Tuesday, 5 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગરીબ વ્યક્તિ પણ અનોખી રીતે વિચારીને લોકોને મદદ કરી શકે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગરીબ વ્યક્તિ પણ અનોખી રીતે વિચારીને લોકોને મદદ કરી શકે!
સુખનો પાસવર્ડ-આશુ પટેલ

amdavadis4ever@yahoogroups.com

કેરળના એક રિક્ષા ડ્રાઈવરને કારણે કેટલીય વ્યક્તિઓના જીવનમાં સુખદ વળાંક આવી ગયો

કેરળના મલપ્પુરમ જિલ્લાના નિલાંબર તાલુકાના પુલિક્કાલોદીના વતની એવા રિક્ષા ડ્રાઇવર સુશાંતને ઘણા યુવાનોની જેમ સિસ્ટમ સામે, રાજકારણીઓ સામે, સરકાર સામે આક્રોશ છે. તે પોતાનો આક્રોશ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતો રહેતો હતો, પરંતુ પાંચેક મહિના અગાઉ તેના મનમાં એક વિચાર જન્મ્યો એના કારણે તેના જીવનમાં અનોખો વળાંક આવી ગયો અને તેણે તેના એ વિચારને અમલમાં મૂકીને તે કેટલીય વ્યક્તિઓની જિંદગી બચાવવામાં નિમિત્ત બન્યો.

સુશાંત ગરીબ કુટુંબમાંથી આવે છે. તે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા હતા એટલે તેણે અભ્યાસ પડતો મૂકી દેવો પડ્યો હતો અને રિક્ષા ચલાવવાનું શરૂ કરવું પડ્યું હતું. રિક્ષા દોડાવીને થતી આવકમાંથી તે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે.

સુશાંત ફેસબુક પર સક્રિય છે. તે ફેસબુક પર સરકાર વિરુદ્ધ, સિસ્ટમ વિરુદ્ધ અને રાજકારણીઓ વિરુદ્ધ પોસ્ટ મૂકતો હતો. એવી પોસ્ટમાં તેને ૩૦૦થી ૫૦૦ લાઈક્સ મળતી હતી. પાંચેક મહિના અગાઉ તેને વિચાર આવ્યો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર આક્રોશ ઠાલવવાને બદલે લોકોનું કંઈક ભલું થાય એ માટે કરવો જોઈએ.

સુશાંતને એ વિચાર આવ્યો એનું નિમિત્ત એક નાનો છોકરો બન્યો હતો. સુશાંતના પાડોશી કુટુંબના નાનકડા છોકરા હેરીસને અકસ્માત નડ્યો. એ અકસ્માતને કારણે હેરીસને પેરેલિસિસ થઈ ગયો હતો. હેરીસના કુટુંબની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી એટલે તેમની પાસે હેરીસની સારવાર કરાવવાના પૈસા નહોતા. એ જોઈને સુશાંતનું હ્રદય દ્રવી ઉઠ્યું. તેને થયું કે કોઈ પણ રીતે હેરીસને મદદ કરવી જોઈએ.

જો કે સુશાંત પોતે ગરીબ છે. તે દરરોજ માંડ ચારસો-પાંચસો રૂપિયા જેટલી કમાણી કરી શકે છે એમાંથી તે તેના રિક્ષામાં ઈંધણ પુરાવે છે અને રિક્ષાની જાળવણી પાછળ ખર્ચે છે. એ પછી જે રકમ બચે એમાંથી તે તેના કુટુંબનું ગુજરાન માંડ ચલાવી શકે છે. ક્યારેક રિક્ષા બગડી હોય અને રિપેરિંગ માટે ગેરેજમાં મૂકી હોય ત્યારે આવક ચાલુ રહે એટલે સુશાંતે કોરીમાં કે કોકોનટ પ્લાન્ટેશનમાં મજૂરી કરવા જવું પડે છે. આવી સ્થિતિમાં તે પોતે તો હેરીસની સારવાર માટે આર્થિક સહાય કરી શકે એમ નહોતો, પરંતુ તે કોઈ પણ રીતે હેરીસની સારવાર માટે આર્થિક સહાય અપાવવા ઈચ્છતો હતો.

એ વખતે સુશાંતને વિચાર આવ્યો કે હેરીસને મદદ માટે સોશિયલ મીડિયાની મદદ લેવી જોઈએ. તેણે અકસ્માતને કારણે લકવાગ્રસ્ત થઈ ગયેલા હેરીસનો એક વીડિયો શૂટ કર્યો અને એ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરીને હેરીસને મદદરૂપ બનવા માટે લોકો સમક્ષ ધા નાખી હતી. ફેસબુક પર સુશાંતે જાહેર કર્યું હતું કે આ છોકરાના કુટુંબની આર્થિક સ્થિતિ ખરાબ છે એટલે તેની સારવાર માટે મદદ કરવા હું મિત્રોને અપીલ કરું છું. હેરીસને મદદ કરવા માટે તમે તેના પિતાના બૅન્ક અકાઉન્ટમાં રકમ જમા કરાવી શકો છો. ફેસબુક પર સુશાંતને ઓળખતા લોકોએ હેરીસની સારવાર માટે બે લાખ રૂપિયાની મદદ કરી દીધી હતી.

હેરીસને આર્થિક સહાય માટે ફેસબુક પર કરેલી અપીલનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો એને કારણે સુશાંતનો ઉત્સાહ વધી ગયો. એ પછી જેમને આર્થિક મદદની જરૂર હોય એવા અન્ય લોકોને મદદ કરવા માટે પણ તેણે ફેસબુક પર અપીલ કરવા માંડી.

કેરળના એડપ્પલમાં એક બાળક અસામાન્ય રોગથી પીડાઈ રહ્યું હતું. તેની સારવાર માટે ૧૩ લાખ રૂપિયાની આર્થિક સહાયની જરૂર હતી. સુશાંતને એ વાતની ખબર પડી અને તેણે તે બાળકના વીડિયો સાથે ફેસબુક પર પોસ્ટ મૂકીને અપીલ કરી. થોડા દિવસોમાં જ તે બાળકની સારવાર માટે ૧૩ લાખ રૂપિયા તેના પિતાના અકાઉન્ટમાં જમા થઈ ગયા! તો કોઝિકોડમાં રહેતી એક અત્યંત ગરીબ વિધવા મહિલાની બે દીકરીઓના અભ્યાસ માટે મદદ કરવા સુશાંતે ફેસબુક પર અપીલ કરી અને તે ગરીબ વિધવાને જોઈતી હતી એટલી આર્થિક મદદ મળી ગઈ હતી.

કેરળના થિરુવલીની એક પરિણીતાને તેના પતિએ તરછોડી દીધી હતી અને તે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ હતી તેને મદદ કરવા માટે સુશાંત ફેસબુક પર અપીલ કરી તો કેટલાય લોકો તે મહિલાને મદદ કરવા આગળ આવ્યા. એક વ્યક્તિએ તો તે મહિલાને જમીનનો એક ટુકડો આપી દીધો હતો જેથી તે મહિલા સ્વનિર્ભર થઈ શકે અને ભવિષ્યમાં તેણે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. એ જ રીતે કેરળના એક કુટુંબમાં લગ્નપ્રસંગ આવતો હતો, પરંતુ અત્યંત ગરીબ હોવાને કારણે તે કુટુંબના લોકો મૂંઝવણમાં મુકાયા હતા. એ વાતની સુશાંતને ખબર પડી એટલે તેણે તેમને ફેસબુકનો ઉપયોગ કરીને સહાય અપાવી હતી.

સોશિયલ મીડિયા પર સુશાંતની અપીલ માટેની પોસ્ટ જોઈને કેરળના લોકો ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, યુરોપના અન્ય દેશોમાં, તથા ગલ્ફના દેશોમાં રહેતા મલયાલી લોકો હોંશે-હોંશે મદદ મોકલી આપે છે. જો કે સુશાંત પોતે એક પણ રૂપિયો અડતો નથી. તે જે પણ જરૂરતમંદ વ્યક્તિ હોય તેની અથવા તેના માતા-પિતાની બૅન્ક ડીટેઈલ્સ અને અન્ય માહિતી ફેસબુક પર મૂકે છે અને કહે છે કે આ વ્યક્તિને આટલી મદદની જરૂર છે. અને જે તે વ્યક્તિના

ખાતામાં લોકો રકમ જમા કરાવવા માંડે છે.

સુશાંતે ૨૦૧૮ના ડિસેમ્બર મહિના દરમિયાન (એક જ મહિનામાં) આવી રીતે સોશિયલ મીડિયાની મદદથી જેને મદદની જરૂર હોય એવી વ્યક્તિઓ માટે દોઢ કરોડ રૂપિયા એકઠા કરી આપ્યા. એના કારણે કેરળનાં અખબારોએ તેની નોંધ લેવી પડી. એ પછી તો તેની વાત દેશના અનેક માધ્યમો સુધી પહોંચી ગઈ. સુશાંતે ડિસેમ્બર મહિનામાં જે રકમ એકઠી કરી આપી એ એડક્કરા કરુનેચીના વતની મુનીર, અલાપુઝ્ઝાના બિજુ અને વાયાનદ મુટ્ટીલના વતની અભિનવ સહિતના કેટલાક માણસો માટે હતી. મુનીર એક અકસ્માતમાં પેરેલાઈઝ થઈ ગયો એ છતાં પણ તે પાપડ બનાવીને વેચે છે તો બિજુ કૅન્સરથી પીડાઈ રહ્યો છે જ્યારે અભિનવને કિડનીના રોગની સારવાર માટે આર્થિક સહાયની જરૂર હતી. સુશાંતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આવા કેટલાય લોકોને સહાય અપાવી છે.

સુશાંત સોશિયલ મીડિયા પર કોઈને મદદ માટે અપીલ કરતા પહેલા ચકાસે છે કે જે વ્યક્તિ મદદ માગી રહી છે તેને ખરેખર મદદની જરૂર છે કે નહીં. અને તે જેમને મદદ કરે છે એમને કહે છે કે તમને જરૂર હોય એટલી જ રકમ તમે માગજો. અને દાતાઓ તરફથી વધુ રકમ તમારા અકાઉન્ટમાં આવી જાય તો તમારા પછી જે વ્યક્તિને મદદ માટે હું અપીલ કરું એવી વ્યક્તિને તમે એ રકમ આપી દેજો. તેને વિશ્ર્વાસ ન બેસે એવી વ્યક્તિઓને તે મદદ નથી કરતો. તેણે પ્રખ્યાત મલયાલી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે હવે હું કોઈને મદદ કરતા અગાઉ વધારે સાવચેતી લેતો થયો છું. કારણ કે એક કુટુંબે મને કહ્યું હતું કે અમારા દીકરાને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આર્થિક સહાયની જરૂર છે. તેમના દીકરાને ખરેખર કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે એ વાતની ખાતરી કર્યા પછી મેં તેમને મદદ કરવા માટે ફેસબુક પર પોસ્ટ મૂકીને લોકોને અપીલ કરી હતી, પરંતુ પછી મને ખબર પડી કે તે કુટુંબને ઓપરેશન માટે જેટલી જરૂર હતી એના કરતા વધુ પૈસા તેમણે દાતાઓ પાસે માગ્યા હતા. તેમને દાતાઓ તરફથી વીસ લાખ રૂપિયા મળ્યા હતા એમાંથી દીકરાના કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન બાદ બચેલી રકમનો ઉપયોગ તેમણે કાર અને જમીન ખરીદવામાં કર્યો હતો! એ વાત બહાર આવ્યા પછી એ કુટુંબના પાડોશીએ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. એ ઘટના પછી હવે કોઈને મદદ કરવા માટે અપીલ કરતા અગાઉ વધુ તકેદારી લેતો થઇ ગયો છું.'

સુશાંત હવે સ્થાનિક સ્તરે સેલિબ્રિટી બની ગયો છે. તેને ઘણી જગ્યાએ ચીફ ગેસ્ટ તરીકે અથવા ઉદઘાટક તરીકે બોલાવાય છે. સુશાંત એવા સમારંભોમાં જાય ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોને અપીલ કરે છે કે તમે બીજાઓને મદદરૂપ થાઓ, તમારી નાનકડી મદદ કોઈની જિંદગી બચાવવામાં નિમિત્ત બની શકે છે.

સુશાંતનો નાનો ભાઈ સુબિન તથા સુશાંતની માતા ઉષા અને બહેન શિલ્પા પણ સુશાંતની આ પરોપકારી પ્રવૃત્તિમાં મદદરૂપ બને છે અને તેને પ્રોત્સાહન આપે છે.

કોઈને મદદ કરવા માટે કરોડોપતિ કે અબજોપતિ હોવું જરૂરી નથી. કોઈ વ્યક્તિના મનમાં બીજાને મદદરૂપ થવાની ભાવના હોય અને કંઈક જુદું વિચારવાની શક્તિ હોય તો તે અનેક લોકોની જિંદગીમાં સુખદ વળાંક લાવી શકે છે એનો પુરાવો સુશાંત છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou17-0x-A-miZ%2BYe_HLvVgAUHJm6s64v%2BpR-NmtRDTf2g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment