય હોય તે બધી ઍમ્બસીઓ કહેવાય, પણ કૉમન વેલ્થ ક્ધટ્રીઝ (એટલે કે જે દેશો બ્રિટિશરોની ગુલામી ભોગવી ચૂક્યા હોય તે બધા રાજદૂતાલયો હાઈકમિશન કહેવાય.) એવું જ ભારતમાં. અહીં અમેરિકન ઍમ્બસી હોય અને યુકેની હાઈકમિશનની ઑફિસ હોય).
મીડિયા જે કરપ્ટ થયું તે કૉંગ્રેસની નીતિરીતિને કારણે. મીડિયાએ સ્વધર્મ ભૂલીને કૉંગ્રેસી શાસનને જે ઠીક લાગે તે જ કહેવાનું પસંદ કર્યું (અપવાદ સિવાય) તેનું કારણ એ કે વગદાર પત્રકારો એ શાસનમાં પોતાનું ધાર્યું કામ કરાવી શકતા. મિત્રો-ઓળખીતાઓની ફાઈલો પાસ કરાવીને એમને ખુશ કરી શકતા, પોતાનું કમિશન મેળવી શકતા, બંગલા-ગાડી-વિદેશમાં મોંઘાં વૅકેશનો તથા ઈન્વેસ્ટમેન્ટ્સ કરી શકતા.
મોદીએ દિલ્હી આવી આ બધું બંધ કર્યું એટલે તેઓ મીડિયામાં અળખામણા બની ગયા. મોદી માટે આ નવું નહોતું. એમણે ગુજરાતના સીએમ બન્યા પછી તરત જ પત્રકારોને પંપાળવાની રીતરસમ પર રોક લગાવી દીધી હતી. નૉર્મલી ગાંધીનગરમાં જે મુખ્યપ્રધાન આવે તે પહેલા જ અઠવાડિયે અમદાવાદનાં મુખ્ય મુખ્ય છાપાઓનાં તંત્રીઓની કૅબિનમાં ચા પીવા પહોંચી જાય. એનો સૂચિતાર્થ એ કે 'ભૈસા'બ મને સાચવી લેજો.' મોદીએ કોઈ છાપાની મુલાકાત લીધી નહીં. સામેથી વારંવાર આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં એમણે તંત્રીઓને ઈગ્નોર કર્યા. ઓકે. અમદાવાદથી રોજ એક બસ ઉપડતી જે પત્રકારોને લઈને ગાંધીનગર આવતી. વિનામૂલ્યે પ્રવાસની આ પદ્ધતિ મોદીએ બંધ કરાવી. આવવું હોય તેઓ પોતાનાં સ્કૂટર-કારમાં આવે, ન પોસાય તો જાહેર જનતાની જેમ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ટિકિટભાડું ખર્ચીને આવે.
આટલું થયું, એ પછી થોડા જ અઠવાડિયામાં મોદીએ પત્રકારોને રોજેરોજ સચિવાલયમાં આવતા બંધ કરી દીધા. અઠવાડિયે એક વાર અમુક પર્ટિક્યુલર વારે જ પ્રવેશ મળે. પછી તો એના પર પણ પાબંદી આવી ગઈ. જે પત્રકારો સચિવાલયમાં આંટાફેરા કરીને ફાઈલો ફેરવવાનું, આડતિયાનું કામ કરતા હતા તે બધું બંધ થઈ ગયું. ઈનસાઈડ ઈન્ફર્મેશન મેળવવાના નામે વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા લોકો જે કંઈ ફીડ કરતા તેના પરથી ટેબલ સ્ટોરીઓ બનાવીને અફવાની પતંગો ચગાવવાનું બંધ થઈ ગયું. મિનિસ્ટરો આપસમાં એકબીજાને પછાડવા, ક્યારેક ખુદ સીએમને ઉથલાવવા જે કાવતરાં કરતા અને પત્રકારોને પાળીને જુઠ્ઠી સ્ટોરીઓ પ્લાન્ટ કરતા તે બધું બંધ થઈ ગયું. જે પત્રકારો નવરા થઈ ગયા, એમનો તો ગરાસ લૂંટાઈ ગયો. એટલે તેઓ બમણા જોરથી મોદી સરકાર વિરુદ્ધ લખતા થઈ ગયા, પણ ૧૪ વર્ષના મોદીશાસન દરમિયાન આ પત્રકારો લાખ પ્રયત્નો પછી પણ મોદીનો વાળ પણ વાંકો કરી શક્યા નહીં, તમને ખબર છે.
મોદીને આ અનુભવ પીએમ બન્યા પછી પણ કામ લાગ્યો. એમણે પોતાનો કોઈ મીડિયા એડવાઈઝર તો રાખ્યો નથી જ, એ કોઈ તંત્રીને અભિનંદન આપવા માટે ફોન કરતા નથી કે નથી પત્રકારોને 'પર્સનલ ફેવર્સ' કરતા. એ આખી સિસ્ટમ જ એમણે દફનાવી દીધી છે. આજે પરિસ્થિતિ એ છે કે મિડિયામાં (પ્રિન્ટ, ટીવી તેમ જ ડિજિટલ મીડિયામાં) એમનો વિરોધ કરાવા માટે રોજ નવાં પ્રકાશનો, નવી ટીવી ચેનલો, નવા ઑનલાઈન ન્યૂઝ પોર્ટલો આવતાં જાય છે જેમને કૉંગ્રેસીઓ તથા કરપ્ટ બિઝનેસમેનો તરફથી કરોડો રૂપિયાનું ફંડિંગ મળે છે, કારણ કે મોદી જો બીજીવાર ચૂંટાઈ આવશે તો પોતાનું સમગ્ર અસ્તિત્વ જ ભૂંસાઈ જશે એવો એમને ભય છે જે સાચો છે. આટઆટલો મીડિયા વિરોધ હોવા છતાં મોદી અડગ છે, કારણ કે એમને ભારતની પ્રજામાં વિશ્ર્વાસ છે, પોતાની સરકારે કરેલા કામમાં વિશ્ર્વાસ છે. પ્રજાએ જોયું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં કેટલી આર્થિક-સામાજિક પ્રગતિ થઈ છે અને એની સામે કરપ્શન તથા લાલફીતાશાહી કેટલાં ઓછાં થયાં છે. જે નથી થતું તેના કરતાં જે થયું છે અને ભવિષ્યમાં જે જે થઈ શકે એમ છે એના પર જો ધ્યાન આપશો તો સમજાશે કે હું શું કહેવા માગું છું.
'ધ ઍકિ્સડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં જરા વધારે ઊંડા ઉતરતાં પહેલાં આટલી વાત જરૂરી હતી જેથી અત્યારના પી.એમ.ઓ. તથા તે વખતના પી.એમ.ઓ.ની તમે સરખામણી કરી શકો. મીડિયા એડવાઈઝરની સલાહ લીધા વિના પોતે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યા કરતા પંતપ્રધાન અને મીડિયા એડવાઈઝની સલાહ લઈને પોતાની છબિ ઉપસાવવાના નિષ્ફળ પ્રયત્નો કરતા કઠપૂતળી પંતપ્રધાન વચ્ચેનો તફાવત જોઈ શકો. કૉંગ્રેસના રાજમાં ભારતીય પ્રજાના હિતના ભોગે કેવું કેવું રાજકારણ ખેલાતું અને અત્યારે મીડિયાના જબરજસ્ત મિસઈન્ફર્મેશન કેમ્પેઈન બાવજૂદ, ભારતીય પ્રજાના ફાયદા માટે છેલ્લાં ૫૫ વર્ષમાં ક્યારેય ન થઈ હોય એવી વાતો ૫૫ મહિનામાં થઈ રહી છે તેનો તફાવત તમે અનુભવી શકો.
આટલું બેકગ્રાઉન્ડ મળ્યા પછી સંજય બારુએ લખેલી વાતોમાં તેમ જ સંજય બારુનો રોલ કરતા અક્ષય ખન્નાની ફિલ્મમાં તમને વધારે સમજ પડશે, વધારે રસ પડશે, વધારે ઊંડા ઉતરવાનું મન થશે.
વાત હવે શરૂ થાય છે.
આજનો વિચાર
પાંચ વર્ષ પછી ભાજપ પોતે કરેલા કામનો હિસાબ આપીને વોટ માગી રહી છે અને ૭૦ સાલ બાદ કૉંગ્રેસ મતદારોને કહી રહી છે કે પૌત્રીનું નાક દાદી જેવું છે.
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhqFhGv0GZcir%2Bb56Vo_brcjnVxT07Xizaw1_goKDozw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment