કાલ્પનિક આધેડ મહિલાની નોંધ: 'આખો દિવસ વરંડામાં બેસીને રસ્તા પર પસાર થતા લોકોને જોયા કરું છું. દિવસ જેમતેમ પસાર થઈ જાય. સાંજે બીજા ઘરના લોકો ઘરે પાછા આવતા દેખાય અને હું એની વાટ જોવા લાગું. મને થાય કે એ પણ બેન્કમાંથી પાછો આવશે. સ્કૂટરનો અવાજ સાંભળતાં હું આંગણાનું ફાટક ખોલવા દોડતી જઈશ. એ થાકેલો આવશે. હું એના માટે ચા બનાવીશ. એ પૂછશે, 'આખો દિવસ શું કર્યું?' શું કહીશ એને? એ તો કેટલાંય વર્ષોથી પાછો આવ્યો જ નથી. હું એને જોતી રહીશ અને એ મને જણાવ્યા વિના એક દિવસ ચાલ્યો ગયો હતો તેમ જ ફરી મારી સામેથી ગુમ થઈ જશે.'
જરૂરી નથી કે ઘર છોડીને ચાલ્યા જતા લોકો જ ઘરની બહાર વસતા હોય. ઘણા લોકો ઘરમાં પરિવારની વચ્ચે રહેતા હોય, છતાં ગેરહાજર જેવું જ જીવન જીવતા હોય છે
મેં નાનપણમાં એક સ્ત્રીને દીકરા સાથે એકલી રહેતી જોઈ હતી. એનો પતિ એક દિવસ કોઈને જણાવ્યા વિના ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સ્ત્રીએ અને સગાંવહાલાંઓએ બહુ તપાસ કરી, પરંતુ એની ભાળ મળી નહીં. ન એ આવ્યો, ન તો એનો મૃતદેહ મળ્યો. એ મહિલાએ પારકાં ઘરનાં કામ કરીને દીકરાને મોટો કર્યો. એ એવી જિંદગી જીવી, જેના માટે એ જવાબદાર નહોતી. જવાબદાર હતો તે પુરુષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો. ક્યાં ગયો, શા માટે ગયો, જીવે છે કે નહીં તેવી કોઈ પણ બાબતની ખબર જ પડી નહીં.
એ સ્ત્રી ન તો સધવાનું જીવન જીવી શકી, ન તો વિધવાનું.
આવા ઘણા કિસ્સા બને છે. લોકો કોઈ પણ દેખીતા કારણ વિના ઘર છોડીને ચાલ્યા જાય છે. એ કયો મૂંઝારો હોય છે, જે એમને ઘર છોડીને જવા માટે મજબૂર કરે છે? બધા કિસ્સામાં માત્ર મૂંઝારો જ નથી હોતો, બીજાં ઘણાં કારણો હોય છે. 1989માં બનેલી મૃણાલ સેનની આર્ટ ફિલ્મ 'એક દિન અચાનક' યાદ આવે. એમાં આધેડ પ્રોફેસર એક દિવસ સાંજે વરસતા વરસાદમાં ઘરમાંથી બહાર જાય છે અને ક્યારેય પાછો આવતો નથી. આઘાતમાં ઘેરાયેલો પરિવાર જીવનમાં સ્થિર થવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ અંદરથી ઊખડી ગયા છે. એમને એક જ પ્રશ્ન છે કે એ શા માટે ચાલ્યો ગયો. બધા પોતપોતાની રીતે એનો જવાબ શોધવા મથે છે. કોઈને લાગે છે કે એ એના જીવનમાં કશુંક બહુ મોટું કામ કરવા માગતો હતો અને કરી શક્યો નહીં તેની હતાશામાં ચાલ્યો ગયો. કોઈ વિચારે છે, કદાચ એ પોતાને બીજા લોકોથી ભિન્ન સાબિત કરવા માગતો હતો. એ ઘર છોડીને ચાલ્યો ગયો, પરંતુ એનો ગમગીન પડછાયો આખા ઘર પર મંડરાતો રહે છે. પ્રોફેસર ખોવાઈ જઈને પણ એના મનના ખાલીપાની ભેટ પરિવારને આપતો જાય છે.
હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્માની વાર્તા છે: 'કૌએ ઔર કાલા પાની.' એ વાર્તામાં ઘર છોડીને ચાલ્યો ગયેલો માણસ કેન્દ્રમાં છે. પરિવારનો બીજા નંબરનો દીકરો અચાનક ચાલ્યો જાય છે પછી પિતા અને ભાઈઓએ હોસ્પિટલોમાં, પોલીસથાણામાં, શબઘરોમાં એની શોધ કરી. 10 વર્ષ પછી એક પહાડી ઇલાકામાંથી એનું પોસ્ટકાર્ડ મળે છે. સૌથી નાનો ભાઈ એને મળવા આવે છે.
10 વર્ષથી પહાડોની વચ્ચે એકલા રહેતા પુરુષને બીજા લોકો સંન્યાસી માને છે. નાના ભાઈ સાથેની વાતચીતમાંથી ઘર છોડીને ચાલ્યા ગયેલા માણસના મનની કેટલીક બાબતો વાચકને સમજાય છે. પરિવારને છોડ્યા પછી પણ એ કશું જ ભૂલી શક્યો નથી. ભાઈ પૂછે છે કે બીજા લોકોને સાવ છોડી દેવા શક્ય હોય છે? એનો જવાબ છે કે એ શક્ય હોતું નથી. ઘર છોડ્યા પછી પણ એ માનસિક રીતે પરિવાર સાથે જોડાયેલો રહ્યો હતો. કદાચ એમાંથી હંમેશને માટે છુટકારો મેળવવા એણે 10 વર્ષ પછી પરિવારને પત્ર લખ્યો હતો.
કેટલાક લોકો કોઈ પણ જગ્યાએ હોય, તેઓ હોઈને પણ ન હોવા જેવા હોય છે. જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે, મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે. જરૂરી નથી કે ઘર છોડીને ચાલ્યા જતા લોકો જ ઘરની બહાર વસતા હોય. ઘણા લોકો ઘરમાં પરિવારની વચ્ચે રહેતા હોય, છતાં ગેરહાજર જેવું જ જીવન જીવતા હોય છે. એવા લોકો અથવા ઘરમાંથી ચાલ્યા જતા લોકો જાણતા નથી કે આપણા ભાગે આવેલી જિંદગી એક જ વાર જીવી શકાય છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuiQZiNohyA9dd_sA-B5DPmqVhkoN907T_HHjS-X%3DtyRg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment