| વન નૅશન, વન ટેક્સના ફાયદા! ગુડ મોર્નિંગ - સૌરભ શાહ જીએસટીનો એક સાદોસીધો અને પાયાનો સિદ્ધાંત એ છે કે સેલ્સ પરનો ટેક્સ ભરતી વખતે જો વેપારીને પરચેઝ વખતે ભરેલા ટેક્સીઝની ક્રેડિટ મળી જાય તો જ ભારતનું એક્સપોર્ટ માર્કેટ વધારે ખુલે. આવું કરવા માટે દેશના તમામ મહત્ત્વના ઈનડાયરેક્ટ ટેક્સીઝ છૂટા છૂટા લેવાને બદલે એકસામટા લઈ લેવા છે જેના બે ફાયદા થાય - ટેક્સના પરસન્ટેજની ગણતરીમાં ગૂંચવાડા ઊભા ન થાય અને બીજું, ડુપ્લિકેશન ન થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦મી જૂનની મધરાતે સંસદના સેન્ટ્રલ હોલમાં જી.એસ.ટી. લાવવાનો યશ અગાઉની સરકારો સાથે વહેંચ્યો, વાજબી રીતે વહેંચ્યો. અનેક નિષ્ણાતોએ અગાઉ કેન્દ્ર અને રાજ્યોના વિવિધ કરના અનેક પ્રકારના કરમાળાખાની કડાકૂટ ઓછી થાય એ માટે આખી કરવ્યવસ્થાને સ્ટ્રીમલાઈન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જાદુ જુઓ. પહેલીએ જીએસટી લાગુ પડ્યો અને બીજીના છાપામાં તમે વાંચો છો કે મુંબઈ શહેરમાં પ્રવેશવાના માર્ગોમાંથી પાંચ માર્ગ પરના ઑક્ટ્રોય ટોલનાકા બંધ થઈ ગયાં. ઑક્ટ્રોય કર્મચારીઓએ ઑક્ટ્રોય ભર્યા વગર જે ટ્રક પહેલી પસાર થઈ તેના ડ્રાયવરનું ફૂલનો ગુચ્છો આપીને સન્માન કર્યું. મ્યુનિસિપાલિટીની પંદર એકર જેટલી જમીન આ ઑક્ટ્રોય નાકાઓમાં વપરાતી હતી તે હવે કોઈ વધુ સારા કામમાં વપરાશે. આવા તો દેશમાં હજારો ઑક્ટ્રોય નાકાં છે. કલાકો સુધી, ક્યારેક તો દિવસો સુધી માલવાહક ત્યાં પડ્યાં રહેતાં. કરોડો રૂપિયાનું ડીઝલ અમસ્તું જ વપરાતું. સમય તો વેડફાતો જ હતો. પ્લસ ઑક્ટ્રોયની બાબતમાં જેટલી અંધાધૂંધી આપણે જોઈ છે એટલી ભાગ્યે જ બીજા કોઈ વેરાની બાબતમાં જોઈ છે. ટેક્સ્ટાઈલના વેપારીઓની ખરી કમાણી આ ઑક્ટ્રોય ગપચાવવામાંથી આવતી અને આની સામે સામાન્ય માણસોએ ઑક્ટ્રોયની બાબતમાં કેવી હાલાકી ભોગવવી પડતી, યાદ છે તમને? અમને યાદ છે. ત્રણેક નાના કિસ્સા કહું. ૧૯૮૫ના ગાળામાં હું મુંબઈથી સુરતના 'ગુજરાત મિત્ર'માં કામ કરવા ગયો. તે વખતે કલકતાનાં 'સ્ટેટ્સમૅન' અને 'ટેલીગ્રાફ', મદ્રાસનું 'હિન્દુ' અને બૅન્ગલોરનું 'ડેક્કન હેરલ્ડ' મુંબઈમાં લંચ ટાઈમ સુધીમાં પ્લેનમાં આવી જાય જેના પર છાપાવાળાઓ વાજબી રીતે જ સરચાર્જ લગાડે. મેં એવી ગોઠવણ કરેલી કે આ છાપાં રોજેરોજ પેકેટમાં બંધાઈને આંગડિયામાં સુરત મારી ઓફિસે મળી જાય. સવારે હું પહોંચું એ પહેલાં પેકેટ આવી ગયેલું હોય. મહિનો પૂરો થયા પછી મારા પટાવાળાએ મને આંગડિયાની રસીદો સાથે ઑક્ટ્રોયની પાવતીઓ આપી અને કહ્યું કે એક પેકેટ પર બે રૂપિયાના હિસાબે ત્રીસ દિવસ માટે સાઠ રૂપિયા ઑક્ટ્રોયના આપવાના થાય છે. મને નવાઈ લાગી. છાપાં-મૅગેઝિનો પર તો ઑક્ટ્રોય હોતી નથી. આંગડિયાવાળાને મળ્યો. એ કહે ઑક્ટ્રોય તો ભરી જ છે. રસીદ છે તમારી પાસે. પછી હું સુરત મ્યુનિસિપાલિટીની ઓફિસે ગયો. આ તો સાલું કાયમનું ઘૂસી જાય. કઢાવવું તો પડે જ. લાગતાવળગતા અધિકારીને મળ્યો તો એ મને સમજાવે કે તમારી વાત સાચી છે કે ન્યુઝ પેપર્સ પર ઑક્ટ્રોય ના હોય, પણ પસ્તી ઉપર તો લેવાની જ હોય - આ જુઓ નિયમ! ઓત્તારીની. મેં કહ્યું, સાહેબ તમને એમ લાગે છે કે હું આ બાર-પંદર રૂપિયાનાં છાપાં બે-ત્રણ રૂપિયાનું આગડિયા ખર્ચ વેઠીને મુંબઈથી સુરત એટલા માટે મગાવું છું કે જેથી એને પસ્તીમાં વેચીને બાર આના કમાઈ શકું! પણ નિયમ એટલે નિયમ. સાહેબ કહે, 'આ ક્યાં આજનાં છાપાં છે. ગઈ કાલની તારીખ છે એના પર તો. અને ગઈ કાલનું છાપું આજે ટેક્નિકલી પસ્તી ગણાય.' હું એને કેવી રીતે સમજાવું કે તમારા માટે તો કદાચ આજનું છાપું પણ પસ્તી જ હશે પણ મારા માટે તો કલકતા - મદ્રાસનાં એક શું, બે-ત્રણ દિવસ જૂનાં છાપાં પણ છાપાં જ છે, પસ્તી નહીં... છેવટે ઓફિસમાંથી કોઈ સિનિયર રિપોર્ટરને લઈને ઑક્ટ્રોય ખાતું સંભાળતા ટોચના અધિકારીને મળ્યો ત્યારે મારો રોજનો બે રૂપિયાનો જકાત વેરો નાબૂદ થયો. આવું જ એક વખત અવનની બાબતમાં બનેલું. લગ્ન વખતે મુંબઈમાં ભેટમાં મળેલું અવન સુરતના રસોડા માટે લઈ આવ્યા અને એક વખત ખોટકાયું ત્યારે, ગૅરન્ટી પિરિયડમાં હતું એટલે ઊંચકીને મુંબઈ લઈ ગયો. રિપેર કરાવીને પાછું લાવતો હતો ત્યારે સુરત સ્ટેશન જકાત ખાતાના માણસે મને પકડ્યો: 'ઑક્ટ્રોય ભરવી પડશે.' હવે હું આવા લોકો સાથે પનારો પાડતાં શીખી ગયેલો. મેં અવનનું ખોખું એના પગ પાસે મૂકીને કહ્યું: 'નથી ભરતો જા. આ લઈ જા તું. તારી બૈરીને કહેજે કે બેક્ડ ડિશ બનાવીને ખવડાવે તને. ઘરે આવીને તરલા દલાલની ચોપડી પણ લઈ જજે.' ટણી બતાવી એટલે ટૂંકો ઝઘડો કરીને એક પણ રૂપિયો લીધા વગર મને જવા દીધો. પણ આવી ટણી મને હું અમદાવાદ ગયો ત્યારે પોસાય એમ નહોતી કારણ કે માલસામાનમાં અડધું વજન તો મારા પુસ્તકોનું હતું. અમદાવાદ ગયા ચાર-છ મહિના પછી નક્કી કર્યું કે હવે અહીં જ રહેવું છે તો મુંબઈના ઘરમાંથી જરૂરિયાતનો બધો સામાન અને પુસ્તકો મગાવી લેવા. માણસને કહીને ટ્રકમાં બધું મગાવ્યું. અમદાવાદના જકાત નાકેથી ફોન આવ્યો કે દસ હજાર ઑક્ટ્રોયના ભરવા પડશે. દસ હજાર રૂપિયા! વપરાયેલી ઘરવખરી, ત્રીસથી ચાળીસ વર્ષ જૂનાં કબાટ, વીસ વર્ષ જૂની અભરાઈ અને વપરાયેલાં પુસ્તકો. પુસ્તકો પર તો એ નવાંનક્કોર હોય તોય જકાત ન હોય. આ વખતે મારી કોઈ તાકાત નહોતી ઑક્ટ્રોય નાકે જઈને ઝઘડો કરવાની. મેં મારા નવા નવા મિત્રો બનેલા યુવાન પત્રકારોને ફોન કરીને એમને જવાબદારી સોંપી દીધી કે તમારામાંથી જે મ્યુનિસિપાલિટીની બીટ સંભાળતું હોય કે એવી બીટ સંભાળતા બીજા કોઈ જર્નલિસ્ટને ઓળખતું હોય તે જઈને મારી ટ્રક છોડાવી આવે. યુવાન પત્રકાર મિત્રો એટલા ભલા કે રાતોરાત દોડાદોડ કરીને ટ્રક તો વિના ઑક્ટ્રોય ભર્યે છોડાવી જ લાવ્યા, બે દિવસ સુધી ઘરમાં બધો સામાન ગોઠવવામાં પણ ખડે પગે મદદ કરી. વિચાર કરો કે હું ન તો મેન્યુફેક્ચરર છું, ન ટ્રેડર, ન દુકાનદાર, ન બિઝનેસમૅન. મારા જેવા સામાન્ય નાગરિકને ઑક્ટ્રોય જેવો એક વેરો ઉઘરાવતી એજન્સી સાથે પનારો પાડવો પડે છે ત્યારે કેવો ત્રાસ ત્રાસ થઈ જાય છે તો જે વેપારીઓએ ઑક્ટ્રોય ઉપરાંત એક્સાઈઝ, સેલ્સ અને વૅટ અને વગેરે અને વગેરે એવા ડઝનબંધ વેરાઓના હિસાબ રાખવામાં, એના ચોપડાઓ મેઈન્ટેઈન કરવામાં, એ ખાતાઓમાંથી આવતા સરકારી કર્મચારીઓને ટેકલ કરવામાં કેટલો ત્રાસ સહન કર્યો હશે અને આજે ઑક્ટ્રોય નાકા પર જકાત ભર્યા વગર પસાર થતા ટ્રક ડ્રાયવરને ફૂલો અપાતો ફોટો જોઈને મને ખુશી થાય છે તો આ વેપારીઓને કેટલી થતી હશે? જી.એસ.ટી.નું આ તો અનેકમાંનું એક નાનકડું પ્રદાન છે. ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ વિશેના ગઈ કાલના લેખ પછી આજે આ બીજો પીસ થયો. મારો વિચાર છે કે જ્યાં સુધી મને જીએસટી વિશે પૂરેપૂરી સમજ ન પડે ત્યાં સુધી લખતો રહું. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuSAn1GCvip5o%3D-GfRZV-uu%3Dnj-yDR78wt8nrhX_W70%2BQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment