Thursday, 7 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કાળા અંગ્રેજ, રંગીન ગુલામી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાળા અંગ્રેજ, રંગીન ગુલામી!
કાજલ ઓઝા વૈધ

 

 


ભારતમાં 2019ના ઇલેક્શનના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ભારતની જનતા ફરી એક વખત એના હાથમાં આપવામાં આવેલું આ મહત્ત્વનું સાધન લઈને પોતાના વડાપ્રધાન અને નેતાની ચૂંટણી કરશે. જોકે, નવાઈની વાત છે કે નેતાઓમાં અને રાજકીય પક્ષોમાં ચૂંટણીની ગરમી જબરજસ્ત રીતે પકડાઈ છે, પરંતુ આખા દેશની જનતા જાણે આ ચૂંટણી પરત્વે બેદરકાર અને ઉદાસીન હોય એવું લાગે છે. મીડિયા માટે પણ રોજ એક નવા સમાચારની ઉજાણી થવા લાગી છે. છેલ્લાં કેટલાંય વર્ષથી આવતી-જતી ચૂંટણીઓમાં એકસરખાં વચન અપાય છે, જે ક્યારેય પૂરાં થતાં નથી! વચન આપતી વખતે નેતાઓને અને એને હેડલાઇન્સ બનાવતા તંત્રીઓને, વાંચતા વાચકોને ખબર જ હોય છે કે આ કારણ વગરના તાયફા છે.


એક તરફ કોંગ્રેસ પ્રિયંકાનું કાર્ડ ઊતરે છે તો બીજી તરફ મોદીસાહેબ 10 ટકા અનામત જાહેર કરે છે. રાહુલ ગાંધી દરેક ગરીબને લઘુતમ વેતનનું વચન આપે છે, સાહેબની સરકાર મધ્યમવર્ગ ખુશ થઈ જાય એવું બજેટ બનાવવાના પેતરા ઘડી રહી છે.રોજ એક નવો ફતવો બજારમાં આવે છે ત્યારે જે લોકો આ નિર્ણય કરવાના છે, એમને જાણે કંઈ પડી જ ન હોય એમ સહુ પોતપોતાની રોજિંદી જિંદગીમાં અને પોતાનાં કામોમાં પરોવાઈને જીવી રહ્યા છે. જોકે, પાર્ટીઓમાં, લગ્ન સમારંભોમાં, રેસ્ટોરાંમાં કે બારમાં સતત એક જ ચર્ચા ચાલે છે, 'નરેન્દ્ર મોદી ફરી જીતશે કે નહીં?'


સવાલ નરેન્દ્ર મોદીના જીતવાનો નથી. સવાલ છે પ્રજાને યોગ્ય નેતાગીરી અથવા યોગ્ય પ્રતિનિધિ મળવાનો. કોણ જાણે કેમ પરંતુ આપણને રાજનેતાના સ્વરૂપમાં ભગવાન જોવાની ટેવ પડી ગઈ છે.


એક અજબ જેવી બેવકૂફી ને વ્યક્તિપૂજાની માનસિકતાનો માહોલ સઘન થતો જાય છે


હજી હમણાં જ રજૂ થયેલી ફિલ્મ 'મણિકર્ણિકા'માં એક સ્વધર્મ અને રાષ્ટ્ર માટે લડી રહેલી યુવતીની સામે લડી રહેલા લોકો માત્ર અંગ્રેજ નથી. ઝાંસી ઉપર કરી રહેલી ફોજમાં ભારતીય ચહેરા બતાવીને દિગ્દર્શક અપૂર્વ અસરાનીએ આપણા લોકોની માનસિકતા બહુ સ્પષ્ટ રીતે ઉઘાડી આપી છે. અંગ્રેજો જીતી શક્યા, કારણ કે એમની પાસે ભારતીય સૈનિકોની ફોજ હતી.


આપણા લોકો આપણા જ દેશ માટે લડવાને બદલે અંગ્રેજો તરફથી લડ્યા માટે આ દેશ આટલાં વર્ષો સુધી ગુલામ રહી શક્યો. સાચું પૂછો તો આપણે હજી પણ માનસિક રીતે અંગ્રેજી ગુલામીમાંથી બહાર નીકળી શક્યા નથી. આપણી એજ્યુકેશન સિસ્ટમથી શરૂ કરીને તમામ સરકારી દફતરની કાર્યવાહી આજે પણ અંગ્રેજી બાબુશાહીને અનુસરે છે. ગોરી ચામડી જોઈને આજે પણ ટૂરિસ્ટ સ્થળ પર ભારતીય ટૂરિસ્ટને અવગણતા દુકાનદારો અને ગાઇડની કમી નથી. આપણને માત્ર કરન્સીનો ગુણાકાર આકર્ષે છે?


અંગ્રેજ અમલદારની કદમબોસી કરતાં કરતાં આપણે બધા હવે નેતાઓ અને પ્રધાનોની કદમબોસી કરવા લાગ્યા છીએ. ચિનુ મોદીનું નાટક 'કાળો અંગ્રેજ' આ બાબુશાહી ઉપર બહુ મોટો કટાક્ષ છે.


નેતા આવે ત્યારે રસ્તા બંધ થઈ જાય.


એમને માટે વીઆઇપી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જનતાને ગમે તેટલી હાલાકી પડે પણ મિનિસ્ટર અને શાસક પક્ષના કાર્યકરો માટે ક્યાંય કોઈ તકલીફ નથી. ઓળખાણ હોય તો કામ થઈ જાય, નહીં તો ધક્કા ખાવા પડે. મૃત્યુ પામેલા માણસનું ડેથ સર્ટિફિકેટ પણ સહેલાઈથી ન મળે એવા દેશમાં આપણે આજે પણ નેતાઓની આગળ પાછળ ફરીને એમની ખુશામત કરતા શરમાતા નથી! આપણી આસપાસ એક અજબ જેવી બેવકૂફી અને વ્યક્તિપૂજાની માનસિકતાનો માહોલ સઘન થતો જાય છે. આપણને હજી સુધી સમજાયું જ નથી કે કોઈ એક વ્યક્તિના જીતવા કે હારવાથી દેશનું અર્થતંત્ર કે આપણી સ્થિતિ રાતોરાત બદલાવાના નથી. આપણા દેશનો મતદાર આજે પણ ચહેરાને, વ્યક્તિને, ગ્લેમરને કે ઇમેજને મત આપે છે.


ફિલ્મસ્ટાર કે એવી કોઈ વ્યક્તિને જ્યારે જિતાડવામાં આવે છે ત્યારે પક્ષ કે એની કામગીરી નથી જીતતી બલ્કે જે તે વ્યક્તિ માટેનો અહોભાવ જીતે છે. લગભગ આઠ દાયકા પછી પણ આપણે માણસના કામને, એની રાજકીય કારકિર્દીને નથી જોતા. એની સાથે જોડાયેલી આપણી વ્યક્તિપૂજાની કે ગુલામીની માનસિકતાને મત આપીએ છીએ ત્યારે આપણે એમાં રહેલા કાળા અંગ્રેજોને મત આપીએ છીએ.


જરા વિચાર કરીએ તો સમજાય, પરંતુ આપણી પાસે વિચાર કરવાનો સમય ક્યાં છે? 'જિસકે તડ મેં લડ્ડુ, ઉસકે તડ મેં હમ!'ની માનસિકતા સાથે આ દેશમાં ફરી એક ચૂંટણીની તૈયારી થઈ રહી છે. વચનો વહેંચાઈ રહ્યાં છે ત્યારે આપણામાંથી કો'ક તો જાગે, જાગીને જુએ, તો એને જગત દેખાય! શું ખરેખર રાહુલ ગાંધી લઘુતમ વેતન કે મહિલા અનામત અપાવી શકવાના છે? શું ખરેખર મોદીસાહેબ આ દેશનું ભવિષ્ય બદલી નાખશે?


અત્યારે ચૂંટણીમાં જેટલા લોકોને ટિકિટ અપાશે કે અપાઈ રહી છે, એમાં કેટલા સાચે જ રાજકારણી કે પ્રજા સાથે જોડાયેલા લોકો છે? કેટલાને આપણે ઓળખીએ છીએ ને એમના કામ કે રાષ્ટ્ર માટેના પ્રદાન વિશેની માહિતી કોમન મતદાર સુધી પહોંચાડવાનું કામ મીડિયા કરે છે?


જે લોકો પ્રસિદ્ધ છે, ફિલ્મસ્ટાર, ક્રિકેટ સ્ટાર, સમાજના કહેવાતા મોભીઓ કે પેજ થ્રી પર ચમકતા રહેતા, સમાચારોમાં રહેતા લોકોને સંસદમાં મોકલીને આપણે શું મેળવવાના છીએ? રાજેશ ખન્ના, ગોવિંદા, જયાપ્રદા, હેમા માલિની, પરેશ રાવલ જેવા ફિલ્મસ્ટાર શું કરી શક્યાં છે? શત્રુઘ્ન સિંહાનો કિસ્સો કદાચ અપવાદ ગણીએ તો પણ રાજ બબ્બર કંઈ ખાસ ઉકાળી શક્યા નથી!


પક્ષ તો એને જ ટિકિટ આપશે જેની જીત વિશે એમને ખાતરી હોય. પક્ષ માટે તો સંખ્યા મહત્ત્વની છે. બહુમતી થવી જોઈએ, એ પછી જેમણે આ બહુમતી ઊભી કરી આપી એવા અસંખ્ય મતદાતા વિશે એમણે ક્યારેય વિચાર્યું છે? આપણે બધા અજાણતાં જ આપણી ગમતી વ્યક્તિને મત આપીએ છીએ, રાજકારણીઓ આ વાતને સમજે છે- એનકેસ કરે છે. ગમતી વ્યક્તિ મોબાઇલના સ્ક્રીન સેવર તરીકે હોઈ શકે, ઘરની દીવાલના પોસ્ટર તરીકે કે વધુમાં વધુ વોલેટમાં ફોટા તરીકે ગોઠવાઈ શકે. એનાં સપનાં જોઈ શકાય. એની ફિલ્મોમાં કે ક્રિકેટના મેદાન પર રમત જોઈને સીટી વગાડી શકાય, એના ઓટોગ્રાફ મેળવવા ધક્કામુક્કી કરી શકાય, એને આપણો પ્રતિનિધિ બનાવીને સંસદમાં કેવી રીતે મોકલી શકાય?


ગુજરાતનું રાજકારણ ભારતીય રાજકારણથી થોડું જુદું છે ગુજરાતીઓ અર્થતંત્ર સાથે જોડાયેલા સંબંધોને વધુ મહત્ત્વ આપે છે. આક્ષેપ કે કોમેન્ટ નથી, સત્યનું નિરૂપણ છે. જીતેલા ઉમેદવાર પાસેથી કેટલીક અપેક્ષાઓ હોય જ, એમાં પણ જ્યારે ઉમેદવારને જિતાડવા માટે કેટલીક આર્થિક અને બીજી મદદ કરવામાં આવી હોય ત્યારે સ્વાભાવિક જ એની પાસેથી લાભની અપેક્ષા હોવાની. ઉમેદવાર પોતાના કામ પર કે પોતાની અંગત ક્રેડિબિલિટી પર જીતે એને માટે પોતાના સગા કે મદદ કરનારને જવાબદારી નથી રહેતી. જે ઉમેદવાર પોતાની લાયકાત સિવાય બીજી બાબતો પર આધારિત રહીને જીતે છે ત્યારે એની પાસેથી એક કાર્યકર્તા કે સંનિષ્ઠ નેતા જેવી કામગીરીની અપેક્ષા તો કેવી રીતે રાખી શકાય?


દેશનો મતદાર ચહેરાને મત આપે છે.ગ્લેમર કે ગિમિકની ગુલામી આપણું નસીબ થઈ ગયું છે. કદાચ, આપણે આવી જ વ્યવસ્થાને લાયક છીએ!


છાશવારે જુદાજુદા પક્ષમાં જોડાતા આયારામ-ગયારામ વિશે જોક્સ કરવામાં આવે છે, whatsapp ઉપર શેર થાય છે, પરંતુ એનાથી જાગૃતિ નથી આવતી. પ્રિયંકાનું કાર્ડ ઊતરતી વખતે કોંગ્રેસના નેતાઓએ શું વિચાર્યું હશે એ સમજી શકાતું નથી, પરંતુ એક ચેનલ જેમ પોતાના એડવર્ટાઇઝરને એક બીજી ચેનલ ભેટ આપીને પોતાની બાસ્કેટ મોટી કરે એવી રીતે કોંગ્રેસ પ્રિયંકાને રાજકારણમાં લાવીને માર્કેટિંગનું એક નવું ગિમિક ઊભું કરી રહી છે.


બીજી તરફ રામમંદિરની જમીન 10 ટકા અનામત કે નીચલા મધ્યમવર્ગની લાગણી સાથે રમત કરીને ભાજપ પોતાનાં પત્તાં ઊતરી રહી છે. આમાં રાજકારણ ક્યાં છે? આ તો સામસામે રમાતી રમત છે. ભારતીય મતદાર શતરંજ પર ગોઠવાયેલા મોહરાની જેમ કોઈ બીજા ખેલાડીની ચલાવેલી ચાલ ચાલી રહ્યો છે. હાર કે જીત મોહરાની નથી થતી, એ તો ખેલાડીની હોય છે! જીતી ગયેલ ખેલાડી મોહરાની કદર નથી કરતો ને હારી ગયેલા માટે મોહરાની કોઈ કિંમત રહેતી નથી. શકુનિનાં પાસાં ફેંકાય ત્યારે રમતમાં શકુની નથી, કૌરવો અને પાંડવો સામસામે ઊભા છે. હાર કે જીત શકુનિની નહીં થાય, પાંડવો કે કૌરવોની થશે.


હિન્દુત્વના રાજકારણ, મુસ્લિમ-દલિત મત કે બીજા પક્ષ સાથેનું જોડાણ શકુનિનાં પાસાં જેવું છે. કંટ્રોલ તો એનો જ રહેશે. હાર જીત ગમે તેની થાય અંતે તો મતદાર જ મરવાનો છે. ગ્લેમર કે ગિમિકની ગુલામી આપણું નસીબ થઈ ગયું છે. કદાચ, આપણે આવી જ વ્યવસ્થાને લાયક છીએ! સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જ દાયકામાં મતદારોની ચાર પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ ભારતનું રાજકારણ એ જ સ્થિતિમાં છે. દરેક ચૂંટણીમાં મતદાર સિવાય બધું જ મહત્ત્વનું છે ને મતદાર માટે પણ એના ઉમેદવારની કામગીરી, રાષ્ટ્રભાવના કે ચારિત્ર્ય સિવાય બીજું બધું જ મહત્ત્વનું છે.


આપણે કાળા અંગ્રેજોની રંગીન ગુલામી કરી રહેલી એવી પ્રજા છીએ, જેની આંખો સામે ઇતિહાસ છે, પણ એમાંથી આપણે કંઈ શીખ્યા નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsTUj3MceBd5ANeksP79x1FvBEYsuu8B1PMtfKH5GPjKg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment