| નામ : ઊર્મિલા ભટ્ટ
સ્થળ : જુહુ, મુંબઈ
સમય : ૨૨ ફેબ્રુઆરી, રાત્રિના ૯-૩૦
ઉંમર : ૬૪ વર્ષ
જુહુના મારા નિવાસસ્થાને લોહીમાં લથપથ મારી લાશ પડી છે. માર્કંડ, રચના અને ..... થોડીક વારમાં અહીં પહોંચશે... મુંબઈ પોલીસના અફસરો આવી પહોંચ્યા છે. પડોશીઓ એકઠાં થયાં છે. સહુ મારી તરફ જોઈ રહ્યા છે. મારા એક પડોશી બીજાને કહે છે, 'એમને તો કોઈનીયે સાથે વાંધો પડે એમ નહોતો. અત્યંત શાંત અને સારા સ્વભાવના હતા, ઉર્મિલાબહેન.'
આ માન્યતા માત્ર મારા પડોશીઓની જ નહીં મારી સાથે કામ કરનારા લગભગ દરેક વ્યક્તિનો મારે વિશે આ જ અભિપ્રાય હશે. મેં ક્યારેય કોઈની સાથે ઝઘડો નથી કર્યો. મારા કામ અને કારકિર્દીમાં મને જે ગમ્યું તે મેં કર્યું. ન ગમે એ સ્ક્રિપ્ટ સાંભળીને મોઢામોઢ ના પાડી દેવાની મારામાં હિંમત હતી. મેં કેટલાક એવા નાટકો અને ફિલ્મોમાં પણ કામ કર્યું જેમાં રોલ કરવાની સામાન્ય રીતે કોઈ અભિનેત્રી હા પાડે નહીં ! ૧૯૭૧માં શિવેન્દ્ર સિન્હા મારી પાસે એક ફિલ્મની ઓફર લઈને આવેલા. ટેલિફોન એક્સચેન્જમાં નાઈટ ડ્યૂટી કરતી એક છોકરીની વિધવા માની પ્રણય કથા... થોડીક ક્ષણો માટે વાર્તા સાંભળીને મને લાગ્યું કે આ ફિલ્મ નહીં ચાલે. પછી મેં જ મારી જાતને પૂછ્યું, 'એક અભિનેત્રી તરીકે આ ફિલ્મ કરવાની મજા પડશે ?' મારા મન, મગજ, આત્મા અને બુદ્ધિ બધાએ હા પાડી એટલે મેં ફિલ્મ સ્વીકારી લીધી. ફિલ્મનું નામ 'ફિર ભી'. આજે પણ એ ફિલ્મ પોતાના પ્રકારની એક આગવી ફિલ્મ છે.
હું ફિલ્મો અને થિયેટરમાં કામ કરીશ એવું તો કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય. ૧લી નવેમ્બર, ૧૯૩૩ના દિવસે ગાયકવાડી વડોદરા રાજ્યમાં મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા મને ડૉક્ટર બનાવવા માગતા હતા. મારા પિતા ડૉ. જશવંતસિંહ ક્ષત્રિય વડોદરાના રાજવી કુટુંબના ડૉક્ટર હતા. જાણીતા ઓપ્થેલ્મોલોજિસ્ટ. મારી મા સૂર્યાદેવી આમ ગૃહિણી, પણ સંગીત અને નાટકોની જબરદસ્ત શોખીન. વડોદરામાં આવતા કોઈ નાટકો મારા માતા-પિતા છોડતા નહીં. વળી રાજવી કુટુંબ સાથે અંગત સંબંધ એટલે ઉત્તમ સંગીતકારો અને જાણીતા નાટકો અમને જોવા મળતા. મહારાજા સાહેબને ત્યાં આવતા અનેક કલાકારોનો મારા પિતા સાથે અંગત સંબંધ બંધાયો. આવા વાતાવરણમાં ઊછરી એટલે મને પણ એનો શોખ લાગ્યો. જ્યારે સ્કૂલ પૂરી કરી ત્યારે મારા પિતાએ મને છૂટ આપી કે મારે જે કારકિર્દી પસંદ કરવી હોય તે કરું... જોકે એ સમયમાં મેં સ્કૂલમાં અનેક નાટકોમાં ભાગ લીધેલો. મહારાજા સાહેબની અંગત ઈચ્છાને કારણે મારી સંગીતની તાલીમ પણ શરૂ થઈ ચૂકી હતી. મને જ્યારે કારકિર્દી પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જવાની ઈચ્છા રજૂ કરી, પરંતુ એ વખતે દિલ્હી સુધી મને ભણવા મોકલવાની મારા માતા-પિતાની તૈયારી નહોતી, મહારાજા સયાજીરાવ સંચાલિત ફેકલ્ટી ઓફ મ્યુઝિક એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સમાં મેં એડમિશન લીધું. મને ખૂબ જ મજા પડવા લાગી. મારા માતા-પિતાને સમજાઈ ગયું કે હું હવે આને જ મારી કારકિર્દી તરીકે પસંદ કરીશ. શરૂઆતમાં થોડો સમય મારી માને ચિંતા થઈ ખરી, પણ પછી એને પણ સમજાયું કે જેને ખુદ મહારાજા માન આપતા હોય એ વ્યવસાયને નાનો કે નીચો કેવી રીતે ગણી શકાય ! એ એવો સમય હતો જ્યારે છોકરીઓ માટે નાટક કે સિનેમાની કારકિર્દી બહુ સન્માનનીય માનવામાં આવતી નહીં, પરંતુ હું ખૂબ નસીબદાર હતી કે મને ચં.ચી. મહેતા, અલકાઝી, જશવંત ઠાકર અને અદી મર્ઝબાન જેવા ઉત્તમ શિક્ષકો મળ્યા. મને પોતાને પણ નથી ખબર કે હું ક્યારે નાટકોમાં અભિનય કરતી થઈ ગઈ. ક્યારે મારા નાટકો વખણાવા લાગ્યા અને ક્યારે એ નાટકોમાંથી હું સિનેમા તરફ વળી ગઈ. ગ્રેજ્યુએટ થયા પછી શું કરવું એ વિશે વિચારતી હતી ત્યારે સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્ય વિષયની અધ્યાપિકા તરીકે મને કામ મળ્યું, ૧૯૫૬થી ૧૯૫૮ સુધી આ કામ કર્યા પછી ૧૯૫૮માં મહારાજા સયાજીરાવની યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં મને કામ કરવાની ઓફર આવી. મારા માટે આ બહુ મોટું સન્માન હતું. ૧૯૫૮થી ૧૯૬૫ સુધી હું વડોદરા રહી...
સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં ભણતી વખતે મારા પ્રોફેસર શ્રી માર્કંડ ભટ્ટ સાથે પરિચય થયો. એમનું જ્ઞાન અને થિયેટર તરફની નિષ્ઠા મને આકર્ષી ગયા. માર્કંડ ખૂબ જ વિદ્વાન વ્યક્તિ હતા. મારી સાથે ભણતી અનેક છોકરીઓ એમના તરફ આકર્ષાયેલી રહેતી. અદ્ભુત અભિનેતા, ઘેરો અવાજ અને નાટકની દરેક બાબતની ઊંડી સમજ અમારા સહુમાં અહોભાવ પ્રેરતી... હું અવાર-નવાર એમને મળવા લાગી. પ્રો. માર્કંડ ભટ્ટ સાથેના મારા લગ્ન અત્યંત ચર્ચિત રહ્યા, પરંતુ ટક્યા નહીં. અમે બંને પોતપોતાની દિશામાં પ્રગતિ કરવા માંગતા હતા. અમારી પાસે અમારા ગોલ્સ, ધ્યેય અને આગવા વિચારો હતા. અમે ક્યારેય છૂટાછેડાનો વિચાર કર્યો નહીં, પરંતુ સાથે રહી શકવું અશક્ય લાગતા ૧૯૬૫માં મેં મુંબઈ જવાનું નક્કી કર્યું. અમારાં ત્રણ સંતાનો સામે બેસીને અમે આ વાતની ચર્ચા કરી. અમારી અંગત લાગણીઓ અને ગમા-અણગમાને બાજુએ મૂકીને મારી કારકિર્દી મુંબઈમાં છે એવું સંતાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો. મારી દીકરી રચના મારી સાથે મુંબઈ આવી. દીકરાઓ પિતા સાથે વડોદરામાં રહ્યા. જોકે, અમારા સંતાનો માટે હવે મુંબઈમાં એક બીજું, વધારાનું ઘર હતું. મારા કે માર્કંડના જીવનમાં બીજા લગ્નનો વિચાર ક્યારેય પ્રવેશ્યો નહીં.
૧૯૫૬થી ૧૯૬૫નો એ દાયકો મારી કારકિર્દીનો સુવર્ણયુગ કહું તો ખોટું નથી. એ સમય દરમિયાન મેં ચં.ચી. મહેતા, અલકાઝી, જશવંત ઠાકર, અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા, કાંતિ મડિયા, મનસુખ જોષી, માર્કંડ ભટ્ટ જેવા ખ્યાતનામ દિગ્દર્શકો સાથે વિવિધ પ્રકારનાં નાટકોમાં અનેક પ્રકારની મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, જેમાં 'ભગવદ્જ્જુકીયમ્', 'અભિજ્ઞાન શાકુંતલમ્', 'મૃચ્છકટિકમ્' જેવાં સંસ્કૃત નાટકો, 'નંદિની', 'મુક્તધારા', 'વિસર્જન' વગેરે નાટકો, જેમાં ટાગોરનું લેખન, પાત્રોનું વર્ણન અને સામાજિક સ્થિતિનું ચિત્રણ રજૂ થાય છે તો 'મરચન્ટ ઓફ વેનિસ' જેવાં શેક્સપિયરનાં નાટકોનો સમાવેશ થાય છે. તેમનાં કેટલાંક નાટકો જેમ કે 'અત્ર લુપ્તા સરસ્વતી', 'વિદ્યાવારિધિ ભારવિ', 'ધરા ગુર્જરી'નો આધાર ઐતિહાસિક કે પૌરાણિક વિષય પર રહેતો, પરંતુ વિષયની માંડણી અને કથા આધુનિક સંદર્ભનાં રહેતાં. ગુજરાતની કે અન્ય પ્રાદેશિક લોકકથા ઉપર આધારિત નાટકોમાં પણ તેમણે કામ કર્યું, જેમાં ગુજરાતના 'આણલ દે', 'શેતલને કાંઠે' 'જેસલતોરલ', 'હોલિકા', 'વસુંધરાનાં વહાલાંદવલાં'નો સમાવેશ થાય છે. અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં રૂપાંતરિત થયાં હોય તેવાં નાટકો 'માં', 'ઘૂંઘટપટ', 'મેઘ', 'ફિંગરપ્રિન્ટ' વગેરેનો સમાવેશ થાય છે.
લગભગ ૨૫૦થી વધુ નાટકો અને ૨૦૦થી વધુ ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યા પછી પણ મને સતત નવી અને રસપ્રદ ભૂમિકાઓની તલાશ રહેતી. ૮૦ના દાયકામાં ભારતમાં ટેલિવિઝન આવ્યું. રામાનંદ સાગરની રામાયણમાં સીતાજીની માતાની ભૂમિકા કરીને મેં અનેક પ્રેક્ષકોનો પ્રેમ સંપાદિત કર્યો. એ સિવાય અનેક ટેલિવિઝન શ્રેણીમાં મેં અભિનય કર્યો.
આજે વિચારું છું તો સમજાય છે કે જિંદગી પોતાની ટર્મ્સ પર જીવવા માટે એક સ્ત્રીએ ઘણો પ્રયાસ કરવો પડતો હોય છે. પહેલા તો મારી કારકિર્દીનો નિર્ણય, પછી માર્કંડ સાથેના લગ્ન અને એની સાથે જોડાયેલી બીજી બાબતોમાં મેં મારી જિંદગી મારી ઈચ્છા અને સ્વપ્નાઓ સાથે જીવવાનો આગ્રહ રાખ્યો. ભારતીય જનસમાજમાં દૃઢતા અને મક્કમતા સાથે એકલા જીવવું સરળ નથી. હું અને માર્કંડ ઘણા વર્ષો સાથે નથી રહ્યાં.
હું છેલ્લી ક્ષણ સુધી માર્કંડ સાથે સંપર્કમાં રહી. છેલ્લા થોડા દિવસથી કોઈ મારો પીછો કરતું હોય એવું મને લાગતું. જોકે એ વાતને મેં બહુ ગંભીરતાથી લીધેલી નહીં, કારણ કે મારે કોઈ સાથે ક્યારેય પ્રોબ્લેમ હતો જ નહીં એટલે ઝઘડો થવાનો કે મારી પાછળ કોઈ ફરતું હોય કે મને નુક્સાન કરે એવી દહેશત મને ક્યારેય લાગી જ નથી. જોકે, છેલ્લા થોડા દિવસથી મને ધમકીના ફોન આવવા લાગ્યા હતા. એ મને શું કામ ધમકી આપતા હતા એની પણ મને ખબર નહોતી, પરંતુ આજે જ સાડા છ વાગે મેં માર્કંડને ફોન કર્યો હતો. એને આ ધમકીના ફોન વિશે જણાવ્યું હતું. માર્કંડે મને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી. એણે કહ્યું કે જો બને તો એ આજકાલમાં મુંબઈ આવશે. જોકે, માર્કંડની તબિયત પણ બહુ સારી રહેતી નથી. મારી પણ ઉંમર થવા લાગી છે... જોકે, હવે વડોદરા જઈને રહેવાનું કદાચ અનુકૂળ ન આવે એમ માનીને હજી એ દિશામાં મેં વિચાર કર્યો જ નથી. મારી દીકરી રચના નજીકમાં જ રહે છે એટલે એ લોકો અવાર-નવાર મારી ખબર કાઢતા હોય છે. બાકી છેલ્લા કેટલાય વર્ષોથી હું એકલી જ રહું છું અને આ એકલતા મને કોઠે પડી ગઈ છે, એમ કહું તો ખોટું નથી.
આજે સાંજે જ્યારે ધમકીનો ફોન આવ્યો ત્યારે માર્કંડ સાથે વાત કર્યા પછી ફોન મૂકીને હું રસોડામાં કામ કરતી હતી. બરાબર એ જ વખતે ડોરબેલ વાગ્યો... મેં દરવાજો ખોલ્યો. એકલી રહેતી હોવાને કારણે ગમે તે વ્યક્તિ માટે દરવાજો નહીં ખોલવાની મને આદત છે, પરંતુ આ એવી વ્યક્તિ હતી જેને હું ઓળખતી હતી...
એ વ્યક્તિ જ્યારે બહાર નીકળી ત્યારે હું આ જગત છોડી ચૂકી હતી. પોલીસની થિયરી એવી છે કે જાણીતી વ્યક્તિ માટે મેં ખોલેલા દરવાજેથી દાખલ થયેલી વ્યક્તિ મને ઓળખતી હતી એટલું જ નહીં મારું ખૂન કરવાના ઈરાદાથી જ ઘરમાં દાખલ થઈ હતી. મારા ઘરમાં ચોરી થઈ છે અને પોલીસ તપાસ ચાલુ છે, પરંતુ ખૂનીનો પત્તો લાગશે કે નહીં એ વિશે કંઈ કહી શકાય એમ નથી. આવતી કાલના અખબારમાં એક જાણીતી અભિનેત્રી ઉર્મિલા ભટ્ટનું ખૂન થયું છે એવા સમાચાર છપાશે. મારી જીવન ઝરમર અને ફોટા પણ છપાશે. લોકો થોડા દિવસ સુધી મને યાદ કરશે... ચર્ચા કરશે ને પછી ભૂલી જશે.
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsMAdKrWdHaR7fKOxf%3DAD4beZgw-6KF_x9%2B6Kjic9WJ0w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment